તમે છેલ્લે ક્યારે રડ્યા હતા?
ગઈ રાત્રે મારા દીકરા હર્ષવર્ધને મને એક સવાલ કર્યો, ‘પપ્પા તમે છેલ્લે ક્યારે રડ્યા હતા?’ મેં કહ્યું આમ તો ભાવવિભોર થઈને આંખમાં પાણી ઘણીવાર આવ્યું હશે, પરંતુ જ્યારે મારો એક ખાસ મિત્ર પૃથ્વી પરથી વિદાય થયો હતો ત્યારે ખૂબ જ રડ્યો હતો. ત્યારબાદ મારી પત્ની સાથે આ વિષય પર સંવાદની શરૂઆત થઈ, જે મારો દીકરો ધ્યાનથી સાંભળી રહ્યો હતો. હું પણ તેને રડવા વિશેના તેના ખ્યાલ કે માન્યતાને સ્પષ્ટ કરવા માંગતો હતો. જેથી અમે ચર્ચાનો દોર આગળ વધાર્યો.
જે આ મુજબ હતો.
વિશ્વના દરેક ખૂણે જ્યાં માનવી વસે છે ત્યાં દરેક જગ્યાએ માનવીની અભિવ્યક્તિઓ સરખી જ છે. આ અભિવ્યક્તિઓ આપણે શીખ્યા નથી, પણ તે આપણી અંદર કુદરતી રીતે અવતરી છે. જેમ કે ગુસ્સે થતો દુનિયાનો દરેક માણસ સરખો જ લાગે. તેવી જ રીતે હસવું, ખુશ થવું કે રડવું આ આપણી સહજ અભિવ્યક્તિઓ છે. બાળક પણ જ્યારે માં ના ઉદરમાંથી બહાર આવે ત્યારે પહેલું કામ રડવાનું જ કરે છે. જે પોતે ક્યાંયથી શીખ્યું નથી કે જોયું પણ નથી. ત્યારબાદ જ્યારે તે આપમેળે ખુશ થાય ત્યારે હસવા પણ લાગે છે.
દરેક અભિવ્યક્તિ કુદરતી હોવા છતાં, “રડવા” ની અભિવ્યક્તિને આપણે હજી સુધી સહજતાથી સ્વીકારી શકતા નથી. હજી પણ રડવાને આપણે કમજોરી, નબળાઈ સાથે જોડી રાખ્યું છે. માટે મોટાભાગના લોકો પોતાને રડતા રોકી લે છે કે મોં છુપાવી લે છે અને એમાં પણ ખાસ કરીને પુરુષો સહજતાથી રડી શકતા નથી. કારણકે નાનપણથી જ તેના મગજમાં ઠસાવવામાં આવ્યું હોય છે કે રડવું એ આપણી કમજોરી છે. ધીમે ધીમે પોતાની આ રડવાની અભિવ્યક્તિ પર તે એટલો કાબુ મેળવી લે છે કે તે પોતાની સંવેદનશીલતા ગુમાવવા લાગે છે. જેના દુષપરિણામો ભવિષ્યમાં જોવા મળે છે.
શું કહે છે મેડિકલ સાયન્સ
મેડિકલ સાયન્સ કહે છે કે સ્ત્રી કરતાં પુરુષોને હાર્ટ એટેક વધુ આવે છે. તેનું એક કારણ એ છે કે પુરુષો કરતા સ્ત્રીઓ સરળતાથી રડી શકે છે. કોઈકે કહ્યું છે કે ‘ઇશ્ક, મુસ્ક, ખાંસી ઔર ખુશી છુપાયે ન છુપી કભી’. એટલે કે કોઈની સાથેનો પ્રેમ, ચહેરા પર આવતી મુસ્કાન, કોઈ કારણસર આવતી ખાંસી અને અંદરથી આવતી ખુશી માણસથી વ્યક્ત થઇ જ જાય છે. તેને છુપાવી શકાતી નથી. પરંતુ કાળક્રમે માણસ રડવાનું છુપાવવા સક્ષમ બની ગયો છે. એ નથી જાણતો કે રડી ન શકવું કે રડું ન આવવું તે એક કમજોરી છે નહિ કે કોઈ મજબૂતી ની નિશાની.
