“લગ્ન જીવન” સમસ્યા ક્યાં છે?

         માનવી એક સામાજિક પ્રાણી છે સમાજની રચના પણ ખુદ માણસે જ કરેલી છે, જેમાં સંબંધો, સમાજના ધારાધોરણો અને નિયમોનો સમાવેશ થાય છે. સમાજ રચનાનો જ એક ખૂબ જ સુંદર સબંધ એટલે “લગ્ન”. સમાજના મોટાભાગના સંબંધો કુદરતી હોય છે એટલે કે તે આપણને જન્મ સાથે મળે છે, પરંતુ આપણે કોની સાથે લગ્ન કરીશું તે આપણા હાથમાં હોય છે. આપણને અને આપણા કુટુંબને અનુકૂળ હોય તેવા જીવનસાથીની પસંદગી આપણા હાથમાં હોવી અનિવાર્ય છે, કારણકે આપણા જીવનનો 60 થી 70 ટકા સમયગાળો લગ્ન જીવનમાં પસાર થાય છે. એમ પણ કહી શકાય કે આપણા જીવન કાળનો પરિપક્વ સમયગાળો આપણા જીવનસાથી સાથે વિતાવવાનો હોય છે. ટૂંકમાં, આપણને મળેલા આ મહામૂલા અનમોલ જીવનનાં મહત્તમ ભાગ નો આધાર લગ્ન જીવન પર રહેલો છે. આટલું વાંચતા જ જો તમારા ચહેરાની રેખાઓ બદલાય તો માનજો કે ખરેખર તમે આ સંબંધ વિશે ગંભીર છો.

           છેલ્લા દસ વર્ષના ઓબ્ઝર્વેશન અને કાઉન્સેલિંગ ના અનુભવમાં મોટાભાગની સમસ્યાઓ લગ્ન જીવનને લગતી જોવા મળી છે, સાથે સાથે એ પણ ધ્યાનમાં આવ્યું છે કે સપાટી પર દેખાતી સમસ્યાનું મૂળ કારણ તેના પેટાળમાં હોય છે, જેમાંના સર્વ સામાન્ય કારણો અહીં પ્રસ્તુત છે.

૧) *બેજવાબદાર વર્તન*

લગ્ન બાદ વ્યક્તિની જવાબદારીઓમાં વધારો થાય છે તે સનાતન સત્ય છે અને આ સત્ય સ્વીકારનાર વ્યક્તિને જ લગ્ન કરવાનો અધિકાર છે બાકી અપરણિત રહેવું વધુ હિતાવહ છે. પોતાના જીવનસાથીની, બાળકોની, કુટુંબની તેમજ સામાજિક જવાબદારીઓ નિભાવવી જરૂરી છે અને તે પણ રાજી-ખુશીથી, પરાણે ઢસરડા કરવામાં પણ કોઈ ભલેવાર હોતો નથી.

૨) *દરેક બાબતમાં જીતવાની આદત*

લગ્ન એ એકબીજામાં ઓગળી જવાની પ્રક્રિયા છે અને ઓગળવા માટે ઈગો ને પણ સાથે સાથે ઓગાળવો પડે છે, જીવનસાથી સાથે હારવા કે જીતવાને મહત્વ આપવા કરતા સંબંધની મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે

૩) *સમાયોજન (Adjustment)*

લગ્ન જીવનનું સૌથી મહત્વનું પાસું સમાયોજન છે. અહીં સમાયોજન નો અર્થ સમાધાન (compromise) નથી. એકબીજાને અનુકૂળ થવું એકબીજાની પસંદ નાપસંદ ને માન આપવું અને ખૂબીઓ ખામીઓનો ખુલ્લા મનથી સ્વીકાર કરવો તે પરિપક્વતા ની નિશાની છે.

૪) *સ્વાસ્થ્ય સમસ્યાઓ (Health issues)*

લગ્નજીવનને એક બગીચા જેવું છે જેમાં ફૂલોની સુગંધ અને વૃક્ષોનો છાયડો હોય છે પરંતુ તેના માટે બગીચાની માવજત કરવી પડે છે, તેવી જ રીતે લગ્નજીવનમાં પણ બંને સાથીઓનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની માવજત કરવી ખૂબ જ જરૂરી છે જો તેમાં ખામી હોય તો તેને દૂર કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરવા જોઈએ.

૫) *અંતર- (Distance)*

જીવનસાથી વચ્ચેનું અંતર લગ્નજીવન માટે હાનિકારક બની શકે છે પછી ભલે તે શારીરિક અંતર હોય કે માનસિક અંતર એટલે બંને વચ્ચે તંદુરસ્ત જાતીય સંબંધો અને નિયમિત વાર્તાલાપ (Communication) અંતર ઘટાડવાનું કામ કરે છે, જેના માટે એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવો ખૂબ જ જરૂરી છે. 

             તદુપરાંત લગ્નજીવનમાં એક ખાસ વાત નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે લગ્ન એ ફક્ત એકબીજા સાથેનું જોડાણ નથી તેના સંપૂર્ણ પરિવાર સાથેનું જોડાણ છે માટે જ એક વાતની ગાંઠ બાંધી લેવી કે લગ્ન જીવનને સુગંધિત બનાવવાની જવાબદારી બંનેની છે નહિ તો એકબીજા પર આરોપો અને દોષારોપણ થી જે દુર્ગંધ ફેલાશે તે બંને પક્ષે સહન કરવી પડશે.

Call Now for Appointment