આ 4 વસ્તુ થી તમે પણ કરી શકો છો તમારા મન પર કાબુ | ભગવદ્ ગીતા ની સાયકોલોજી

અત્યાર સુધી આપણે વાત કરી કે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પોતાના મન પર કાબુ રાખવો જરૂરી છે, કારણ કે મન દ્વારા જ આપણી ઇન્દ્રિયો નું સંચાલન થતું હોય છે. 

તો અહીં આપણે મનને નિયંત્રિત કરવા માટેના કેટલાક ઉપાયો પર ચર્ચા કરીશું.

1- ઇન્દ્રિયો પર કાબુ (Control over senses)

આપણી મોટાભાગની સમસ્યાઓ અને નબળાઈઓ નું મૂળ ઈન્દ્રિયો પર આપણો કાબુ ન હોવાને કારણે છે. જેમ કે ગુસ્સો, ઈર્ષા, મોહ, લોભ, વ્યભિચાર, વ્યસનો, શારીરિક અને માનસિક સમસ્યાઓ પાછળ આપણી કોઈને કોઈ ઈન્દ્રીય જવાબદાર છે.

ઇન્દ્રિયો પર કાબુ મેળવતા જ મોટાભાગની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. જેનાથી જીવનમાં સુખ શાંતિ અને સફળતામાં વધારો થાય છે. આ ઇન્દ્રિયોને કાબુમાં રાખવા માટે આપણે સ્વાદ (Satvik Food) સત્સંગ (Good Company) સ્વાધ્યાય (Self Study) અને સેવા (Service) કરવા જોઈએ. જેના વિશે અગાઉના એક લેખમાં (લેખ વાંચવા માટે અહી click કરો) વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

અત્યારના સમયમાં એન્ટરટેનમેન્ટ અને ટાઇમપાસ ના નામે ઓ ટી ટી પ્લેટફોર્મ, ટીવી, મોબાઇલ અને અમુક ફિલ્મો દ્વારા આપણી ઇન્દ્રિયો જે ગ્રહણ કરી રહી છે, તેની સીધી અસર આપણા મન (સબ કોન્સિયસ માઈન્ડ) પર પડી રહી છે. પરંતુ આપણી જાત પ્રત્યેની સભાનતા ન હોવાને કારણે આપણને લાગે છે કે આ ફક્ત મનોરંજન કે ટાઈમ પાસ છે.

વધી રહેલો વ્યભિચાર, ઓનલાઇન બેટિંગ (જુગાર), દારૂ ડ્રગ્સ જેવા નશાનું વધતું પ્રમાણ, બાળકોના વર્તનમાં વધી રહેલી વિકૃતિ, યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ, વધી રહેલી શારીરિક તેમજ માનસિક બીમારીઓ આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણી અનિયંત્રિત અને બેકાબુ બનેલી ઈન્દ્રિયો (Senses) નું જ પરિણામ છે.

હું ઘણીવાર કહેતો હોઉં છું કે, એક જીભ જેવી નાની વસ્તુ આપણી મોટાભાગની સમસ્યાઓનું કારણ છે. જીભના ચટાકા ને કારણે જ આપણે પેટમાં જે પધરાવીએ છીએ તેનાથી આપણી મોટાભાગની નાની મોટી શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે અને આ જ જીભ દ્વારા જે શબ્દો ઉચ્ચારવામાં આવે છે, તેના કારણે ઘણા બધા સંબંધોમાં વિખવાદ, મનદુઃખ, વિવાદ વગેરે ઊભા કરે છે જેની અસરો સંપૂર્ણ સમાજ વ્યવસ્થા પર પડે છે. જે માનસિક સમસ્યાઓનું મોટું કારણ છે.

