“હેપ્પી મેરેજ લાઇફ” (Happy Marriage Life) આ શબ્દ વાંચતા જ કેટલાક લોકોને હસવું આવશે, લાગશે કે આ બધી કપોલ કલ્પિત વાતો હોય છે. તો વળી કેટલાક લોકોની આંખ સામે વેવલા પ્રેમ ભર્યા દ્રશ્યો ઊભા થશે.
વાત જોકે વ્યાજબી પણ છે કારણ કે, સમાજમાં લગ્ન વિષયની ધારણા કાં તો વાહિયાત જોક્સ દ્વારા, કાં તો કોઈના દુઃખદ લગ્નજીવનની એક તરફી કહાની દ્વારા અને કાં તો ફિલ્મો અને સીરીયલોમાં બતાવવામાં આવતી પાયા વિહોણી અતિશયોક્તિ ભરેલી સ્ટોરી દ્વારા ઊભી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં આવતો દરેક ત્રીજો મેસેજ કે રિલ્સ મેરેજ લાઇફ પર નકારાત્મક કટાક્ષ કરતો જોવા મળે છે.
શું ખરેખર મેરેજ લાઇફ આટલી નકારાત્મક છે? અરે, હોય તો પણ શું આ રીતે આટલી મજબૂત અને જરૂરી વ્યવસ્થાને આપણે ખરેખર સુંદર બનાવી શકીશું?
આગલી પેઢીને આપણે શું આપીને જઈશું?
એક સાઇકોલોજીસ્ટ તરીકે ના અનુભવને આધારે કહું તો, નવી પેઢી લગ્ન વિશે ઘણી બધી નકારાત્મક માન્યતાઓ ધરાવે છે. જે તેને જોયેલી સાંભળેલી કે અનુભવેલી છે. તેમના માટે લગ્ન એ ઉત્સવ નહિ પણ, એક જોખમ વધુ લાગવા લાગ્યું છે. ચિંતા ની વાત એ છે કે દુનિયાના ઘણા બધા ભાગોમાં લગ્ન વ્યવસ્થા તૂટવા લાગી છે. તેની જગ્યાએ લઈ રહ્યા છે વિકૃત સંબંધો, સગવડિયા સંબંધો કે પછી ટેમ્પરરી એક્સપરિમેન્ટલ સંબંધો (હંગામી પ્રયોગાત્મક સંબંધો).
હવે મેરેજ લાઇફ કે રિલેશનશિપ ના બીજા એક પાસા વિશે વાત કરીએ.
જેમ સો કેસમાં વસ્તુઓ સુંદર રીતે સજાવીને મૂકવામાં આવે છે પરંતુ ગોડાઉનમાં તે જ વસ્તુઓ ગમે તેમ મૂકેલી હોય છે તેવી જ રીતે બહારની દુનિયા સામે પ્રદર્શન કરવામાં આવતી મેરેજ લાઇફ અને બેડરૂમમાં કે ઘરમાં રહેલી મેરેજ લાઇફ વચ્ચે આ જમીનનો ભેદ જોવા મળે છે. જો સોશિયલ મીડિયામાં બહારની દુનિયા સાથે શેર કરવામાં આવતી મેરેજ લાઇફ હકીકતમાં હોય તો સમસ્યા જ ન રહે પરંતુ દુઃખની વાત એ છે કે તે ફક્ત પ્રદર્શન પૂરતી સીમિત છે.
જેવી રીતે આઈ ફોન વાપરવા કરતા બતાવવાની મજા વધારે હોય છે, તેવી જ રીતે જે મેરેજ લાઇફ ખરેખર માણવાની હોય છે તેના કરતાં વધારે પ્રદર્શન કરવાની પણ એક વેવલી મજા લોકો ધરાવે છે. કદાચ આપણને મેરેજ લાઇફ સારી બનાવવા કરતા, સારી બતાવવામાં વધુ રસ છે. જે મારા મતે એક નબળી માનસિકતા દર્શાવે છે.
