બીમાર વ્યક્તિને સ્વસ્થ બનાવે એવું “વિટામીન V” (Health)

બીમાર વ્યક્તિને સ્વસ્થ બનાવે એવું “વિટામીન V” (Health)

માણસના શરીરની સંરચના તેની અંદર ચાલતી વિવિધ પ્રક્રિયાઓ અને તેની પાછળના કારણો વિશે હજી સુધી વિજ્ઞાન પાસે જાજી માહિતી ઉપલબ્ધ નથી. એવું કહેવાય છે કે વિજ્ઞાન (મેડિકલ સાયન્સ) હજી સુધી માણસના શરીર વિશે ફક્ત 10 થી 15 ટકા જ જાણી શક્યું છે, બાકી 85 થી 90 ટકા ભાગને આપણે હજી સુધી સમજી શક્યા નથી. એક સાદું ઉદાહરણ આપું તો હજી વિજ્ઞાન એ નક્કી નથી કરી શક્યું કે આપણને બગાસું શા કારણથી આવે છે! તેની પાછળના ચોક્કસ કારણો પર હજી વાદવિવાદ ચાલી રહ્યો છે.

માનવીય શરીર વિશેની ફક્ત 10 થી 15 ટકા મર્યાદિત માહિતીના આધારે આપણે આપણી બીમારીઓ તેની પાછળના કારણો અને તેની ટ્રીટમેન્ટ ને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. મતલબ જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તેને સાજો કરવા માટે આપણી પાસે મર્યાદિત જ્ઞાન જ ઉપલબ્ધ છે.

એક તાજુ ઉદાહરણ લઈએ કોરોના વાયરસ નું: જે મેડિકલ સાયન્સ અને આપણે બંને ને આશ્ચર્ય પમાડે તેવી બાબતો થી ભરેલું છે. 

ઘણા લોકો એવા હતા જે કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા છતાં તેમણે કોરોના ન થયો. ઘણા એવા પણ હતા જેમને કોરોના થયો અને તરત મટી પણ ગયો, તેમને ખબર પણ ન પડી. ઘણા લોકો એવા પણ હતા જે ક્યારેય કોઈ કોરોના ગ્રસ્ત દર્દીના સંપર્કમાં ન આવ્યા હોય પણ તેમ છતાં તેમને કોરોના થયો. અરે ઘરેથી બહાર ન નીકળવા વાળા ને પણ કોરોના થયો હતો. ઘણા લોકો ઘરે જ સામાન્ય દવાઓથી સાજા થઈ ગયા અને ઘણાને હોસ્પિટલમાં બધી ટ્રીટમેન્ટ આપવા છતાં પણ બચાવી ન શકાયા.

જેમને પહેલેથી જ કોઈ બીમારી હતી જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ વગેરે તેમને કોરોના ન પણ થયો હોય, જ્યારે જેમને આપણે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ માનતા હતા તેમને પણ કોરોના થઈ ગયો. 

આપણે ઘણા એવા લોકો જોઈએ છીએ જેઓ વારંવાર નાની મોટી બીમારીઓ નો શિકાર બનતા હોય છે. જેવો જલદી સાજા પણ નથી થઈ શકતા, તેઓ બસ ડોક્ટરો બદલ્યા કરે છે પણ તેમને જાજો ફાયદો નથી થતો.

તો આવું કેમ થાય છે?

આવી તો ઘણી બાબતો વિશે અહીં ચર્ચા કરી શકાય પરંતુ આપણો મૂળ મુદ્દો છે સ્વસ્થ થવા માટે કે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ? જેના માટે આપણે મોટે ભાગે સ્વસ્થ જીવનશૈલી, હેલ્થી ડાયટ, એક્સરસાઇઝ વગેરેને મહત્વ આપીએ છીએ. પરંતુ તેનાથી પણ ઉપર કોઈ વસ્તુ છે જેના પર હજી પણ આપણે ખાસ ધ્યાન આપ્યું નથી.

જેની વાત આપણે અહીં કરવાના છીએ.

