યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો તો મળશે બમણો લાભ- આ title વાચ્યા બાદ એવું લાગતું હશે કે યોગ વિશે એવું તો શું જાણવાનું બાકી છે જેનાથી બમણો લાભ થાય! તો આ લેખ ને અંત સુધી વાંચો તમારી જીજ્ઞાશા નો જવાબ મળી જશે.
મનુષ્ય જાતિનો મોટાભાગનો વર્ગ આસ્તિક છે. એટલે કે ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે. આ આસ્તિક વર્ગમાં પણ કદાચ નેવું ટકા વર્ગ એવો હશે જેના માટે ભગવાન ભૌતિક સુખ સગવડો અને સમસ્યાઓથી રક્ષણ મેળવવા માટેનું એક શક્તિશાળી પરમ તત્વ છે. જેમાં થોડા ઘણા અંશે અસુરક્ષા અને ડરની ભાવના પણ સમાયેલી છે. બાકી રહેલો વર્ગ જેમનાં જીવનની મોટાભાગની પાયાની જરૂરિયાતો અને થોડી સુખ સગવડો પણ તેમને પ્રાપ્ય છે. તેમને આધ્યાત્માના રસ્તે આગળ વધીને પરમ શાંતિ અને સ્થિરતા મેળવવી છે.
તેનાથી આગળ વાત કરીએ તો મોક્ષની ઝંખના સેવાઈ રહી છે. હવે આ ભગવાન, સુખ, સુરક્ષા, સગવડ, શાંતિ, સ્થિરતા અને મોક્ષ મેળવવાના દરેક ધર્મમાં સંપ્રદાયોમાં અલગ અલગ રસ્તાઓ છે. જેને જે અનુકૂળ આવે તેની રાહ પકડી લે છે. આ પ્રયાસો દરમિયાન માનવી થોડા ઘણા અંશે સુખ સગવડો અને બાહ્ય સુરક્ષાઓ તો મેળવી લે છે, પરંતુ આંતરિક સુરક્ષા, શાંતિ અને સ્થિરતા નો અનુભવ જૂજ લોકો જ કરી શકે છે. જો કે જેમને અનુભવ થાય છે તેમને પણ ખૂબ જ ટૂંકા ગાળા માટે આ પરિસ્થિતિ ટકી રહે છે.
શાંતિ, સ્થિરતા અને આંતરિક સુરક્ષાને કાયમી ધોરણે જીવનમાં સ્થાપવા માટે આપણી સંસ્કૃતિમાં એક પરંપરા છે, તેનું નામ છે *’યોગ’* પરંતુ અહીં યોગ એટલે ફક્ત અમુક શારીરિક આસનો અને શ્વાસોશ્વાસની કસરત કહેવાતા પ્રાણાયામ જ નહી. આસન અને પ્રાણાયામ તો યોગનો નાનો એવો ભાગ છે. તેનાથી પણ વિશાળ પરિપેક્ષમાં છે યોગના કુલ આઠ ચરણ જેને ‘અષ્ટાંગયોગ’ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય પરંપરાઓમાં યોગને વિશ્વ કક્ષાએ સ્વીકૃતિ મળેલી છે. કારણ કે યોગ એ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જેને કોઈ ધર્મ જાતિ કે સંપ્રદાય સાથે નહીં પરંતુ સંપૂર્ણ માનવ જાતિના કલ્યાણ સાથે જોડવામાં આવે છે. મારા મતે મનુષ્યના શરીર, મન અને આત્માને આટલા ઊંડાણપૂર્વક સમજનાર જો કોઈ શાસ્ત્ર હોય તો તે છે અષ્ટાંગયોગ. પતંજલિ ઋષિ દ્વારા રચાયેલા આ અષ્ટાંગયોગ નો ઇતિહાસ પતંજલિ ઋષિ પૂર્વે નાં સમયમાં પણ જોવા મળે છે. હડપ્પીયન સંસ્કૃતિ ની વિવિધ કલાકૃતિઓ મૂર્તિઓમાં પણ યોગીક મુદ્રાઓ, સાધકો અને આસનો વગેરે જોવા મળે છે.
યોગ વિશેની ઉપરોક્ત માહિતી સર્વ સામાન્ય છે. પરંતુ આસન અને પ્રાણાયામ સિવાયના બીજા છ ચરણો વિશે સામાન્ય જનસમુદાયને ઘણી ઓછી સમજ છે. અથવા એમ પણ કહી શકાય કે આ છ ચરણો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. કારણ કે આમાં ઘણી એવી વૃત્તિઓ, નિયમો સિદ્ધાંતો છે જેને અનુસરવા માટે સામાન્ય માનવી અસમર્થ અને લાચાર છે. જેમ કે યોગ યાત્રાનું પહેલું ચરણ.
