આ 6 બાબતો કરે છે તમારા જીવન નું ઘડતર

આપણા જીવન નું ઘડતર કોણ કરે છે! આ સવાલ ફિલોસોફી ની દ્રષ્ટીએ જેટલો મહત્વનો છે તેટલો જ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ છે.

પૃથ્વી પર દરરોજ લગભગ સાડા ત્રણ લાખ લોકો જન્મ લે છે અને દોઢ લાખથી વધુ લોકો વિદાય લે છે, જેમાં જન્મ લેનાર બાળક તેના જીવનની એક કોરી સ્લેટ લઈ પેદા થાય છે અને દુનિયા છોડી જનાર વ્યક્તિ કડવા, મીઠા, ખાટા અનુભવો પોતાની સાથે લઈને જાય છે. આ બધા અનુભવો નો આધાર તે કેવું જીવન જીવ્યો છે તેના પર રહેલો છે.

એક સામાન્ય માણસની ફિલોસોફી પ્રમાણે માણસનું જીવન નસીબ ના ખેલ છે અથવા પૂર્વ જન્મોનું ફળ છે, હવે જો આપણે આ ફિલોસોફીને સો ટકા માન્ય રાખીએ તો શ્રીકૃષ્ણ દ્વારા ગીતાજીમાં આપેલો કર્મ નો સિદ્ધાંત બિન અસરકારક સાબિત થાય છે. આ ફિલોસોફી ના આધારે બે વર્ગ પાડીએ તો એક વર્ગ નસીબ કે પૂર્વ જન્મ આધારિત અને બીજો વર્ગ કર્મના સિદ્ધાંતને આધારિત હોઈ શકે.

આપણી આસપાસ નજર કરીશું તો આ બંને વર્ગના લોકો જોઈ શકાય છે અને જો ઊંડાણપૂર્વક તેમના જીવનનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે કર્મ આધારિત વ્યક્તિઓ વધુ પ્રવૃત્તિશીલ, ચંચળ, સફળ, ખુશ મિજાજી, પ્રભાવશાળી તેમજ આર્થિક અને સામાજિક રીતે વધુ સમૃદ્ધ જોવા મળશે.

નસીબ કે પૂર્વ જન્મ પર આધારિત વ્યક્તિઓ વિશે અહીં વધુ ચર્ચા નથી કરવી તે તમે પોતે જ જોઇને નક્કી કરજો. હવે પ્રશ્ન એ થાય કે કર્મ તો દરેક વ્યક્તિ કરે છે તો ફળ દરેકને અલગ અલગ કેમ?

કાઉન્સેલિંગ દરમિયાન ઘણા લોકોની ફરિયાદ હોય છે કે મારી સાથે જ આવું કેમ બને છે? આ તકલીફ મને જ કેમ થઇ? વગેરે વગેરે. બીજો સવાલ એ થાય કે શ્રી કૃષ્ણ એ તો કહી દીધું કે કર્મ કર, પણ આપણે કેવા કર્મો કરીશું એ કોણ નક્કી કરે છે? મારા અંગત મત મુજબ કર્મના સિદ્ધાંત નો અર્થ ખૂબ વિશાળ છે, તેને સમજવાથી જીવનના ઘણા પ્રશ્નો ના ઉત્તર મળી શકે છે. તો આપણે આપણા જીવનના 6 અલગ અલગ પાસાઓ પર વાત કરીશું.

1- ઉછેર (Upbringing)

માનવીના જીવનનું ખૂબ જ મહત્વનું પાસું છે તેનો ઉછેર, એમ કહી શકાય કે ઉછેર એ જીવનનો પાયો છે. આ પાયાની કચાસ કે મજબૂતી સંપૂર્ણ જીવન દરમ્યાન અસર કરે છે જેમાં આપણા માતા-પિતા કે વાલી ની ઉછેર દરમિયાન આપણી સામાજિક, આર્થિક, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની આપણા પર ઊંડી અસર પડતી હોય છે.

