શું જ્યોતિષ શાસ્ત્ર ખરેખર વિજ્ઞાન છે? કે અંધશ્રદ્ધા !
કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે વિષય બાબત જો આપણને પૂરતી સમજ ન હોય અથવા તેને સમજવા માટે પૂરતો સમય અને પ્રયત્ન ન આપ્યા હોય, તેમ છતાં આપણે તેને સાચું કે ખોટું કહી દઈએ તે મારી દ્રષ્ટિએ પરિપક્વતા નો અભાવ દર્શાવે છે. જે આપણું અજ્ઞાન દર્શાવે છે. આપણી ભારતીય સંસ્કૃતિની એવી ઘણી બાબતો છે, જેના વિશે આપણે પૂરતી સમજ ધરાવતા નથી. સાચી માહિતી નથી અને સમજવાનો યોગ્ય પ્રયત્ન પણ કર્યો નથી.
તેમ છતાં આપણે તેના પર સાચા કે ખોટા ની મહોર મારી દીધી છે. આજે અહીં એક એવી જ બાબત વિશે વાત કરવી છે જેને આપણે ‘જ્યોતિષ શાસ્ત્ર’ તરીકે ઓળખીએ છીએ. ઘણા લોકો આ શબ્દ ‘જ્યોતિષ’ વાંચીને જ આગળ લેખ વાંચવાનું બંધ કરી દેશે. તેઓ કહેશે કે આ બધી વાહિયાત વાતો છે, અંધશ્રદ્ધા છે, ગેરમાન્યતા છે વગેરે વગેરે. થોડા ઘણા અંશે તેઓ સાચા પણ છે કારણ કે અસલ જ્યોતિષશાસ્ત્ર અને હાલના મોટાભાગના જ્યોતિષ ને લગતા ક્ષેત્રમાં આભ જમીનનો ફરક જોવા મળે છે.
હાલના જ્યોતિષ ક્ષેત્ર વિશે પછી વાત કરીએ પહેલા વાત કરીએ અસલ જ્યોતિષશાસ્ત્ર વિશે. જ્યોતિષ શાસ્ત્ર પણ બીજી ભારતીય પરંપરાઓ જેવી જ છે. જેમ કે યોગ, આયુર્વેદ, ખગોળશાસ્ત્ર વગેરે. ફરક બસ એટલો જ છે કે તેને આપણે ચોક્કસ રીતે સમજી શકતા નથી. આપણને તો એવો જ ખ્યાલ છે કે એક વ્યક્તિ ધોતી કુરતો પહેરીને, તિલક લગાવીને, ગળામાં મોટી માળાઓ પહેરીને આપણો હાથ કે કુંડળી જોઈને પોતાના જ્ઞાન (કે અધૂરા જ્ઞાન) મુજબ આપણા જીવન વિશે ભવિષ્યવાણી કરે પરંતુ ખરેખર તો જ્યોતિષ આના કરતા ક્યાંય આગળની બાબત છે. જે સંપૂર્ણપણે વિજ્ઞાન અને ગણિત નો સમન્વય છે.
ચાલો હવે થોડા ઉદાહરણો દ્વારા સમજીએ.
આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર આશરે 72 ટકા ભાગમાં પાણી છે, જે મોટાભાગે સમુદ્રોમાં છે. હવે આ સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ (હાઈ ટાઈડ અને લો ટાઈડ) તે આપણા ચંદ્રમાની અસરને લીધે છે. હવે જો પૃથ્વીના પોણા ભાગના પાણીને 3,80,000 કી.મી દૂર રહેલો ચંદ્ર અસર કરી શકતો હોય તો આપણા શરીરમાં પણ લગભગ પૃથ્વી જેટલો જ અંશ (72 ટકા) પાણી છે, તો શું આપણને તેની અસરો નહીં થતી હોય!