Health

આપણે સૌ જાણીએ છીએ કે બીમાર વ્યક્તિની સારવાર માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે જેમ કે આધુનિક વિજ્ઞાન એટલે કે એલોપેથ, આયુર્વેદ, હોમિયોપેથ નેચરોપેથ વગેરે. જેમાંથી મોટેભાગે અમુક કટોકટીના સમયે અને ચોક્કસ રોગો માટે એલોપેથિક સિવાય બીજો કોઈ વિકલ્પ કામ લાગતો નથી. પરંતુ હાલના સમયમાં અમુક ચોક્કસ કારણોસર ઘણા બધા લોકોનો વિશ્વાસ મેડિકલ સાયન્સની આ સિસ્ટમ અને ડોક્ટર્સ પરથી ઓછો થતો જાય છે. આ અણવિશ્વાસ ક્યાંક ને ક્યાંક દર્દીઓ માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. *કેવી રીતે! ચાલુ સમજવાનો પ્રયત્ન કરીએ.*

દરેક ક્ષેત્રમાં અમુક અપવાદરૂપ નકારાત્મકતા ચોક્કસ જોવા મળતી હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે સંપૂર્ણ ક્ષેત્રને નકારાત્મક નજરથી જોઈએ. 

દા. ત – આપણે જ્યારે મુસાફરી માટે બસ કે બીજા કોઈ વાહનનો ઉપયોગ કરીએ ત્યારે તે મુસાફરીમાં રહેલા જોખમને સીધી કે આડકત રીતે સમજતા હોઈએ છીએ. આપણને એ નથી ખબર હોતી કે આ ડ્રાઇવર કોણ છે? કેવા પ્રકારનો છે? 

માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ છે કે નહીં? 

તે તેની પત્ની સાથે ઘરેથી ઝઘડો કરીને આવ્યો હોઈ શકે છે.

તેનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે શાંત! 

તેને ભૂતકાળમાં કેટલા એક્સિડન્ટ કરેલા છે?

વગેરે જેવી મોટાભાગની માહિતી થી આપણે અજાણ હોવા છતાં આપણો અને આપણા પરિવારનો જીવ જોખમમાં મુકવા તૈયાર હોઈએ છીએ. કારણકે વિશ્વાસ કરવો જ રહ્યો બીજો કોઈ વિકલ્પ પણ નથી અને જો વિશ્વાસ ન કરીએ તો આપણી સફર કષ્ટદાયક બની જાય છે. 

આ તો ફક્ત એક જ ઉદાહરણ છે. આવા તો બીજા ઘણા ઉદાહરણો હોઈ શકે આપણા દૈનિક જીવનમાં. જેના પર આપણે વિશ્વાસ મુકવા સિવાય છૂટકો જ નથી.

હવે તમને થશે કે આપણી બીમારીને અને આ વિશ્વાસ ફેક્ટરને શું લેવા દેવા છે! તો ચાલો એના વિશે પણ સમજી લઈએ.

ફાર્માસ્યુટિકલ કંપની જ્યારે કોઈ દવા તૈયાર કરે છે, ત્યારે તેને ઘણા બધા ટેસ્ટ માંથી પસાર થવું પડે છે. જેને ‘સ્ટડી’ કહેવામાં આવે છે. એવો જ એક સ્ટડી હોય છે જેને ‘પ્લેસીબો સ્ટડી’ કહેવામાં આવે છે. જેમાં દર્દીઓના બે ગ્રુપ હોય, એક ગ્રુપ ને સાચી દવા આપવામાં આવે છે, જ્યારે બીજા ગ્રુપ ને સાચી દવા જેવી જ દેખાતી ખોટી દવા જેમાં ખરેખર કોઈ અસર કારક દવા હોતી નથી તેવી ટીકડીઓ આપવામાં આવે છે. પછી બંને ગ્રુપના દર્દીઓના પરિણામો ની સરખામણી કરવામાં આવે છે.

કદાચ તમને જાણીને અચરજ થશે પરંતુ જેટલી અસર સાચી દવાની થતી હોય છે તેના પ્રમાણમાં થોડી ઘણી અસર આ તદ્દન ખોટી દવા લેવાથી પણ થતી જોવા મળતી હોય છે. જેને મેડિકલ ની ભાષામાં ‘પ્લેસિબો ઇફેક્ટ’ કહેવામાં આવે છે.( Google પર સર્ચ જરૂરથી કરજો – Plecibo Effect) સાદી ભાષામાં સમજીએ તો દર્દીનો દવા પરનો ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા કે આ દવા લેવાથી મને ફાયદો થશે. આ વિશ્વાસ માત્રથી તેની બાયો કેમેસ્ટ્રી માં સકારાત્મક ફેરફાર આવી શકે છે. 

