આપણે સંતાનોને શું આપવું જોઈએ!

એવું ઘણીવાર કહેવામાં આવે છે કે માનવીની ઇચ્છાઓ અનંત છે. કારણ કે ઇચ્છા દ્વારા મેળવેલી વસ્તુ અથવા વ્યક્તિ પાછળનું પ્રેરક બળ મોહ, લાલસા, આકર્ષણ કે અહમ્ હોય શકે, અને એટલા માટે જ તો એક પછી એક ઇચ્છાઓ જાગૃત થતી રહે છે, જેમાં સંતોષ અને તૃપ્તિ મળતી નથી. પરંતુ જે વસ્તુ અથવા વ્યક્તિ ને પોતાના જીવનમાં મહત્વનું સ્થાન આપવા પાછળનું પ્રેરક બળ જો પ્રેમ રૂપી અંતઃસ્ફુરણા હોય, તો આપણા અંદર એક સંતોષ, શાંતિ અને પ્રેમ નો ભાવ ઉત્પન્ન થતો હોય છે.

એક વિશ્લેષણ કરી જુઓ જે સંબંધો કે વસ્તુઓથી આપણને આત્મ તૃપ્તિ ન મળી હોય, ઘર્ષણ ઉચાટ અને અશાંતિ રહેતી હોય, જરૂર તેની પાછળનું પ્રેરક બળ મોહ,લાલસા, આકર્ષણ કે અહમ્ જ રહ્યું હશે. અને બીજી બાજુ જે સંબંધોમાં આત્મ તૃપ્તિ નો અહેસાસ હોય તે કદાચ દિલમાંથી ક્યારેય ઉતરતા નથી, પછી ભલે તે જીવનમાં હોય કે ન હોય.

  • આટલી પૂર્વભૂમિકા બાદ મુળ મુદ્દા પર આવીએ.

ફેમિલી કાઉન્સેલિંગ માટે આવતા કેસોમાં મોટેભાગે સંતાનો અને માતા-પિતા વચ્ચે ના ઘર્ષણ બાબતના કેસ ખૂબ જ જોવા મળે છે. ભલે તે સંતાન કોઈ પણ ઉંમરનું હોય પરંતુ ઘર્ષણ અને ગેરસમજ તો જોવા મળે જ છે. જનરેશન ગેપ હોવાને કારણે થોડા ઘણા અંશે મતભેદો તો હોઈ શકે.

પરંતુ મોટાભાગના સંતાનો ને તેમના માતા-પિતા (આઉટડેટેડ) જુનવાણી – રૂઢિચુસ્ત લાગે છે. માટે સંતાનો પોતાના જીવનમાં માતા-પિતાની દખલગીરી સહન કરી શકતા નથી.

સામે પક્ષે માતા-પિતાને લાગે છે કે અમે તેને સારું (મોંઘુ) શિક્ષણ આપીએ, ભૌતિક સગવડો આપીએ, તેની દરેક ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરીએ, લાગણી વરસાવી તો પછી કચાસ ક્યાં રહી જાય છે? સંબંધોમાં મધુરતા નથી, અંતર વધતું જાય છે અને ક્યારેક તો અનિચ્છનીય બનાવ પણ બની જાય છે. તો

હવે આપણે સમસ્યા તો સમજી લીધી પણ તેનું સમાધાન શું?

પ્રકૃતિના નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુને પાંગરવા માટે, ખીલવા માટે તેને જરૂરી તત્વોની આવશ્યકતા હોય છે. સંતાન અને માતા-પિતાનો સંબંધ પણ પ્રકૃતિની જ દેન છે, માટે આપણે તેને જરૂરી તત્વો આપવા જ રહ્યા.

તો ચાલો ચર્ચા કરીએ એવા ત્રણ જરૂરી તત્વોની.

