માનસિક શાંતિ મેળવવી હોય તો આ વાત ધ્યાનમાં રાખજો
વાતની શરૂઆત એક વાર્તાથી કરીએ – એક સામાન્ય વ્યક્તિ દરિયાઈ મુસાફરી દરમ્યાન એક વિશાળકાય ચાર માળની સ્ટીમરનાં છેક નીચલા માળે થર્ડ ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ તે પોતાની પ્રકૃતિ મુજબ સ્ટીમરની દરેક હિલચાલ પર પોતાની પ્રતિક્રિયા આપતો હતો. જેમકે અત્યારે સ્પીડ ઓછી હોવી જોઈએ કે વધારે હોવી જોઈએ, આ માર્ગ લાંબો પડશે વચ્ચે વિઘ્નો આવશે, કેપ્ટન બરાબર નથી વગેરે વગેરે.. સ્ટીમર સાથે મોટા મોજા અથડાય તો દરિયા પર પણ તે નારાજ થઈ જતો. પરંતુ આવી કોઈપણ પ્રતિક્રિયાઓ ની અસર સૌથી ઉપરના માળે સ્ટીમરના સંચાલકો કે કેપ્ટન પર થતી નહીં કારણકે આ વ્યક્તિ કેપ્ટનની નજર સુદ્ધા માં પણ આવતો નહીં. એક સામાન્ય થર્ડ ક્લાસનો મુસાફર હતો જે ફક્ત તેની આજુબાજુના સામાન્ય કોટિના મુસાફરો સાથે આવી વાહિયાત કામ વગરની ચર્ચાઓ, સલાહ-સુચન અને ફરીયાદો કર્યા કરતો.
આ ટૂંકી વાર્તા પરથી તમે સમજી તો ગયા જ હશો કે નિરર્થક બળાપા, ફરિયાદો, ચર્ચાઓ, સલાહસૂચનો થી તે વ્યક્તિ પોતાનો સફર તો બગાડી જ રહ્યો હતો, અને સાથે સાથે મનની શાંતિ પણ ડોહળી રહ્યો છે. વધુમાં તે મતભેદો કરીને તેની આજુબાજુના લોકો સાથે સંબંધો પણ બગાડી રહ્યો છે.
હવે આ જ વાર્તાને આપણા હાલના જીવન સાથે જોડી દો, જેમાં આપણે જીવનની દરેક પરિસ્થિતિનું વિશ્વ્લેષણ કરીને મન ફાવે તેવા અભિપ્રાયો આપી રહ્યા છીએ. મહદંશે આં અભિપ્રાયો ઉદ્વેગ, વિદ્રોહ, નારાજગી અને અહમથી જ ભરેલા હોય છે. જેની અસર સામેવાળા પર કે પરિસ્થિતિ પર તો નહીવત જ હોય છે, પરંતુ તે આપણી આંતરિક શાંતિ ને નુકસાન પહોંચાડે છે. આપણા સ્વભાવને ઝેરી (Toxic) બનાવે છે. આવા ઝેરી સ્વભાવને કારણે આપણી આજુબાજુ બની રહેલી સકારાત્મક બાબતો પર આપણું ધ્યાન જતું નથી.
કારણકે આપણે તો નક્કી કરી લીધું છે કે તંત્ર નબળું છે, લોકો કામચોર છે, વેપારીઓ છેતરપિંડી કરી રહ્યા છે, પૈસાદાર લોકો શોષણ કરી રહ્યા છે, મોટા બિઝનેસમેન કાળા-ધોળા કરીને કમાઈ રહ્યા છે, આપણી પત્ની (કે પતિ) આપણા માટે પરફેક્ટ નથી, બાળકો આપણી અપેક્ષાઓ કરતા વધારે નબળા છે, શિક્ષણ ખાડે ગયું છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે. બસ, આપણે જ આપણું કામ નિષ્ઠાથી કરી રહ્યા છીએ, આપણે જ પ્રમાણિક છીએ, આપણે જ સાચા છીએ. અરે આવી તો ઘણી બાબતો છે, કદાચ આખો લેખ ભરાઈ જશે પણ આપણા જીવનની ફરિયાદો અને બળાપા પૂરા નહીં થાય.