સ્વાદ વગરની વાનગીનું ગમે તેટલું સુંદર ગાર્નિશિંગ (સજાવટ) કરી લો આખરે તો તે બે સ્વાદ જ રહેશે.
નવી પેઢીના પ્રી વેડિંગ સૂટથી લઈને હાલની 30 વટાવી ચૂકેલી પેઢીના સોશિયલ મીડિયા પોસ્ટ અને સ્ટેટસ મોટે ભાગે તો સ્વાદ વગરની વાનગી પર કરેલું ગાર્નીશિંગ જ જણાય છે.
તો ચાલો, આપણે આ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા કેટલાક ખરેખર વ્યવહારુ અને જરૂરી રેસિપી વિશે વાત કરીએ. જો આ સામગ્રીઓ આપણા લગ્ન જીવનમાં હોય તો તેને ખરેખર “હેપ્પી મેરેજ લાઇફ” (Happy Marriage Life) કહી શકાય.
1) એકબીજાનું કામ કરવાનો આનંદ (Helping each other)
આપણે એવા લોકો છીએ જે રામ અને સીતાને આદર્શ માનીએ છીએ તેમની પૂજા કરતા થાકતા નથી પરંતુ જ્યારે વ્યવહારમાં તેમના જેવો પ્રેમ કે સમર્પણ બતાવવાનું હોય ત્યારે લાગે છે કે ભગવાન તો ફક્ત પૂજા પાઠ કરવા માટે હોય. આપણા જીવનને સુખી બનાવવાની જવાબદારી તો ભગવાનની છે આપણી નહીં.
હમણાં એક વિદેશમાં વશતું ભારતીય ક્લાયન્ટ કપલ લગ્ન પહેલાં મારી સાથે કન્સલ્ટ કરવા માગતું હતું. જેમની વાતો સાંભળી મને લાગ્યું કે આ લોકો લગ્ન કરવા માટે નહીં પણ કોઈ પાર્ટનરશીપ વાળી કંપની શરૂ કરવા માંગે છે.
ઘરના અને બહારના કામની જીણવટ ભરી વહેંચણી. જેમ કે,બાળક કરવું કે નહિ? કરવું તો તેના ઉછેરની જવાબદારી, ઘરની સાફ-સફાઈ, જમવાનું બનાવવું કે તૈયાર લાવવું? વાસણ કપડા કરવાના કામની વહેચણી વગેરે સામેલ હતું.
એ વાત સાચી તે લગ્નને સહિયારી જવાબદારી છે પરંતુ શું તેને આ હદે પ્રોફેશનલ અને કેલ્ક્યુલેટેડ બનાવવી જોઈએ? આવા સમયે આપણા રામ સીતા ક્યાં જાય છે!
ઘણી પત્નીઓ કે પતિઓ કાયમ એવા બળાપા ઠાલવતા હોય છે કે
મોટાભાગની જવાબદારી મારા પર જ છે..
કામનો બહુ લોડ છે..
બસ હું જ કરું છું.. વગેરે.
જો એકબીજાનું કામ કરવામાં આપણું પદ નીચું થઈ જતું હોય…
જો એકબીજાનું કામ કરવામાં થાક લાગતો હોય…
જો ફક્ત પતિ કે પત્ની સિવાય બીજા કુટુંબીજનો ના કામ કરવામાં અણગમો થતો હોય તો, મને લાગે છે કે, હજી આપણે લગ્ન કરવાની મેચ્યોરિટી (પરિપક્વતા) ધરાવતા નથી.
હેપ્પી મેરેજ લાઇફની (Happy Marriage Life) એક નિશાની છે એકબીજાના કામ કરવાનો આનંદ.
કેવી રીતે મારું કામ તેના ચહેરા પર ખુશી લાવી શકે!
