આ છે પુરુષો નો સૌથી મોટો દુશ્મન (પુરુષો નું સમાયોજન) | Adjustment Psychology by Arvindsinh Rana

સમાયોજન વિષય પર આપણે અત્યાર સુધીમાં બાળકોનું અને પરણીને સાસરે રહેતી સ્ત્રીનું સમાયોજન પર વિસ્તારપૂર્વક વાત કરી.

હવે આપણે પુરુષના સમાયોજન વિશે વાત કરીએ.

સ્ત્રી અને પુરુષની શારીરિક રચના આંતરિક પ્રકૃતિ બંને ના હોર્મોનનું સ્તર, ભાવનાત્મક વિવિધતા અને બીજું ઘણું બધું એકબીજાથી અલગ જોવા મળે છે જેનું કારણ છે ઉત્ક્રાંતિના સમયથી સ્ત્રી અને પુરુષ બન્ને એ અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરેલો છે.

ઉત્ક્રાંતિની આ ઘટનાઓ દ્વારા પુરુષની એક લાક્ષણિકતા ને જન્મ આપ્યો, જે છે સતત કંઈક મેળવવાની કંઈક જીતવાની કંઈક સિદ્ધ કરવાની અને પામવાની વૃત્તિ. 

પુરુષ તેના સમગ્ર જીવન દરમિયાન કંઈક ને કંઈક મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે પોતાની જાતને સાબિત કરવામાં મથ્યો રહે છે.

હજારો વર્ષ પહેલા શિકાર કરવા માટે મોટેભાગે પુરુષો જતા હતા ત્યારે જો પુરુષ શિકાર કરવામાં સફળ જાય તો જ તે પોતાના પરિવાર માટે ખોરાક લઈને પાછો જઈ શકે, ખાલી હાથે જનાર પુરુષ પોતાના પરિવારનું પેટ ભરી ન શકે તો તેનો પરિવાર કદાચ તેની સાથે ન પણ રહે. જેના કારણે પુરુષ પોતાની જાતને નિર્બળ માનવા લાગે.

કાળક્રમે પરિવારની સાથે સમાજ પણ પુરુષોને આ જ નજરથી જોવા લાગ્યો. જેમાં કંઈક મેળવવા વાળા પુરુષો સફળ અને બીજા ન મેળવવા વાળા નિષ્ફળ આ એક સામાજિક માન્યતા એ પુરુષની પ્રકૃતિમાં ઊંડી છાપ છોડી છે જે આજ દિન સુધી ચાલી આવે છે.

આજે પણ પુરુષે પોતાના પરિવાર અને સમાજ પર પકડ જમાવી રાખવા માટે કંઈક નું કંઈક મેળવતું રહેવું પડે છે. એક વ્યક્તિ તરીકે પુરુષ ગમે તેટલો સારો હોય, પરંતુ જો તેને કંઈ મેળવ્યું નથી (સન્માન, શક્તિ, સંપત્તિ, સિધ્ધિ) તો તેને ખાસ મહત્વ મળતું નથી.

સતત કંઈક ને કંઈક મેળવતા રહેવાની વૃત્તિ એ કાળક્રમે પુરુષની પ્રકૃતિમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે.

પુરુષ ની પ્રકૃતિ મુજબ કોઈક વસ્તુ કે સિદ્ધિને મેળવવા માટે તે મહેનત તો કરે છે, પરંતુ તે મેળવી લીધા બાદ થોડા સમય માં જ તેના અંદર એવી લાગણી જન્મે છે કે આ તો મળી ગયું હવે શું! 

જે તે વસ્તુ કે સિદ્ધિનો આનંદ લાંબુ ટકતો નથી તેને અટકી ગયા નો ભાવ થાય છે તે ભાવથી પ્રેરાઈને તે વળી પાછો બીજી વસ્તુ કે સીધી મેળવવા તરફ દોરાય છે.

હવે જ્યારે માનવી સતત કંઈક મેળવીને પોતાની જાતને સાબિત કરતો રહે ત્યારે, તેનામાં ઇગો જન્મ્યા સિવાય રહેતો નથી. માટે જ આપણે જોઈએ છીએ કે સમાજમાં મોટાભાગના લોકો જેમણે જીવનમાં કોઈ સ્થાન મળ્યું છે સંપત્તિ મેળવી છે નામના મેળવી છે કે જ્ઞાન મેળવ્યું છે, તેમના વાણી વર્તન કે વ્યવહારમાં અહમ સીધી કે આડકતરી રીતે છલકતો હોય છે. ખૂબ ઓછા લોકો અહમની બાબતમાં અપવાદરૂપે જોવા મળે છે.

