આપણી વર્તમાન સમયની પરિસ્થિતિ એ ભૂતકાળમાં આપણા દ્વારા લેવાયેલા નિર્ણયનું પ્રતિબિંબ છે.
આપણા જીવનમાં નિર્ણયનું મહત્વ કેટલું છે તે દર્શાવવા માટે મને લાગે છે ઉપરોક્ત વાક્ય પૂરતું છે.
જો શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તો આપણે સમજી શકીશું કે, આપણા જીવનના ઘણા નિર્ણયો કુદરતી રીતે લેવાઈ ગયા હોય છે. જ્યારે અમુક નિર્ણયો આપણા વિચારોની ફલસ્તુતિ સ્વરૂપે મળે છે.
કેવી રીતે, ક્યારે અને કયા નિર્ણયો ખરા સાબિત થશે તેની કોઈ બાહેધરી આપી શકાતી નથી. પરંતુ હા, તેમાં જેટલા પ્રમાણમાં આત્મવિશ્વાસનું મેળવણ ઉમેરાય તેટલું આપણા માટે ફાયદાકારક બની શકે છે.
નિર્ણયો શું છે!
જો સાદી સરળ ભાષામાં કહીએ તો આપણા દ્વારા લેવાયેલા નિર્ણયો એ જે તે સમયે કરવામાં આવેલી વિકલ્પની પસંદગી છે. મોટાભાગે આ નિર્ણયો લેવા પાછળનું કારણ આપણા જીવનને વધુ સુખી અને સમૃદ્ધ બનાવવાનું હોય છે. (એ વાત અલગ છે કે ઘણા લોકો બીજાને અડચણરૂપ બનવા કે નુકસાન પહોંચાડવા માટે પણ નિર્ણયો લેતા હોય છે)
જીવનમાં ડગલે ને પગલે આપણી પાસે વિકલ્પ પસંદ કરવાની ચેલેન્જ હોય છે. જેમાં કયા કપડાં પહેરવાથી માંડીને કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા કે નહિ આ બધું જ આવી જાય છે.
નિર્ણયો શેના દ્વારા લેવાય છે?
હવે અહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ નિર્ણયો કેવી રીતે લેવાતા હોય છે.
તો અહીં હું બે રીત વિશે વાત કરું. એક તો જેને આપણે કુદરતી રીતે લેવાયેલો નિર્ણય કરીએ છીએ કે અંતઃસ્ફુરણા કહીએ છીએ તે આપણું સબ કોન્સિયસ લઈ લેતું હોય છે જ્યારે બીજા પ્રકારના નિર્ણયો આપણે ખૂબ જ કોન્સીયસ રીતે લેતા હોઈએ છીએ તેવું જણાય છે.
મોટાભાગના લોકોના જીવનમાં બહુ મોટા અને મહત્વના નિર્ણયો લેવાનું ભાગ્યે જ આવતું હોય છે કે પછી તેઓ જે તે સમયે તેને ખાસ મહત્વ આપતા નથી. માટે આપણને આ કોન્સિયસ કે સબ કોન્સીયસ દ્વારા લેવાયા છે તેના પર વધુ ધ્યાન પડતું નથી.
આપણા નિર્ણયો કેવા હોય છે!
એવું કહેવાય છે કે આપણી દિનચર્યા દરમિયાન આપણે અઢળક નિર્ણયો લેતા હોઈએ છીએ જેને આપણે પસંદગી (Choice) કહીશું. જેમાં કયા કપડાં પહેરવા, શેનું શાક બનાવવું, મોબાઈલ રિચાર્જ કરવા માટે કયો પ્લાન લેવો, બસમાં જવું કે ટ્રેનમાં, રૂમ આજે સાફ કરવો કે કાલે વગેરેનો સમાવેશ થાય છે.
આમ જુઓ તો આ પસંદગી કરવી એ કોઈ મોટી વાત નથી અને આપણા જીવનમાં તેનાથી કોઈ ખાસ મોટો તફાવત પણ પડતો નથી. પરંતુ મારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો તેનો પ્રભાવ આપણા વ્યક્તિત્વ પર જરૂરથી પડે છે. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ.
