મોડર્ન સાયકોલોજી ના પિતા સિગ્મન ફ્રોઈડ કહેતા કે “તમને સપના કેવા આવે છે તે જણાવો એટલે હું તમારી સમસ્યાઓ અને જીવન વિશે જણાવીશ”. સપનાઓ અર્ધજાગ્રત મનની ઉપજ છે તેવી જ રીતે જાગૃત અવસ્થામાં પણ માણસના વ્યવહારો વર્તન અને સામેવાળા વ્યક્તિ પ્રત્યેનાં અભિપ્રાયો દ્વારા તેની પ્રકૃતિ સમજી શકાય છે. વધુ ઊંડાણપૂર્વક વાત કરું તો વ્યક્તિનો બુદ્ધિ આંક પણ જાણી શકાય છે. કેવી રીતે? તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દા.ત – કોઈને કોઈ કારણોસર થોડા સમયથી તમારું વજન વધી રહ્યું છે અને તમને પેઇન્ટિંગનો શોખ છે તમે તમારા પેઇન્ટિંગ્સ સોશિયલ મીડિયા પર અપડેટ કરતા રહો છો. હવે કોઈ મિત્ર અથવા બીજી કોઈ વ્યક્તિ તમને રસ્તામાં મળી જાય છે અને સામાન્ય વાતચીતમાં તમને તમારા વજન વિશે ટોકે છે કે “હમણાં બહુ વજન વધ્યું છે” જે સાંભળીને તમારો મૂડ બગડી જાય છે. હવે બીજી વ્યક્તિ મળે છે તે તરત તમને છેલ્લે અપડેટ કરેલા પેઇન્ટિંગ વિશે પોઝિટિવ ફીડબેક આપે છે જેના કારણે તમારો ઉત્સાહ વધી જાય છે અને વધુ સારા પેઇન્ટિંગ બનાવવા પ્રેરિત થાવ છો. હવે તમે જ નક્કી કરો કે સમાજને કેવા પ્રકારના વ્યક્તિઓની જરૂર છે? મૂડ બગાડવા વાળા? કે ઉત્સાહ વધારવા વાળા?
અહી વાત એ કરવી છે કે વ્યક્તિમાં રહેલી શારીરિક ખામીઓ વિશે વ્યક્તિ પોતે જાણતો જ હોય છે, તેનું શરીર વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે, ચહેરો શ્યામ થઇ રહ્યો છે કે વાળ સફેદ કે ઓછા થઈ રહ્યા છે વગેરે વગેરે. જેને માટે મોટેભાગે વ્યક્તિ પોતે તેના શારીરિક ફેરફારને ધ્યાનમાં રાખીને તેને સુધારવા માટે યથાશક્તિ પ્રયત્નો કરતો જ હોય છે. પણ હા જો તમે કોઈ એક્સપર્ટ હોય ને તમારી કોઈ અંગત નિકટતમ વ્યક્તિને એક શુભચિંતક તરીકે સાચી સલાહ આપવા સક્ષમ હોવ તો ઠીક, બાકી તો કોઈના વિશે આવી કોમેન્ટ એ પથ્થર મારીને ભાગી જવા જેવી પ્રવૃત્તિ જ કહેવાય. તે નથી જાણતો કે તેના દ્વારા કરવામાં આવેલી આ નાની લાગતી ટીકા ટિપ્પણી સામેવાળા પર કેટલી નકારાત્મક માનસિક અસર કરે છે.આપણી આજુબાજુ આવા લોકો ની ભીડ જામી છે, અને ભીડ દ્વારા કંઈ ક્રિએટિવિટી પેદા ન કરી શકાય, સોસાયટીને જરૂર છે સાચી સર્જનાત્મકતાની, મહેનતુ લોકોની જે સમાજને વધુ સમૃદ્ધ, વધુ સમજુ અને વધુ ઉપયોગી બનાવી શકે, અને તેના માટે પ્રોત્સાહન ખૂબ જ જરૂરી છે પછી ભલે તે મિત્ર હોય, પતિ કે પત્ની હોય, વિદ્યાર્થી હોય, કર્મચારી હોય, બાળક હોય કે પછી કોઈ સર્જક હોય. પ્રોત્સાહન વિશે બીજી ખાસ વાત એ છે કે તે તદ્દન મફત આપી શકાય છે અને ખાસ સમજવા જેવી વાત એ છે કે આપણે મફતમાં સલાહો આપી આપી ને સમાજ સુધારણા ઘણી કરી હવે સમય છે મફતમાં પ્રોત્સાહન આપવાનો. આપણે પોતે જ વેસ્ટર્ન કલ્ચરને તેની વૈજ્ઞાનિક શોધો માટે વખાણીએ છીએ તેની પાછળ પણ પશ્ચિમનું પ્રોત્સાહન યુક્ત વાતાવરણ જ જવાબદાર છે. પરંતુ મોટેભાગે આપણે ત્યાં તો પ્રોત્સાહન આપવામાં ઈગો નડે છે કારણ કે અબૂધ લોકોને તેમાં પોતાની લીટી ટૂંકી થતી જણાય છે જ્યારે સલાહ આપવામાં પોતાની મોટાઈ જણાય છે, સાથે સાથે અહીંયા એ પણ ચોખવટ કરી દઉં કે પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિમાં નિખાલસતા અને અનુભવ ની જરૂર પડે છે, અહમ બાજુ પર મૂકવો પડે છે.