તમારા પૈસા તમને આનંદ અને સંતોષ આપે છે? જાણો આ 3 રીત – તમને મદદ કરશે.

પૈસા કમાવા અને તેનો સદુપયોગ કરવો તે બંને જુદી જુદી બાબતો છે. આપણે જોઈએ છીએ કે ઘણી વાર લોકો ધન તો ઘણું ભેગું કરી લે છે પરંતુ તેને કઈ જગ્યાએ વાપરવું તે સમજી શકતા નથી. તેના કારણે આખું જીવન આનંદ અને સંતોષ થી દુર રહી જાય છે. તો અહી આપણે પૈસા નાં સદુપયોગ વિશે વાત કરીશું જે આપણા જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકે.

એક ખૂબ જ સામાન્ય સવાલ છે કે આપણે શેના માટે જન્મ લીધો છે? આપણા જીવનનો હેતુ શું છે? આવો જ સવાલ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ એક યુવાને કર્યો હતો કે “જીવન નો મતલબ (Meaning) શું છે?”સામે આઇન્સ્ટાઇનનો ઉત્તર હતો “જીવન નો મતલબ તો ખબર નથી મિત્ર, પણ હા જીવનમાં Meaning આપણે ઉમેરી શકીએ છીએ”.

ઉત્પત્તિ કાળના મનુષ્યના જીવનના બે મહત્વના હેતુ હતા એક ખોરાક અને બીજો સુરક્ષા. પરંતુ માનવી જેમ જેમ વિકાસ કરતો જાય છે તેમ તેમ તેમાં હેતુ ઉમેરાતા જાય છે જેનું લીસ્ટ ઘણું લાંબુ છે. આજનો માનવી પોતાના જીવનનો ઉદ્દેશ શું છે તેના વિશે ઘણી બધી ભ્રમણામા જીવી રહ્યો હોય એવું લાગે છે અને કદાચ આજ કારણથી દુઃખ,નિરાશા, થાક, કંટાળો, નિરુત્સાહ, અજ્ઞાન અને નિસ્તેજતા જીવનમાં વર્તાઈ રહ્યાં છે.

જેના માટે જવાબદાર આપણે પોતે જ છીએ અને વધારામાં કહેવાતા સંત મહાત્મા, ફિલ્મો, મીડિયા અને સમાજ તેને વધુ ઊંધા રવાડે ચડાવે છે. આજના યુવાનોને તેમના Goals વિશે પૂછીએ તો કહેશે ફલાણી નોકરી મેળવી છે અથવા ખૂબ રૂપિયા કમાવા છે, બસ.

આ તો જીવનના નાના-નાના કામ છે જે જીવવા માટે જરૂરી છે. અને તે નોકરી મળી ગયા કે પૈસા કમાવા લાગ્યા પછી શું? એ જ બોરિંગ બીબાઢાળ જિંદગી ઉઠો-ખાવ-કામ કરો- નાના-મોટા વ્યવહાર કરો અને ઊંઘી જાવ, પછી આવે જીવનમાં ઉત્સાહ અને સકારાત્મકતાની કમી.

હવે મુદ્દાની વાત, આ બધું કર્યા પછી એટલી તો ખબર પડવી જોઈએ કે જીવનમાં જેની જરૂર છે તે છે આનંદ (Happiness) અને સંતોષ (Satisfaction). જો આ બે વસ્તુ નથી તો કોઈ પણ નોકરી, પૈસા, પદ, પ્રતિષ્ઠા, સમાજ, ધર્મ વગેરેની કોઈ કિંમત નથી.

તો આનંદ અને સંતોષ ખરેખર ક્યાંથી આવે છે? આજકાલ બનાવટી આનંદ અને ફિલોસોફિકલ સંતોષ વિશે લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટના સ્વરૂપે ઠાલવી રહ્યા છે, પરંતુ અંદરખાને તો જાણે જ છે કે હકીકત શું છે.

        જીવનમાં આનંદ અને સંતોષ મેળવવાનાં ખૂબ જ સાદા અને સરળ માર્ગ વિશે સમજીએ જે શુદ્ધ અનુભવની પેદાશ છે જેમાં કોઈ ઊંચી ઊંચી ફિલોસોફિકલ વાતો કે ચોપડિયા જ્ઞાનનું ભેળસેળ નથી.