તમે અનુભવ્યું જ હશે કે આપણે જ્યારે કોઈ ગ્રુપ સાથે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે અમુક લોકો કે વ્યક્તિ જ મોટાભાગનો ઓર્ડર આપતી હોય છે, અને પાછો તે પણ ગૂંચવાયા વગર ઝડપથી. બીજા સાથે આવેલા લોકો પણ તે વ્યક્તિને જ ઓર્ડર આપવા માટે આગ્રહ કરે છે.
આમ તો આ ઘટના સાવ સામાન્ય છે. પરંતુ સાયકોલોજી ની દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રકારની વ્યક્તિમાં
- પોતાના વિચારોની ક્લીયારીટી હોય છે.
- તેનામાં મહદ અંશે લીડરશીપ ક્વોલિટી પણ જોવા મળે છે.
- તે વધુ એક્સ્ટ્રોવર્ટ પણ હોઈ શકે છે.
- આવી વ્યક્તિમાં શરમ સંકોચ પણ ઓછા જોવા મળે છે.
- સામાન્ય કરતાં વધુ આત્મવિશ્વાસ પણ હોય છે.
હવે તમે વિચારો કે મોટા નિર્ણયો લેવામાં કયા પ્રકારના ગુણોની જરૂર પડે છે?
ઉપર જણાવ્યા તે જ તો વળી!
આ નિયમને ભલે આપણે સો એ સો ટકા ન સ્વીકારી શકીએ, પરંતુ મોટાભાગે આવું જ બનતું જોવા મળે છે.
નિર્ણયો લેવા એ શા માટે મહત્વનું છે!
રમતગમત અને કલા ક્ષેત્રે એવું કહેવાય છે કે આપણે જેટલી વધુ પ્રેક્ટિસ કરીશું તેટલું આપણું પર્ફોમન્સ સુધરતું જશે. આ જ નિયમને નિર્ણયો લેવાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે જીવનમાં જેટલા વધારે નિર્ણયો લેવામાં એક્ટિવ રહીશું તેટલા જ સાચા અને સહેલાઈથી નિર્ણયો લઈ શકીશું.
- જેટલા વધુ નિર્ણયો એટલો વધુ અનુભવ.
- જેટલો વધુ અનુભવ તેટલો જ વધુ આત્મવિશ્વાસ.
- જેટલો વધુ આત્મવિશ્વાસ તેટલા નિર્ણયો સાચા અને લાભદાયક સાબિત કરવાની ક્ષમતા.
- હું કાયમ કહું છું કે જો તમે કોઈના વ્યક્તિત્વ નો વિકાસ કરવા માંગતા હોય તો
- તેને વધુમાં વધુ નિર્ણયો લેવા માટે પ્રેરિત કરો.
- તેની સલાહ માંગો.
- તેને નિર્ણયો લેવા જ પડે તેવું વાતાવરણ પેદા કરો.
- તેના બદલે તમે નિર્ણય ન લો.
જો આપણે આપણા બાળકોને નાના નાના નિર્ણયો લેવાની આઝાદી નહીં આપીએ તો તેઓ નિર્ણય લેવાની પ્રક્રિયાને નહીં સમજી શકે. તે નિર્ણય લેવાના પ્રેશરને નહીં અનુભવી શકે. જે તેના સર્વાંગી વિકાસ માટે બાધા રૂપ બનશે અને જ્યારે તેને જીવનમાં મહત્વના નિર્ણયો કરવાના આવશે ત્યારે તે બીજા પર નિર્ભર રહેશે કે પછી લાચાર અને મૂંઝાયેલા રહેશે. જેનાથી તેના નિર્ણયો ઉપર તેને આત્મવિશ્વાસ નહીં આવે અને અંતે તેને સતત તેના નિર્ણયો પર શંકા થતી રહેશે.
ફક્ત બાળકો જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ તેના જીવન સાથે જોડાયેલા નિર્ણયો કરવામાં પોતાનું યોગદાન આપતા રહેવું જરૂરી છે.
- જે વ્યક્તિ નિર્ણય નથી લેતી તે ધાર વગરની તલવાર જેવી થઈ જાય છે.
- આપોઆપ તેની સામાજિક કિંમત પણ ઘટતી જાય છે.
