શું તમે જીવનમાં વધુ પૈસા ને આકર્ષવા માંગો છો?

ઓકસીજન પછી જો કોઈ બીજી વસ્તુ હોય તો તે પૈસા છે, જેના આધારે દુનિયા ચાલે છે. કદાચ ઘણા લોકો કેહશે પ્રેમ પર ચાલે છે. પરંતુ જો તમે હાલનો સમય જોશો તો ખ્યાલ આવશે કે દુનિયાના તમામ દેશોનું અર્થતંત્ર એક બીજા દેશ પર નભે છે.

એકબીજા પરની નિર્ભરતા ને કારણે જ તો ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના દેખાતી નથી. આપણે એ પણ જોયું છે કે કોરોના જેવી મહામારીમાં પણ અમુક પ્રકારના વ્યાપાર ધંધા, આયાત-નિકાસ તો ખોલવા જ પડયા હતા. જેનાથી અર્થતંત્ર ચલાવી શકાય.

સરકાર તંત્ર, સમાજ વ્યવસ્થા, કુટુંબ, સંસારી વ્યક્તિ કે પછી સાધુ સન્યાસીના જીવન ને ચલાવવા માટે પૈસાની જરૂર પડે જ છે. તેને કોઈપણ રીતે નકારી શકાય નહીં. સાધુ સંતો દુનિયા ની માયાજાળ થી મુક્ત થઈ જાય છે પરંતુ પૈસા પરની નિર્ભરતા સો ટકા સમાપ્ત થતી નથી. એટલા માટે જ તો સનાતન સંસ્કૃતિના મહાન ગ્રંથ ઋગ્વેદ, અર્થવેદ જેવા વેદો તેમજ ઉપનિષદમાં પણ પૈસા (અર્થ) નું મહત્વ જણાવ્યું છે.

માટે આજ નો લેખ અર્થ વ્યવસ્થા પર તો નહિ પરંતુ પૈસા સાથે જોડાયેલા આપણા જીવન પર છે.

માનવીય જીવનમાં પૈસાનું ખૂબ જ મહત્વ છે, તે આપણે સૌ સમજીએ છીએ. આપણે અહીં વાત કરવી છે તેના ઉપાર્જન (કમાવા) અને ઉપયોગ વિશે.

શાસ્ત્રોમાં પૈસા માટે અર્થ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે કારણ કે જો પૈસા નીતિમત્તા થી મહેનતથી કમાયેલા હશે અને તેનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવામાં આવશે તો પૈસા આપણા જીવનમાં અર્થ નો ઉમેરો કરે છે. પરંતુ જો ગેરરીતિથી કમાયેલો અને ગેરમાર્ગે વપરાયેલો પૈસો હશે તો જીવનમાં અનર્થ કરી શકે છે.

અહીં સમસ્યા એ છે કે ઘણા લોકો પૈસા નું મહત્વ વધુ પડતું આંકી લે છે અને તેમનું સંપૂર્ણ જીવન તેને પેદા કરવાની હોડમાં પૂરું થઈ જાય છે. કદાચ તે લોકો એ નથી સમજી શકતા કે પૈસા નું કામ છે આપણા જીવનમાં શાંતિ લાવવાનું સમૃદ્ધિ અને સગવડભર્યું બનાવવાનું. તેમ છતાં મોટા ભાગના લોકો પૈસા પાછળ શારીરિક, માનસિક, સામાજિક અને પારિવારિક સંપત્તિની ખુવારી કરી બેસે છે.

તો બીજી તરફ એવો પણ વર્ગ છે જે પૈસાને હાથનો મેલ કહે છે. પોતાની નિષ્ફળતા કે અસક્ષમતા ને ઢાંકવા માટે પૈસાને દૂષણ ગણાવે છે. “પૈસા હાથનો મેલ છે” આવી ફિલોસોફી તેના મોઢે જ શોભે જેની પાસે કરોડોની સંપત્તિ હોય. જેને મહાપરાણે મહિનો પૂરો કરવો પડતો હોય તેના મોઢે આ વાત ન શોભે. કદાચ આવા લોકો જાણે-અજાણે પૈસા નો અનાદર કરતા હોય છે અને તેને કારણે જ પૈસા તેમનાથી દૂર જ રહે છે.

આપણી માનસિકતા જ આપણું જીવન બનાવે છે કે બગાડે છે માટે મહેનત કરીને સાચા માર્ગે પૈસા કમાવવા એ કર્મ યોગ છે. જો સફળતા ન મળતી હોય તો પોતાની ક્ષમતા અને આવડતમાં વધારો કરી શકાય, નવા માર્ગો શોધી શકાય જેનાથી કદાચ દ્રાક્ષ ખાટી છે તેમ કહેવાનો વારો નહીં આવે.

ટૂંકમાં એમ કહી શકાય કે પૈસાનો અતિ પડતું મહત્વ કે અવગણના આ બંને આપણા માટે ખતરનાક છે. જેનાથી જીવનમાં સુખ કરતા દુઃખ વધારે આવશે જે પૈસા નો ખરો ઉદ્દેશ્ય નથી. પૈસાનો ખરો ઉદ્દેશ છે સુખ-સગવડ નો ભોગ કરી શકવાની ક્ષમતા, પોતાના અને પોતાના પરિવાર માટે સમય નો અવકાશ, મનની શાંતિ, સ્વભાવમાં તૃપ્તિ, ખુશમિજાજ અને સમાજના કલ્યાણમાં યોગદાન.

જેવી રીતે આપણે શ્વાસ લેતા જઈએ છીએ અને બીજા દૈનિક કાર્યો પણ કરતા રહીએ છીએ ફક્ત શ્વાસ લેવા માટે એક જગ્યાએ બેસી નથી રહેતા. તેવી જ રીતે પૈસા કમાવવાની સાથે જીવનના બીજા પાસાનો ને પણ યોગ્ય મહત્વ આપીએ તે જરૂરી છે

બંનેમાંથી કોઈ ની અવગણના ન થઈ શકે.

Lifeline Wellness

Arvindsinh Rana

Counselling Psychologist

તાજેતરની પોસ્ટ્સ

Call Now for Appointment