2- આસપાસનું વાતાવરણ (Surroundings)

આપણે કેવા કલ્ચર માં જનમ્યા અને ઉછર્યા, જેમાં આપણા રીતિરિવાજો, માન્યતાઓ, ધર્મ, મિત્રો, શિક્ષકો, આપણો પ્રદેશ વગેરે જેવા અનેક પરિબળો ની ઊંડી અસર આપણા વ્યક્તિત્વના ઘડતરમાં થાય છે, જે ભવિષ્યમાં આપણા કર્મો ને અસર કરતા હોય છે.

3- નીતિ નિયમો અને માન્યતાઓ (Rules and beliefs)

ઉપરોક્ત પરિસ્થિતી અને પરિબળોને આધારે આપણે ચોક્કસ નિયમો બનાવી લઈએ છીએ, જેમાં આ સાચું, આ ખોટુ, આમ કરવાનું, આમ નહીં કરવાનું ઉપરાંત અમુક આપણને ગળથુથીમાં પણ મળેલા નિયમો અને માન્યતાઓ હોઈ છે જેના પાયામાં આપણને મળેલા સંસ્કારો, શિક્ષણ, ધર્મ કે સંપ્રદાય રહેલા છે.

4- સંબંધો (Relationships)

જીવનમાં સંબંધોનું ખૂબ જ મહત્વ છે. તંદુરસ્ત સામાજિક અને પારિવારિક સંબંધો ધરાવતો વ્યક્તિ ઉત્તમ જીવન જીવે છે. જેમાં માતા પિતા સાથેના ભૂતકાળના અને હાલના સંબંધો, ભાઈ બહેનો અને સગાસંબંધીઓ સાથેના વ્યવહારો તેમજ મિત્રો અને જીવનસાથી સાથેના સુમેળભર્યા સંબંધો આપણા જીવનમાં રંગો પૂરે છે, જેની અસરો આપણા વ્યવહારમાં અને કર્મોમાં વર્તાય છે.

5- ધોરણો (Standards)

દરેક વ્યક્તિના પોતાના વ્યક્તિગત ધોરણ હોય છે, જેના આધારે તે વ્યક્તિ કે વસ્તુ માં ભેદ (Bifurcation) કરતો હોય છે. જેમાં તેના મતે કોણ સુખી છે? કોણ દુઃખી છે? કોણ સફળ છે? કોણ નિષ્ફળ છે? કોણ સારું? કોણ ખરાબ? વગેરે. કોઈ એક વ્યક્તિ ના મતે અમુક ચોક્કસ પ્રકારની નોકરી કરતો વ્યક્તિ સફળ હોઈ શકે બીજા વ્યક્તિ માટે તેનું કોઈ મહત્વ ન પણ હોય. અમુક લોકો નાં મતે પૈસાદાર વ્યક્તિ સુખી તો ઘણાના મતે પારિવારિક અને સામાજિક રીતે સારું જીવન જીવતો વ્યક્તિ સફળ અને સુખી ગણાય છે. આમ દરેક પોતાના આગવા ધોરણ પ્રમાણે વર્તે છે.

6- ભૂતકાળ (Past History)

આપણા ભૂતકાળ ના અનુભવ અને તેના પરથી બંધાયેલી માન્યતાઓ આપણા ભવિષ્યના અને વર્તમાનના નિર્ણયોને પહોંચાડે છે. ભૂતકાળના સંબંધો ના કડવા મીઠા અનુભવો, આપણી સાથે બનેલી શુભ-અશુભ ઘટનાઓ વગેરેનો આપણા વ્યક્તિત્વ નિર્માણ માં મહત્વનો ફાળો હોય છે.

આ બધાનો સરવાળો એટલે જીવન જેની દોરી મહત્તમ અંશે આપણા હાથમાં રાખી, આપણને જોઈએ તેવું જીવન જીવી શકાય છે.

Lifeline Wellness

Arvindsinh Rana

Counseling Psychologist

તાજેતરની પોસ્ટ્સ

Call Now for Appointment