શું તમને પણ આપણી લગ્નવ્યવસ્થા ભાર રૂપ લાગે છે?
અત્યારે ઘર નાં દરેક ખૂણે એક લગ્ન ની કંકોત્રી મળે છે. તે જોતાં લાગે છે કે લગ્ન ની મોસમ પુર બહાર માં ખીલી છે. આમ તો લગ્ન એક સામાજિક વ્યવસ્થા કે રીત – રિવાજ છે પરંતુ ખરેખર તો લગ્ન એ ભવિષ્ય ની પેઢી ને જન્મ આપનારી એક વિશિષ્ટ વ્યવસ્થા છે. પરંતુ દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણી આજુ બાજુ ધ્યાન કરતા ગૃહ કંકાસ, છૂટા છેડા , પરાણે જવાબદારી નાં ઢસરડા કરતા યુગલો (પતિ – પત્ની) જે લગભગ તો છૂટા થઈ જ ગયા હોય છે પણ ફક્ત સામાજિક રીતે ભેગા લાગે છે.
આપણે સૌ આવી સમસ્યાઓ થી પરિચિત છીએ અને ઉપરછલ્લા કારણો પણ જાણીએ છીએ, પરંતુ અહીંયા મારે તમને તેના ઉદભવ સ્થાન કે સમસ્યા ના મૂળ ની વાત કરવી છે.
થોડા સમય અગાઉ સાંભળેલા સમાચાર મુજબ *ઈન્ડોનેશિયા* નામના દેશ માં સરકાર દ્વારા એક કાયદો પસાર કરવા માં આવ્યો છે, જેમાં લગ્ન ઇચ્છુક યુવાનો ને લગ્ન પહેલા બે મહિના નો સરકાર માન્ય કોર્ષ કરવાનો ફરજિયાત છે. (જેવી રીતે કોઈ નોકરી માટે ચોક્કસ ભણતર કે લાયકાત જોઈએ.)
જેમાં, લગ્ન માટે શારીરિક અને માનસિક પરિપક્વતા, પોતાની અને તેના પર નિર્ભર થનાર સભ્યો ની જવાબદારી નુ વહન કરી શકે તે માટે ની ક્ષમતા, પતિ – પત્ની વચ્ચે સમાયોજન નાં સૂચનો તેમજ બાળ ઉછેર ની તાલીમ પણ આપવામાં આવે છે ત્યાર બાળ આ બધી પ્રક્રિયા માં પાસ થનાર ને જ સરકાર પરણવા માટે લેખિત અનુમતિ આપે છે. છે ને સુંદર વ્યવસ્થા?
હવે આપણી વાત કરીએ, જેમાં લગ્ન માટે દેખાવ, મિલકત, હોદ્દો, સામાજિક પ્રતિષ્ઠા ને જ મુખ્યત્વે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. તેમ છતાં હાલ નાં સમય મા આ બધું હોવા છતાં છૂટા છેડા, કલેશ, ઘરેલુ હિંસા વગેરે જોવા મળે છે, તો શું આં મુદ્દા પર ફરી વિચાર કરી શકાય?
સૌ પ્રથમ તો સંતાન લગ્ન યોગ્ય થાય ત્યારે વાલીઓ પાત્ર ની શોધ માં દોડા દોડી કરવાને બદલે તેની સાથે નિરાંતે બેસીને ખુલ્લા મન થી ચર્ચાઓ કરવાનું શરૂ કરે, તેમાં તેની ઈચ્છાઓ, પસંદ નાપસંદ, તેની લગ્ન વિશે ની માન્યતાઓ વિશે મુક્ત ચર્ચા વિચારણા કરે અને પોતાના અનુભવ નાં આધારે તેનું પૃથક્કરણ કરે, અને આ ચર્ચા માં એવું પણ સામે આવી શકે કે તમારું સંતાન લગ્ન *ન* પણ કરવા માંગતું હોય તો આવી પરિસ્થિતિમાં કાગારોળ કરી મૂકવા ને બદલે સંતાન નાં નિર્ણય ને માન આપવું જોઈએ જેનાથી બે પરિવાર ને નુકશાની થી બચાવી શકાય. અને આમ પણ આપણે એવા ઘણા લોકો ને ઓળખીએ છીએ કે અપરણિત રહી ને પણ ઉત્તમ જીવન જીવે છે.
