પ્રસ્તાવના
ગુજરાતીમાં એક ખૂબ જ સુંદર કહેવત છે “પહેલું સુખ તે જાતે નર્યા” અર્થાત સ્વસ્થ હોવું તેનાથી મોટું કોઈ સુખ નથી આપણે પણ જાણીએ છીએ કે જો આપણું શરીર સ્વસ્થ નહીં હોય તો દુનિયાનું કોઈ પણ સુખ ભોગવી શકીશું નહીં. જોકે હાલના સમયમાં તો હેલ્થ પ્રત્યે ઘણી જાગરૂકતા વધી રહી છે અને તેમાં પણ ખાસ કરીને કોરોના કાર્ડ પછી તો દરેક વ્યક્તિ ને સ્વાસ્થ્યનું મહત્વ સમજાયું છે.
તેમ છતાં સ્વાસ્થ્યના ઘણા એવા પાસા છે જે હજી પણ ઊંડાણપૂર્વક સમજવા ખૂબ જ જરૂરી છે. તમે કહેશો કે ‘હા ખ્યાલ છે સ્વાસ્થ્યપ્રદ સંતુલિત આહાર, કસરત અને નિયંત્રિત વજન’. સાચી વાત છે પરંતુ હોલીસ્ટિક હેલ્થ (સંપૂર્ણ સર્વાંગી સ્વાસ્થ્ય) આનાથી પણ ઊંડાણપૂર્વક નો ખ્યાલ રજૂ કરે છે ચાલો તેને થોડો વિસ્તાર પૂર્વક સમજીએ.
શું છે હોલીસ્ટિક હેલ્થ?
હોલીસ્ટિક હેલ્થ ફક્ત ખોરાક અને કસરત સુધી સીમિત નથી. તે મન અને મનની વૃત્તિઓને પણ આવરી લે છે કારણ કે આપણે જાણીએ છીએ કે મન અને શરીર બંને અલગ નથી, તેઓ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. માટે જ બંને એકબીજાને પ્રભાવિત પણ કરે છે.
ભારતીય પરંપરા ના અષ્ટાંગ યોગ જેને આપણે સાદી ભાષામાં “યોગ” કહીએ છીએ તેની વ્યાખ્યા પ્રમાણે યોગ એટલે “योग: चित्र वृत्ति निरोध:”. જે યોગને આપણે ફક્ત એક શારીરિક કસરત અને બ્રિધીગ ટેકનીક સમજીએ છીએ તે ખરેખર તો આપણા ચિત્તની (મન) નિવૃત્તિઓને નિયંત્રિત રાખવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના આઠ ચરણો છે જેના વિશે અગાઉ આપણે વાત કરી હતી.
અહીં આપણે વાત કરીશું આપણા સ્વભાવની સાત એવી પ્રકૃતિ વિશે, કે જે મહદંશે આપણા મન દ્વારા નિયંત્રિત થતી હોય છે અને ત્યાંથી જ અમુક શારીરિક બીમારીઓનો જન્મ થતો હોય છે.
હાલના સમયમાં તમે ઘણીવાર જોયું હશે કે જેઓ પોતાની હેલ્થ નું સારું ધ્યાન રાખતા હોય છે. જેમ કે રેગ્યુલર એક્સરસાઇઝ, નિયંત્રિત વજન, હેલ્ધી ખોરાક, બાહ્ય દેખાવ પણ એકદમ ફિટ જણાતો હોય તેમને પણ હાર્ટ એટેક કેન્સર જેવી બીમારીઓ થતી હોય છે. ઘણીવાર નાની ઉંમરે અપમૃત્યુ પણ સર્જાય છે. પછી આપણે કહીએ છીએ કે તેનું કારણ સ્ટ્રેસ હોઈ શકે છે પરંતુ ઘણા લોકો તો પોતે સ્ટ્રેસ લેતા જ નથી તેઓ બચાવ પણ કરતા હોય છે તો તેમનું શું!
આપણા દરેકમાં કોઈને કોઈ નબળાઈઓ જોવા મળે છે. આપણા વ્યક્તિત્વમાં રહેલી આ નબળાઈઓ જે ખરેખર આપણા મનની વૃત્તિઓ હોય છે, જે અમુક ચોક્કસ પરિસ્થિતિ અને કારણે આપણા વ્યક્તિત્વમાં પાછળના
દરવાજેથી પ્રવેશી જાય છે અને તેની ભયાનક અસરો આપણા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે.
