આપણે પહેલા ભાગમાં જોયું કે મનુષ્ય એ પ્રકૃતિ અને પુરુષનો અંશ છે. જેમાં સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણો સમાયેલા છે. આ ગુણોનું વધતું ઓછું પ્રમાણ જ તેને ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે, એવું શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનના પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું છે.
અર્જુન દ્વારા પૂછાયેલો આ પ્રશ્ન ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલા વ્યક્તિને પણ જરૂર પજવે છે કે, જો દરેક વ્યક્તિમાં પરમાત્માનો વાસ હોય તો તે ગુનાહિત પ્રવૃત્તિઓ, નકારાત્મક અભિગમ અને કુટેવો વગેરેનું શા માટે આચરણ કરે છે!
હાલના સમયની વાત કરીએ તો આપણામાંના ઘણા લોકો જાણીને પણ ઘણી ભૂલો કરતા હોય છે. જેમ કે વ્યભિચાર, નાની મોટી હિંસા, ઈર્ષા, અદેખાઈ, શોષણ, લોભ, અહંકાર, ક્રોધ, આળસ, વ્યસન વગેરે. હા, પણ એ વાત અલગ છે કે આ બધાં જ દુર્ગુણ આપણને બીજામાં દેખાય છે પોતાનામાં નહીં.
જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓથી પીડિત વ્યક્તિ હંમેશા એવું વિચારતો હોય છે કે તેની સમસ્યાઓનું કારણ બીજા લોકો છે, સમાજ છે, પરિસ્થિતિ છે અથવા છેલ્લે એમ પણ માની લે છે કે પૂર્વ જન્મના કર્મો છે.
પરંતુ શું આ માન્યતાએ આપણી સમસ્યાઓ ઓછી કરી?
ના, કદાચ આપણને વધુ નબળા અને લાચાર બનાવ્યા હશે.
માનવીય જીવનને ઉત્કૃષ્ટ બનાવવા અને તેની દરેક પ્રકારની સમસ્યાઓના સમાધાન આપણા શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ધર્મ ગ્રંથોમાં સમાયેલા છે. તેમ છતાં માનવીય વૃત્તિઓ પ્રવૃત્તિઓ પર તેનો પોતાનો કાબુ થઈ શકતો નથી. જાણો છો શા માટે?
“કારણ કે આપણને ધાર્મિક દેખાવું ગમે છે ધાર્મિક બનવું નહીં”
મોટાભાગના વ્યક્તિઓ તેના બાહ્ય વર્તન, દેખાવ અને વાણી ની વધુ ચિંતા કરે છે. પરંતુ આંતરિક શુદ્ધતા લાવવામાં અસમર્થતા દર્શાવે છે. *આ સમર્થતા અને અસમર્થતા જ તેની સાચી આંતરિક પ્રકૃતિ છે.* જેના વિશે સમજવું ખૂબ જ જરૂરી છે.
તો ચાલો પહેલા આપણે આ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ,રજસ અને તમસ ના લક્ષણો વિશે વાત કરીએ.
1) તમો ગુણ –
આપણી મોટા ભાગની સમસ્યાઓનું મૂળ આપણામાં રહેલા તમો ગુણનું પ્રમાણ છે.
– જે વ્યક્તિમાં તમો ગુણ નું પ્રમાણ વધુ હોય છે તે વ્યક્તિ મોટાભાગે આળસ ધરાવતો હોય છે.
– પોતાના કામને ટાળતા રહેવું.
– વધુ ઊંઘવાનું મન થવું, ઊંઘી લીધા છતાં તાજગી ન અનુભવવી.
– વાતે વાતે ગુસ્સે થવું, ચીડાઈ જવું.
– કોઈપણ જાતના નશા અને વ્યસન તરફ વધુ આકર્ષણ થવું. છોડી ન શકવું.
– બહારના વધુ ચટાકેદાર ભોજન તરફ વધુ આકર્ષણ હોવું, પોતાની જાતને રોકી ન શકવી.
– કારણ વગર રાત્રે મોડે સુધી જાગવું.
– કસરત યોગ જેવી શારીરિક પ્રવૃત્તિઓને ટાળતા રહેવું. ન કરી શકવા માટે કારણો દર્શાવવા.
તમો શબ્દ તમસ પરથી બન્યો છે જેનો અર્થ થાય છે અંધારું એટલે કે આ ગુણ આપણા જીવનમાં પણ અંધકાર લાવે છે. આપણે જીવનભર સમસ્યાઓથી ઘેરાયેલા રહીએ છીએ.
2) રજો ગુણ –
બીજો ગુણ છે રજો, જે રાજસિક શબ્દ પરથી બનેલો છે. રાજસિક શબ્દને ભોગવિલાસ અને ભૌતિકતા સાથે જોડવામાં આવે છે. હાલના સમયમાં રજો ગુણ નું પ્રમાણ ભારતીય સમાજમાં વધી રહી છે.
આપણને ભૌતિક વસ્તુઓનું આકર્ષણ ખૂબ જ વધી રહ્યું છે. વધુ પૈસા, વૈભવી વિશાળ બંગલો, મોંઘીદાર કાર, સોનુ, ચાંદી, ઝવેરાત, વધુને વધુ સંપત્તિ તરફ વધતો મોહ એ રજો ગુણના લક્ષણો છે.
