આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે જીવનના દરેક પ્રશ્નનો ઉત્તર ભગવદ્ ગીતામાંથી મળી જાય છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે હજી પણ આ ગ્રંથ ફક્ત પવિત્ર, પૂજ્ય અને પાઠ્ય છે. એટલે કે તેમની આસ્થા સુધી જ મર્યાદિત રહી જાય છે, ખરેખર વ્યવહારું જીવનમાં વણી શકતા નથી.
કારણ કે મને લાગે છે કે ગીતાજી માં રહેલું જ્ઞાન એ ખૂબ ગુઢ છે, ઊંડાણ પૂર્વકનું છે, જેમાં તે એક કથા સ્વરૂપે, સંવાદ સ્વરૂપે અને ભગવાનના ઉપદેશ સ્વરૂપે પ્રગટ થયું છે.
પરંતુ ખરેખર તો તેમાં ફિલોસોફી છે, સાયકોલોજી છે, મેનેજમેન્ટ છે, વિજ્ઞાન છે તેમજ ઉચ્ચ શ્રેણી નું જીવન જીવવા માટેની નીતિમત્તા પણ છે.
તો અહીં આપણે એક એવા જ વિષયની વાત કરીશું જેને હાલના વિજ્ઞાનની શોધો પણ સમજવાનો પ્રયત્ન કરે છે, જે ઘણા મોટીવેશન ના સેમિનારો માં સોશિયલ મીડિયામાં વારંવાર જોવા મળે છે તેવું સફળતાનું વિજ્ઞાન.
ભગવદ્ ગીતાના પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ યોગ વિશે વાત કરી છે જેમાં મન બુદ્ધિ, ચિત અને ઇન્દ્રિયો વિશે વૈજ્ઞાનિક ચર્ચા કરી છે. જેમાં ખરેખર સફળતાનો ફોર્મ્યુલા છુપાયેલો છે. જે આજના માનવી માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.
*મન* (સબ કોન્સિયસ માઈન્ડ)
સૌપ્રથમ વાત કરીએ મનની જેને આધુનિક વિજ્ઞાન સબ કોન્સિયસ માઈન્ડ પણ કહે છે જેના પર અભ્યાસ કરીને પશ્ચિમના લેખકોએ ઘણા પુસ્તકો લખ્યા છે જેમ કે ધ પાવર ઓફ સબ કોન્સિયસ માઈન્ડ, રી પ્રોગ્રામ યોર સબ કોન્સિયસ, બ્રેઈન કેન ચેન્જ યોર લાઈફ વગેરે ..
શ્રીકૃષ્ણ ભગવાને મનની નિર્દોષ અને પાપ રહિત કહ્યું છે. જેનો અર્થ છે મન નથી જાણતું કે શું સારું છે, શું ખરાબ છે, શું સાચું ને શું ખોટું છે. તેને જે પણ પીરસવામાં આવે છે તે તેનો તટસ્થતા પૂર્વક સ્વીકાર કરે છે અને તે મુજબ આપણા જીવનને ચલાવે છે.
એક સાયકોલોજિસ્ટ તરીકે એટલું કહી શકું કે અત્યારના મનુષ્યનું મન તેના પોતાના કાબુમાં નથી જેના કારણે આજના વ્યક્તિના જીવનમાં ઉદ્ભવતી મોટાભાગની સમસ્યાઓનું મૂળ અનિયંત્રિત મન છે.
ચાલો કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ.
દા.ત – તમને પાણીપુરી કે આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ, પરંતુ તમે એ પણ જાણો છો કે પાણીપુરી, આઈસ્ક્રીમ, પીઝા કે બીજી કોઈ આ પ્રકારની વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તેમ છતાં તમારું મન તમને કહે છે કે “ખાઈ લે, મજા આવશે, સારું લાગશે, કોઈક વાર ખાવામાં વાંધો નહીં” (ભલે દર અઠવાડિયે ખાતા હોય).
મન પર કાબુ ન ધરાવતો વ્યક્તિ ભાવનાત્મક રીતે પણ અસંતુલિત હોય છે. કાં તો વધુ પડતી ભાવનાઓ અથવા ભાવના શૂન્ય, બંને મુશ્કેલીઓમાં વધારો કરે છે. વધુ ભાવનાત્મક વ્યક્તિ પોતે વધુ દુઃખી રહે છે, જ્યારે ભાવ શૂન્ય વ્યક્તિ બીજાને વધુ દુઃખી કરે છે.
આપણને ઘણીવાર વિચાર આવતો હોય છે કે, કેવી રીતે કોઈ વ્યક્તિ ગંભીર ગુનો (ચોરી, ખૂન, બળાત્કાર, શોષણ, હિંસા વગેરે) કરી શકતું હશે! કેવી રીતે તેનું મન માનતો હશે! પરંતુ આપણે અગાઉ વાત કરી તેમ મન આ પ્રકારના કોઈ જ ગણિત સમજતું નથી. ગુનેગાર માનસિકતા ધરાવતો વ્યક્તિ સંપૂર્ણ રીતે તેના મન ને હવાલે હોય છે, જેને મોટે ભાગે તેને કરેલા ગુનાઓ માટે સહેજ પણ પસ્તાવો નથી હોતો. આવા વ્યક્તિઓને કોઈ સજાની પણ અસર થતી નથી.