સાયકોલોજી ની દ્રષ્ટીએ રડવાનું મહત્વ
હવે જો એક સાયકોલોજિસ્ટની દ્રષ્ટિએ વાત કરું તો, સમય અને સંજોગો પ્રમાણે પોતાની જાતને સહજતાથી અભિવ્યક્ત કરવી તે એક સ્વસ્થ માનસિકતાનું લક્ષણ છે એમ કહી શકાય. બીજી એક વાત, “જે માણસ સરળતાથી રડી શકે છે તે સરળતાથી ખુશ પણ થઈ શકે છે”. મને મળવા આવતા ક્લાયન્ટ્સ માંથી જે વ્યક્તિઓ પોતે રડીને કેબીન બહાર જાય છે, તેમના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી અને શાંતિ જોવા મળે છે. હું પણ કોઈ દિવસ તેમને રડવાથી રોકતો નથી.
આપણી સામાજિક માન્યતાઓ પ્રમાણે હસવાને જેટલું શુભ કે સારું માનવામાં આવ્યું છે તેટલું રડવાને માનવામાં આવતું નથી. પરંતુ જો ખરેખર જોવા જઈએ તો હસવા જેટલા જ (શારીરિક અને માનસિક) સ્વાસ્થ્ય લાભો રડવાથી પણ મળે છે. આપણા પૂર્વજો કદાચ આ વાત બરાબર સમજતા હતા એટલા માટે જ જ્યારે કોઈનું દુઃખદ અવસાન થાય ત્યારે ખાસ પ્રકારની રીધમ અને લહેકા સાથે રડવાવાળી રૂદાલીઓને બોલાવવામાં આવતી. જે છાજિયા લેતી જાય અને રડતી જાય, જેને જોઈને બીજા લોકો પણ (જે રડી ન શકતા હોય કે રડવાનું રોકી રાખ્યું હોય તે) રડવા લાગતા.
શું છે ક્રાયિંગ થેરાપી
સાયકોલોજીની ભાષામાં કહીએ તો ક્રાયિંગ થેરાપી. વિદેશોમાં તો ઘણી જગ્યાએ લાફિંગ ક્લબની જેમ રડવાના ક્લબો પણ ચાલે છે. આપણા ગુજરાતના રાજકોટમાં પણ આ પ્રકારનું એક રડવા માટેનું ક્લબ ચાલે છે જેને લગતો વિડીયો કદાચ તમે સોશિયલ મીડિયા પર પણ જોયો હશે. જ્યાં લોકો રડીને પોતાના મનનો ભાર હળવો કરી શકે છે. માટે આપણે પણ જો એક સ્વસ્થ સમાજ જોઈતો હોય તો રડવા સાથેની બીજી દરેક અભિવ્યક્તિઓને સહજતાથી સ્વીકારવી પડશે. કોઈ રડે તો તેને ચૂપ કરાવવા કરતા તેને રડવા માટે ફક્ત ખભો આપવાથી તે જલ્દી પોતાના દુઃખથી મુક્ત થઈ શકશે.
જેવી રીતે ખડખડાટ હસી ન શકવું એ અહંમની નિશાની છે, તેવી જ રીતે ખુંલીને રડી ન શકવું કે રડું ન આવવું એ પણ અહંમની જ નિશાની છે.
તાજેતરની પોસ્ટ્સ
- “સ્ત્રી-પુરુષ ના સંબંધો” ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!
- આપણે સંતાનોને શું આપવું જોઈએ!
- આળસ – અશક્તિ – અનિંદ્રા નું કારણ શું! જાણો છો? | સ્વસ્થ જીવનશૈલી | અરવિંદસિંહ રાણા – સાયકોલોજીસ્ટ
- “ભારતીય જીવનશૈલી” – જરૂરિયાત કે જૂની પુરાણી વાતો? | By Arvindsinh Rana
- આ 3 વસ્તુ લાવશે તમારા બાળક માં ચમત્કારિક બદલાવ | Parenting Tips by Arvindsinh Rana
- આપણે બીમાર કેમ પડીએ છીએ! | By Arvindsinh Rana | Health – 2
3 Responses
[…] […]
[…] […]
[…] […]