એક સાયકોલોજીસ્ટ તરીકેના મારા અનુભવને આધારે હું અહીં એવી સાત વ્યક્તિત્વની નબળાઈઓ વિશે વાત કરીશ જે શરદી ખાંસી થી લઈને કેન્સર જેવી જ જીવલેણ બીમારી માટે જવાબદાર બની શકે છે.
- માનસિક શાંતિ માટે શું કરવું!
- જીવનમાં સમસ્યાઓ આવવાનું એક કારણ આ પણ! “Law Of Attraction”
- શું ખોટો વ્યક્તિ સુખી હોઈ શકે! – “Law Of Karma” By Arvindsinh Rana
શું કહે છે મોર્ડન સાયન્સ?
સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી ક્ષેત્રે થતા કેટલાક સ્ટડીઝ કહે છે કે આપણા કેટલાક નેગેટિવ વિચારો, ઈમોશન્સ અને ફિલિંગ્સ આપણી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ને નબળી બનાવે છે. અહીંયા થી જ શરૂઆત થાય છે શારીરિક કે માનસિક માંદગીની. પરંતુ કદાચ આપણે આ માંદગીને ફક્ત આપણી રહેણી કહેણી, જીવનશૈલી અથવા પરિસ્થિતિ સાથે જ જોડી શકીએ છીએ. વાસ્તવમાં તે તેનાથી પણ વધુ ઊંડાણપૂર્વક નો અભ્યાસ માંગી લે છે.
વ્યક્તિત્વની નબળાઈઓ કઈ કઈ છે.
1- ગુસ્સો :-
આમ તો ગુસ્સો એ એક સહજ અભિવ્યક્તિ છે, પરંતુ જ્યારે તે નકારાત્મક અને નિયમિત રીતે વ્યક્ત થતો રહે છે ત્યારે તેની ભયાનક અસરો આપણા સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જેમકે એસિડિટી, માથાનો દુખાવો, બ્લડપ્રેશર, હૃદયરોગ, સ્ટ્રોક અને કેન્સરનું કારણ પણ બની શકે છે.
2- ખુશ ન રહી શકવું :-
આજનો માનવી પોતાની જાતને ખુશ રાખવા માટે ઘણી મથામણ કરે છે. એન્જોયમેન્ટ ના નામે થતી મોટાભાગની પ્રવૃત્તિઓના મૂળમાં આપણે વધુને વધુ નાખુશ છીએ તેવી પ્રતીતિ થતી જણાય છે.
આપણી વર્તમાન પરિસ્થિતિ, આપણી આસપાસના વ્યક્તિઓ પ્રત્યે અણગમો, નાહકની વધુ પડતી ચિંતાઓ કરવી વગેરે કારણોથી આપણે ખુશ નથી રહી શકતા. જેના કારણે ઘણી વાર વારંવાર બીમાર થવું, અશક્તિ શરીરમાં વિવિધ પ્રકારના દુખાવા અને ફેફસાને લગતી સમસ્યાઓ થવાની સંભાવના રહેલી છે.
3- અસંતોષ :-
કદાચ અત્યારના સમયમાં મોટાભાગના લોકોમાં એક છુપી રીતે અસંતોષની ભાવના દબાયેલી છે. સોશિયલ મીડિયાના સમયમાં આપણે સતત દુનિયાના લોકોની લાઈફ ને સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. જે આપણી જાત પ્રત્યે તેમ જ બીજા લોકો પ્રત્યેની અપેક્ષાઓ માં વધારો કરી રહ્યો છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે જે વ્યક્તિ પોતે સંતોષ અનુભવી શકે છે, તે જ સુખ ની અનુભૂતિ કરી શકે છે. અસંતોષના કારણે ચામડીને લગતી સમસ્યાઓ અને ઊંઘની સમસ્યાઓ થઈ શકે છે.
4- ધીરજ નો અભાવ :-
હાલના ફાસ્ટ યુગમાં બધું જ ઝડપી બની રહ્યું છે. ઝડપી મુસાફરી, ઇન્સ્ટન્ટ કુકિંગ, ઝડપી ઇન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી ઝડપી કામકાજ અને તેનું રીઝલ્ટ પણ ઝડપી. શોર્ટ્સ અને રીલ્સ નો વધતો ટ્રેન્ડ, ક્રિકેટ જેવી રમતમાં પણ 20-20 નું ફોર્મેટ હિટ થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે આપણામાં ધીરજ ખૂટી રહી છે. મોટાભાગના લોકો સતત એક અજંપો અનુભવે છે. જેના કારણે હાર્ટ એટેક, પડવું વાગવું અને પાચનને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.