- પછી એક સમયે તેને પૂછવામાં જ નથી આવતું અને બને છે પણ એવું જ કે તેના દ્વારા લેવાયેલા નિર્ણયોમાં કોઈ ભલીવાર હોતો નથી.
માટે તેની જગ્યાએ બીજા નિર્ણયો લેતા થઈ જાય છે.
નિર્ણયો કેવી રીતે લેવા!
ત્રણ પ્રકારના વ્યક્તિત્વ હોય છે એક વધુ પડતા ભાવનાત્મક, બીજા વધુ પડતા તાર્કિક અને ત્રીજા સંતુલિત.
સંવેદનશીલ હોવું સારી બાબત છે. પરંતુ નિર્ણયો લેવામાં ભાવનાઓ માં વહી જવું એ મોટે ભાગે દુઃખદ સાબિત થતું હોય છે. જે લોકો પોતાના મન સાથે વધુ જોડાયેલા હોય છે તેઓ તેમના મોટાભાગના નિર્ણયો ભાવનાત્મક રીતે લેતા હોય છે પરંતુ સાથે સાથે આ ભાવનાઓ પર આપણું નિયંત્રણ હોવું એ પણ ખૂબ જરૂરી છે.
નિર્ણય લેવામાં જ્યાં ખાસ ભાવનાઓનું મહત્વ નથી હોતું ત્યાં ભાવનાઓ થી દોરાવું એ આપણી નબળાઈ દર્શાવે છે.
દા.ત – આપણા બોસ,પાર્ટ્નર, સાસુ કે અજાણી વ્યક્તિના અણગમતા વ્યવહાર ની પ્રતિક્રિયા જો ભાવનાત્મક રીતે આપીશું તો કદાચ આ નિર્ણય આપણા માટે જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. અહીં વિચાર અને તર્ક ની જરૂર છે.
બીજી બાજુ મિત્રો સાથે ફરવા જવું કે નહીં, કોઈકને સોરી કહેવું કે નહીં, કોઈની મદદ કરવી કે નહીં વગેરે બાબતમાં વધુ વિચાર કે ગણતરી ની જરૂર નથી, અહીં લાગણી અને પ્રેમ વધુ મહત્વના છે.
યોગ્ય નિર્ણય લેવા માટે બીજી એક ખાસ અગત્યની બાબત એ છે કે,
- જે તે વિષય વિશે પૂરતી માહિતી હોવી જરૂરી છે.
- પુરતી માહિતી આપણને વધુ આત્મવિશ્વાસપૂર્વક નિર્ણય લેવામાં મદદ કરે છે.
- આ માહિતી આપણે પોતે સંશોધન કરીને, વિચારો નાં મનો મંથન દ્વારા કે પછી કોઈ ની મદદ થી પણ ભેગી કરી શકીએ છીએ.
- અંતે આપણો નિર્ણય જ મોખરે રહે તેઓ પ્રયાસ કરવો જોઈએ.
તમે પણ અનુભવ્યું હશે કે તુરંત અને ભાવનાત્મક રીતે લેવાયેલા નિર્ણયો કરતા યોગ્ય માહિતી અને ધીરજ પૂર્વક લેવાયેલા નિર્ણયોમાં પસ્તાવો ભાગ્ય જ થાય છે.
જ્યાં જે વસ્તુની જરૂર ન હોય ત્યાં તેને મૂકવાથી તેનું મહત્વ આપોઆપ ઘટી જાય છે.
આપણા નિર્ણયોની પેટર્ન સમજમાં આવી જાય તો આપણું જીવન પણ સમજમાં આવી શકે છે.
બાકી તો પછી પડશે તેવી દેવાશે…
Lifeline Wellness
Arvindsinh Rana
Counseling Psychologist
- પૈસા ની તંગી રહેવાના 5 મુખ્ય કારણો By Arvindsinh Rana
- તમારું Time Management કેવું છે? જાણો આ 6 સવાલો દ્વારા
- હંમેશા ખુશ રહેવા માટે નો ફોર્મ્યુલા શું છે? | Formula of Happiness according to Psychology
- સ્ટ્રેસ દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય | 8 Stress Reliever tips by Arvindsinh Rana
- માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રાખજો by Arvindsinh Rana
4 Responses
[…] […]
[…] […]
[…] […]
[…] […]