તો હવે આપણે સમજી શકીએ છીએ કે પુરુષ માં રહેલો અહમ તેની પ્રકૃતિની દેન છે. જે તેની સૌથી મોટી નબળાઈ છે અને એમ પણ કહી શકાય કે કદાચ કંઈક મેળવવા માટે જે હરિફાઈ કરવી પડે છે, બીજા કરતાં આગળ રહેવું પડે છે. પોતાની જાતને સતત મોટીવેટેડ રાખવા માટે થોડા ઘણા અહમ્ ની જરૂર પડતી હોય!

મહાભારત થી લઈને રશિયા યુક્રેન યુદ્ધ પાછળ નું કારણ ક્યાંક કોઈનો ઘવાયેલો અહમ છે.

જો વાત કરીએ આપણા મૂળ મુદ્દા વિશે એટલે કે “સમાયોજન”. કોઈ પણ પરિસ્થિતિમાં સમાયોજન સાધવા માટે આપણો અહમ નડતરરૂપ હોય છે. પુરુષના જીવનની મોટાભાગની સમસ્યાઓ પણ તેના અહમને કારણે જ ઉદભવતી હોય છે. અહમ પુરુષને જે પ્રકારના વર્તનની આવશ્યકતા હોય છે તે પ્રકારનું વર્તન કરવા કરવા દેતો નથી.

એક પુરુષ તરીકે પોતાના મા બાપ સાથેના સંબંધોમાં, લગ્નજીવન માં, એક પુરુષ તરીકે પોતાના બાળકો સાથેના સંબંધોમાં કે પછી નોકરી વ્યવસાય કે બિઝનેસમાં ઉદભવતી સમસ્યાઓ પાછળ તેના વ્યક્તિત્વનું બ્લોકેજ (અહમ) ખૂબ મોટો ભાગ ભજવે છે. (અહીં કહેવાનો અર્થ એ પણ નથી કે ફક્ત પુરુષના અહમને કારણે સમસ્યા ઉદભવે છે તેના સિવાય બીજા કારણો પણ હોઈ શકે છે.)

આ તો થઈ સમસ્યા વિશેની વાત પણ તેનો ઉકેલ શું! 

અહીં જણાવેલી કેટલીક વ્યવહારુ બાબતોને સમજવાથી અને તેણે જીવનમાં અપનાવવા થી લાભ જરૂર થઈ શકે છે.

  • જે પ્રેમિકાને મેળવવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું હોય તે પત્ની સ્વરૂપે મળી જતા શું તેનું મહત્વ ઘટી જાય છે? જો હા! તો કેમ? વિચારવું જોઈએ અને તે પણ સામેવાળા નો વાંક જોયા પહેલા.
  • જો કોઈ પારિવારિક, સામાજિક, આર્થિક, શારીરિક કે માનસિક સમસ્યા ઉદભવી છે, તો શું તેની પાછળ આપણી કોઈ નબળાઈ તો જવાબદાર નથી ને!
  • પુરુષ સિગરેટ, દારૂ, ડ્રગ્સ કે બીજા કોઈ નશા પાછળ ટેન્શન, લત, સંગત ને જવાબદાર માને છે. પરંતુ ખરેખર તે કોઈ નબળાઈ થી મોં સંતાડવા નો ઉપાય હોઈ શકે છે.
  • મોટાભાગના પુરુષો માને છે કે તેની જવાબદારી ફક્ત આર્થિક જરૂરિયાતો પૂરી કરવાની છે, પણ ખરેખર આ ભૂલ ભરેલી માન્યતા છે માટે ઘરની દરેક બાબતોમાં રસ લેવાથી જ એક પુરુષનું માન સન્માન જળવાઈ રહે છે.
  • એક હજાર રૂપિયા રોકડા આપી દેવા એ પ્લાસ્ટિકના ફૂલો આપવા સમાન છે, જ્યારે પાંચસો રૂપિયાની વસ્તુ પોતે ખરીદીને પોતાની પત્ની કે માતા-પિતાને આપવી તે સાચા સુગંધી ફૂલ આપ્યા સમાન છે.
  • સમસ્યાથી ભાગવું સમસ્યાને દબાવવી કે અવગણવા કરતા સમસ્યાને શાંતિથી સમજવી તેનું નામ જ સમાયોજન.
  • પુરુષો એમ સમજે છે કે કોઈની કાળજી લેવી, કોઈની જરૂરિયાતો પૂરી કરવી તે પ્રેમ જ છે, પણ ખરેખર પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો, ભાવના, સ્પર્શ અને સારા સમયનું સ્થાન કોઈ વસ્તુ નથી લઈ શકતી.

તાજેતરની પોસ્ટ્સ

Visit our Website for more useful articles in Hindi & English

Latest Posts

Call Now for Appointment