સાસરે રહેતી સ્ત્રીનું સમાયોજન | Psychology of Women adjustment by Arvindsinh Rana

સમાજ વ્યવસ્થા ના ભાગરૂપે મોટાભાગે સ્ત્રી લગ્ન બાદ પોતાનું પિયર છોડીને સાસરે રહેવા જાય છે. આ સ્થળાંતર જેટલું જણાય છે એટલું સહેલું નથી હોતું અને હાલના સમયમાં તો તે વધુને વધુ અઘરું બનતું જાય છે.

જે ઘરમાં દીકરીના જન્મથી માંડીને 20 થી 25 વર્ષ વીત્યા છે, તે ઘર એકદમ થી છોડીને નવી જગ્યાએ કાયમ માટે રહેવા જવાનું થાય. ત્યારે પોતાના પિયર થી મળેલા રીત ભાત, ટેવો, ખાનપાન, બોલચાલ, કુટુંબીજનો આ બધું જ બદલાઈ જાય છે. નવા લોકોના સ્વભાવ બોલચાલ વર્તન વગેરે સમજવા પડે છે, તે અનુરૂપ પોતાના વ્યક્તિત્વમાં ચેન્જ લાવવો પડે છે. પોતાની ઘણી ખરી જૂની માન્યતાઓ,ટેવો વગેરે બદલવાની તૈયારી પણ રાખવી પડે છે. નહીંતર શરૂઆત થાય છે ઘર્ષણની. એટલે કે અહીં પણ સમાયોજન નું ખૂબ જ મહત્વ છે.

ફરી એકવાર સમજી લઈએ કે “સમાયોજન” એટલે “સમાધાન” નહીં.

ચાલો થોડું વિસ્તારપૂર્વક સમજીએ.

એક સ્ત્રી માટે સાસરીમાં રહેવાના ત્રણ વિકલ્પો હોય છે.

એક ઘર્ષણ અને આક્રમકતા સાથે, જેમાં ઘરના લોકોની ન ગમતી વાત, સ્વભાવ કે વર્તન સામે વિદ્રોહ, નાના-મોટા ઝઘડા, બોલચાલ, કંકાસ અને બંને પક્ષે અશાંતિ હોઈ શકે. છેલ્લે આપણે માનીએ કે બધાને ઠંડા પાડી દીધા.

બીજો વિકલ્પ છે મૂંગા મોઢે હા એ હા કરીને, માથું નમાવીને જે ચાલે છે તે ચાલવા દેવું. અપમાન સહન કરવું, દમન સહન કરવું, બહારથી શાંતિ અને અંદરથી પીડાતા રહેવું. ટૂંકમાં બિચારા બનીને રહેવું.

મારી દ્રષ્ટિએ આ બંને વિકલ્પો વ્યવહાર નથી અને કદાચ સમજણ ભર્યા પણ નથી.

  • હું તો સહન ન કરું..
  • હું તો સંભળાવી દઉં..
  • મારાથી ખોટું સહન ન થાય..
  • મેં મારા પિયરમાં પણ આમ નથી કર્યું.. 
  • કે પછી 
  • મારાથી તો કંઈ બોલાતું નથી.. મારા સંસ્કારો આડે આવે છે.. મારું તો નસીબ જ ખરાબ છે.. વગેરે.
  • આવા દરેક ઉદગારો માનસિક નબળાઈ દર્શાવે છે. તો હવે કરવું શું?

અહીં આવે છે ત્રીજો વિકલ્પ જે છે “સમાયોજન સાધવાનો”.જે એક કલા (Art)છે, આવડત (Skill)છે. જેમાં આસપાસના વાતાવરણને યોગ્ય રીતે સમજીને એવા પગલાં (Action) લેવા જેમાં બંને પક્ષે શાંતિ અને સ્વમાન જળવાય.

