હંમેશા ખુશ રહેવા માટે નો ફોર્મ્યુલા શું છે? | Formula of Happiness according to Psychology

ખુશ રહેવા માટે નો એકમાત્ર ફોર્મ્યુલા કયો છે!

સ્કૂલમાં જ્યારે અંગ્રેજી ગ્રામર વ્યાકરણ ભણાવવામાં આવતું ત્યારે અલગ અલગ કાળ (Tense) ખૂબ ગૂંચવાડો ઉભો કરતા. કયા સમયે કયો કાળ આવે! કેવી વાક્ય રચના બને! વગેરે.

તેમાં સૌથી સરળ વર્તમાન કાળ લાગતો જેમાં લખવું અને બોલવું સરળ લાગતું હતું.

એવું થતું કે શું કામ આટલા બધા Tenses બનાવ્યા હશે! બધું વર્તમાનકાળમાં જ રાખ્યું હોત તો આ અંગ્રેજોના બાપનું શું જતું હતું!

વર્તમાનકાળ ભણવામાં સહેલો લાગતો હતો પરંતુ, મોટા થતા ગયા તેમ તેમ ખ્યાલ આવતો ગયો કે ખરેખર તો વર્તમાનકાળ જ સૌથી અઘરો છે.

નાં સમજ્યા? એટલે કે વર્તમાનમાં જીવન જીવવું એ જ આજનાં સમયની મોટી ચેલેન્જ છે.

મોટેભાગે આપણે કાં તો ભવિષ્યના વિચારો કરતા હોઈએ છીએ, અને કાં તો ભૂતકાળ વાગોળતા હોઈએ છીએ. પરંતુ વર્તમાનમાં રહેવાની ક્ષણો ખૂબ જ ઓછી થતી જાય છે.

ખરેખર જોઈએ તો અત્યારના માનવીની સૌથી મોટી ચેલેન્જ છે વર્તમાનમાં રહેવું.

ધ્યાન, મેડીટેશન, ભક્તિ, વાંચન, સંગીત, મુવીઝ, મોબાઇલ, મનગમતી વાનગી જમવી અને સેક્સ આ બધું કેમ એક પ્રકારની ખુશી આપે છે?

કારણ કે આ બધી એક્ટિવિટીઝમાં આપણે મોટેભાગે વર્તમાન સાથે જોડાયેલા હોઈએ છીએ. જે કરી રહ્યા છીએ, જે થઈ રહ્યું છે, જે ઘટી રહ્યું છે તે બહાર પણ વર્તમાનમાં છે અને આપણી અંદર પણ.

હવે એક રસપ્રદ વાત કરીએ. તમે જોયું હશે કે મહદંશે નાના બાળકો વધુ ખુશ જોવા મળે છે (“આપણે રહેવા દઈએ તો”) અને કોઈ વયસ્ક વ્યક્તિને પણ જ્યારે આપણે ખુશ થતાં જોઈએ છીએ ત્યારે તે નાના બાળક જેવો લાગે છે.

તો આપણે કેમ બાળકની જેમ કાયમ ખુશ નથી રહી શકતા!

તેનું સૌથી મોટું કારણ છે, બાળકો મોટાભાગના સમયમાં વર્તમાનમાં જ જીવતા હોય છે.

કદાચ કોઈ કારણસર રડે, ચીડાઈ કે નારાજ થાય તો પણ તે જલ્દી ભૂલી જાય છે અને પાછા પોતાની નેચરલ અવસ્થા “વર્તમાનમાં” આવી જાય છે.

ખુશ રહેવા માટે

હવે જ્યારે આ જ બાળકો જેમ જેમ મોટા થતા જાય છે, તેમ તેમ તેમના જીવનમાંથી વર્તમાન સાથેનો સંબંધ તૂટતો જાય છે અને તેની જગ્યાએ ભવિષ્ય અંગેના વિચારો સ્થાન લે છે.

તમે પણ અનુભવ્યું હશે જ કે યુવા અવસ્થામાં મોટે ભાગે ભવિષ્ય અંગેના વિચારો ખૂબ આવે છે.

સ્ટડી, કેરિયર, જોબ, રિલેશનશિપ, લગ્ન, ફાઈનાન્સિયલ પ્લાનિંગ વગેરે જેવા વિષયોમાં ભવિષ્યમાં શું થશે? શું કરીશ? શું ન થાય તો સારું, શું થાય તો વધુ સારું વગેરે વગેરે.

આપણે હમેશા ચિંતાઓ થી કેમ ઘેરાયેલા રહીએ છીએ?

હવે તમે જુઓ કે જેમ જેમ વર્તમાન સાથે નાતો તૂટતો જાય છે, તેમ તેમ ભવિષ્ય અંગેની અસુરક્ષાઓ ઘેરી વળે છે. અને તે જન્મ આપે છે ઉદ્વેગ, ચિંતા અને વિચલિત મનને (Anxieties).