2- ધ્યાન ( Meditation / Concentration)

આપણે અત્યારે એવા સમયમાં જીવી રહ્યા છીએ જે સગવડો ની દ્રષ્ટિએ ઉત્તમ છે, પરંતુ આ તમામ સગવડો એ આંતરિક સુખ નથી આપી શકતી. તેનું કારણ છે માણસનું મન શાંત નથી. તે સતત એક ચંચળ માંકડા ની માફક કુદા કુદ કર્યા કરે છે.

માનવી આટલો ડિસ્ટ્રેક્ટેડ ક્યારે ન હતો જેટલો અત્યારે છે. જેમાં સૌથી મોટો ફાળો છે મોબાઈલ ફોનનો, વધુમાં ધ્વનિ પ્રદૂષણ મલ્ટી ટાસ્કિંગ ની આદત તેમજ પોતાની ક્ષમતા કરતા વધુ પ્રવૃત્તિઓ કરવી વગેરે જેવા પરિબળો જવાબદાર છે.

જેની પાસે થોડું ઘણું છે તેને હજી વધારે મેળવવું છે. જેની પાસે ઓછું છે તેને એમ લાગે છે કે થોડું વધારે મેળવી લેવાથી જીવનમાં સુખ આવશે.

પાછું જેની પાસે બધું જ છે તેને પણ હજી કંઈક ખૂટી રહ્યું છે તેઓ ભાવ સતત રહ્યા કરે છે. જેના કારણે સૌના મનમાં સતત અશાંતિ અને અસંતોષ રહ્યા કરે છે.

અત્યારનો માનવી વધુ ને વધુ ધાર્મિક બનતો દેખાય છે. દેવાલયો ઉભરાયા છે, ધાર્મિક યાત્રાઓ માં ભક્તોની ભીડ વધી રહી છે. જેની પાછળ ધન શાંતિ અને આનંદ ની લાલસા છુપાયેલી જણાય છે.

જેની પાસે ધન નથી તેને લાગે છે ધન થી શાંતિ અને આનંદ મળશે એટલે પ્રયત્ન કરે છે.

વળી, જેની પાસે ધન છે તે મનની શાંતિ માટે વલખાં મારે છે.

પરંતુ એક વાત કહું? આ પ્રકારની શાંતિ લાંબુ ટકતી નથી. કારણ કે થોડાક સમય પૂરતું તે જગ્યાના પ્રભાવમાં અને નોર્મલ રૂટિન થી દૂર થોડો સમય તો સારું લાગે છે, પરંતુ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તો પાછું આવવાનું જ છે. પાછું મન શાંત બને છે પરંતુ જો તેનો કાયમી ઉપાય કરવો હોય તો તે છે ‘ધ્યાન’ ( Meditation).

મેડિકલ સાયન્સના વિવિધ પ્રયોગો દ્વારા સાબિત થઈ ચૂક્યું છે કે નિયમિત મેડીટેશન કરવાથી માનસિક તેમજ શારીરિક સમસ્યાઓમાં સકારાત્મક બદલાવ આવે છે.

છેવટે કાંઈ ન કરી શકાય તો ફક્ત 20 મિનિટ માટે કોઈ શાંત જગ્યા પર કોઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર મૌન બેસવાથી પણ મનનો ઉદ્વેગ ઓછો થાય છે.

ભલે મન ભટક્યા કરે ભલે કોઈ કામ યાદ આવે તો પણ જો રોજિંદા ક્રમે આ ક્રિયા કરવામાં આવે તો થોડા સમયમાં તમારી અંદર શાંતિનો અનુભવ થવા લાગશે.

3- પુનરાવર્તન (Repetition)

સફળતા માટેની કોઈ પણ આદતને વિકસિત કરવી હોય અને તેના લાભદાયક પરિણામ જોવા હોય તો તે આદતને રોજેરોજ નિયમિત રીતે કરવી જરૂરી છે. જેમ રોજ બ્રશ કરીએ છીએ, નાહિએ છીએ તેવી જ રીતે રોજ કોઈ ક્રિયાને કરવાથી તેને આપણું સબ કોન્સિયસ માઈન્ડ (મન) સ્વીકારી લે છે અને તેનું ઇચ્છિત પરિણામ આપવાનું શરૂ કરી દે છે. 