સૌપ્રથમ તો માનવીની પ્રાથમિક જરૂરીયાત છે પોતાની પસંદગીનું અનુકૂળ ઘર, વાહન અને આવકનો સ્ત્રોત અને તે આવકમાંથી 20 થી 30 ટકાની ભવિષ્ય માટેની બચત અને રોકાણ બાકીની 70 થી 80 ટકા આવક નો સદુપયોગ વર્તમાન જીવનને સમૃદ્ધ બનાવવા કરવો જોઈએ કારણકે મહત્તમ પૈસા કમાવવા કે ભેગા કરવાથી આનંદ નથી મળતો, પરંતુ પૈસા નો સદુપયોગ કરવાથી જ આનંદ મળી શકે છે.

જેમાં પૈસાના સદુપયોગ ને ત્રણ વિભાગમાં વહેંચીશું.

૧) શરીર માટે :- (For our body)

શરીર એક એવી વસ્તુ છે જ્યાં આપણે સૌથી લાંબા સમય માટે રહેવાનું છે તેનાં જતન માટે ઉત્તમ ખોરાક જેમાં ફળો,ડ્રાયફ્રુટ વિટામિન અને મિનરલ યુક્ત શુદ્ધ સાત્વિક અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ખાદ્ય-પદાર્થો લઈ શકાય.

તદુપરાંત સમ્યક કસરત (Exercise) જેનાથી શરીર સુડોળ રહે, જેમાં વોકિંગ, રનીંગ ,સાઈકલિંગ, સ્વિમિંગ, જીમ અને યોગાસન જે પણ અનુકૂળ હોય તેના માટે સમય કાઢવો અનિવાર્ય છે અને વધુમાં યોગ્ય ડ્રેસિંગ સેન્સ પણ જરૂરી છે. આ દરેક વસ્તુઓ પાછળ કમાયેલા નાણાને ખર્ચવાથી સ્વાસ્થ્ય સુખ મળે છે જેનાથી બીજા સુખને પણ ભોગવી શકાય છે.

૨) ભૌતિક સગવડો માટે :- For Luxury

ચાર દીવાલો વાળા અને ઋતુગત સમસ્યાઓથી રક્ષણ આપે તેને મકાન કહેવાય અને જ્યાં સુખ સગવડો અને શાંતિ હોય તેને ઘર કહેવાય, માટે ઘરને બની શકે તેટલું સુશોભિત અને સ્વચ્છ રાખવું, વધુમાં વધુ સગવડો વસાવવાના પ્રયત્નો કરવા અને તે સગવડો માણવી. ઘરની અંદર બહાર ફુલછોડ લગાવવા. જે એક સકારાત્મક ઉર્જા આપે છે. 

આ બધી નાની નાની લાગતી બાબતો થી ઘરનું વાતાવરણ તો પ્રફુલ્લિત રહેશે જ સાથે સાથે તેની સકારાત્મક અસર આપણા મન પર પણ પડશે અને ઘરમાં સમય વિતાવવો ગમશે જેના કારણે બહાર ઓછું રખડવું પડશે.

૩) સ્વ વિકાસ માટે :- Self Development

આપણે ઘણા લોકો જોઈએ છીએ તેની પાસે પૈસા તો ખુબ છે પણ જીવન નું કોઈ જ જ્ઞાન નથી. આ અજ્ઞાન જ તો દુખ નું મૂળ છે. અજ્ઞાનને દૂર કરવા માટે આપણી માનસિકતા અને માન્યતાઓમાં સુધારા કરવા જરૂરી છે. જેના માટે જીવનમાં સતત શીખતા રહેવું જોઈએ, શીખવાની કોઈ ઉંમર ન હોઈ શકે. ટેક્નોલોજીના જમાનામાં ઘરે બેઠા પણ ઘણું બધું શીખી શકાય છે છેલ્લે કાંઈ નહીં તો નિયમિત રીતે વાંચનની (Reading) ટેવ પાડવી જ જોઇએ.

ઉપરાંત દેશ-દુનિયાને જાણવા માટે પરિવાર અને મિત્રો સાથે પ્રવાસો કરવાથી આપણી માનસિકતા અને માન્યતાઓ બદલવા લાગે છે. જેનાથી વાણી, વર્તન અને વ્યવહારમાં સુધારાઓ કરી શકાય છે અને જો જીવનમાં કોઈ એક શોખ હોય તો તો સોનામાં સુગંધ ભળે. 

આ તમામ બાબતો ના પરિણામ સ્વરૂપે જીવન માં તમામ પ્રકારના ઘર્ષણો, કુટેવો અને મતભેદો દૂર થઈ શકે છે અને ત્યારબાદ સુખના સૂર્યનો ઉદય થાય છે.

માણસને પશુઓથી જુદા પાડી શકે તેવા આ ત્રણ માર્ગો છે, જે આનંદ અને સંતોષ નો સ્ત્રોત છે.

 

Lifeline Wellness 

Arvindsinh Rana 

Counseling Psychologist

Call Now for Appointment