આપણે બીમાર કેમ પડીએ છીએ! | By Arvindsinh Rana | Health – 2

હવે જ્યારે આપણે સ્વાસ્થ્યનું મહત્વ સમજી ચૂક્યા છીએ ત્યારે, તેના વિશે વધુ એક સ્ટેપ આગળ વધીએ.

Table of Contents

અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એક સ્વસ્થ શરીરને અસ્વસ્થ કરતા મુખ્ય પરિબળો કયા કયા છે, એટલે કે આપણા શરીરમાં બીમારી પેદા કઈ રીતે થાય છે!

એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સ પણ આપણા શરીર વિશે ફક્ત ત્રણ થી ચાર ટકા સુધી જ જાણે છે. જોકે મને લાગે છે કે મોર્ડન મેડિકલ સાયન્સ કરતા પણ વધારે આપણું આયુર્વેદ માનવ શરીરને સમજી શક્યું છે.

જો આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે વાત કરીએ તો, શરીરમાં જ્યારે વાત પિત્ત અને કફ દોષનું અસંતુલન સર્જાય છે, ત્યારે શરીરમાં કોઈને કોઈ બીમારી પેદા થાય છે. કારણ કે દરેક માણસના શરીરમાં આ ત્રણેય દોષોનું પ્રમાણ વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. તેમના પ્રમાણમાં થતી વધઘટ શરીરમાં સમસ્યા પેદા કરે છે.

મેડિકલ સાયન્સ દ્વારા જેના પર ઘણું બધું સંશોધન થઈ રહ્યું છે અને ઘણું બધું સંશોધન કરવાનું બાકી છે તેવું એક કારણ છે “માનસિક સ્થિતિ”. હાલમાં મેડિકલ સાયન્સ પણ સ્વીકારી રહ્યું છે કે આપણી મોટાભાગની (70 – 80%) બીમારીઓનું ઉદગમ સ્થાન સાયકોલોજીકલ (માનસિકતા) છે.

વ્યક્તિગત ધોરણે હું પણ એક સાયકોલોજીસ્ટ તરીકેની પ્રેક્ટિસના આધારે આ વાતની પુષ્ટિ કરી શકું છું કે આપણા શરીરમાં ઉદ્ભભવતા મોટા ભાગના રોગોનું મૂળ આપણી માનસિકતા સાથે જોડાયેલું છે. કદાચ એટલા માટે જ હાલમાં માનસિક સ્વાસ્થ્યનું મહત્વ પણ ખૂબ જ વધી રહ્યું છે.

ત્યારબાદ આપણી બીમારીઓ પાછળનું સૌથી મોટું કારણ છે આપણી જીવનશૈલી (લાઈફ સ્ટાઈલ) આપણે એ સ્વીકારવું જ રહ્યું કે આપણી હાલની જીવનશૈલી જ આપણી દુશ્મન બની રહી છે.

જીવનશૈલી નો અર્થ ખૂબ વિશાળ પરિપેક્ષમાં કરી શકાય છે. જેમાં મુખ્યત્વે ખાન પાન, આપણા કામકાજ નો પ્રકાર, ઊંઘ, કસરત વગેરેનો સમાવેશ થાય છે. જે દરેક વિશે આપણે આગળ વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું.

મને લાગે છે કે મોટાભાગના લોકો યોગ્ય જીવનશૈલી વિશે માહિતી ન હોવાને કારણે જ બીમારીઓને આમંત્રણ આપતા હોય છે. મહદંશે આપણી મેડિકલ વ્યવસ્થા પણ બીમારીના લક્ષણોને જ કાબુમાં રાખવાનો પ્રયત્ન જ કરે છે, નહીં કે તેના ઉદભવ પાછળના કારણો સમજીને તેમાં બદલાવ લાવવાનો.

ઘણા વર્ષોની એકધારી પ્રથા ને કારણે આપણે પણ માની લીધું છે કે બીમારી આવે ત્યારે તેના લક્ષણોને નાબૂદ કરવા. જોકે ઘણીવાર આપણે જાણી જોઈને આંખ આડા કાન કરતા હોઈએ છીએ તેની પાછળનું કારણ આપણું નબળું મન છે.