શરૂઆતમાં ભલે થોડી તકલીફ પડે, આળસ આવે તેમ છતાં સતત કરતા રહેવાથી તેનું ફળ મળશે જ તે નક્કી છે. મોટાભાગના લોકોની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે સાતત્ય (Consistency) નો અભાવ.

4- બુધ્ધિ (Intellect)

“કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઉભેલો રથ, જેમાં જે ઘોડા રથને ખેંચી રહ્યા છે તે છે પાંચ ઇન્દ્રિયો, તેના પર સવાર અર્જુન એટલે મન અને તેનું સંચાલન કરનાર શ્રીકૃષ્ણ એટલે બુદ્ધિ”

મન જ્યારે વિક્ષિપ્ત થાય છે, મન જ્યારે મૂંઝવણમાં મુકાય છે, મનમાં જ્યારે વિષાદ (ડિપ્રેશન) પેદા થાય છે ત્યારે બુદ્ધિ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ જલ્દી મળી શકે છે. પરંતુ જો મનમાં ઉઠતા આવેગો ને વશ થઈને નિર્ણય લઈ લેવાય તો કદાચ સમસ્યાઓમાં વધારો થઈ શકે છે.

આપણા અંદર ઉઠતી ભાવનાઓ અને સંવેદનાઓનું ઉત્પત્તિ કેન્દ્ર મન હોય છે. જેમાં તણાઈને મોટેભાગે આપણે એકદમ થી દુઃખી કે એકદમ થી ખુશ થઈ જઈએ છીએ.

ટૂંકમાં આપણું સુખ અને દુઃખ બાહ્ય પરિસ્થિતિઓને આધીન રહે છે.

શ્રી કૃષ્ણ ભગવાને જે માનસિક સ્થિતિને સ્થિતિપ્રજ્ઞતા કહી છે, જેમાં સુખમાં વધુ ખુશ ન થઈ જવું અને દુઃખમાં વધુ દુઃખી ન થઈ જવું તે આપણી બુદ્ધિ દ્વારા નિર્મિત થતી પરિસ્થિતિ છે.

જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે બુદ્ધિ કાંઈ બજારમાં વેચાતી મળતી નથી, તેના માટે જ્ઞાન લેવું પડે છે. જે જ્ઞાન મેળવવા માટે આજના સમયમાં ઘણા બધા સ્ત્રોત ઉપલબ્ધ છે. (એ વાત અલગ છે કે આપણે આ સોર્સિસ નો સાચો ઉપયોગ કરી શકતા નથી)

આજકાલ ભલે સાચા ગુરુ ન મળે પણ ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી આપણે જુદા જુદા વિષયના ઘણા બધા ગુરુઓ થકી જ્ઞાન મેળવી શકીએ છીએ. જેમાં ખાસ વાતનું ધ્યાન એ રાખવું કે કોઈપણ વાતનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ, જાણી તપાસીને જાત અનુભવે જ્ઞાનને સાર્થક કરવું હિતાવહ છે.

શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા જણાવેલા ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાનયોગના આ ત્રણેય માર્ગ ઈશ્વર પ્રાપ્તિના છે. અહીંયા ઈશ્વર પ્રાપ્તિ એટલે કે મુક્તિ અને મુક્તિ એટલે…

જીવનના અનેક ડરથી મુક્તિ

અજ્ઞાનથી મુક્તિ 

અંધશ્રદ્ધાથી મુક્તિ 

આસક્તિઓથી મુક્તિ 

મુક્તિ એટલે પરમ આનંદ.

“જીવનમાં મળતી દરેક સફળતાનો આખરી હેતુ તો આનંદ જ છે.”

Lifeline Wellness

Arvindsinh Rana

Counselling Psychologist

Call Now for Appointment