પૈસા ની તંગી રહેવાના 5 મુખ્ય કારણો By Arvindsinh Rana

અવર્ગીકૃત

પૈસા ની તંગી રહેવાના 5 મુખ્ય કારણો વિશે જાણો અને આજથી જ તેના પર કામ કરવાની શરૂઆત કરો.

વ્યવહારુ વાત કરીએ તો પૃથ્વી ઉપર ઓક્સિજન અને પાણી પછી જો કોઈ ત્રીજી વસ્તુ સૌથી મહત્વની હોય તો તે છે પૈસા – Money – રૂપિયા. બીજી બધી વાતો ફિલોસોફી છે. અને એ ફિલોસોફી કરવા માટે પણ પોતાની પાસે યોગ્ય પ્રમાણમાં વિટામીન M હોવું જરૂરી છે. અરે સંન્યાસીઓના જીવન પણ સંસારીઓની સંપત્તિથી જ ચાલે છે. માટે એ વાત સ્વીકારવી જ રહી કે પૃથ્વી પર સારી રીતે જીવન જીવવા માટે પૂરતા નાણાં હોવા ખૂબ જ જરૂરી છે. અને આજે આપણે એ જ વાત કરવી છે કે કેમ ઘણાબધા માણસોને મોટાભાગે પૈસાની ખેંચ રહેતી હોય છે.

આ મારો વિષય નથી પરંતુ પૈસાની ખેંચ રહેવા પાછળ ચોક્કસ પ્રકારના વ્યવહારુ અભિગમ અને માનસિકતા વિશે અહીં વાત કરવી છે.

 તો ચાલો તેની પાછળના કારણો વિષે ચર્ચા કરીએ.

૧) ચમત્કારની આશા

કોઈ સ્વીકારે કે ન સ્વીકારે પણ સામાન્ય માણસ ના જીવનનો મુખ્ય ધ્યેય હોય છે પૈસાદાર બનવું. તેના માટે તે ઘણા હવાતિયાં આ મારે છે અને ઘણી વખત તેના માટે તે ચમત્કાર થાય, કોઈની અમીદ્રષ્ટિ પડી જાય, કોઈ બાધા આખડી ફળી જાય, કોઈ ભુવા બાબા ના શબ્દો સાચા થઈ જાય, નસીબ ચમકી ઉઠે વગેરે જેવા બાહ્ય પરિબળો પર વધુ પડતો આધાર રાખે છે. તેને પોતાની અંદર કોઈ ચમત્કાર કરવો નથી. જો કોઈ વ્યક્તિ પોતાની અંદર ચમત્કાર કરવાનું નક્કી કરે તો પૈસાદાર બનવાની જવાબદારી પોતાના પર આવી જાય પછી બીજા ને નિષ્ફળતાનો દોષ ન દઈ શકાય.

હકીકતમાં પોતાની અંદર બદલાવ લાવવો ખૂબ જરૂરી છે અને પછી કદાચ બાહ્ય પરિબળો મદદ કરે.

૨) ફક્ત મહેનત પર વધુ પડતો ભરોસો

 

આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે “રાત દિવસ મહેનત કરીએ છીએ તો પણ બે પાંદડે થવાતું નથી” .  “ચોવીસ કલાકમાંથી અઢાર કલાક મહેનત કરે છે પણ મેળ પડતો નથી” અહીંયા એ સમજવું જરૂરી છે કે શારીરિક મહેનત થી મળતા વળતર ની ચોક્કસ મર્યાદા છે, જ્યારે માનસિક બુધ્ધિથી કમાવવા ની કોઈ મર્યાદા નથી. 

માટે ફક્ત શરીર તોડવાથી કાંઈ નહીં વળે, સાથે સાથે બુદ્ધિને પણ ખીલવવી જરૂરી છે.