કેવી રીતે અમે એકબીજાના પરિવારોના વ્યવહારોને હસતાં ચેહરે સાચવી લઈએ!
આ પ્રકારની ભાવના હોવી એ ખરા અર્થમાં હેપ્પી મેરેજ લાઇફની નિશાની છે.
2) હાસ્ય અને વાતો (Talk and Laughter)
મારા મતે એક સફળ અને ખુશ લગ્નજીવન માટે બંને એ પતિ-પત્ની મટીને મિત્રો બનવું જરૂરી છે. કારણ કે પતિ પત્ની જેવા ટેગ માં એક સામાજિક ભાર છે, એક સિરિયસ નેસ જણાય છે. જ્યારે મિત્રતા ભાર વગરની હોય છે. તેમાં ઘણી બધી વાતો અને પુષ્કળ હાસ્ય હોય છે. આપણે મિત્રો સાથે ઘણી બધી વાતો કરીએ છીએ, મજાક મસ્તી કરીએ છીએ, પરંતુ આપણા પાર્ટનરને એટલા લાયક નથી સમજતા કે તેની સાથે ખુલ્લા મને વાતો કરીએ અને હસી મજાક કરીએ.
જે લગ્ન જીવનમાં ખાટા મીઠા જોક્સ ન હોય, એકબીજા પર કરવામાં આવતી નટખટ મજાક ન હોય,પાર્ટનર દ્વારા પોતાના પર કરાતી ટિપ્પણીને હળવાશથી ન લઈ શકતા હોય તે લગ્ન જીવન બોરિંગ બનતું જાય છે.
જે પતિ પત્ની એકબીજા સાથે વાતો કરવાનો સમય નથી કાઢતા, તેમણે પછી બીજા લોકો સાથે વાતો કરવી પડે છે.
મને મળવા આવતા મોટાભાગના લોકોની એક કોમન ફરિયાદ છે કે તેમના પાર્ટનર તેમની સાથે ખુલીને પૂરતી વાતો નથી કરતા કે તેમની વાત ધ્યાનથી નથી સાંભળતા.
હાસ્ય અને વાતો બંને વચ્ચેની મિત્રતાને ગાઢ બનાવે છે.
જેની જગ્યાએ અત્યારે તો, નાની નાની વાતનું ખોટું લગાડવું, સંભળાવી દેવું, વાતોના નામે વાદવિવાદ અને ફક્ત કામ પૂરતી વાત.
પતિઓ કહે છે કે નોકરી ધંધામાંથી સમય નથી મળતો, પત્ની કહે છે કે ઘરકામ બાળકો (અથવા નોકરી) માંથી સમય નથી મળતો.
જ્યારે આવા જ લોકોને કોઈ ત્રીજી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય છે કે અફેર થાય છે, ત્યારે તે જ વ્યક્તિ બધું પડતું મૂકીને તેના પર સમય લૂંટાવે છે. આ એક વહરી વાસ્તવિકતા છે.
3- અંગ ચેષ્ટાઓ (Physical Flirting)
સ્ત્રી અને પુરુષ વચ્ચે એક કુદરતી આકર્ષણ રહેલું છે. તેમાં પણ સૌથી પ્રબળ આકર્ષણ છે શારીરિક આકર્ષણ. જ્યાં સુધી આ શારીરિક આકર્ષણની પૂર્તિ સમયાંતરે થતી રહેતી નથી, ત્યાં સુધી બંનેની અંદર એક ઉચાટ, એક ઉત્તેજના, એક અજંપો રહ્યા કરે છે.
જો કે અહીંયા ફક્ત સેક્સ વિશે વાત નથી.