હવે બીજી વાત, જો સંતાન દીકરી હોય તો સામા પક્ષે ઓછા માં ઓછું દીકરી જે વાતાવરણ માં ઉછરી હોય તેને સમકક્ષ હોય, દીકરી જો સ્વભાવે મુક્ત વિચારસરણી ધરાવતી હોય, મહત્વકાક્ષી હોય, સમય સાથે ચાલનારી આધુનિક હોય તો તો ખાસ તેને અનુરૂપ જ પાત્ર પસંદગી કરવી. દીકરા પક્ષે પણ આવુજ હોવું જોઇએ.
અરે હું તો ત્યાં સુધી કહું છુ કે લગ્ન પેહલા બંને નાં body check-up પણ કરાવી લેવા જરૂરી છે જેથી વધુ પારદર્શિતા જળવાય. હજારો લાખો કી.મી દૂર રહેલા ગ્રહો કુંડળી માં મળે કે ન મળે પણ સ્વભાવ ની વિશેષતાઓ તેમજ ખામીઓ અનુકૂળ આવે તે વધુ અગત્યનું છે. આર્થિક રીતે ઓછા સમૃદ્ધ બનશે તો વાંધો નહીં પરંતુ સંબંધો માં ખુબ જ સમૃદ્ધ બને, તેના પર તેમનું ભવિષ્ય આધારિત છે.
લગ્ન એ બે વ્યક્તિ નું સુંદર જોડાણ છે, જેના લીધે જીવન માં સુગંધ ભળે છે. પરંતુ સાથે સાથે એ પણ ખ્યાલ માં લેવું જોઈએ કે દરેક વ્યક્તિ લગ્ન મા જોડાવા યોગ્ય ન પણ હોય તેના માટે અપરણિત રેહવું વધુ સુગંધિત હોય શકે. અહી વાત લગ્ન વિશેની કરવી છે. તો એક વાત આં જોડાણ માં જોડાયા પછી શું?
તેનો જવાબ દરેક વ્યક્તિ પાસે નથી માટે જ આજે સમાજ માં “કજોડાં” વધતા જાય છે. લોકો નાં જીવન માં એક ખાલીપો છે, એક અસંતોષ છે. જે ખાલીપો પૂરવા માટે તે સતત મથ્યા કરે છે, પરંતુ પરિણામ સંતોષ જનક નથી મળી રહ્યું જેના ઘણા બધા કારણો છે, જેમકે આજકાલ સોશીયલ મિડીયા ની પોસ્ટ અને T.V આવનારા કાર્યક્રમો નો પણ ફાળો છે. જેમાં દર્શાવવા માં આવતી બનાવટી જીવનશૈલી જે દરેક ની જીવવા માટે પ્રબળ અપેક્ષા વધી રહી છે.
જીવન પ્રત્યે સકારાત્મક અપેક્ષા હોવી સારી બાબત છે પરંતુ તેની સાથે સાથે આપણા વાસ્તવિક પ્રયત્નો ને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે અને તે પ્રયત્નો ખુબજ સરળ અને નાના નાના છે, જેનાથી લગ્નજીવન માં સુગંધ ભળી શકે.
આદર્શ પતિ કે આદર્શ પત્ની ની ખોજ ને બદલે વાસ્તવિકતા નો સ્વીકાર કરીને એકબીજા ને અનુકૂળ જીવનશૈલી ઘડવાની છે, જેના માટે બંને પક્ષે પ્રયત્નો કરવાની જરૂર છે.
- ભલે ગમે તેવા સંજોગો હોય બન્ને એ એકબીજા ને “quality time” કાઢવો ખુબજ જરૂરી છે.
- ફક્ત રાત્રે જ નહિ દિવસ દરમ્યાન પણ એકાદ વાર હુંફાળો સ્પર્શ જરૂરી છે.
- બન્ને જણે કોઈ ને કોઈ શોખ કેળવવો.
- બની શકે તો સાથે સાથે ચાલવા જવું.
- ખાસ જરૂરી બની શકે તો પારિવારિક વ્યવહારો ની ચર્ચા ટાળવી જે વ્યર્થ અને અંતર વધારનારી હોય છે.
- અને છેલ્લે પાયાની વાત જેના પર લગ્નજીવન ટકેલું છે તે છે એકબીજાનું “સન્માન” અને “પ્રેમ”
Arvindsinh Rana
Counseling Psychologist