સાચો ધર્મ શું કહે છે! કયો ધર્મ સાચો છે! ધર્મ એટલે શું! આ પ્રકારના ઘણા પ્રશ્નો આપણા મન માં ઉદભવતા હોય છે, જેના ઉત્તર શોધવા મુશ્કેલ છે. પરંતુ જો એક તટસ્થ વ્યક્તિ તરીકે વિચાર કરીએ તો સાચી દિશા મળી શકે છે.
હાલના સમયમાં પણ આમ જુઓ તો કોઈ ખાસ ફેરફાર દેખાતો નથી. એક સામાન્ય વ્યક્તિ હજી પણ કંઈ ખાસ વિચારી શકતો નથી. તે પણ પહેલાના મનુષ્યની માફક ફક્ત ખોરાક અને સુરક્ષા (પૈસા, પ્રોપર્ટી, બીમારી, ક્ષણિક આનંદ) વગેરે ની આસપાસના જ વિચારો કરતો હોય છે. તેની સમસ્યાઓ આજે પણ એ જ છે જે હજારો વર્ષ પહેલા હતી. હવે તે ખોરાકની જગ્યાએ પૈસા વિશે વિચારે છે. જંગલી પ્રાણીઓના ડરની જગ્યાએ બીમારીઓ થી ડરે છે. બાહ્ય વાતાવરણની જગ્યાએ ગ્લોબલ વોર્મિંગ, આતંકવાદ અને ગુનાખોરીથી પરેશાન છે.
પહેલા શિકાર મળી જવાથી કે જાતીય સુખ મળી જવાથી તે આનંદિત થતો હતો, અત્યારે પણ નાની મોટી સિદ્ધિ મળવાથી, પાર્ટી કરવી ફિલ્મો જોવી અને જાતીય ઈચ્છા પૂરી થતાં તે ક્ષણિક આનંદ મેળવી લે છે. પહેલા પણ હિંસક હતો અને હાલમાં પણ હિંસક જ છે, બસ હિંસા નું સ્વરૂપ થોડું ઘણું બદલાયું છે. પહેલા એક કબીલા ને બીજા કબીલા સાથે દુશ્મની હતી, અત્યારે એક દેશને બીજા દેશ સાથે દુશ્મની છે.
ટૂંકમાં કહીએ તો માનવીની વૃત્તિઓ તેની તે જ છે, ફક્ત સ્વરૂપો બદલાયા કરે છે. મનુષ્યએ પોતાની બાહ્ય દુનિયામાં ધરખમ ફેરફારો કર્યા છે પણ, આંતરિક દુનિયામાં હજી પણ કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં અસમર્થ રહ્યો છે. પૃથ્વી પર ની કુલ માનવ વસ્તીના અનુપાતમાં ખૂબ જ જૂજ લોકો પોતાના વ્યક્તિત્વમાં, વિચારોમાં અને વર્તનમાં આંતરિક પરિવર્તન લાવી શક્યા છે.
હાલના સમયની સમસ્યાઓ જેમાં સંબંધોની ગુંચવણ, ઈર્ષા, શારીરિક માનસિક સમસ્યાઓ, આર્થિક સંકળામણ, અશાંતિ, હિંસા આ બધું આપણી આંતરિક પરિસ્થિતિનું જ પ્રતિબિંબ છે. તો શું માનવીએ પોતાની આંતરિક સ્થિતિને સુધારવાના પ્રયત્નો નથી કર્યા? મારા મતે માનવીમાં આંતરિક પરિવર્તન માટેના સૌથી વધુ પ્રયત્નો કોઈએ કર્યા હોય તો તે છે પૃથ્વી પરના દરેક ‘ ધર્મ ‘ ધર્મ દ્વારા માનવીની આંતરિક ચેતનાનું ફૂલ ખીલવવાના પ્રયત્ન થતા રહ્યા છે. રામ અને કૃષ્ણ દ્વારા, યહોવા અને ઈસુ દ્વારા, મોહમ્મદ અને મહાવીર દ્વારા, બુદ્ધ અને નાનક દ્વારા, કન્ફ્યુસીયસ અને લાઓત્ઝે દ્વારા સમયાંતરે માનવીને જગાડવાના પ્રયત્નો થતા રહ્યા છે.
