આપણે કેવી રીતે બીમાર પડીએ છીએ! તેની પાછળના કારણો શું છે! તેના વિશે જાણ્યું. એટલે કે હવે જ્યારે આપણે સમસ્યાના ઉદભવ પાછળના કારણો સમજી ચૂક્યા છીએ તો તેના ઉકેલ વિશે પણ સરળતાથી સમજી શકીશું.
અગાઉ વાત કરી તેમ આપણી બીમારીઓ પાછળનું એક કારણ આપણી જીવનશૈલી હોય છે, જે વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સાબિત થઈ ચૂક્યું છે. જેથી આપણે અહીં એવી જીવનશૈલી વિશે વાત કરીશું જે આપણા માટે સ્વાસ્થ્યપ્રદ હોય અને તેમાં પણ ખાસ કરીને ભારતીય જીવનશૈલી વિશે.
આરબ દેશો ની જીવનશૈલી:
આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ તેની આબોહવા, આસપાસ નું પર્યાવરણ, વસ્તી અને તે વિસ્તારમાં ઉપલબ્ધ સંસાધનો (Available Resources) નો આપણી જીવનશૈલી પર ઊંડો પ્રભાવ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો, “જેવો વિસ્તાર તેવી જીવનશૈલી” જે કુદરતી રીતે વિકસિત થાય છે.
દા.ત અરબ ના દેશો જ્યાં રણ વિસ્તાર વધુ છે, પાણીની અછત છે. પાણીની કમી હોવાથી જંગલો નથી અને ખેતીવાડી પણ વિકસી નથી, ગરમી પણ વધુ છે. તો હવે તમે જુઓ છો કે ત્યાંના લોકોના ખોરાકમાં પ્રાણીઓનું માસ વધુ જોવા મળે છે, કારણ કે અનાજ અને ફળફળાદી ઉપલબ્ધ નથી. તેમનો પહેરવેશ પણ વધુ પડતી ગરમી અને સીધા સૂર્યના કિરણો પડવાને કારણે તે મુજબ નો જોવા મળે છે. સંસાધનોની કમી હોવાના કારણે તેનો ઉપયોગ ખૂબ જ સાવચેતી પૂર્વક કરવો જરૂરી બની જાય છે.
યુરોપના દેશોની જીવનશૈલી:
બીજી બાજુ યુરોપના દેશો જ્યાં મોટાભાગે બરફ જોવા મળે છે, તેથી ઠંડીનું પ્રમાણ વધુ હોય છે. વર્ષમાં ખૂબ જ ટૂંકા સમય માટે બરફ ઓગળતા ખેતરોમાં ખેતી કરી શકાય છે. થોડા સમય માટે જ પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ઉપલબ્ધ હોય છે.
આ ટૂંકા ગાળાનો તેમણે ભરપૂર ઉપયોગ કરવો પડે છે, તો જ તે આખા વર્ષ માટે ખોરાકની વ્યવસ્થા કરી શકે. જેથી ખોરાકનો સંગ્રહ પણ કરવો પડે છે. એવો ખોરાક બનાવવો પડે જે લાંબા સમય સુધી સાચવી શકાય અને તેનો ઉપયોગ પણ યોગ્ય રીતે કરવો પડે જેથી તે ઠંડીના સમયગાળા દરમિયાન પૂરતો મળી રહે.
હવે જ્યારે વર્ષનો મોટાભાગનો સમય જ્યાં બરફ છવાયેલો રહે, સૂર્ય નિયમિત જોવા મળે નહિ, ત્યાં રોજિંદા કાર્યો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે. ઘરમાં પણ જાડા ગરમ કોટ પહેરવા પડે જેના કારણે શરીરને પૂરતો સૂર્પ્રકાશ મળે નહીં અને સૂર્યપ્રકાશ ઓછો મળે તો વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળે નહીં. જેની ઉણપને કારણે ઘણી બધી શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ થઈ શકે છે.
તો જ્યારે પણ સૂર્ય પૂરતા પ્રમાણમાં નીકળે ત્યારે બરફની ચાદર હટે, નદીઓ વહેવા લાગે, ખેતરોમાં ખેતી થાય, લોકો બહારના કાર્યો કરી શકે અને સાથે સાથે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી એવું વિટામિન ડી લેવાય એટલું લઈ લેવું પડે. જેના માટે શરીર પર ઓછામાં ઓછા કપડા પહેરવા પડે જેથી પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ શરીર શોષી શકાય.
આ પ્રકારની પરિસ્થિતિને કારણે ત્યાં ટૂંકા વસ્ત્રો પહેરવા એ આબોહવા અને વિસ્તારની જરૂરિયાત બની ગઈ અને કાળક્રમે તેનું ફેશન માં રૂપાંતર થઈ ગયું. સમજ્યા!
આ તો વાત થઈ અરબસ્તાન અને યુરોપના દેશોની. તેવી જ રીતે આફ્રિકાના દેશો માં ઘણી બધી નદીઓ અને જંગલો છે અખૂટ કુદરતી સંપદા છે. તો તેમની જીવનશૈલી નું અનુમાન તમે જાતે જ લગાવી શકો છો.
એવું કહેવાય છે કે મોટાભાગની માનવ જાતિ આફ્રિકાથી જ નીકળી છે. એટલે કે આપણી માનવ પ્રજાતિ જેને વૈજ્ઞાનિક ભાષામાં *હોમોસેપિયન્સ* કહેવામાં આવે છે તેનો ક્રમિક વિકાસ અહીંથી જ શરૂ થાય છે જે ખોરાક અને સુરક્ષા માટે પૃથ્વીના બીજા ભૂ ભાગોમાં જઈને વસવાટ કરવા લાગે છે. જે તે વિસ્તારના વાતાવરણ અનુરૂપ પોતાની જાતને ઢાળવા નો પ્રયત્ન કરે છે.