૩) કૌશલ્ય (Skill) નો અભાવ

સામાન્ય માણસ શાળા-કોલેજ પૂર્ણ કર્યા બાદ ભણવાનું અને નવું શીખવાનું છોડી દે છે. તે એવું સમજે છે કે એ ઉંમર પૂરી થઈ ગઈ, હવે ફક્ત કામ કરો અને પૈસા કમાવો. પરંતુ આપણી આજુબાજુ નજર કરશું તો ખ્યાલ આવશે કે વધુ પૈસા તે લોકો જ કમાય છે જેની પાસે ડિગ્રી હોય કે ન હોય પણ કોઇ સ્કિલ જરૂર છે અને સતત તેની ધાર કાઢતા રહે છે. દુનિયા ની જરૂરિયાત પ્રમાણે પોતાની સ્કિલ વિકસાવતા રહે છે જેનાંથી તે પૂરતા પ્રમાણમાં નાણાં કમાઈ લે છે.

૪) સમાજનો અતિ ડર

એ વાત સાચી કે માનવી સામાજિક પ્રાણી છે પણ એ સમાજ તેના વિકાસ માટે હોય તે જરૂરી છે નહીં કે ડર, શરમ અને મજ્બુરી પેદા કરવા માટે. સામાન્ય માણસો તેમના જીવનની પરસેવાની મૂડી લગ્ન, મરણ, બાધા, આણું – જીયાણું, મામેરા વગેરે પ્રસંગો પાછળ પોતાની શક્તિ કરતાં વધુ ખર્ચી નાખે છે. 

બસ લોકો અમારી ઉતરતી વાતો ન કરે, લોકો અમને નબળા ન સમજે, આ ડર નાં કારણે પોતાની બચત, ફંડ કે પછી લોન ધિરાણ લઈને પણ પ્રસંગોમાં પૈસા વાપરે છે. ત્યાર બાદ ભલે ઢસરડા અને ખેંચ તાણ વધે. હવે ફરી પાછા ચમત્કારની રાહ જોવાની બસ.

૫) પૈસાદાર દેખાવાનો શોખ

આપણે હોટેલ, રેસ્ટોરન્ટ, હરવા-ફરવાના સ્થળો પર, સામાજિક મેળાવડામાં જઈએ તો ત્યાં મોટે ભાગે લોકો પૈસાદાર હોવાનો દેખાવ કરે છે. કપડાં થી, વાહનથી, ઘરેણાથી, બોલવાથી, વર્તનથી અને મોંઘી વસ્તુ નો ઉપયોગ કરીને પણ લોકોને બતાવવા માંગે છે કે અમે સંપન્ન છીએ, અમે મોર્ડન છીએ, અમે પૈસા વાપરી (ઉડાવી) શકીએ છીએ તેવું સાબિત કરવા માંગતા હોય છે. 

પરંતુ તમે કોઈ સાચા શ્રીમંતને આવું કરતા નહીં જોયા હોય. તેનો વ્યવહાર પારદર્શક, દંભ રહિત અને નમ્રતા પૂર્વકનો હશે. બસ, આ જ ફર્ક છે સાચા શ્રીમંતો અને દેખાવા માંગતા પૈસાદારોમાં.

      

છેવટે વ્યક્તિ પૈસાદાર બનવા માટે પોતાના પરથી વિશ્વાસ ગુમાવી બેસે છે, પોતાની કાબેલિયતને વિકસાવવા કરતા તેને લાંચરૂશ્વત અને બે નંબર નો માર્ગ વધુ સરળ અને ટૂંકો લાગે છે.

    

પરંતુ આ પાંચ અને આવી બીજી બાબતો પર વ્યક્તિ ધ્યાન આપે તો મને લાગે છે ત્યાં સુધી કદાચ કરોડપતિ ના થવાય પણ સુખેથી જરૂરિયાત કરતાં વધારે તો કમાઈ જ શકે છે, અને તેનો આનંદ અને સંતોષ પણ માણી શકે છે.

Lifeline Wellness

Arvindsinh Rana

Psychologist

 

Call Now for Appointment