પરંતુ શું તમને લાગે છે કે તેઓને સાચી સફળતા મળી છે?
તેમના સમયમાં તો કૃષ્ણ પણ આજીવન સંઘર્ષ કરતા રહ્યા, રામે પણ સમસ્યાઓ જ ભોગવી, ઈસુને પણ સુલીએ ચડાવ્યા, મહાવીર અને બુદ્ધને ગામ છોડવા પડ્યા, મોહમ્મદને પણ હિજરત કરવી પડી. કારણ શું છે જાણો છો? તે લોકો આપણને જગાડવા માટે આવ્યા હતા અને ઊંઘમાંથી જગાડનારા કોઈનેય ગમતા નથી. સાચી વાત છે ને? આજે પણ જો કોઈ આપણી સમસ્યાઓનું સાચું કારણ બતાવી દે, તો આપણે તેને સો ટકા પચાવી શકતા નથી.
વણસેલા તૂટેલા બગડેલા સંબંધો માટે જો કોઈ કહે કે તેનું કારણ તમારું પોતાનું વ્યક્તિત્વ વિચારો અને વર્તન છે તો?
તમારી બીમારીનું કારણ તમારી જીવન ચર્યા છે તો? આર્થિક તંગી નું કારણ તમારી આળસ નિષ્ક્રિયતા કે ફાલતુ ખર્ચા છે તો?
મનમાં રહેલી અશાંતિનું કારણ તમારી અપેક્ષાઓ અને વૃત્તિઓ છે તો?
શું આપણે તેનો સો ટકા સ્વીકાર કરી શકીશું? અને જો સ્વીકાર કરી પણ લઈએ તો શું તેના પર વિચાર કરીને કોઈ એક્શન લઈશું ખરા? અને પાછું તે એક્શન કેટલા સમય સુધી ટકી રહેશે તે પણ એક પ્રશ્ન છે.
શું અહીં ધર્મની સ્થાપના પાછળનો ખરો હેતુ સર થતો દેખાઈ રહ્યો છે ખરા?
કારણ કે મારા મતે ધર્મનું રાજ્ય સ્થાપવાનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હશે કે બધા જ લોકોને એક તાંતણે બાંધવા, માનવીની સમસ્યાઓ અને નબળાઈઓ પર વિજય મેળવવો. પરંતુ આપણને કેટલા અંશે સફળતા મળી છે આ એક વિચલિત કરતો સવાલ છે.
આ તો થઈ સમસ્યાની વાત હવે આપણે તેના કારણો પણ તપાસીએ.
જીવનની પાયાની જરૂરિયાત શાંતિ અને સંતુષ્ટી માટે કેમ આટલા પ્રયત્નો કરવા પડે છે!
આપણા જીવનના વીસ,ત્રીસ કે પચાસ વર્ષોમાં પણ શું આપણે આ શાંતિની અનુભૂતિ કરી શક્યા છીએ?
જો તેનો જવાબ ના હોય તો આપણે પકડેલા માર્ગ વિશે ફરી વિચારવું જ જોઈએ, એકવાર તો પોતાની અંદર ડોકિયું કરવું જ જોઈએ. ભલે કોઈ ગમે તે કહે પણ પોતે પોતાનો માર્ગ શોધવો જ જોઈએ.
જે ધર્મ તમારામાં આંતરિક બદલાવ લાવીને તમારા વિચાર વર્તન અને વ્યવહારમાં કુદરતી રીતે શુદ્ધતા લાવે તે જ તમારો સાચો ધર્મ હોય શકે.
બાકી બહારથી ઉછીના અપનાવેલા નીતિ નિયમો, વિશ્વાસ, સિદ્ધાંતો અને કર્મકાંડો ની આવરદા કેટલી હોઈ શકે!!!
*જોરદાર પવન ફૂંકાય ત્યારે શરીર પર ઓઢેલી ચાદર ઉડી શકે છે, જ્યારે શરીરની ચામડી પવન ઉડાવી શકતો નથી માટે ચામડીએ આપણો ધર્મ છે અને ચાદર એ….*
Arvindsinh Rana
Psychologist
ગાય માતા કેહવાય કે ફક્ત પ્રાણી !