આપણી બીમારીઓ પાછળનું બીજું એક કારણ છે આપણા જીન્સ જેને આપણે જીનેટીકલ બીમારી કહીએ છીએ તેની પાછળનું કારણ છે આનુવંશિકતા. જીનેટીકલ બીમારી આપણા પૂર્વજો તરફથી આપણને વારસામાં મળી શકે છે.

અત્યાર સુધી વિજ્ઞાન પણ એમ જ માનતું હતું કે જીનેટીકલ બીમારી આપણે રોકી શકતા નથી. પરંતુ તાજેતરની ઘણી બધી શોધો એપી જિનેટિક્સ વિશે વાત કરે છે. જેમાં આપણી આસપાસનું વાતાવરણ અને આપણા વર્તનનો પ્રભાવ આપણા જીન્સ ને બદલી કે મોડીફાઇ કરી શકે છે. જેના દ્વારા જિનેટિકલ બીમારીને ટાળી કે પાછળ ધકેલી શકાય છે.

એપી જિનેટિક્સ વિષય પણ ખૂબ જ ગહન છે તેના વિશે પણ આપણે આગળના પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરીશું.

શરીરને બીમાર કરતું બીજું એક પરિબળ છે બાહ્ય પરિસ્થિતિ. એટલે કે વાયરસ કે બેક્ટેરિયા દ્વારા આપણા શરીર પર થતો હુમલો, જેની સામે લડવા માટે આપણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી પડે છે. જો કે આખરે રોગપ્રતિકારક શક્તિની મજબૂતી કે નબળાઈ બંને આપણી જીવનશૈલી, માનસિક પરિસ્થિતિ તેમજ આનુવંશિકતા પર આધારિત હોય છે.

જો આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો જ આપણે આ વાયરસ કે બેક્ટેરિયા ના બાહ્ય આક્રમણ થી બચી શકીશું, નહીં તો તેના શિકાર બનીને બીમાર થઈ જઈશું. (જે આપણે કોરોના કાળ દરમિયાન જોયું)

ટૂંકમાં કહીએ તો આપણી બીમારી પાછળ ના કારણો માં મુખ્યત્વે આપણી માનસિક પરિસ્થિતિ, જીવનશૈલી, આનુવંશિકતા અને બાહ્ય પરિબળો ( Psychological – Lifestyle – Heredity – External factors) નો સમાવેશ થાય છે. જે બહોળા પરિપેક્ષમાં એકબીજા સાથે જોડાયેલા છે.

જેમાં બાહ્ય પરિબળો અને આનુવંશિકતા ને કારણે બીમારીનું પ્રમાણ ઓછું જણાય છે, જ્યારે જીવનશૈલીની ખામીઓ અને સાયકોલોજીકલ કારણો ને લીધે મોટા ભાગના લોકો બીમારીનો શિકાર બનતા વધુ જણાય છે.

વિશ્વકક્ષાએ સૌથી વધુ જોવા મળતી બીમારીઓમાં હૃદય રોગ, કેન્સર, સ્થુળતા (Obesity) ફેફસાના રોગ, અલ્ઝાયમર, ડાયાબિટીસ નો સમાવેશ થાય છે. તમે જોશો કે આ તમામ બીમારીઓ આપણી જીવનશૈલી અને માનસિકતા સાથે સંકળાયેલી છે.

તો મને લાગે છે કે હવે આપણે સમજી શકીએ છીએ કે જો એક સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવવું હોય તો આપણે જીવનશૈલીની બારીકીઓ સમજવી તેમજ આપણી માનસિકતામાં સુધારા કરવા અત્યંત આવશ્યક છે. ખાસ વાત એ છે કે આ બંને બાબતો આપણા હાથમાં છે. આપણે ખરા મન થી ચાહિએ તો એક સ્વસ્થ જીવનશૈલી અને સંતુલિત માનસિકતા કેળવી શકીએ છીએ.

Lifeline Wellness

તાજેતરની પોસ્ટ્સ

Latest Posts

Call Now for Appointment