ગણપતિ દાદાની સાઇકોલોજી | By Arvindsinh Rana

ભારત દેશ તહેવારોનો દેશ છે. કદાચ દુનિયાના કોઈપણ ખૂણે આપણા દેશ જેટલા તહેવારો નહીં હોય. અલબત્ત, એવું કહેવાય છે કે આપણા પોતાના દેશી કેલેન્ડર પંચાગ પ્રમાણે તો વર્ષના ત્રણ સો પાંસઠ દિવસ કોઈને કોઈ તહેવાર હોય જ છે. જે દર્શાવે છે કે આપણે લોકોએ જીવનના દરેક દિવસને તહેવાર તરીકે ઉજવ્યો છે.

પરંતુ અત્યારના સમયમાં અને ભૂતકાળના સમયમાં થતી ઉજવણીમાં ઘણો તફાવત છે. અત્યારે આપણે આ ઝડપી યુગમાં ઘણી બધી તણાવયુક્ત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ, માટે તહેવારો આપણને હળવા થવાનો થોડો અવકાશ આપે છે. જ્યારે પહેલાંના સમયમાં વ્યક્તિના જીવનમાં નહિવત પ્રમાણમાં સ્ટ્રેસ જોવા મળતો. મોટાભાગે તેનાં જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ જળવાયેલો રહેતો, માટે દરેક દિવસ તહેવાર સમાન હતો.

તહેવારો બાબતમાં એક વાત તો સદાય સમાન રૂપે તેના ગર્ભમાં સમાયેલી છે, અને તે છે દરેક તહેવારની વ્યવહારું ઉપયોગીતા. દરેક તહેવાર જીવનને વધુ સમૃદ્ધ અને સમજણ ભર્યું બનાવે છે. આપણા જીવનમાં રહેલા દુર્ગુણોનો નાશ થાય અને દૈવીય ગુણોનું અવતરણ થાય ત્યારે એક તહેવાર તેની સાચી સાર્થકતા પામે છે. આવો જ એક તહેવાર એટલે ગણેશોત્સવ.

ગણેશોત્સવ ના આરાધ્યા દેવ ગણપતિ દાદા. દરેક શુભ કાર્યની શરૂઆત તેમની આરાધનાથી થાય છે. તેમને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. આપણા જીવનમાં પણ નાના મોટા વિઘ્નો આવતા હોય છે. જેને પાર કરવા માટે દાદાના આશીર્વાદ સ્વરૂપે તેમના ગુણોને, તેમના વ્યક્તિત્વને આપણી ચિત્તપ્રકૃતિ, સ્વભાવ અને વ્યક્તિત્વમાં સ્થાપવા જરૂરી છે.

તો ચાલો વાત કરીએ તેમના વ્યક્તિત્વ પાછળ છુપાયેલી સાયકોલોજી વિશે.

સૌપ્રથમ વાત કરીએ તેમના મુખ વિશે, જે એક હાથીનું છે. તેના પાછળ રહેલી કથા આપણે સૌ જાણીએ છીએ. હવે હાથી જ કેમ! કદાચ તમે જાણતા હશો કે હાથી એ પ્રાણીઓમાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી કહેવાયું છે, તે લગભગ 10 કિલોમીટર સુધીના વર્તુળમાં બીજા હાથી સાથે સંપર્ક કરી શકે છે. તેના મગજના તરંગો ખૂબ જ તીવ્ર હોય છે. આપણે જે અવાજો સાંભળી શકતા નથી એટલી 117 ડેસીબલથી પણ ઓછા ડેસીબલ ના અવાજો હાથી સાંભળી શકે છે. તેની સાથે તે ખૂબ જ શાંત અને સરળ પ્રાણી પણ છે.

જેના દ્વારા ગણપતિજી આપણને કહેવા માંગે છે કે આજુબાજુના લોકો સાથે મજબૂત કોમ્યુનિકેશન (સબંધો) સ્થાપિત કરો. તેમના મોટા કાન કહે છે કે વધુ સાંભળો અને ઓછું બોલો, જેનાથી જ્ઞાન વધશે અને વધુ બોલવાને કારણે થતી વ્યવહારિક હાનીઓથી બચી શકાશે.

