ડીપ્રેશન થી બચવા માટેનો સૌથી સરળ માર્ગ | Depression

ડીપ્રેશન થી બચવા માટે શું કરવું! માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા હોવાના કારણે આ સવાલ મને ઘણી વાર પૂછવામાં આવે છે, જેનો ઉત્તર ટૂંકમાં આપવો અઘરો લાગતો હોય છે . તેમ છતાં જો સૌથી સરળ ઉપાય બતાવવો હોય તો હું આ રીતે ઉત્તર આપવાનું પસંદ કરું છુ.

સેક્સપિયર એ કહ્યું છે કે “જીવન (દુનિયા) એક રંગમંચ છે અને આપણે બધા તેના પાત્રો” ખરેખર ખુબ જ ઊંડી વાત કહી છે, આપણા જીવનને રંગમંચ સાથે સરખાવીને. અહીં રંગમંચની એક ખાસિયત વિષે વાત કરું. રંગમંચ પર એક રાજા નુ પાત્ર ભજવનાર વ્યક્તિ તેની રિયલ લાઇફમાં એક બેન્કનો કેશિયર પણ હોઈ શકે કે પછી એક ભિક્ષુક ની ભૂમિકા ભજવનાર તેની અસલ જીંદગીમાં વેપારી પણ હોઈ શકે.

આપણા બોલીવૂડના ઘણાં એવા કલાકારો છે જેમના દ્વારા ભજવાયેલું પાત્ર તેમની ઓળખાણ બની ગઈ છે. દા.ત શાહજહાંની ભૂમિકામાં પૃથ્વીરાજ કપૂર કે પછી અમજદખાન દ્વારા ભજવાયેલું શોલે ફિલ્મનું ડાકુ ગબ્બર સિંહ નું પાત્ર. આ પ્રકારના પાત્રો આપણા મગજમાં ફિટ થઈ ગયા છે, કારણ કે કલાકારોએ આ પાત્રોમાં પોતાનો જીવ રેડી દીધો છે. પોતાની જાતને તે ચોક્કસ પાત્ર સાથે એકાકાર કરી દીધી છે.

 અરે હોલિવૂડના ઘણા કલાકારો તો કોઈ ચોક્કસ પાત્ર ભજવવા માટે એક બે વર્ષ સુધી તે પાત્ર નું જીવન પણ જીવે છે. દા.ત માછીમાર નુ પાત્ર ભજવવા માટે થોડોક સમય માછીમારો વચ્ચે રહેવું અને તેમની સાથે દરિયામાં માછીમારી કરવા પણ જવું. કદાચ તમને લાગતું હશે કે આ ફિલ્મી રંગમંચની વાતોને આપણા જીવન સાથે શું લેવાદેવા, તો આ એક ઉદાહરણ દ્વારા આપણા લેખના મૂળ મુદ્દાને સ્પષ્ટ કરું.

બોલીવુડના દિગ્ગજ અભિનેતામાં સામેલ એવા ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર સાહેબ, જેમણે તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણા બધા કરુણ અને દુઃખી પાત્રો ભજવ્યા. તેના પરીણામ સ્વરૂપે તેઓ અસલ જીંદગીમાં પણ ડિપ્રેશનનો શિકાર બન્યા. દિલીપ કુમારે તેમના રિયલ લાઇફના ડિપ્રેશનની સારવાર પણ કરાવી પડી હતી. જેમાં સાયકોલોજીસ્ટ દ્વારા તેમને સલાહ આપવામાં આવી કે હવે તમે થોડાક હલકા ફુલકા, ચટપટા કોમેડી પાત્રો ભજવો. દિલીપ કુમારે ત્યારબાદ ઘણા કોમેડી પાત્રો ભજવ્યા પણ ખરા. જેથી તેઓ ડિપ્રેશનમાંથી બહાર આવી શક્યા.