જ્યારે એક સામાન્ય મનુષ્ય પોતાની થતી દરેક નાની મોટી ભૂલ, ખોટું કામ (વ્યભિચાર, ઝઘડો, લાચ – રૂશ્વત, કોઈને કરેલો અન્યાય, આળસ વગેરે) દરેક થી પ્રભાવિત થઈને પોતાના મન ને અપરાધ ભાવથી ભરી દે છે. અને આ જ અપરાધ ભાવ ધરાવતું મન તેને શારીરિક, માનસિક, પારિવારિક કે સામાજિક રીતે દંડ સજા અથવા ફળ આપે છે. જેને આપણે કુદરતનો ન્યાય કહીએ છીએ. એટલે જ તો શ્રીકૃષ્ણએ જ કહ્યું છે કે હું પ્રાણી માત્ર માં બિરાજમાન છું.
અહી અધ્યાય 10 નો બાવીસમો શ્લોક ટાંકું છું.
જેમાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે *”હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઈન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું.”*
હવે મનની બીજી એક વિશેષતા. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે “કર્મ કર ફળની આશા ન રાખ” જેનો અર્થ છે કર્મ કરવું એ આપણા હાથમાં છે અને ફળ તો તેની સાથે જોડાયેલું જ છે.
એ ફળ જે તે કર્મ કરતી વખતે આપણા મનમાં જે ભાવ પેદા થાય છે, તે કર્મ કરવા પાછળનો આપણો ગર્ભિત ઉદ્દેશ શું છે, તેના પર જ આધારિત હોય છે.
આ મનના ભાવ અને ઉદ્દેશ્યો આપણા પોતાના સંપૂર્ણ જગતને પ્રભાવિત કરે છે. દરેક કર્મનું ફળ તુરંત જ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક, પારિવારિક કે પછી આધ્યાત્મિક સ્વરૂપે મળી જાય છે (એ વાત અલગ છે કે તેની અસરો આપણને વહેલા મોડા દેખાતી હોય).
હવે તમે કહેશો કે આમાં તો ક્યાંય સફળતા ના ફોર્મ્યુલા ની વાત નથી. કારણ કે આપણને સફળતાને ફક્ત એક કાર્ય સિદ્ધિ તરીકે જ સમજીએ છીએ. પરંતુ ખરેખર સફળતા એ ચારેય દિશામાં ચાલતી સર્વાંગી પ્રક્રિયા છે. જેને ફક્ત સંપત્તિ, પૈસા, પદ પ્રતિષ્ઠાને આધારે જ ન માપી શકાય.
આમ જીવનના વિવિધ પાસાઓ જેમ કે અભ્યાસ, કારકિર્દી, લગ્નજીવન, સંબંધો, સ્વાસ્થ્ય (શારીરિક અને માનસિક) આર્થિક અને આધ્યાત્મિક દરેકમાં મળતી સફળતા કે નિષ્ફળતા આપણા મન ને (સબ કોન્સિયસ) આભારી છે.
માટે જો મનને નિયંત્રિત કરતા આવડી જાય તો જીવનમાં સફળતાની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે. તમને જો કોઈ વ્યક્તિ શાંત, સુખી, સરળ અને સફળ દેખાય તો સમજી લેવું કે તેનું મન સંપૂર્ણ રીતે તેના કાબુમાં છે
મનને નિયંત્રિત કેવી રીતે કરવું આ સવાલનો જવાબ આપણે આવતા અંકમાં જોઈશું.
Arvindsinh Rana
Counselling Psychologist
તાજેતરની પોસ્ટ્સ
- શું તમે જીવનમાં વધુ પૈસા ને આકર્ષવા માંગો છો?
- સારી ટેવ પાડવા શું કરવું !
- સસ્ટેનેબલ હેપ્પીનેસ – The Real Happiness (નિર્મળ-ટકાઉ આનંદ)
- જીવનની સમસ્યાઓ ઘટાડવા શાસ્ત્રોમાં જણાવી છે આ 4 બાબતો | By Arvindsinh Rana
- તમારું જીવન કોણ ચલાવે છે? ” પ્રેમ કે ડર ” | જાણો આ 5 મુદ્દાઓ ની મદદ થી | By Arvindsinh Rana
- શ્રી કૃષ્ણ એ અર્જુનને જણાવેલી એક મહત્વની વાત – જે જાણવાથી આપણને પણ થશે લાભ | By Arvindsinh Rana
- તમારા જીવનને કોઈ નિયંત્રિત કરી રહ્યું છે! કોણ ચલાવે છે માણસને!
- આ 6 બાબતો કરે છે તમારા જીવન નું ઘડતર
- ડીપ્રેશન થી બચવા માટેનો સૌથી સરળ માર્ગ | Depression
- યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો તો મળશે બમણો લાભ
Nice