placebo

હવે આ ‘પ્લેસીબો ઇફેક્ટ’ ની વિરુદ્ધ જે ઇફેક્ટ હોય છે, તેને ‘નોસીબો ઇફેક્ટ’ કહેવામાં આવે છે જેમ દર્દી પ્લેસીબો ઇફેક્ટ માં એમ વિચારે છે કે આ દવા લેવાથી મને લાભ થશે, તેમ ‘નોસીબો ઇફેક્ટ’ માં દર્દી એમ વિચારે છે કે આ દવાથી મને કોઈ લાભ નહીં થાય, મારું સ્વાસ્થ્ય સુધરશે નહીં એવું તેને લાગ્યા કરે છે. ઉલટાનું તેને એવું લાગે છે કે આ દવા લેવાથી મને નુકસાન થઈ શકે છે. જે ખરેખર તેની આશા અને માઈન્ડસેટ મુજબ તેવા પ્રકારની નકારાત્મક અસરો જ ઊભી કરે છે.

તો હવે તમે સમજી જ ગયા હશો કે બીમાર વ્યક્તિને સ્વસ્થ કરવામાં એક સૌથી અગત્યનું પરિબળ હોય છે “વિશ્વાસ” (વિટામીન V).

આગળ આપણે વાત કરીશું કે આ પ્રકારની પોઝિટિવ ઇફેક્ટ કેળવવા માટે દર્દીએ કેવા પગલાં લેવા જોઈએ

તો હવે તમે સમજી જ ગયા હશો કે બીમાર વ્યક્તિને સ્વસ્થ કરનારું ‘વિટામિન V’ એટલે “વિશ્વાસ”. હા, જો દર્દી પોતાના પર, દવા પર અને ખાસ ડોક્ટર પર ભરોસો નહીં કરી શકે તો તેને બીમારી માંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે છે.

એવું નથી કે ફક્ત સ્વાસ્થ્ય પ્રણાલી અને ડોક્ટરો પર વિશ્વાસ ઘટી રહ્યો છે. હાલમાં તો આપણી આસપાસ (કે આપણે પોતે પણ) એવા લોકો વધી રહ્યા છે જેને મોટે ભાગે ઘણી બધી વસ્તુઓ અને વ્યવસ્થાઓ પર ભરોસો હોતો નથી. તેમને સતત એવું લાગ્યા કરે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તેમને તો પોતાના પાડોશી થી માંડીને રાજકીય વ્યવસ્થા સુધી દરેક બાબતમાં અણવિશ્વાસ કરવાની એક આદત જ પડી ગઈ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક તેઓ ખુદ પોતાની જાત પર જ વિશ્વાસ નથી કરી રહ્યા.

વારંવાર બીમારીનો શિકાર થવું, દવાઓ કે પેથીઓ બદલવા છતાં સાજા ન થઈ શકવું. વારંવાર ડોક્ટર બદલ્યા કરવું, પોતાની બીમારી માટે પોતાના સિવાય બીજા બધા બાહ્ય પરિબળો ને દોષ દીધા કરવો. અને ખાસ પોતાની માનસિકતા, જીવનશૈલી અને ખાનપાનમાં બદલાવ કરવાને બદલે ફક્ત દવાઓને આધારે બીમારીમાંથી મુક્ત થવાની આશા રાખનારાઓને છેલ્લે કદાચ ઈશ્વર પર પણ પૂરેપૂરો ભરોસો નથી હોતો, કદાચ એમ કહેવું ખોટું નથી.

*આ પ્રકારના લોકો માટે કેટલાક ખાસ સૂચનો*

* પોતાની ટ્રીટમેન્ટ કરાવવા માટે ડોક્ટરની પસંદગી કર્યા પહેલા ડોક્ટર વિશે જેટલું રિસર્ચ કરવું હોય તેટલું કરી લેવું જોઈએ પરંતુ એકવાર ડોક્ટર નક્કી થઈ ગયા બાદ તેમના પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે સમર્પિત થઈ જવાથી બીમારીમાં લાભ થવાની સંભાવનાઓ વધી જાય છે.

* Google વિશે એક ખોટી માન્યતા એવી છે કે જે Google માં બતાવે તે માહિતી સાચી. પરંતુ હકીકત એ છે કે Google એ સાચી ખોટી બંને માહિતીનો સંગ્રહ માત્ર છે. Google આપણને એવી માહિતી જ બતાવશે જે માહિતીને તે સરળતાથી શોધી શકશે. તમે કે હું કોઈપણ વ્યક્તિ ચોક્કસ ટેકનિક દ્વારા ઇન્ટરનેટ પર માહિતી મૂકીને Google પર ટોપ ટેન લીસ્ટમાં ટ્રેન્ડ કરાવી શકીએ છીએ. દાખલા તરીકે તમને ઇન્ટરનેટ ઉપર ‘ચા’ સ્વાસ્થ્ય માટે સારી હોય છે તેવી અને ‘ચા’ સ્વાસ્થ્ય માટે ખરાબ છે તેવી પણ માહિતી મળી જશે. 