- બેવફાઈ ની સાયકોલોજી | ઈતિહાસ – કારણો અને ઉકેલ | By Arvindsinh Rana
- જો તમે સરળતા થી રડી ન શકતા હોય તો, ચેતી જજો!
- “સ્ત્રી-પુરુષ ના સંબંધો” ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!
5- ઈર્ષા:-
ઈર્ષા (જેલસી) એક તીવ્ર લાગણી છે જે માણસને અંદરથી ખોખલો બનાવી દે છે. ઈર્ષા ને કારણે વ્યક્તિને પોતાના જીવનમાં રહેલી સારી બાબતો પણ દેખાતી નથી. ઈર્ષા વ્યક્તિને કેન્સર જેવા મહા ભયાનક રોગ સુધી લઈ જઈ શકે છે.
6- વધુ પડતા ઈમોશનલ હોવું:-
જેને આપણે ઓવર ઈમોશનલ કહીએ છીએ આ પ્રકારના લોકો મોટાભાગના નિર્ણયો લાગણીથી પ્રેરિત થઈને લેતા હોય છે. જ્યાં લાગણીની જરૂરિયાત ન હોય, જ્યાં તેની કિંમત પણ ન હોય ત્યાં તેઓ લાગણીઓ વહાવી દે છે. ધીમે ધીમે આવા લોકોને દુનિયા નબળા વ્યક્તિ માનવા લાગે છે. વધુ પડતી લાગણીઓ ધરાવતા વ્યક્તિને થાઈરોઈડ, ડાયાબિટીસ, માઇગ્રેન વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
7- અવિશ્વાસ:-
અવિશ્વાસ એ આપણી અંદર છુપાયેલા ડરનું એક બાહ્ય સ્વરૂપ છે. આ પ્રકારના લોકોને ખૂબ જ ઓછી બાબતો કે વ્યક્તિમાં સારું પાસુ દેખાય છે. “મને કોઈ છેતરી શકે છે, મારી સાથે કંઈ જ સારું નહીં થાય, મારું કામ સરળતાથી પાર નહીં પડે, દુનિયા દિવસે ને દિવસે બગડતી જાય છે” આ પ્રકારની લાગણીઓ અને વિચારો સતત તેમને સતાવ્યા કરે છે. જે તેમનામાં રહેલા એક છુપા ડરની નિશાનીઓ છે. આ વૃત્તિને કારણે તેમને પેટને લગતી સમસ્યાઓ જેમ કે IBS (કોઈક વાર વારંવાર ટોયલેટ જેવું તો કોઈક વાર કબજિયાત રહેવી) પાચન ને લગતી ફરિયાદો કરવી, પેટના કે આંતરડાના ચાંદા, કોલાઈટીસ, ડાયાબિટીસ તેમજ લીવર ને લગતી સમસ્યાઓ થવાની સંભાવના રહેલી છે.
નિષ્કર્ષ:-
ગુસ્સો, ખુશ ન રહી શકવું, અસંતોષ, ધીરજ નો અભાવ, ઈર્ષા, વધુ પડતા ઈમોશનલ હોવું અને અવિશ્વાસ જેવી વ્યક્તિત્વની નબળાઈઓ એ આપણા મનની દશા દર્શાવો છે. જો આપણે ‘મન’ ને નિયંત્રિત અને સંતુલિત કરી શકીએ તો ઘણી બધી શારીરિક અને માનસિક સમસ્યાઓ થી બચી શકીએ છીએ. જેના માટે માઈન્ડફુલનેસ (વર્તમાનમાં તટસ્થ રહીને પરિસ્થિતિને સમજવી) ગુસ્સાનું સકારાત્મક રૂપાંતરણ, વ્યાજબી અપેક્ષાઓ, પોતાની જાત પ્રત્યે પ્રેમ અને સન્માન દરેકને માફ કરી દેવા જેવી સકારાત્મક બાબતો અપનાવવાથી ખૂબ જ સારા પરિણામો મળી શકે છે.
*નોંધ:-* ફક્ત ઉપરોક્ત કારણોને લીધે બીમારી ન થઈ શકે, તે સિવાય પણ બીજા પરિબળો જવાબદાર હોઈ શકે છે.
Jordar
True……