પોતાની જાતને આસપાસના વાતાવરણ અને ઉપલબ્ધ સંસાધનો અનુરૂપ ઢાળવાનું આપણે કાળક્રમે કુદરત પાસેથી શીખ્યા છીએ. જે ધીમે ધીમે જે તે વિસ્તારના લોકોની જીવનશૈલી બનતી ગઈ છે.
પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે આપણા પૂર્વજોએ પોતાને કુદરતી રીતે અનુકૂળ હોય તેવી જીવનશૈલી તૈયાર કરવા માટે ઘણો બધો ભોગ આપ્યો છે. તેઓ ભૂલ અને સુધાર (Trial and Error) ના ફોર્મ્યુલા થી ભૂલો કરતા ગયા અને તેને સુધારતા ગયા.
*”કુદરત સાથેના આ લાંબા સંઘર્ષ પછી મનુષ્યને જે મળ્યું તે બની જે તે વિસ્તારના લોકોની જીવનશૈલી”*
હવે વાત કરીએ ભારતીય ઉપ મહાદ્વીપ વિશે.
આપણા પૂર્વજો અહીં વસ્યા છે તેની પાછળના ઘણા બધા કારણો છે તો આવો કેટલાક રસપ્રદ કારણો વિશે જાણીએ.
- – પૃથ્વી પર સૌથી વધુ વરસાદ આપણે ત્યાં પડે છે.
- – મોટાભાગે અહીં શિયાળો ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુનું સમતોલન જોવા મળે છે.
- – સારા વરસાદ અને પૂરતા સૂર્યપ્રકાશને કારણે પૃથ્વી પરના સૌથી ઉપજાઉ પ્રદેશોમાં નો એક પ્રદેશ આપણો છે. જે ખેતી માટે ઉત્તમ માનવામાં આવે છે.
- – આપણે ત્યાં વિવિધ પ્રકારની આબોહવા અને પર્યાવરણ ધરાવતા પ્રદેશો છે. જ્યાં અમુક ભાગમાં બરફ છે, તો અમુક ભાગમાં વિશાળ જંગલો છે. રણ પ્રદેશ પણ છે, જ્યારે અમુક ભાગ લાંબા દરિયા કિનારાથી જોડાયેલો છે. તો અહીં પહાડી પ્રદેશો પણ ખૂબ જોવા મળે છે.
તમે જ કહો આપણે ત્યાં શું નથી!
જે પ્રદેશ પાસે ભરપૂર વરસાદ, નદીઓ અને સૂર્યપ્રકાશ હોય તેની ખેતી તો સમૃદ્ધ જ હોવાની અને ખેતી હોય એટલે ભરપૂર ધન ધાન્ય અને ફળ ફળાદી યુક્ત ખોરાક હોય. તો સામે પક્ષે ખેતી માટે ભરપૂર મહેનત પણ કરવી જ પડે તેનાથી આપણું આહાર વિહાર નું સંતુલન જળવાય રહે છે.
લાખો વર્ષોથી આપણી પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકી રહ્યું છે તેનું કારણ છે પૃથ્વી પરના દરેક જીવે તેની આસપાસના વાતાવરણને અનુરૂપ પોતાની જાતને ઢાળી છે અરે વનસ્પતિ પણ પોતાની જાતને વાતાવરણ અનુસાર ઢાળે છે. તમે જોશો કે અમુક પ્રકારની વનસ્પતિ અમુક વિસ્તારમાં જ જોવા મળે છે. કેસર કેરી નો આંબો જે જૂનાગઢની આસપાસના વિસ્તારમાં થાય છે તેવો બીજા વિસ્તારોમાં થઈ શકતો નથી.
*”ઇતિહાસ સાક્ષી છે કે જે પ્રજાતિ પોતાને વાતાવરણ અનુસાર ઢાળી નથી શકતી કે તેની વિરુદ્ધ જાય છે તે લુપ્ત થતી જાય છે”*
કુદરતને અનુરૂપ થવું એટલે “કુદરત અનુસાર આપણી જીવનશૈલી નિર્ધારિત કરવી જેમાં આપણી શારીરિક અને માનસિક પ્રકૃતિ, તેની જરૂરિયાત અને તેની અનુકૂળતા સમજીને તેની સાથે આસપાસના વાતાવરણને અનુરૂપ થવું”.
આપણને અનુકૂળ હોય તેવા ઉપલબ્ધ સંસાધનો નો યોગ્ય ઉપયોગ કરીને પોતાનો વિકાસ કરવો એનો અર્થ યોગ્ય “જીવનશૈલી” અપનાવી.
આગળના પ્રકરણમાં આપણે યોગ્ય જીવનશૈલીના વિવિધ પાસાઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું.
તાજેતરની પોસ્ટ્સ
- આ 3 વસ્તુ લાવશે તમારા બાળક માં ચમત્કારિક બદલાવ | Parenting Tips by Arvindsinh Rana
- આપણે બીમાર કેમ પડીએ છીએ! | By Arvindsinh Rana | Health – 2
- ગણપતિ દાદાની સાઇકોલોજી | By Arvindsinh Rana
- “આ એક વસ્તુ તમારા દરેક સપના પૂરા કરી શકે છે” By Arvindsinh Rana
- આ છે પુરુષો નો સૌથી મોટો દુશ્મન (પુરુષો નું સમાયોજન) | Adjustment Psychology by Arvindsinh Rana
Nicr