એક ભણેલા ગણેલા સમજદાર વ્યક્તિની નિશાની છે કે વિપરીત પરિસ્થિતિ નો તાગ મેળવીને તેમાં પણ પોતે શાંતિથી રહી શકે. 

પરંતુ સમાયોજન એક આવડત છે જેને કેળવવા બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. જોકે હાલના સમયમાં મોટાભાગના ઘરોમાં આ સમાયોજન નો અભાવ હોવાથી સ્ત્રીને સાસરીમાં અનુકૂલન સાધવામાં ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે. જેના જુદા જુદા કારણો હોઈ શકે.

  • જેમકે પિયરના કંફર્ટ ઝોન માંથી બહાર નીકળવામાં સમસ્યા, પોતાના પિયર માં જે સગવડો, અનુકૂળતા અને આઝાદી હતા, તે છીનવાઈ જવાનો ભય કે એક પ્રકારની અસુરક્ષા (Insecurity) ની ભાવના.
  • પિયર પક્ષનો વધુ પડતો પ્રભાવ અને લગાવ, જેના કારણે સાસરી પક્ષની સારી બાબતો ધ્યાનમાં ન આવવી.
  • મોબાઈલ ફોન ને કારણે સતત પિયરના સંપર્કમાં રહેવું ત્યાંની ઝીણી ઝીણી બાબતો જાણીને સાસરી પક્ષ સાથે સરખામણી કરતા રહેવું. 
  • જે જગ્યાએ છીએ (સાસરી) તેની આસપાસનું વાતાવરણ અને વ્યક્તિઓને સમજવા ને બદલે જ્યાં પહેલા હતા (પિયર) તેનો વધુ પડતો સંપર્ક વર્તમાન માં સ્થિર થવા દેતો નથી.
  • સાસરી પક્ષની રોજીંદી નાની મોટી સમસ્યાઓની ચર્ચા પિયર પક્ષમાં કરતા રહેવું, જે ખરેખર આપણા જીવનનો એક ભાગ છે. તેનું સમાધાન પણ આપણી પાસે જ હોય છે. આ ચર્ચાઓને કારણે પિયર પક્ષમાં ટેન્શન અને સાસરી પક્ષમાં અણવિશ્વાસ વધે છે.

આવા તો બીજા અનેક કારણો હોઈ શકે જે સ્ત્રીને સાસરીમાં સમાયોજન સાધવામાં અડચણ બને છે. સાસરી પક્ષની જે પણ નાની મોટી સમસ્યાઓ હોય તેનું નિરાકરણ સ્ત્રી પોતે જ સ્વ-બુદ્ધિ થી કરી શકે છે આ હકીકત જેટલી જલ્દી સમજાય તેટલો વધુ ફાયદો છે. (હા ખરેખર વિકટ પરિસ્થિતિમાં મદદ જરૂર માંગવી જોઈએ)

એક શાંતિ ભર્યું સુખી જીવન જીવવા માટે સાસરી પક્ષના વાતાવરણને અને વ્યક્તિઓને સમજીને તેની સાથે કેવી રીતે અનુકૂલન સાધુ તે સમજવું ખૂબ જ જરૂરી છે.

અહીં કોઈ એ પણ દલીલ કરી શકે છે કે સમાયોજન સામેવાળા એ પણ કરવું જોઈએ, જે ખરેખર આપણા હાથની વાત નથી. જો આપણે સુખ અને શાંતિ જોઈતા હોય તો સમાયોજન એ આપણી જવાબદારી બની જાય છે.

જો આપણે પોતાની જાતને વધુ સમજદાર હોશિયાર કે ભણેલા સમજતા હોય તો સામેવાળા કરતાં આપણી જવાબદારી વધુ છે. કે કેવી રીતે આપણે પરિસ્થિતિને બંને પક્ષે વધુ શાંતિમય અને સુખદ બનાવી શકીએ.

