જીવનમાં સમસ્યાઓ આવવાનું એક કારણ આ પણ! “Law Of Attraction”

એક સમય હતો જ્યારે આપણે પશ્ચિમના લોકો અને તેમના સમાજ વિશે ઘણી બધી ટીકા ટિપ્પણીઓ કરતા હતા જેમકે 

– ત્યાં પરિવારની ભાવના નથી લોકો અલગ અલગ રહે છે.

 -બાળકો માતા-પિતાના કહ્યામાં નથી હોતા.

– તેમનું ખાનપાન સારું નથી, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

– યુવાનો ડ્રગ્સ ના રવાડે ચડી ગયા છે.

– તેમના લગ્નનો લાંબુ ટકતા નથી એક કરતાં વધુ વાર પરણવા છતાં સંતુષ્ટ થતા નથી.

– પશ્ચિમના લોકોમાં અનિંદ્રા તણાવ ડિપ્રેશન વગેરે જેવી માનસિક સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

– બોલવા ચાલવામાં પહેરવેશ માં કોઈ મર્યાદા નથી.

– પશ્ચિમના લોકો વધુ પ્રમાણમાં સ્વાર્થી અને સ્વકેન્દ્રી હોય છે, અને આ સિવાય પણ બીજું ઘણું બધું આપણે કહેતા હતા.

હવે ઉપરોક્ત આઠે આઠ મુદ્દા ફરી એકવાર ધ્યાનથી વાંચો અને વિચારો કે હાલના સમયમાં આપણે ત્યાં આમાંથી શું નથી બની રહ્યું? કદાચ હવે આપણે તેમની નિંદા કરવાને લાયક રહ્યા નથી. હવે આપણે ત્યાં પણ આ બધી બાબતો સામાન્ય થવા લાગી છે. પરંતુ અહીં એક સવાલ પેદા થાય છે કે કેમ આવું બન્યું? આપણે જેમની નબળાઈઓ અને કું-વ્યવસ્થા વિશે વાતો કરતા થાકતા ન હતા તે જ નબળાઈઓ અને કું-વ્યવસ્થા આપણે પણ હોંશભેર સ્વીકારી રહ્યા છીએ.

આપણે પણ પશ્ચિમની હરોળમાં આવવા લાગ્યા તેના કારણો શું હોઈ શકે? ચાલો કેટલાક મુદ્દાઓ થી તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

– આપણે પશ્ચિમની નિંદા તો કરતા હતા પરંતુ ગર્ભિત રીતે તેમના પ્રત્યે આકર્ષણ પણ ધરાવતા હતા. જે કદાચ આપણને તે દિશામાં દોરી ગયું.

– કદાચ આ સમયનો એટલે કે કળયુગ નો પ્રભાવ હશે જે માનવીની ચેતના ને પ્રભાવિત કરી રહ્યો છે.

– કુદરતનો એક નિયમ મેં જોયો છે કે આપણે જ્યારે બીજા લોકોની નબળી વાતો કરીએ છીએ ત્યારે આડકતરી રીતે આપણે પોતાને સામેવાળા કરતાં ઉચ્ચ કક્ષાના માની લઈએ છીએ. પરંતુ આ આપણું સબ કોન્સિયન્સ માઈન્ડ નથી સમજી શકતું કે આપણે આ વાત આપણા માટે કરીએ છીએ કે બીજા માટે, સારી છે કે નથી સારી. તે તો ફક્ત આપણા ભાવને જ સમજે છે (Law of Attraction), જે આપણા જીવનમાં સીધી કે આડકતરી રીતે તે જ પ્રકારની નબળી પરિસ્થિતિનું નિર્માણ કરવા લાગે છે.

કદાચ તમે પણ એવું જોયું કે અનુભવ્યું હશે, જ્યારે આપણે બીજા લોકો વિશે નકારાત્મક વાતો કરીએ છીએ નિંદા કરીએ છીએ “તે આવા છે” “પેલા આમ કરે છે” વગેરે વગેરે. ત્યારે આપણે પણ આંતરિક રીતે અશાંત બનીએ છીએ અને ક્યાંક ને ક્યાંક સામેવાળા માં દેખાતી નકારાત્મકતા ને આપણે અજાણપણે આકર્ષી રહ્યા હોઈએ છીએ.

