ગાય માતા કેહવાય કે ફક્ત પ્રાણી !
આપણે કોઈને નીચું બતાવવાનો પ્રયત્ન ત્યારે કરીએ, જ્યારે આપણે તેને પોતાના કરતા ઊંચા માનતા હોય. જેમ કે ભારતીય સંસ્કૃતિની એવી ઘણી બાબતો છે, જેની મજાક ઉડાવામાં આવે છે. આ ખાસ પ્રકારના પ્રયોજન પાછળ બે પ્રકારના લોકો હોય છે. એક જે ભારતીય સંસ્કૃતિની મહાનતા જાણી ગયા છે, જેમને ખ્યાલ છે કે બીજી કોઈ સંસ્કૃતિમાં આટલી ગહનતા અને મહાનતા જોવા મળી શકે તેમ નથી. અને બીજા એવા લોકો છે જેમણે આનો કોઈ ઊંડો અભ્યાસ કર્યો નથી. ફક્ત આમતેમ થી થોડું ઘણું સાંભળ્યું છે કે મન ઘડંત ઇતિહાસ ના ચાર પાના વાંચી લીધા છે. અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણી સંસ્કૃતિનું ચિંતન સમજણ અને સંવેદનશીલતા કયા સ્તરની છે.
અત્યારે આપણે ત્યાં જે રીતે ગાયની અવદશા છે, તે જોઈને લાગે નહીં કે ખરેખર આપણે ગાયને માતા માનીએ છીએ. ખેર, તે એક અલગ મુદ્દો છે. પણ અહીં આપણે વાત કરવી છે કે ગાયને આપની સંસ્કૃતિમાં માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે. તો ચાલો સમજીએ.
પૃથ્વી પર માનવ જાતિની એક સ્થાયી જગ્યાએ રહીને જીવન ગુજરાન કરવાની શરૂઆત ખેતીના કારણે થઈ છે તેવું ઘણી બધી શોધખોળો દ્વારા સાબિત થયેલું છે. ખેતી અસ્તિત્વમાં આવી તે પહેલા માનવી ફક્ત શિકારની શોધમાં ભટકતું જીવન ગુજારતો હતો. ત્યાં સુધી કોઈ કુટુંબ પરિવાર કે સમાજની ભાવના કેળવાઈ શકી ન હતી. પરંતુ ત્યારબાદ શરૂઆત થઈ ખેતીની જમીનમાંથી અનાજ પેદા કરીને તેનો ખોરાક તરીકે સ્થાયી રીતે ઉપયોગ કરવાની, જેના માટે ઉપજનો સંગ્રહ પણ કરવો પડે. આ ઉપજ પેદા કરવામાં સમય પણ લાગે માટે સ્થાયી થવું અનિવાર્ય બની ગયું.
હવે આ ખેતી કરવા માટે જમીનનું ખેડાણ કરવાની સાથે સાથે બીજા વિવિધ પ્રકારના કામો જાતે માણસ દ્વારા કરવા કઠિન છે. તેના માટે માણસે બળદનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. જેનાથી ખેતીમાં ક્રાંતિ આવી વધુ જમીન ખેડી શકાય, વધુ પાક લઈ શકાય, વધુ અનાજ પેદા કરી શકાય, વધુ લોકોને ભોજન મળે, વધુ સુખ અને વધુ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય. પણ આ બળદ કોની દેન? ગાયની જ તો! જેવી રીતે આપણી સિદ્ધિઓ બદલ આપણા માતા-પિતાને તેમના દ્વારા અપાયેલા સંસ્કારો અને ઉછેર માટે શ્રેય આપવામાં આવે છે, તેવી રીતે ગાયનું મહત્વ વધ્યું. હવે આ અનાજ પેદા કરવા માટે જમીનને વધુ ફળદ્રુપ બનાવવા ખાતર ની જરૂર પડે, તે પણ ગાયના છાણમાંથી બને. બીજા કોઈપણ જાનવરના છાણ કે મળ માંથી આટલું ફળદ્રુપ ખાતર બની શકતું નથી. તો થઈને ગાય વિશિષ્ટ! ત્યારબાદ વાત કરીએ ગાયના દૂધની.