જોયું તમે! કે રીલ લાઈફની ઊંડી અસરો રિયલ લાઈફમાં પણ જોવા મળે છે. અહીં ફરી યાદ કરો સેક્સપિયરનું પેલું ક્વોટ કે “દુનિયા રંગમંચ છે અને આપણે બધા તેના પાત્રો” સાથે સાથે આપણા હાલના જીવનને પણ અરીસામાં નિહાળી જુઓ કે આપણે આપણી જાતથી (પાત્રથી) જીવનથી ખુશ છીએ? કે પછી એક બીબાઢાળ જીવન જેમાં સવારથી સાંજ સુધી ઘરકામ, જોબ, વેપાર, મોબાઈલ ની દુનિયા, સોશિયલ મીડિયા, નાના-મોટા સામાજિક પ્રસંગો, બિલ્સ અને હપ્તા ભરવાની મથામણ અને રાત્રે માંડ માંડ પથારી ભેગા. તો શું એવું નથી લાગતું કે આ બીબાઢાળ પાત્રની અસરો આપણા અંગત વ્યક્તિત્વ અને અંગત જીવનમાં પણ પડતી હોય! 

અહીં કેટલાક સવાલો પોતાની જાતને પૂછવા જેવા છે. 

– તમે અત્યારે જે જીવન જીવી રહ્યા છો તે પાત્ર કેવું છે?

– એ પાત્ર તમને પોતાને ગમે છે?

– એ પાત્રથી તમે ખુશ છો? 

– એ પાત્રની આજુબાજુ વિટડાયેલું જીવન શું તમને ઉત્સાહિત કરે છે?

જો નથી કરતું તો દિલીપ કુમારની જેમ આપણે પણ આપણા પાત્રમાં (વ્યક્તિત્વમાં) અને ફિલ્મોનાં (જીવનના) પ્રકારમાં ફેરફાર કરવા જોઈએ.

જીવનમાં બનતી નાની મોટી ઘટનાઓને આપણે કેવી પ્રતિક્રિયાઓ આપીએ છીએ?

– આ ઘટનાઓને કઈ રીતે આપણા જીવન સાથે જોડીએ છીએ?

– આપણી દિનચર્યા કેવી છે?

– શું બોલીએ છીએ?

– કેવી રીતે બોલીએ છીએ? 

– આજુબાજુના કેટલા લોકો આપણાથી ખુશ છે?

– પરિવાર, સમાજ, મિત્રો, દેશ-દુનિયા, રાજકારણ વિશે આપણે શું વિચારીએ છીએ અને તેમના વિશે આપણે કેવી ચર્ચાઓ કરીએ છીએ?

– પૈસા આપણા માટે હાથનો મેલ છે? કજિયો કંકાસ નું કારણ છે? કે પછી સારું જીવન જીવવા માટેની જરૂરિયાત!

– આપણા જીવનની પ્રાયોરિટી કોઈ એક જ વસ્તુ અથવા વ્યક્તિ છે! કે પછી જીવનના દરેક પાસાનું સમતોલન!

અને હા, આ બધા સવાલો આપણા વર્તમાન વિશે છે, ભૂતકાળ કે ભવિષ્ય વિશે નહીં. અત્યારે તમારું પાત્ર કેવું છે તે અગત્યનું છે. કારણકે અત્યારે જેવું પાત્ર તમે ભજવશો, તેવી જ ફિલ્મો (જીવન) ભવિષ્યમાં ડાયરેક્ટર (કુદરત) દ્વારા તમને મળશે.

ઉપરના દરેક સવાલના જવાબ સકારાત્મક બનાવવા માટે આપણા પાત્રના ડાયલોગ, વિચારો-વર્તન-વાણી, દિનચર્યા, દેખાવ વગેરે તે મુજબ કરવા પડશે. તમે જેવા પણ જીવનની કામના કરતા હોય બસ તે મુજબ નું પાત્ર ભજવવાનું શરૂ કરી દો. બાકી તો એક સમયે પૃથ્વી પરના સૌથી મોટા ધનવાનો માનો એક એવો હૈદરાબાદ નવાબ તેની અસલ જીંદગીમાં એકદમ કંજૂસ અને પ્રભાવહિન પાત્ર ભજવતો હતો.

Lifeline Wellness

Arvindsinh Rana

Counseling Psychologist

Call Now for Appointment