સારી ટેવ પાડવા શું કરવુ | how to develop good habits by Arvindsinh Rana

સારી ટેવ પાડવા શું કરવુ ???

આપણી ટેવો નું મનોવિજ્ઞાન સમજવા માટે આપણી માનવ જાતિ નો ઇતિહાસ સમજવો જરૂરી છે. જેને આપણે આદિમાનવ કહીએ છીએ તેમના જીવનની મુખ્ય બે પ્રવૃત્તિ હતી, એક ખોરાક મેળવવો અને બીજી પોતાનું રક્ષણ કરવું.

આમ જોવા જઈએ તો આપણા જીવનની પણ મૂળભૂત આ બે જ પ્રવૃત્તિ છે, પરંતુ અત્યારે ખોરાક મેળવવા શિકાર કરવાની જગ્યાએ કામકાજ કરવું પડે છે, ને પોતાના વર્તમાન અને ભવિષ્યની વિવિધ પ્રકારની સુરક્ષા માટે ઘણા ધમપછાડા કરવા પડે છે.

હવે તમે કહેશો આદિમાનવના જીવન અને આપણા અત્યારના જીવનમાં તો આભ જમીનનો તફાવત છે. વાત સાચી, પરંતુ માણસને વારસામાં મળેલ મૂળભૂત પ્રકૃતિ તો દુનિયાના દરેક ખૂણે સરખી જ છે. તેના (ખોરાક, સુરક્ષા) સિવાયની દરેક પ્રવૃત્તિઓ કાળક્રમે શીખ્યા છીએ કે અપનાવી લીધી છે. જે પુનરાવર્તનને કારણે આપણી ટેવો – કુટેવો માં ફેરવાઈ ગઈ છે.

હવે મુદ્દાની વાત, મોટાભાગના લોકોનું કહેવું છે કે “મારાથી નહીં થાય”. સારી ટેવો લાંબુ નથી ટકતી. સ્વાભાવિક છે, જે વસ્તુ આપણી પ્રકૃતિમાં, સ્વભાવમાં અને સમજણમાં ન હોય તેને રોજિંદા જીવનમાં સામેલ કરવી કઠિન છે.

ચાલો તેની પાછળના કારણો સમજીએ.

  1. સામાન્ય મનુષ્યની માનસિકતા મુજબ કોઈપણ વસ્તુ કરવા માટે તેને કારણ જોઈએ, પ્રોત્સાહન જોઈએ અને ઝડપી પરિણામ (ઈનામ) જોઈએ. દા.ત કોઈ દિવસ ફ્રુટ્સ ન ખાનાર વ્યક્તિ પણ જ્યારે બીમાર પડે છે, ત્યારે ફ્રૂટ્સ ખાવા લાગે છે. કારણકે તેની પાસે ફળ ખાવાનું કારણ છે, ઘર-પરિવાર અને ડોક્ટરનું પ્રોત્સાહન (અથવા પ્રેશર) છે, અને બિમારી મટી જવાનુ ઇનામ પણ છે.
  2. આ ઉદાહરણથી તમે સમજી ગયા હશો કે ખરાબ ટેવ દૂર કરવા અથવા ખરાબ ટેવની જગ્યાએ સારી ટેવ અપનાવવા માટે આ ત્રણ વસ્તુની (કારણ, પ્રોત્સાહન, પરિણામ) જરૂર હોય છે તેની સાથે થોડો આત્મસંયમ અને આત્મકલ્યાણની ભાવના પણ જરૂરી છે.
  3. તમારે કોઈપણ સારી ટેવો અપનાવી હોય તો તેની પાછળ આ ત્રણ તત્વો ઉમેરી દો. સૌથી પહેલા કારણ શોધી લો કે આ ટેવ કેમ અપનાવી છે, તમને પ્રોત્સાહન પૂરું પાડે તેવા વ્યક્તિઓ અને વાતાવરણની પસંદગી કરો, જાતે પણ ઇન્ટરનેટના માધ્યમથી અને બૂક્સ દ્વારા પણ પોતાની સારી ટેવો વિશે પોઝિટિવ માહિતી મેળવવી પ્રોત્સાહન મેળવતા રહો.
  4. પોતાના નાનામાં નાના અચિવમેન્ટ માટે પોતે જ ઈનામ નક્કી કરો (જે ખર્ચ ખરાબ ટેવો પાછળ કરો છો તેમાંથી). કોઈ દિવસ પોતાની જાતને અને બીજા લોકોને એવું ન કહેશો કે “મારાથી નથી થતું”, “મારાથી નહીં થાય”, “મુશ્કેલ છે” વગેરે વગેરે.

કારણ કે સારી ટેવો ન અપનાવી શકવા પાછળના જે કારણો છે, તે બધા બહાના છે. એક નબળા વ્યક્તિત્વની નિશાની છે. ટૂંકમાં તમે પોતાના અને પરિવારના જીવન વિશે ખરેખર સિરિયસ નથી, તમારી દરેક ચિંતાઓ બનાવટી છે.

 

સારી ટેવો કેળવવા કેટલાક વ્યવહારુ સૂચનો

  1. ખરાબ ટેવ ને સુધારવા કરતા તેની જગ્યાએ સારી ટેવ અપનાવી વધુ સહેલું છે.
  2.  હંમેશા આત્મા નિંદાથી બચવું જરૂરી છે.
  3.  જેવી ટેવ અપનાવી હોય, તેવી ટેવ ઓલરેડી જેને અપનાવેલી હોય એવા લોકોના સતત સંપર્કમાં રહો.
  4.  સારી ટેવોનું પુનરાવર્તન જરૂરી છે, માટે પુનરાવર્તન કર્યા કરો.
  5. “મહિને એક બુક વાંચીશ” એવો સંકલ્પ લેવા કરતા, “રોજ પાંચ પેજ વાંચીશ” એવો સંકલ્પ વધુ વ્યવહારુ છે.

પોતાની જાતને કોઇ પણ રીતે બીજી વ્યક્તિ થી ઉતરતી કક્ષાની સમજવી જરૂર નથી. દરેક વ્યક્તિમાં સામર્થ્ય છે જ. તમે એ કરી શકશો, જે કદાચ બીજા નહીં કરી શકે.

 

Lifeline Wellness

Arvindsinh Rana                                                                                                                                                     

Counseling Psychologist

વાંચો – પુરુષો માટે ખાસ

Call Now for Appointment