તો આપણે સૌ જાણીએ છીએ કે માં ના દૂધ પછી જો માણસ માટે બીજું કોઈ ઉત્તમ દૂધ હોય તો તે છે ગાયનું. (અત્યારના સમયની રખડતી કે જર્શી ગાયનું અને પેકેટ વાળું દૂધ નુકસાનકારક છે) હવે કદાચ જે બાળકની માતા પ્રસુતિ દરમિયાન જ મૃત્યુ પામી હોય તેના માટે તો ગાયના દૂધનો જ વિકલ્પ રહે છે. પહેલાના સમયમાં સુવિધાના અભાવે પ્રસુતિ દરમિયાન ઘણી મહિલાઓ મૃત્યુ પામતી હતી, તે આપણે જાણીએ છીએ. તો અહીં ફરી ગાય માતાની ફરજ નિભાવી રહી છે.
આપણી સંસ્કૃતિમાં ગૌમૂત્રને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેની ઘણીવાર મજાક ઉડાવવામાં આવે છે કે આપણે ગૌમુત્ર પીએ છીએ. માણસ પોતાના મૂત્ર સિવાય બીજા કોઈનું મૂત્ર પી શકતો હોય તો તે છે ગાય. અને આયુર્વેદ પ્રમાણે અમુક પ્રકારના રોગોમાં તો ફરજિયાત પણે તેનું સેવન કરવું જ પડે છે જેમ કે ચામડી ને લગતી સમસ્યાઓ, કેન્સર, ટી.બી વગેરે. પણ જાણો છો કેમ? કેમ કે ગૌમૂત્રમાં વિપુલ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. જેના માટે આપણે ગ્રીન ટી, બ્રોકલી, મશરૂમ કે બીજા ફળો નું સેવન કરીએ છીએ. જે રોગપ્રતિકારક રોગ નિવારક અને વધતી ઉંમરને ધીમી કરનાર છે.
ગૌમુત્ર આવા જ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. પહેલા જ્યારે દવાઓ અને ડોક્ટર્સનું બહોળું પ્રચલન ન હતું ત્યારે ટી.બી ના દર્દીને ગાયની ગમાંણ (જ્યાં ગાયને રાખવામાં આવે છે) મા સુવડાવવામાં આવતો. કારણ કે ગાયના મળમૂત્રની ગંધથી પણ ટી.બી ના બેક્ટેરિયા નાશ પામે છે. અત્યારના સમયમાં ઘણા એવા હેલ્થ રિસોર્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ગાયના છાણનાં લીપણ થી બનેલા રૂમ હોય છે. જે આપણે ત્યાં હજારો વર્ષોથી ઉપયોગમાં હતા. આ તો વાત થઈ સામાન્ય વ્યવહારમાં મળતા લાભોની. પરંતુ ઊર્જા, ચેતના અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ગાયનું યોગદાન બેજોડ છે.
આપણા સૌના પૂજનીય પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાનને પણ ગાય ખૂબ જ પ્રિય છે. તેમની તસવીરોમાં તે ગાય સાથે ઉભેલા જોવા મળે છે. ગુરુદત્તાત્રેય ભગવાન સાથે પણ ગાય હંમેશા ઉભેલી જોવા મળે છે. ભોળાનાથ નંદી પર સવારી કરે છે. (જે ગાયનું જ સંતાન છે) શું કારણ છે આ બધા પાછળ? માનવી અને બીજા પ્રાણીઓની ચેતના, સંવેદના અને ઊર્જાનું સ્તર ભિન્ન હોય છે. જેના વિશેષ ગુણો છે જેમ કે, મમતા, કરુણા, પ્રેમ, વાત્સલ્ય વગેરે. બીજા પ્રાણીઓની સરખામણીમાં ગાયની ચેતના નું સ્તર ખૂબ ઉચ્ચ કક્ષાનું હોય છે. જેના સાથ સંગાથ માત્રથી આપણી ઘણી બધી સમસ્યાઓ ટળી શકે છે. આપણા વેદોમાં તો તેને ગૌધન કહેવામાં આવ્યું છે. જે લોકો આ વાત સમજી કે સ્વીકારી ન શકતા હોય તેમના માટે એક આધુનિક ઉદાહરણ.