આપણા પર થતી અસરનું એક બીજું ઉદાહરણ લઈએ મેડિકલ સાયન્સમાં માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ માટે ‘લ્યુનેટીક’ નામનો શબ્દ છે. જે લેટિન શબ્દ ‘લ્યુનર’ એટલે કે ચંદ્રમાં પરથી બનેલો છે. આ ચોક્કસ પ્રકારની માનસિક અસ્થિરતા ધરાવતા વ્યક્તિનું ગાડપણ ચંદ્ર પર આધારિત હોય છે, એટલે કે જેમ ચંદ્ર પુનમ (ફુલ મુન) તરફ જાય તેમ તેમ તેના ગાડપણ માં પણ વધારો થતો જાય છે. એટલે તેનો અર્થ એ થયો કે વ્યક્તિના અંદર જો ગાંડપણ હશે તો ચંદ્ર વધવાથી તે વધશે અને જો શાણપણ હશે તો તે પણ વધશે, એવું લોજીકલી વિચારી શકાય!અરે, એટલા માટે જ તો આપણા મોટાભાગના તહેવારો, ઉપવાસ, યાત્રા, આરાધના, તપ વગેરે પૂનમ અથવા અમાસના દિવસે હોય છે.
ઈસ્લામિક કેલેન્ડર તો સંપૂર્ણ રીતે ચંદ્ર ની દશા પર આધારિત છે. જ્યારે સનાતન સંસ્કૃતિના કેલેન્ડરમાં સૂર્ય અને ચંદ્ર બંનેની દશાનો સમાવેશ થાય છે. આ તો વાત થઈ એકલા ચંદ્રમાની જે આપણો ઉપગ્રહ છે. સૌરમંડળના બીજા ગ્રહો નક્ષત્રોની જે પ્રકૃતિ છે, તેની પણ પૃથ્વી પર કોઈને કોઈ અસર તો હશે જ! જેવી રીતે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષિત કરે છે.
સૂર્યપ્રકાશ એ પૃથ્વી પર જીવનનું એક કારણ છે તે આપણે અગાઉના લેખમાં જોયું. જો સૂર્યપ્રકાશનાં કારણે એક નાનકડું બીજ મોટું વટ વૃક્ષ બની જતું હોય, તે વૃક્ષના ફળો ધાન્ય ખાઈને આપણને શક્તિ મળતી હોય, તેના પ્રકાશથી આપણને વિટામિન ડી જેવો મહત્વનો સ્ત્રોત મળી શકતો હોય. તો આ બધી સૂર્યની આપણા શરીર પર થતી અસરો જ તો છે. ચોમાસામાં જ્યારે સૂર્યપ્રકાશ ઓછો જોવા મળે ત્યારે આપણને આળસ, કંટાળો, સુસ્તી અનુભવાતી હોય છે કે નહીં? પાચન નબળું પડે છે. તો વળી શિયાળામાં પાચન સારું હોય છે. તો આ થઈ આપણા શારીરિક અને માનસિક સ્તરે જોવા મળતી અસરો.
તેવી જ રીતે બીજા ગ્રહો નક્ષત્રોની ઘણી સૂક્ષ્મ અસરો થતી હોય જે કદાચ આપણી હાલની ઓછી સંવેદનશીલતા અનુભવી ન શકતી હોય. જે ભૂતકાળના હજારો વર્ષો પહેલાંના ઉચ્ચ પ્રકારની પ્રજ્ઞા, સંવેદનશીલતા અને ચેતના ધરાવતા લોકો વધુ સારી રીતે અનુભવી શકતા હોય અને તે અનુભવ જ્ઞાનના આધારે જ આ જ્યોતિષ શાસ્ત્રની રચના કરવામાં આવી હોય. જેમ વરસાદમાં આપણે બધા પલળીએ છીએ, પછી ભલે આપણે વરસાદમાં માનતા હોય કે ન માનતા હોય તેનાથી વરસાદને કોઈ ફરક પડતો નથી. તેના માટે આપણે જ રેઇનકોટ કે છત્રીનો ઉપયોગ કરવો પડે.