એકબીજાના હાથ પકડવાથી માંડીને ખભે હાથ મૂકવો, ઘરમાં ફરતા ફરતા શરીરે સ્પર્શ કરવો, આલિંગન (હગ) કરવું, ચુંબન કરવું, ખોળામાં માથું મૂકવું, એકબીજાના શરીરને મસાજ કરવી આ તમામ અંગ ચેષ્ટાઓ શારીરિક આકર્ષણને તૃપ્ત કરનારી છે. આમાંથી કોઈપણ ચેષ્ટા રોજે રોજ થવી જરૂરી છે.
સમાજ વ્યવસ્થાના ભાગરૂપે આ શારીરિક આકર્ષણને તૃપ્ત કરવા માટે આ એક જ સંબંધ માન્યતા ધરાવે છે અને તે છે પતિ પત્ની નો સંબંધ, એટલે કે લગ્નજીવન.
હાલના સમયમાં સોશિયલ મીડિયા માં અપડેટ કરવા માટે જે પોઝ માં ફોટોસ લેવામાં આવે છે, શું આ પ્રકારના પોઝ કે શારીરિક સ્પર્શ ઘરમાં બંધ બારણે ફોટા સિવાય પણ રોજે રોજ કરવામાં આવે છે?
કોઈ સારા લોકેશન પર સરસ રીતે એકબીજાને જકડીને જે ફોટો માટે પોઝ આપવામાં આવે છે, શું આ ઘરમાં પણ કરી શકો છો?
જે રીતે એક રોમેન્ટિક પોઝ માટે એકબીજાની આંખોમાં જોતા ફોટો પડાવી એ છીએ, તેવી રીતે ઘરના સોફા પર કે બેડ પર અચાનક આંખો મળતા આ રીતે તાકી રહીએ છીએ?
જે ટુ વ્હીલર પર એકબીજાને અડીને ચપોચપ બેસીએ છીએ, તેવી રીતે શું ઘરના સોફા પર બેસીએ છીએ?
આ બધી જ અંગે ચેષ્ટાઓ જો રોજિંદા જીવનમાં ઘરના બંધ બારણા માં રોજેરોજ બનતી હોય તો આપણા લગ્ન જીવનની 90% સમસ્યાઓનો ઉદભવ જ અટકી જાય છે.
4- એકબીજા માટેના શબ્દો ( Words for each other)
અગાઉ વાત કરી તેમ લગ્નજીવન માટે કહેવાતા બાલિશ અને વાહિયાત જોક્સ એ લગ્નજીવનનું અને પતિ પત્નીના સંબંધોનું અપમાન છે. જે સંબંધો પર દુનિયાનું ભવિષ્ય પેદા કરવાની જવાબદારી છે તેને નકારાત્મક, પીળાદાયક અને ભારરૂપ ચીતરવા એ પોતાના પગ પર જ કુહાડી મારવા જેવું છે.
હેપ્પી મેરેજ લાઇફની (Happy Marriage Life) એક નિશાની એટલે પતિ પત્ની દ્વારા એકબીજા પ્રત્યે પ્રેમ-લાગણી અને પ્રોત્સાહિત કરતાં શબ્દો.
જે પતિ પત્ની ઘરની અંદર અને જાહેરમાં બીજા લોકોની હાજરીમાં પણ એકબીજાના વખાણ કરી શકે કે પ્રોત્સાહિત કરી શકે તો તે એક હેપ્પી મેરેજ લાઇફની નિશાની છે.
જેના બદલે જો વાતે વાતે એકબીજાને ઉતારી પાડવા.
તને / તમને તો કંઈ ખબર જ પડતી નથી.
તમે / તમને આમાં સમજ ન પડે. તારા / તમારામાં બુદ્ધિ જ નથી.
હું તો તારા / તમારાથી કંટાળી ગયો / ગઈ છું.
આ પ્રકારના શબ્દોથી લગ્નજીવનમાં કોઈ દિવસ ખુશીઓ આવી ન શકે.
ભૂલથી પણ એકબીજા વિશે ઉતરતા નબળા શબ્દોનો પ્રયોગ પોતે પણ ન કરવો કે બીજાને પણ ન કરવા દેવો જોઈએ.