હાથી પારિવારિક પ્રાણી છે તે હંમેશા એક જૂથમાં જોવા મળે છે. તેવી જ રીતે ગણપતિજી પણ તેમના પરિવાર સાથે હંમેશા જોડાયેલા છે. ગણપતિજીનું નામ આવે એટલે શિવ પાર્વતીજીનું નામ પણ આવે. માટે આપણી ઓળખ પણ આપણો પરિવાર જ છે. પરિવાર સાથે જોડાયેલા રહેવાથી જીવનમાં આવનાર દુઃખ તકલીફ સામે લડી શકાય છે. સુખની ક્ષણોને પરિવાર સાથે વહેંચવાથી બમણો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે.

હરહંમેશ તેમની સાથે રહેતા રિદ્ધિ અને સિદ્ધિ જે વિદ્યા, જ્ઞાન, બુદ્ધિ, શિષ્ટ, આધ્યાત્મિકતા અને સમૃદ્ધિના પ્રતીક છે. આપણા જીવનમાં પણ જો આ તમામ વસ્તુઓનો સમાવેશ થાય તો જીવન અર્થપૂર્ણ બની જાય છે.

તેમના કપાળમાં રહેલું ત્રિશૂળ નું તિલક સૂચવે છે કે જીવનના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ પર આપણું પોતાનું અનુંશાસન હોવું જરૂરી છે. પોતાના જીવનની લગામ પોતાના હાથમાં લેવી, પોતાના જીવનની સફળતા નો શ્રેય આપવો કે નિષ્ફળતાની જવાબદારી પોતાના માથે લેવી એ પરિપક્વતાની નિશાની છે.

તેમના વિશાળ પેટના કારણે તેમને લંબોદર પણ કહેવાયા છે. જેનો અર્થ છે, જે વાત જે બાબતને આપણા સુધી જ મર્યાદિત રાખવાની છે, એટલે કે પોતાના પેટમાં સાચવી રાખવાની છે તે જાહેર ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. જેથી આપણને કે બીજાને નુકસાન ન થાય.

છેલ્લે તેમનું વાહન મૂષક એટલે ઉંદરની વાત કરીએ. સુપર સોનિકથી પણ વધુ ઝડપી આપણા મનની ગતિ હોય છે. મન ખૂબ જ ચંચળ સ્વભાવ ધરાવે છે. પળવારમાં કે ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. મનમાં જાતજાતની આશા,અપેક્ષા,લાલસા,આકર્ષણ જાગે છે. જો તેના પર કાબુ ન રાખવામાં આવે તો જીવનમાં ઉપાધીઓનો ઢગલો થઈ જાય છે.

તેવી જ રીતે ઉંદર પણ ખૂબ જ ચંચળ પ્રકૃતિ ધરાવે છે. તે એક જગ્યાએ સ્થિર થઈ શકતું નથી. તો ઉંદરને મનના પ્રતિક તરીકે લેવામાં આવ્યું છે માટે ગણેશજી કહે છે કે આ ઉંદર રૂપિ મન પર, ચિત્ત વૃત્તિઓ પર બુદ્ધિ, જ્ઞાન, વિવેક, આત્મશક્તિ અને આધ્યાત્મિકતા ના પ્રતિક એવા ગણેશજી સવારી કરીને તેને કાબુમાં રાખે છે. તેમ આપણે પણ ગણેશજી ના ગુણોને પોતાના જીવનમાં ઉતારીને આપણી ચિત્ત વૃત્તિઓ પર અંકુશ રાખવો અનિવાર્ય છે.

કેવી સરસ ગોઠવણ છે! આપણા તહેવારોમાં. જે જીવનને સમૃદ્ધ અને સુગમ બનાવે છે.

તાજેતરની પોસ્ટ્સ

Call Now for Appointment