૧) સન્માન (Respect)

parenting

દરેક પ્રાણીમાત્રને પોતાની ગરિમા હોય છે. જો તમારા ઘરમાં પાલતુ કૂતરો હશે તો તમને ખ્યાલ હશે કે તેની સાથે જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે તેની પાસે તે જતો નથી. બસ સંબંધોમાં અંતર વધવા ની શરૂઆત અહીંથી જ શરૂ થાય છે. આપણે પણ જાણે-અજાણે આપણા સંતાન સાથે (ભલે તે ગમે તે ઉંમરનો હોય બાળક, તરુણ, કિશોર કે યુવાન) ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોઈએ છીએ. વાતે વાતે ઉતારી પાડવું, બીજા સાથે સરખામણી કરવી, તેના પર ઘાટા પાડવા, જબરજસ્તી પોતાની વાત મનાવવી વગેરે, અને તેની પાછળનો આપણો તર્ક હોય છે કે અમે તો તેના ભલા માટે કહીએ છીએ. પરંતુ “દૂધ ભલે ગમે તેટલું ગુણકારી હોય, પણ જો તેને ઉકળતું દૂધ પીવડાવશો તો મોં દાઝી જશે”.

હા, જરૂર લાગે ત્યારે શિસ્તનું પાલન કરાવો. પરંતુ તેને પણ એક વ્યક્તિ તરીકે સન્માન આપો. જેવી રીતે તમારા મિત્રને, બોસ ને કે અજાણ્યા વ્યક્તિને તમે વાત ગળે ઊતારો છો, તેવી રીતે પોતાના સંતાનના ગળે વાત ઉતારો. જેમાં તેના અભિપ્રાયોને પણ આવકારો.

૨) સમય (Quality Time)

મોટાભાગનાં લોકો ને કહેતા સાંભળ્યા છે કે, અમે તો અમારા બાળક સાથે સમયાંતરે હોટલમાં જમવા, ફિલ્મ જોવા કે હરવા ફરવા જઇએ છીએ. ઠીક છે, પરંતુ સંતાન સાથેના સંબંધો મજબૂત રાખવા માટે તેની સાથે મુક્ત ચર્ચા અને વાર્તાલાપ કરો(શિક્ષણ અને કારકિર્દી સિવાયની). કોઈપણ જાતના શરમ – સંકોચ અને છોછ રાખ્યા સિવાય દરેક વિષય પર તેના વિચારો જાણો, આપણા વિચારો શેર કરો (થોપવા નહીં).

યાદ રાખો જે વિષય પર તમે તેની સાથે વાત નહીં કરો, તે વિષય પર તમારું સંતાન બીજા કોઈ સાથે ચર્ચા કરશે જ, તેમાં બેમત નથી.

ઉપરાંત તેને ગમતી પ્રવૃત્તિમાં, તેના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લો. લેટેસ્ટ ટ્રેન્ડ, ફેશન અને મેન્ટાલીટી જેવા વિષયો પર તેની પાસેથી માહિતી લો. આ થયું સમયનું યોગ્ય રોકાણ.

૩) સ્વતંત્રતા (Liberty)

આપણે જીવનમાં ડગલે ને પગલે સ્વતંત્રતા જોઈએ છે. નોકરી-ધંધામાં, સંબંધોમાં, રાજકીય, આર્થિક અને વ્યક્તિગત સ્વતંત્રતા આપણને પ્યારી છે.

  • તો શું આપણા સંતાનોને પણ યોગ્ય ઉંમરે તેમના નિર્ણયો લેવાની સ્વતંત્રતા ન આપવી જોઈએ?
  • શું આપણને આપણા જીવનમાં કોઇની દખલગીરી ગમતી હતી કે ગમે છે?

હા, જરૂર જણાય ત્યાં માર્ગદર્શકની ભૂમિકા નિભાવી શકાય, નહી કે માલિકની. આપણી જે માન્યતાઓ અને ધારણાઓ છે તે સાચી જ છે, તે કોણે નક્કી કર્યું? આપણું સંતાન આપણા પ્રેમનો અંશ છે, નહીં કે આપણી કોઈ પ્રોડક્ટ નહી.

Call Now for Appointment