5- પુરુષથી પ્રભાવિત સ્ત્રીને સન્માન (Impressed and Respect)
સુખી લગ્ન જીવનનું એક સનાતન સત્ય સમજી લેવા જેવું છે કે જે પતિ થી તેની પત્ની ઇમ્પ્રેસ ન હોય કે પતિ તેને ઇમ્પ્રેસ ન કરી શકે અને જે પત્ની ને તેનો પતિ માન નથી આપી શકતો કે પત્ની માનને લાયક નથી બની શકતી તે ખરેખર લગ્ન લાયક પરિપક્વતા ધરાવતા નથી. તે પતિ પત્નીમાં સામાન્ય જ્ઞાન (Common Sense) નો અભાવ છે તેમ કહી શકાય.
કારણ કે આ સંબંધ ના પાયામાં આકર્ષણ, સંગાથ, સહકાર જેવા તત્વોની જરૂર હોય છે. જેમાં પતિ તેની પત્નીની પસંદગી અને જરૂરિયાત મુજબ પોતાની જાતને વિકસિત કરવાના પ્રયત્નો કરે અને પત્ની પોતાના પતિની પ્રકૃતિ અને જરૂરિયાત મુજબ પોતાના વ્યક્તિત્વના ગુણ કેળવી શકે તો જ સંબંધ પૂર્ણ કક્ષાએ ખીલી શકે.
તેમાં પ્રેમ પાંગરી શકે.
તેમાં ઉષ્મા જળવાઈ રહે.
તેમાં આકર્ષણ અકબંધ રહે.
છેલ્લે ફરી એકવાર સમજી લઈએ કે સ્ત્રી પુરુષથી પ્રભાવિત હોવી જોઈએ અને પુરુષને સ્ત્રીને માન આપવાનું મન થવું જોઈએ.
Arvindsinh Rana
Counselling Psychologist
તાજેતરની પોસ્ટ્સ
- આ 4 વસ્તુ થી તમે પણ કરી શકો છો તમારા મન પર કાબુ | ભગવદ્ ગીતા ની સાયકોલોજી
- કોઈ પણ ક્ષેત્રે મળશે સફળતા, જો ભગવદ્ ગીતા ની આ વાત સમજી લીધી | By Arvindsinh Rana
- શું તમે જીવનમાં વધુ પૈસા ને આકર્ષવા માંગો છો?
- સારી ટેવ પાડવા શું કરવું !
- સસ્ટેનેબલ હેપ્પીનેસ – The Real Happiness (નિર્મળ-ટકાઉ આનંદ)
- જીવનની સમસ્યાઓ ઘટાડવા શાસ્ત્રોમાં જણાવી છે આ 4 બાબતો | By Arvindsinh Rana
- તમારું જીવન કોણ ચલાવે છે? ” પ્રેમ કે ડર ” | જાણો આ 5 મુદ્દાઓ ની મદદ થી | By Arvindsinh Rana
- શ્રી કૃષ્ણ એ અર્જુનને જણાવેલી એક મહત્વની વાત – જે જાણવાથી આપણને પણ થશે લાભ | By Arvindsinh Rana
- તમારા જીવનને કોઈ નિયંત્રિત કરી રહ્યું છે! કોણ ચલાવે છે માણસને!
- આ 6 બાબતો કરે છે તમારા જીવન નું ઘડતર
4 Responses
[…] આ છે હેપ્પી મેરેજ લાઈફ ની 5 નિશાનીઓ | Happy Ma… […]
[…] આ છે હેપ્પી મેરેજ લાઈફ ની 5 નિશાનીઓ | Happy Ma… […]
[…] આ છે હેપ્પી મેરેજ લાઈફ ની 5 નિશાનીઓ | Happy Ma… […]
[…] આ છે હેપ્પી મેરેજ લાઈફ ની 5 નિશાનીઓ | Happy Ma… […]