હવે ફરી પાછા પેલી વર્તમાનકાળવાળી એક્ટિવિટીઝ યાદ કરો.

ધ્યાન, મેડીટેશન, ભક્તિ, વાંચન, સંગીત, મુવીઝ, મોબાઇલ, મનગમતી વાનગી જમવી, સેક્સ, આ બધા પ્રત્યે આકર્ષણ વધતું જાય છે.

કેમ? કારણ કે ભવિષ્ય અંગેની અસુરક્ષા નાં વિચારોથી જન્મેલા ડર, તણાવ અને ચિંતા આપણા મનને વર્તમાનમાં રાખવા માટે આ પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે.

હવે આગળ વધીએ.

વૃદ્ધા અવસ્થા માં આપણી માનસિકતા ને સકારાત્મક કેવી રીતે રાખવી?

બાળપણ યુવાની અને ત્યારબાદ આવે છે વૃદ્ધાવસ્થા. જીવનમાં જે થવાનું હતું તે મોટેભાગે થઈ ગયું, જે મોટી ઘટનાઓ ઘટવાની હતી તે બધી ઘટી ગઈ, હવે શું?

તો હવે એક નવો કાળ જીવનમાં પ્રવેશે છે તે છે “ભૂતકાળ”. જેમ જેમ આપણે યુવાની માંથી આધેડ વય તરફ જતા જઈએ છીએ, તેમ તેમ આપણા વિચારો પર ભૂતકાળનું આધિપત્ય જામવા લાગે છે.

તમે મોટાભાગના આધેડ લોકોના મુખેથી વારંવાર સાંભળતા હશો કે “અમારા જમાનામાં તો આમ હતું તેમ હતું” “કેવા સુંદર દિવસો હતા”, “કેવા સારા લોકો હતા કેવી મજા આવતી હતી” વગેરે વગેરે.

પરંતુ તે જ લોકો જે સુંદર દિવસો ના વખાણ કરતા થાકતા નથી ખરેખર તે દિવસો જીવતી વખતે આટલા વખાણ નહીં કરી શક્યા હોય.

જેમ જેમ વર્તમાન અને ભવિષ્યના વિચારો કરતા ભૂતકાળના વિચારો વધુ આવવા લાગે તો સમજવું કે આપણા જીવનમાં વૃદ્ધત્વ નું આગમન થઈ રહ્યું છે પછી ભલે ગમે તેટલી ઉમરે હોય. જો ભૂતકાળ સાથે વધુ જોડાણ છે તો માનવું કે આપણે હવે વધુ યુવાન રહ્યા નથી.

ખુશ રહેવા માટે
આ સમયે જૂના મિત્રોને મળવું, જુના પ્રેમની યાદો તાજી કરવી, ચર્ચાઓ કરવી, યાત્રાઓ કરવી, ધર્મ અધ્યાત્મ સાથે જોડાવું વગેરે જેવી પ્રવૃત્તિઓ ગમે છે.

આટલે સુધી વાંચતા તમે પણ તમારા વિચારો નું આકલન કરવા લાગ્યા હશો કે હું કયા વિચારો વધુ કરું છું ભવિષ્ય કે ભૂતકાળ?

ખુશ રહેવા માટે નો અધ્યાત્મિક માર્ગ કયો છે?

આધ્યાત્મની ચરમ અવસ્થા છે “નિર્વિચાર અવસ્થા” વિચારોથી મુક્તિ, ના ભવિષ્યના ના ભૂતકાળના.
આ નિર્વિચાર અવસ્થા એટલે શું? બીજું કાંઈ નહીં પણ સંપૂર્ણપણે વર્તમાનમાં રહેવું. કારણકે વર્તમાન એક એવી અવસ્થા છે જેમાં વિચારો નથી ફક્ત અનુભવ છે.
આ અનુભવનું પોસ્ટમોર્ટમ એટલે ભૂતકાળ અને આ અનુભવની ઈચ્છા એટલે ભવિષ્ય.

આધ્યાત્મમાં એક શબ્દ છે “સાક્ષી ભાવ” એટલે કે સંપૂર્ણપણે વર્તમાન જીવન બીજું કાંઈ નહિ.

જો તમને કોઈપણ પ્રવૃત્તિ કરવાથી સાક્ષી ભાવ ઉત્પન્ન થઈ શકતો હોય તો તેમાં આધ્યાત્મની છાંટ છે તેમ કહી શકાય.

જો તમે કચરો વાળતી વખતે પણ સંપૂર્ણપણે તેમાં ખોવાઈ જાવ છો, તો તમારા માટે કચરો વાળવો એ કોઈ મેડીટેશનથી કમ નથી. તમારા માટે તો તે આધ્યાત્મિક પ્રવૃત્તિ જ કહી શકાય.

ખુશ રહેવા માટે મનોવિજ્ઞાન શું સલાહ આપે છે?