તેના માટે કમ્ફર્ટ ઝોન છોડવો પડે, પિયર પક્ષ પર વધુ પડતી નિર્ભરતા છોડવી પડે, આત્મ નિર્ભર બનવું પડે. સ્વતંત્ર બુદ્ધિ અને નિર્ણય શક્તિ નો ઉપયોગ કરવો પડે.

ખરા અર્થમાં એજ્યુકેટેડ અને મોર્ડન એ છે, જે પોતાની જાતને અને આજુબાજુના લોકોને વધુ શાંતિ અને સુખ આપી શકે.

આપણે જ્યારે એક કર્મચારી (એમ્પ્લોય) તરીકે કામ કરતા હોઈએ છીએ ત્યારે, આપણા સિનિયર કે બોસ ને આપણા કામ અને વ્યવહારથી ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. કંઈ નહીં તો છેલ્લે તેઓ આપણાથી નારાજ ન થાય તેટલા પ્રયત્ન તો જરૂર કરીએ છીએ.

ત્યાં આપણે એ વાત સમજીએ છીએ કે બોસ ખુશ.. તો આપણે ખુશ.. ધીમે ધીમે આપણે શીખી લઈએ છીએ કે આપણા બોસ ને શું જોઈએ છે! તે કેવી રીતે રાજી રહેશે!

તો પછી આ પ્રકારનો અભિગમ આપણે આપણા જીવનને સુખી કરવા કેમ નથી કેળવી શકતા?

જો આપણે શાંતિ જોઈતી હોય સુખ જોઈતું હોય તો આ સમાયોજન ની કલા શીખવી ખૂબ જ જરૂરી છે.

  1. જો વહુને સાસુ માં એક માતા ન દેખાતી હોય તો કાંઈ વાંધો નહીં, તેમને એક બોસ કે સિનિયર તરીકે જુઓ, તેના ગમા અણગમા નું અવલોકન કરો, તેની સારી બાબતોની કદર કરો અને તેને ખુલ્લા મને વખાણો. 
  2. નાની મોટી વાતમાં તેમની પરમિશન અને ઓપનીયન લેતા હોય તેવા પ્રશ્નો પૂછ્યા કરો.
  3. સાસુ કે સસરા ની કોઈપણ વાતનો વિરોધ કે નકાર, તુરંત તે જ સમયે કરવાનો ટાળો. તેના માટે યોગ્ય સમયની રાહ જુઓ.
  4. એક સેલ્સમેન કોઈ પ્રોડક્ટ વેચવા માટે જે રીતે ગ્રાહકને સમજાવે છે, તેવી રીતે પોતાની વાતને સમજાવવાનો પ્રયત્ન કરો.
  5. મોટાભાગની લડાઈ કે વિરોધ વ્યક્તિગત હોતા નથી તે આપણા પોતાના અહમનો ટકરાવ જ હોય છે.
  6. બે વિકલ્પો ધ્યાનમાં રાખો એક જો દલીલ જીતવાનો પ્રયત્ન કરશો તો ટૂંકાગાળાની શાંતિ અને સુખ મળી શકે. અથવા બીજો વિકલ્પ છે જો દિલ જીતવાનો પ્રયત્ન કરશો તો કાયમી શાંતિ અને સુખ મળશે. પસંદગી તમારી છે કારણ કે તમે જે વિકલ્પ પસંદ કરશો જિંદગી તમને તેવું જ ફળ આપશે.

ઉપરોક્ત સૂચનો અજમાવી તો જુઓ બદલાવ જરૂર જોવા મળશે.

 “સમાધાન નહીં સમાયોજન”

 નોંધ – આવતા લેખમાં વાત કરીએ પુરુષોના સમાયોજન વિશે.

Lifeline Wellness

Arvindsinh Rana

Counselling Psychologist

+91 7990725729

www.arvindsinhrana.in

www.lifelinewellness.in

તાજેતરની પોસ્ટ્સ (Recent posts from Arvindsinh Rana)

Call Now for Appointment