તમે એવા ઘણા લોકો જોયા હશે કે પછી પોતાની લાઇફમાં અનુભવ્યું પણ હશે, જે લોકો બીજાની નબળાઈઓ અને અણબનાવ વિશે વાતો કરતા હતા તેમના જીવનમાં પણ તેવી જ પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું બન્યું હશે. આપણે ઘણીવાર બીજા લોકોની ઉતરતી વાતો કરીને આનંદ લઈએ છીએ, કારણ કે બીજાની ઉતરતી વાતો કરવાથી ઓટોમેટીકલી આપણે તેમના કરતાં વધુ સારા અને સાચા સાબિત થઈ જતા હોઈએ છીએ એવું આપણને લાગતું હોય છે.

આપણે દરેકે પેલું ઉદાહરણ ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું જ હશે કે બોર્ડ ઉપર દોરેલી લીટી ને ભુસ્યા વગર નાની કરવી હોય તો આપણી લીટી મોટી કરવી પડે. પરંતુ બીજી એક વિકૃત રીત એ છે કે બીજાની લીટી ને કઈ પણ કર્યા વગર ફક્ત બોલીને નાની સાબિત કરી દેવી, જે સહેલો અને સસ્તો ઉપાય છે, જેમાં મહેનત પણ નથી અને ચેલેન્જ પણ નથી.

આજકાલ આપણે નાની નાની વાતોથી લોકોને જજ કરતા રહીએ છીએ અને તેમાં પણ મોટેભાગે તો નેગેટિવ ભાવ જ જોવા મળે છે.

દા.ત

– કોઈ સારું દેખાય તો કહીએ કે એની પાસે તો આ બધું કરવાનો ફાલતુ સમય છે મારી પાસે નથી.

– કોઈ પાસે વધારે પૈસા હોય તો કહીએ એને તો તૈયાર થાળી મળી છે, એને તો ફલાણા નો સપોર્ટ છે અને છેલ્લે કંઈ નહીં તો કહીએ કે આ તો બધું બે નંબર છે.

– ફેમિલી કે ફ્રેન્ડ્સ માં કોઈ વધુ લોકપ્રિય હોય તો કહેવાનું કે એ તો મીઠું મીઠું બોલીને માખણ મારીને લોકોને સારું લગાડે છે, પણ  મારે તો સાચું બોલવા જોઈએ હું તો રોકડું મોઢે જ કહી દઉં.

વ્યક્તિની માં જે મજબૂત કે સારું પાસુ હોય તેને અવગણીને તેના નબળા પાસા વિશે વાત કરવી એ નિમ્નકક્ષાની અને નબળા વ્યક્તિની નિશાની છે.

આવી તો બીજી ઘણી બાબતો છે જે આપણે જાણે-અજાણે કરતા હોઈએ છીએ જેની કદાચ આપણે ખાસ નોંધ પણ લેતા નથી.

પણ શું આપણી આવૃત્તિ થી અત્યાર સુધી કોઈ ફાયદો થયો???

ઘડી બે ઘડીના વિકૃત આનંદ સિવાય આપણને શું મળ્યું?

જીવનમાં સંતોષનો વધારો થયો?

શું કોઈ ઊંડી શાંતિ મળી? 

શું લોકો નો આપણા તરફી પ્રેમ વધ્યો?

કોઈ મોટી સફળતા મળી?

નહીં ને! ક્યાંથી મળે…

*કારણ કે આપણને જીવનમાં જે જોઈએ છે તે પ્રેમ, આનંદ, શાંતિ, સંતોષ, નિરાંત અને સફળતા તેના માટે આ માર્ગ જ ખોટો છે*

તેના માટે તો બીજાને મદદ કરવી, નબળા સમયમાં સાથ આપવો, ખરા હૃદયથી પ્રશંસા કરવી, તેમની પરિસ્થિતિને સમજવાનો અને અનુભવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.

કોઈપણ વ્યક્તિને ખોટો કે ખરાબ ચીતરતી વખતે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વ્યક્તિ તેની પાસે રહેલી સમજણ અને જે તે પરિસ્થિતિને અનુરૂપ જ વ્યવહાર કરતો હોય છે.

આ દુનિયામાં દરેકને પ્રેમ જોઈએ છે, દરેકને સારા માણસ બનવું છે, દરેકને સફળતા જોઈએ છે.

હમણાં જ ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્રના મોઢે સાંભળ્યું હતું કે સારા દેખાવા નો પ્રયત્ન છોડી દો, સારા બનવાનો પ્રયત્ન કરો બસ.

તાજેતરની પોસ્ટ્સ

Call Now for Appointment