હાલના સમયમાં માનસિક સ્વાસ્થ્યને સુધારવા કે સંતુલિત રાખવા માટે એક વિધિ કરવામાં આવે છે, જેને “માઈન્ડ ફુલનેસ” (Mindfulness) કહેવામાં આવે છે. જેનો સીધો સાદો અર્થ છે સંપૂર્ણપણે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું.

વ્યક્તિને નિર્વિચાર કરવાની પ્રક્રિયા. ઘણા લોકોને વાસણ માંજતી વખતે, કચરો વાળતી વખતે, ભરતગુંથણ કે સિલાઈ કામ કરતી વખતે પણ માઈન્ડ ફુલનેસનો અનુભવ થતો હોય છે, જ્યારે ઘણા લોકો માઈન્ડ ફૂલનેસના ક્લાસ કરીને પણ આ અનુભવ નથી મેળવી શકતા.    છે ને કરમની કઠણાઈ!

ખુશ રહેવા માટે

એક બાળક માટે તેની દરેક પ્રવૃત્તિ એ માઈન્ડ ફૂલનેસ નો ભાગ છે, માટે તે આટલું ખુશ રહી શકે છે.

તો આપણે પણ આપણા જીવનમાં એવી પ્રવૃત્તિઓ અને વૃત્તિઓને સ્થાન આપીએ જે આપણને વધુ વર્તમાન સાથે જોડી શકે.

ભવિષ્યના વિચારો જીવનના અગત્યના પાસાઓનું આયોજન કરવા માટે અને ભૂતકાળના વિચારો સુખદ ઘટનાઓની યાદો તાજી કરી પ્રફુલ્લિત થવા માટે, કરેલી ભૂલોમાંથી બોધપાઠ લેવા માટે સુધી સીમિત રહે તો તે આપણને વધુ ખુશ અને આનંદિત રાખી શકે છે.

મારી ક્લિનિકલ પ્રેક્ટિસ ને આધારે કહું તો જે લોકો વધુ પડતા ભવિષ્ય અંગેના વિચારો કરતા હોય છે તેઓ ચિંતા ગભરામણ અને ઉદ્વેગ (Anxieties) નો ભોગ બને છે. જ્યારે વધુ પડતા ભૂતકાળના વિચારો અવસાદ, મુડ સ્વિંગ્સ, ખાલીપો અને પસ્તાવાને (Regrets and Depression) આમંત્રણ આપે છે.

તમે પણ જોશો કે જે લોકો વધુ ખુશ રહી શકે છે તેઓ વધુ જીવંત જણાય છે. તેમની વાતોમાં જીવંતતા જણાય છે, તેમના વ્યક્તિત્વમાં એક આકર્ષણ હોય છે. તેઓ ભૂતકાળની ગંભીર ઘટનાને પણ હલકા ફુલકા અંદાજમાં રજૂ કરે છે. ભવિષ્ય માટે પણ “જો હોગા દેખા જાયેગા” નો એટીટ્યુડ ધરાવતા હોય છે.

ટૂંકમાં કહીએ તો, આપણા આનંદનો આધાર આપણી મનની પ્રકૃતિ પર રહેલો છે. ખુશ રહેવા માટેનો એકમાત્ર ફોર્મ્યુલા છે વર્તમાનમાં રહેવાનો.

આ વાત રાતો રાત અમલમાં ન મૂકી શકાય પરંતુ ડેઇલી રૂટીનમાં સજાગપણે પ્રેક્ટિસ કરતા રહેવું પડે છે. નિષ્ફળતા મળે તો પણ ટકી રહેવું પડે છે.

વર્તમાનમાં કેવી રીતે જીવવું? જાણો તેની પ્રેક્ટિસ

  1. એક એક દાંત પર ધ્યાન દઈને બ્રશ કરવું.
  2. નહાતી વખતે શરીર પર પડતું પાણી ફીલ કરવું.
  3. સફાઈ કરતી વખતે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું.
  4. જમવાનું એવી રીતે બનાવવું જેવી રીતે કોઈ વૈજ્ઞાનિક લેબોરેટરીમાં કામ કરી રહ્યા હોય.
  5. જમતી વખતે એક એક વસ્તુ નો કલર જોવો, સુગંધ લેવી, એક એક સામગ્રીનો સ્વાદ પારખવાનો પ્રયત્ન કરવો.
  6. ચાલતી વખતે ધ્યાનપૂર્વક પગ ઉપાડવો અને મૂકવો.
  7. ફૂલ-છોડને પાણી પીવડાવતા ધ્યાન કેન્દ્રિત કરવું.
  8. બેઠા હોય ત્યારે ધ્યાન આપવું કે શરીરનો કોઈ ભાગ કે અંગ તણાયેલા તો નથી ને! ખાસ કરીને આંખો, જડબુ અને હાથ પગની આંગળીઓ. જો હોય તો તેને ધ્યાનપૂર્વક રિલેક્સ કરવા.

કેવો અનુભવ થાય છે જણાવજો જરૂર.

આ પણ વાંચો:

Arvindsinh Rana
Councelling Psychologist
Call Now for Appointment