સ્ટ્રેસ દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય | 8 Stress Reliever tips by Arvindsinh Rana

જ્યારે જ્યારે આપણે ચિંતિત હોઈએ, તણાવ અનુભવતા હોય ત્યારે આ સ્ટ્રેસ દૂર કરવા માટે  ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ.

તમને પણ કોઈક વાર એવું થતું હશે કે કંઇ ગમતું નથી, મૂડ આવતું નથી, મનમાં મૂંઝવણ થાય છે, વગેરે. આવું થવાના ઘણા કારણો હોઈ શકે છે અને આવું થવું એ પણ સામાન્ય બાબત જ છે. પરંતુ જો આવા સમયે પોતાની જાતને જલ્દીથી રિલેક્સ કરી દેવી હોય તો શું કરવું?

તો ઘણા કહેશે, બીજી કોઈ રસપ્રદ પ્રવૃત્તિ કરો જેમ કે વાંચો, મૂવી જુઓ, ધ્યાન કરો, સંગીત સાંભળો કે ભગવાનનું નામ લો વગેરે વગેરે. પરંતુ આ બધી વસ્તુ તો થઈ આપણું ધ્યાન બીજી વસ્તુ તરફ લઈ જવાની, જેથી જે મૂળ વસ્તુ છે જે આપણી અંદર હલચલ મચાવી રહી છે તેને દબાવી દેવી કે હાંસિયામાં ધકેલી દેવી.

જેવી રીતે એલોપથિક દવા રોગના લક્ષણો દૂર કરી દે છે. પરંતુ જો તે મૂળ વસ્તુ જે મૂંઝવી રહી છે, મૂડ બગાડી રહી છે તેને જ શાંત કરવી હોય તો શું કરવું?

મારા મતે તેની રામબાણ ઔષધી છે “શબ્દ”, હા શબ્દ. આપણા વેદોમાં પણ કહ્યું છે કે શબ્દ બ્રહ્મ છે. એટલે કે શબ્દમાં ખૂબ જ તાકાત રહેલી છે. આપણી પ્રાર્થનાઓ – મંત્રો – ભજન – કીર્તન – આરતી આ બધું શું છે? તે પણ શબ્દો જ છે જેમાં ભાવ છે, અભિવ્યક્તિ છે, પોતાના મનની વાત છે.

સ્ટ્રેસ દૂર કરવા માટે ok

અહીં શબ્દ નો અર્થ છે પોતાની જાતને વ્યક્ત કરવી આપણી અંદર જેવી લાગણીઓ જેવી ભાવનાઓ જેવા વિચારો ચાલી રહ્યા છે, તેને જેવા છે તેવા જ સ્વરૂપે બહાર કાઢવા એમાં જરા પણ કાપકૂપ કરવી નહીં કે કોઇપણ જાતનો ઢોળ ચઢાવવો નહીં. કાચા – પાકા, સારા-ખરાબ, વેવલા – વાહિયાત જેવા છે તેવા ફક્ત શબ્દોના માધ્યમથી બહાર વહાવી દેવા જોઈએ.

આ વાત કદાચ સામાન્ય લાગે પણ આપણી અંદર રહેલી ભાવનાઓ અને વિચારો જ આપણને અશાંત કરતા હોય છે.

હવે બીજો પ્રશ્ન એ થાય કે આપણા મનની વાત કોની આગળ મૂકવી?

તો ચાલો તેના વિકલ્પો વિષે વાત કરીએ.

પહેલો વિકલ્પ છે, જે વ્યક્તિના લાગતી વળગતી ભાવના કે વિચાર હોય તે વ્યક્તિને કરવી. એ શક્ય ન હોય તો કોઈ ખાસ વિશ્વાસુ પરિપક્વ વ્યક્તિને કરી શકો, જો તે પણ શક્ય ન હોય તો કોઈ દૂરના ઓછા જાણીતા વ્યક્તિને, એ પણ ન થાય તો કોઈ નિષ્ણાત પ્રોફેશનલ વ્યક્તિને મળો, એનાથી પણ આગળ વાત કરું તો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે થોડો સામાન્ય પરિચય કેળવીને તેને પણ કહી દો. અને છેલ્લે કંઈ ન થાય તો એક કાગળ પર લખી ને પછી તેને સળગાવી દો. જોવો પછી કેવો જાદુ થાય છે. સામાન્ય મૂડ ઓફ થી માંડીને ડિપ્રેશન સુધીની સમસ્યામાં રાહત જરૂરથી મળશે.

હવે ત્રીજો પ્રશ્ન એ છે કે અત્યારના સમયમાં મોટાભાગના લોકોની ભાષા નબળી છે કારણ કે તે વિચારે ગુજરાતીમાં, ભણે અંગ્રેજીમાં, સાંભળે અને જુએ હિન્દીમાં, લખે બધી મિશ્ર ભાષામાં જેના કારણે કોઈ એક ભાષા પર ખાસ પ્રભુત્વ નથી. મોટાભાગની લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમની પાસે ચોક્કસ શબ્દો પણ નથી અને વાક્ય રચનાનો પણ અભાવ હોય છે.

કાઉન્સેલિંગ માટે આવતા મોટાભાગના લોકોને પોતાની જાતને એક્સપ્રેસ કરવામાં શબ્દોની પસંદગી કરવામાં ગૂંચવાડો થાય છે. તેમની પાસે વિચારો તો ઘણા છે, ભાવનાઓ ઇમોશન્સનું પુર આવ્યું છે, પણ શબ્દોની નદી સુકાઈ ગઈ છે. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બનતી જાય છે.

તો હવે છેલ્લો પ્રશ્ન થાય કે પોતાની જાતને સારી રીતે અભિવ્યક્ત કરવા શું કરી શકાય?

# પોતાની પસંદ અને નાપસંદ જાહેર કરો.

# નાની મોટી ચર્ચાઓમાં પોતાના મંતવ્ય રજૂ કરો, ચૂપ બેસી ન રહો.

# જે પરિસ્થિતિમાં કમ્ફર્ટેબલ ન લાગે ત્યાં વિનમ્રતા પૂર્વક જણાવી દો.

# પુસ્તકો ન વાંચી શકો તો છેલ્લે સમાચાર પત્રોની પૂર્તિ જરૂરથી વાંચો.

# અજાણ્યા માણસોને પણ જાણવાનો પ્રયત્ન કરો, પરિચય કેળવીને જીવનના પ્રશ્નો વિશે ચર્ચા કરો.

# વિશ્વાસુ મિત્ર ન હોય તો પોતાના જીવનસાથીને કે (પતિ કે પત્ની) પોતાના બાળક સાથે પણ મિત્રતા ભાવ રાખી શકાય.

# મોબાઈલના ઉપયોગ ને કાબૂમાં રાખો. એના ગુલામ ન બનશો.

# લોકો પર વિશ્વાસ રાખો, દુનિયામાં ઘણા લોકો સારા છે, જો તમે એકને પણ શોધી ન શકો તો એ તમારી નિષ્ફળતા છે.

Lifeline Wellness
Arvindsinh Rana
Councelling Psychologist

માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રાખજો by Arvindsinh Rana

Call Now for Appointment