હવે મુદ્દાની વાત, આવી માનસિકતા પાછળના કારણો કયા? દરેક માણસનો એક ઉમદા ભ્રમ હોય છે કે હું બહુ સાચો છું, હું નિર્દોષ છું, હું પરફેક્ટ છું પણ સામેવાળો કે દુનિયા નથી. જેનાથી એક માનસિક ઘર્ષણ પેદા થાય છે.
બીજી વાત આપણે જીવનમાં શું જોઈએ છે તેની ખબર નથી, બસ જે હાથવગું હોય તે પકડી લીધું છે. કદાચ ખબર છે કે શું જોઈએ છે તો તેને મેળવવા માટે કોઈ પ્રયત્નો નથી કોઈ એક્શન પ્લાન નથી. જેની પાછળનું કારણ છે હિંમત અને સાહસનો અભાવ.
પોતાને બદલવા કરતા બીજાને બદલવા વધુ સહેલું લાગે છે. કારણ કે પોતે બદલાવું હોય તો જવાબદારી લેવી પડે, ચેલેજ ઉપાડવી પડે, નિષ્ફળતા પણ વેઠવી પડે. જે આપણને સ્વીકાર્ય નથી.
પોતાની આવડત કે નિષ્ફળતા છુપાવવી હોય તો સામેવાળાની આવડત કે અણઆવડત પર પ્રહાર કરવો પડે.
ચારે બાજુ ફેલાયેલું આ હૈયાવરાળ નું વાતાવરણ સાચા જીવનને બાળી રહ્યું છે. ખાસ તો આપણા સ્વભાવ, ચિત્ત અને માનસિકતાનું નેગેટિવ પ્રોગ્રામિંગ કરી રહ્યું છે. જે આપણા વ્યક્તિગત જીવનમાં ઝેર ભેળવી રહ્યું છે. સંબંધોમાં કડવાશ, જીવન તરફ ઉદાસી અસંતોષ, સતત ઉદ્વેગ અશાંતિ એ પણ આવા પ્રકારના આપણા સ્વભાવની જ દેન છે.
તો હવે કરવું શું ???
૧) આપણે જીવનમાં જે પણ કરવું છે તેના માટે રોજેરોજ, ભલે નાનું પણ એક ડગલુ ભરો.
૨) સોશિયલ મીડિયામાં આવા ભડાશ કાઢનારા બુદ્ધિજીવી ગ્રૂપસ માંથી વિદાય લઈ લો. સોશિયલ મીડિયાનો ફક્ત લિમિટેડ સદઉપયોગ કરો.
૩) રોજ અડધો કલાક કોઈની પણ કંપની અને પ્રવૃત્તિ વગર એકલા બેસો.
૪) પોતાની જાતને વ્યક્ત કરવાનું એક માધ્યમ શોધી લો. જેમાં ડાન્સિંગ, સિંગિંગ, પેઇન્ટિંગ, લખવું, વાંચવું, જોગિંગ વગેરેમાંથી કંઈપણ કરો.
૫) ગુસ્સો અપાવતા લોકો, સમાચાર, વિવિધ મીડિયાથી દૂર થઈ જાઓ. સામેવાળાની ભૂલ થતાં ગુસ્સાને બદલે દયાભાવ લાવવાની કોશિશ કરો.
૬) કોઈ પણ પરિસ્થિતિ કે મુશ્કેલી નું વિશ્લેષણ ઓછું કરો અને તેના સમાધાન (Solution) પાછળ પોતાની શક્તિ વાપરો.
Arvindsinh Rana
Psychologist
4 Responses
[…] માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રા… […]
[…] માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રા… […]
[…] માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રા… […]
[…] માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રા… […]