માણસ ની સ્વભાવગત તેમજ વ્યવહારની ખૂબીઓ અને ખામીઓ પાછળ કોઈને કોઈ ઘટના, અનુભવ અથવા કોઈ વ્યક્તિ જરૂર હોય છે. આજનો માનવી કોઈ ને કોઈ પ્રભાવ હેઠળ જીવી રહ્યો છે. કોઈ વસ્તુ, વિષય કે વ્યક્તિથી પ્રભાવિત થઈને તેના સદગુણ કે સકારાત્મક બાજુને જીવનમાં ઉતારવી તે એક ખુલ્લા મનના માનવી ની લાક્ષણિકતા છે. પરંતુ ખાસ અગત્યની વાત એ છે કે તમે શેનાથી ઈમ્પ્રેસ થાવ છો? માણસ જે વસ્તુ અથવા વ્યક્તિથી ઈમ્પ્રેસ થતો હોય તેના પરથી તેની માનસિકતા અને જીવનની ગુણવત્તા સમજી શકાય છે. અહીંયા તમારી સમક્ષ બે વિકલ્પો રજૂ કરું છું જેમાં તમે તમારી જાતે જ નક્કી કરજો કે તમે શેનાથી ઈમ્પ્રેસ થાવ છો.
*વિકલ્પ A*
1) કોઈ ચોક્કસ પદ જેમકે રાજનેતા, ઉચ્ચ અધિકારી મોટો બિઝનેસમેન કે વગદાર વ્યક્તિ.
2) ભૌતિક જીવનશૈલી જેમકે મોંઘી કાર, આલિશાન ઘર, સોના ચાંદી હીરા ના ઘરેણા, વૈભવી જીવનશૈલી, બ્રાન્ડેડ વસ્તુઓ વગેરે.
3) કોઈ સેલીબ્રીટી જેમકે મીડિયા, ફિલ્મી, ટીવી કે સ્પોર્ટ પર્સનાલિટી વગેરે.
*વિકલ્પ B*
1) દયાળુ અને સંવેદનશીલ વ્યક્તિ જે સૌનું ભલું ઇચ્છે (કદાચ કામમાં ન પણ આવે પણ શુભચિંતક હોય શકે)
2) બેલેન્સ લાઈફ જીવતો વ્યક્તિ જે પરિવાર અને સમાજ પ્રત્યે જવાબદાર હોય.
3) જે પોતાના અને બીજાના જીવનને ભૌતિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવવા માંગતો હોય
અહીં કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ વ્યક્તિ કઈ પદવી (post) ધરાવે છે, તેની પાસે કઇ અને કેવી વસ્તુઓ છે તેનાથી ઈમ્પ્રેસ થઈ ને તેની સાથેનો આપણો વ્યવહાર નક્કી ન થવો જોઈએ એના કરતા સાથે સાથે તે વ્યક્તિમાં કયા સદગુણો રહેલા છે કે જેનાથી પોતાનામાં અને સમાજમાં તે શું સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તે વધુ મહત્વનું છે. જેના વર્તન અને વાણીથી શીતળતા અનુભવાતી હોય તેવા લોકોથી (વિકલ્પ B) જ્યારે આપણે ઈમ્પ્રેસ કરવાનું શરૂ કરીશું ત્યારે આપણા જીવનમાં પણ સકારાત્મક ફેરફાર આવશે તે સનાતન સત્ય છે અને ભવિષ્યમાં આપણે પણ કોઈના માટે પ્રેરણાસ્ત્રોત બની શકીશું, નહીં તો આખું જીવન બીજા લોકોથી ઈમ્પ્રેસ થવામાં જ નીકળી જશે અને છેલ્લે રહેશે એક ખાલીપો.