* Google પરથી માહિતીનો સ્ત્રોત કયો છે તેને સમજ્યા વગર કોઈપણ માહિતીને સાચી માની શકાય નહીં. માટે વારંવાર પોતાની દવાઓ, ટ્રીટમેન્ટ વગેરે વિશે Google પર સર્ચ કરીને આપણે વધુ ગૂંચવણો ઊભી કરીએ છીએ.

* આપણી બીમારી માટે સૌપ્રથમ એવા ડોક્ટરની પસંદગી કરવી જે આપણી પ્રકૃતિ જાણતા હોય જેને આપણા દૈનિક જીવન વિશે થોડી ઘણી માહિતી હોય તેવા ડોક્ટર આપણને અને આપણી બીમારીને યોગ્ય રીતે સમજી શકે છે.

* ખરેખર તો જો આપણે આપણા શરીર પ્રત્યે પોતે જાગૃત હોઈએ તો પોતાની બીમારીનું નિદાન પણ થોડે ઘણે અંશે કરી શકીએ છીએ કે તેની પાછળનું કારણ સમજી શકીએ છીએ. જાપાન જેવા ઘણા દેશોમાં તો ડોક્ટર દર્દીને બીમારીના લક્ષણોની સાથે એમ પણ પૂછતા હોય છે કે “તમને શું લાગે છે કે આ કેમ થયું હશે?”

* એવા ઘણા સ્ટડી થયેલા છે જેમાં દર્દીઓ દ્વારા જો દવાની સાઇડ ઇફેક્ટ વિશે ઇન્ટરનેટ પર શોધખોળ કરવામાં આવે કે તેને તેની સાઇડ ઇફેક્ટ વિશે ભારપૂર્વક જણાવવામાં આવે તો તેમનામાં તે પ્રકારની સાઇડ ઇફેક્ટ દેખાવાની સંભાવના વધી જાય છે. જેને મેડિકલ ની ભાષામાં સાયકોજેનિક સમસ્યા કહેવામાં આવે છે. માટે જો આપણું ધ્યાન દવાની પોઝિટિવ ઇફેક્ટ પર વધારે હશે તો આપણી બીમારી માં ઝડપથી ફેર પડવાની સંભાવના છે. જ્યારે જો સાઇડ ઇફેક્ટ તરફ વધુ ધ્યાન આપવામાં આવે તો ફાયદો થવાને બદલે નુકસાનનું પ્રમાણ વધુ થઈ શકે છે.

* આજકાલ સોશિયલ મીડિયા ના વધુ પડતા પ્રસાર ને કારણે કોઈપણ માહિતી વાયુવેગે પ્રસરી જાય છે. એમાં પણ જો માહિતી નેગેટિવ હોય તો તે ખૂબ ઝડપથી લોકો સુધી પહોંચી જાય છે. કુદરતી રીતે નકારાત્મક લોકો આવી નકારાત્મક માહિતી તરફ વધુ ખેંચાણ ધરાવે છે અને તેનો સ્વીકાર પણ તેઓ ઝડપથી કરી લેતા હોય છે.

* સોશિયલ મીડિયા પર જ્ઞાન અને અવેરનેસ ના નામ પર આપણે જે ચારેય બાજુથી માહિતી લેતા હોઈએ છીએ, ખરેખર તેના દ્વારા આપણું માનસ (minset) ઘડાઈ રહ્યું છે. જે મોટેભાગે આપણા ફાયદામાં ઓછું અને આપણે વિરુદ્ધ વધુ કામ કરી રહ્યું છે.

દુનિયાભર માં એવા ઘણા દાખલાઓ મળે છે, જેમાં વ્યક્તિ દ્વારા અસાધ્ય બીમારીને પોતાના મનોબળ અને પોઝિટિવ એટીટ્યુડ દ્વારા હરાવી છે. જેમાં ટ્રીટમેન્ટ પર ભરોસો અને ડોક્ટર પર ની શ્રદ્ધા તેને વધુ વેગ આપી શકે છે.

Call Now for Appointment