– શ્રી કૃષ્ણએ કહ્યું છે કે લાલસા અને તીવ્ર ઈચ્છાઓ રજો ગુણ માંથી ઉદભવે છે.
– તે પોતાના દરેક કાર્ય, સંબંધો અને વ્યવહારોના બદલામાં ચોક્કસ ફળની આશા વધુ રાખે છે તે પૂરી ન થતા પોતે શોક અનુભવે છે.
– તે પોતાના જીવનની, પોતાની જાતને બીજા સાથે સરખામણી કર્યા કરે છે, જે ઈર્ષાને જન્મ આપે છે.
– સોશિયલ મીડિયામાં પ્રદર્શિત કરાતું પોતાનું સુખ બીજા લોકોમાં કેટલી ઈર્ષા જન્માવે છે, તેના પર તેના આનંદનો આધાર રહેલો હોય છે, જે રજો ગુણની પ્રકૃતિ છે.
– આપણે જોઈએ છીએ કે પોતાની જાત, પરિવારના સભ્યો, મિત્રો, સહકર્મચારીઓ વગેરે પાસે આપણે કેટલીક અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ, કે તેઓ આમ વર્તે, આમ નહીં, આ આપે, આમ બોલે જે અપેક્ષાઓ પૂરી ન થતા દુઃખનો જન્મ થાય છે, જેનાથી ઘણી બધી માનસિક સમસ્યાઓ ઉદભવે છે જેનું કારણ છે આપણામાં રહેલો રજો ગુણ.
– પૈસા કમાવા માટે નૈતિક મૂલ્યોને અવગણવા, પારિવારિક સંબંધોની બલી ચઢાવી,પોતાના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય ને નુકસાન કરવું.
– કાંઈક મેળવવા કે સંપત્તિનું સર્જન કરવામાં હંમેશા અશાંતિ અને અસંતોષ રહેવો, જેથી જરૂરિયાતો પૂર્ણ થતી હોવા છતાં ઈચ્છાઓ પાછળ ભાગતું રહેવું. આ રજો ગુણ યુક્ત પ્રવૃત્તિઓ છે.
– શ્રીકૃષ્ણએ તમો ગુણને રાક્ષસી, રજો ગુણને માનવીય તેમજ સત્વગુણને દૈવીય ગણાવ્યો છે.
તમો ગુણ અને રજોગુણ ને અંકુશમાં રાખીને તેના પર વિજય મેળવ્યા બાદ સત્વગુણનો આપણા અંદર જન્મ થાય છે.
3) સત્વ ગુણ –
સત્વગુણ નું સૌથી પ્રબળ લક્ષણ છે પોતાની ઇન્દ્રિયો પર કાબુ. તેને ખ્યાલ રહે છે કે શું ખાવું, શું ન ખાવું, શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, શું કરવું જરૂરી છે, શું ન કરવું જોઈએ.
– સત્વગુણી વ્યક્તિ ખરા અર્થમાં આંતરિક રીતે શાંત, સ્વસ્થ, સુખી અને સંતોષી હોય છે.
– તે બીજા લોકોના જીવનમાં કંઈક સકારાત્મક ઉમેરો કરતા હોય છે.
– તેને નુકસાનકારક આદતો વધુ આકર્ષતી નથી. ( વ્યસનો, અસ્વાસ્થ્યપ્રદ ભોજન, વ્યભિચાર, વધુ પડતી ઊંઘ)
– સત્વગુણમાં સ્થિત વ્યક્તિની શ્રેષ્ઠ સંપતિ તેનું જ્ઞાન હોય છે.
દરેક વ્યક્તિમાં ઓછા વત્તા પ્રમાણમાં આ ત્રણેય ગુણો જોવા મળે છે. જે તેની વૃત્તિ અને પ્રવૃત્તિ નક્કી કરે છે તેના જીવનમાં રહેલું સુખ દુઃખ, લાભ હાની, સગવડો અને સમસ્યાઓ આ ગુણોના કારણે ઉદભવતી હોય છે. જેમાં ચોક્કસ પ્રકારના ફેરફાર કરીને સત્વ, રજો અને તમો ગુણને સંતુલિત કરી શકાય છે
*જેની ચર્ચા આવતા અંકમાં.*
Arvindsinh Rana
Counselling Psychologist
+91 7990725729
તાજેતરની પોસ્ટ્સ
- તમારા જીવનને કોઈ નિયંત્રિત કરી રહ્યું છે! કોણ ચલાવે છે માણસને!
- આ 6 બાબતો કરે છે તમારા જીવન નું ઘડતર
- ડીપ્રેશન થી બચવા માટેનો સૌથી સરળ માર્ગ | Depression
- યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો તો મળશે બમણો લાભ
- આટલું સમજી લીધું તો ક્યારેય ઊંઘ ની સમસ્યા નહિ થાય | 12 Tips for good sleep
- જીવનનો કોઈ પણ નિર્ણય લેતા પહેલા આ 5 બાબતો સમજાવી જરૂરી છે | How to take Decisions
- પૈસા ની તંગી રહેવાના 5 મુખ્ય કારણો By Arvindsinh Rana
- તમારું Time Management કેવું છે? જાણો આ 6 સવાલો દ્વારા
- હંમેશા ખુશ રહેવા માટે નો ફોર્મ્યુલા શું છે? | Formula of Happiness according to Psychology
- સ્ટ્રેસ દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય | 8 Stress Reliever tips by Arvindsinh Rana
Good