હવે વાત કરીએ હાલના વિજ્ઞાન વિશે. ગૂગલ માં *”DMIT ટેસ્ટ”* ટાઈપ કરજો જેને ડરમેટોગ્રાફિક મલ્ટીપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. જેમાં આપણી બંને હાથની ફિંગર પ્રિન્ટ (હસ્તરેખા) લેવામાં આવે છે અને તેને કોમ્પ્યુટરના સોફ્ટવેર માં નાખવામાં આવે છે. તેના પરથી કોમ્પ્યુટર સોફ્ટવેર વિવિધ પ્રકારની માહિતીઓ આપે છે. જેનું કોઈ સાયકોલોજીસ્ટ અથવા નિષ્ણાત દ્વારા વિશ્લેષણ કરીને વ્યક્તિને તેના કેરિયર પસંદગી, ખાસ પ્રકારનું ટેલેન્ટ, સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યક્તિત્વને લગતી ઘણી બધી બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
આ DMIT ટેસ્ટ મુજબ આપણા ફિંગર પ્રિન્ટ નો સીધો સંબંધ આપણા મગજના જુદા જુદા ભાગ સાથે છે, તેવું વિજ્ઞાન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા મગજના જુદા જુદા ભાગ સાથે આપણા હાથમાં રહેલી ફિંગર પ્રિન્ટ નો સીધો સંબંધ છે. તેના આધારે ફિંગર પ્રિન્ટ જોઈને મગજનો કયો ભાગ કેટલા પ્રમાણમાં એક્ટિવ છે તે નોંધવામાં આવે છે. તેના પરથી જે તે વ્યક્તિના ભવિષ્ય વિશે સંભાવનાઓ બતાવવામાં આવે છે. મોટા શહેરોમાં ઊંચા ભાવે નિષ્ણાત સાયકોલોજિસ્ટ દ્વારા આ ટેસ્ટ કરી આપવામાં આવે છે. જે આપણે ત્યાં હજારો વર્ષોથી હસ્તરેખા નામની વિદ્યા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
એવું કહેવાય છે કે પૃથ્વી પરના દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ જુદી છે. મતલબ કે વિજ્ઞાન મુજબ ફિંગર પ્રિન્ટ આપણા મગજ સાથે જોડાયેલી છે આં તથ્યને સંસ્કૃતની એક કહેવત સાથે જોડી શકાય “તુંડે તુંડે મતી ભિન્ન” એટલે કે દરેક વ્યક્તિની બુદ્ધિ પ્રતિભા અલગ અલગ હોય છે. બીજી એક કહેવત છે કે “તમારું ભવિષ્ય તમારા હાથમાં છે”. આપણું ભવિષ્ય આપણી બુદ્ધિ શક્તિ, નિર્ણય શક્તિ અને સમજશક્તિ પર આધારિત છે. જેમ વિજ્ઞાન કહે છે આપણા હાથની રેખા મગજ સાથે જોડાયેલી છે.
તો થયું ને આપણું ભવિષ્ય આપણા હાથમાં!
આવી તો બીજી ઘણી બાબતો છે જે આ લેખમાં સમાવી શકાય તેમ નથી.
અહીં કેટલીક ચોક્કસ બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે.
1 – જ્યોતિષ શાસ્ત્ર એ આપણા શારીરિક તેમજ માનસિક સ્તરે પડતા વિવિધ બાહ્ય પ્રભાવનું શાસ્ત્ર છે, જ્યારે જ્યોતિષ જોનાર વ્યક્તિ તેના જ્ઞાન અને અનુભવ મુજબ તેની આપણા અંગત જીવન પર કેવી અસરો થશે તે જણાવે છે. બંને બાબતો અલગ અલગ છે.
2 – જ્યોતિષ જોનાર વ્યક્તિ ખોટા હોઈ શકે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર ખોટું હોઈ શકે નહીં.
3 – આપણે જે બાબતો સમજી ન શકીએ તેનો અર્થ એ નથી કે તે બાબત વ્યર્થ છે. જેમ કે એરોનોટિક્સ સાયન્સ આપણામાંના ઘણા નથી સમજી શકતા, તેમ છતાં વિમાન ઉડે છે, અને આપણે તેમાં મુસાફરી કરીએ છીએ.
4 – જ્યોતિષ કોઈ ધર્મનું શાસ્ત્ર નથી તે પૃથ્વી પર જીવિત વ્યક્તિ પર પડતા પ્રભાવનું શાસ્ત્ર છે. જે ધર્મ, જાતિ, વર્ણ, સંપ્રદાય, પ્રદેશ વગેરેથી પર બાબત છે.
5 – જ્યોતિષશાસ્ત્ર ને અવગણી શકાય પરંતુ આપણા પર પડતા બાહ્ય પ્રભાવોને અવગણવા એ આપણી ક્ષમતાઓ થી પરે બાબત છે.
6 – NASA નાં ઘણા વૈજ્ઞાનિકો અને ચીનની સ્પેસ એજન્સી ભારતીય ખગોળ વિજ્ઞાનનો અભ્યાસ કરીને તેનો લાભ લઈ રહી છે.
Arvindsinh Rana
Counseling Psychologist