અત્યારે પશ્ચિમમાં જેમને ડિપ્રેશન, ચિંતા તણાવ ઉદ્વેગ વગેરે જેવી માનસિક સમસ્યા હોય તેમને પેટ થેરાપી આપવામાં આવે છે. જેમાં કૂતરું કે બિલાડી પાળવા માટે સાયકોલોજિસ્ટ સલાહ આપે છે. કુતરા કે બિલાડી સાથે રહેવાથી તેમની સાથે આપણું ભાવનાત્મક, સંવેદનાત્મક અને ઊર્જાના સ્તરે જોડાણ થાય છે. જે આપણને શાંત અને ખુશ રાખવામાં મદદ કરે છે. હવે જેમ આગળ વાત કરી તેમ બીજા પ્રાણીઓ કરતાં ગાયની ચેતના ઉચ્ચ અને શુદ્ધ છે. તો તેની સાથે રહેવાથી વધુ ખુશી શાંતિ અને સાથે સાથે સમૃદ્ધિ પણ આવે છે. જે આપણી ગ્રામ્ય વ્યવસ્થા નો એક ભાગ છે.
હવે શાંત ચિત્તે વિચારો કે જે પ્રજાને ભટકતા અટકાવીને સ્થાયી ખેતી મળી, તે ખેતીને બળદ દ્વારા આસાન અને વિસ્તરિત બનાવી, માં ના ધાવણ પછીનું બીજું ઉત્તમ પીણું મળ્યું જે માનવને પુષ્ટ કરે તે આપ્યું, જે અનાજ પાકે તેનો જ વિનિમય કરીને (સાટા પદ્ધતિ દ્વારા) જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી, ભયાનક રોગો સામે રક્ષણ અને સારું સ્વાસ્થ્ય મળ્યું, જેના સાથ સંગાથ થી આપણી ચેતનાનો વિકાસ થયો. અને બીજું ઘણું બધું જે લેખમાં સમાવી શકાશે નહીં. તે બધું એક જ પ્રાણીમાંથી મળ્યું, તો શું હજી પણ આપણે તેને ફક્ત પાલતુ જાનવર જ કહીશું?
કૃતજ્ઞતા (ગ્રેટીટ્યુડ) જેવા વિષયો આપણને કોઈ ખ્યાતનામ લેખકના પુસ્તકમાં, આધ્યાત્મિક ગુરુઓના પ્રવચનમાં કે પછી મોટીવેશનલ સ્પીકરોની સ્પીચમાં સાંભળવા મળે છે. જે કૃતજ્ઞતા કેળવવાથી એક ઉચ્ચ પ્રકારનું માનસિક સ્વાસ્થ્ય કેળવી શકાય છે, તેવું આજનું વિજ્ઞાન કહે છે તે કૃતજ્ઞતા ની ચરમશીમાએ ગાય એક પ્રાણી મટીને માતા બની જાય છે.
જેનો ખોરાક મોલ અને રેસ્ટોરન્ટ માંથી આવતો હોય, જેનું વાહન પેટ્રોલથી ચાલતું હોય, જેનું સ્વાસ્થ્ય દવાઓ અને જીમ પર નિર્ભર હોય, જેની ચેતના ઇન્ટરનેટથી જોડાયેલી હોય તેના માટે આ પ્રકારની કૃતજ્ઞતાનો ભાવ કેળવવો અઘરો છે. નઈ?
Arvindsinh Rana
Psychologist
Very good article.
Thanks sir
Thanks a lot Sir