1) યમ – (ખરાબ-ખોટા કામનો ત્યાગ)
કોઈપણ પ્રકારની હિંસાનો ત્યાગ, ખોટું ન બોલવું, લાલચ ન રાખવી, અપશબ્દો ન બોલવા અને કોઈ પણ બાબતની કે વસ્તુની આશક્તિ ન રાખવી.
આ પહેલો ચરણ જોઈને જ અહીંથી પાછા વળી જવાનું મન થાય. કેમ? ચારેય બાજુ લોભ, પ્રલોભન અને આશક્તિઓ થી ઘેરાયેલો માણસ, પોતાના ફાયદા માટે બોલાતું જુઠ, શારીરિક માનસિક કે ભાવનાત્મક હિંસા, આ બધું તો આપણા જીવનમાં વણાઈને જીવનનો એક ભાગ બની ગયું છે.
ભલે આ યોગનો ભાગ છે પણ, આમ જુઓ તો કોઈપણ ભગવાન, ઈશ્વર, દેવ કે માતાજીની કૃપા મેળવવી હોય તો પણ આ નકારાત્મક વૃત્તિઓનો ત્યાગ કરવો જરૂરી છે કે નહીં?
તમને શું લાગે છે આ બધી વૃત્તિઓ આપણા અંદર હોય ત્યાં સુધી કોઈ પરમ તત્વનું મિલન શક્ય છે ખરા?
શાંતિ, સ્થિરતા અને આંતરિક સુરક્ષા કાયમી રહે ખરી?
2) નિયમ – (સ્વચ્છતા, સંતોષ, તપસ્યા, સ્વાધ્યાય, સમર્પણ)
ફક્ત બાહ્ય સ્વચ્છતા એટલે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી લેવાથી ભગવાનની નજીક નથી પહોંચી શકાતું. અંતરની શુદ્ધતા પણ જરૂરી છે. કદાચ બાહ્ય શુદ્ધતા કરતા પણ વધારે આંતરિક શુદ્ધતા ની જરૂર હોય છે. જીવનમાં ઈશ્વર કૃપાથી જે મળ્યું છે અને ભવિષ્યમાં પણ જે કંઈ મળશે તેનો શુદ્ધ મને સ્વીકાર એટલે ‘સંતોષ’. હવે આપણા માંથી કોણ નથી જાણતું કે “સંતોષી નર (કે નારી) સદા સુખી”!
શું આપણામાં સંતોષનો અભાવ હોવા છતાં સુખની આશા રાખી શકાય ખરા?
જો જીવનમાં સંતોષ ન હોય તો મનની ચંચળતા ને કારણે એકાગ્રતા કેળવી શકાય ખરા? તપ અને સ્વાધ્યાય કરવા માટે એકાગ્રતા એ પ્રાથમિક જરૂરિયાત છે. આ અભ્યાસ, તપ અને સ્વાધ્યાય થકી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન થી આપણી આંતરિક અસુરક્ષાઓ અને ડર નો નાશ થાય છે. જેના થકી ઈશ્વર પ્રત્યે સમર્પણ નો ભાવ કુદરતી રીતે પેદા થાય છે કેળવવો નથી પડતો.
સમર્પણ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણો વિશ્વાસ અને શ્રદ્ધા દેખાડા માટેના નહીં, પરંતુ હૃદયથી જન્મે છે. જો ગાડીમાં મુસાફરી દરમિયાન ડ્રાઇવર પર વિશ્વાસ ન હોય તો સંપૂર્ણ મુસાફરી દરમિયાન ડર સતાવ્યા કરે છે અને મુસાફરીનો આનંદ પણ લઈ શકાતો નથી. માટે જ્યારે દિવ્ય શક્તિ, ઈશ્વર, ભગવાન કે પરમાત્મા પર સંપૂર્ણપણે સમર્પણ નો ભાવ જન્મે ત્યારે જ જીવનમાં ખરા આનંદની શરૂઆત થાય છે સાથે દરેક પ્રકારના ડરોથી પણ મુક્તિ મળે છે.
જો આપણને વર્તમાનની કે ભવિષ્યની નાની મોટી બાબતો વિશે ડર કે સંશય રહ્યા કરતો હોય તો, આપણે હજી ઈશ્વર પર સંપૂર્ણ રીતે વિશ્વાસ અને શ્રદ્ધા કેળવી શક્યા નથી તે સ્વીકારવું જ રહ્યું.
3) આસન – (સ્થિર અને સુખપૂર્વક બેસવાની ક્રિયા)
કોઈપણ જગ્યાએ સ્થિર અને સુખપૂર્વક બેસવા માટે શારીરિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. આ શારીરિક સ્વાસ્થ્ય આપણા આંતરિક અને બાહ્ય અંગોની સ્વસ્થતા પર આધારિત છે. જેના માટે વિવિધ પ્રકારના આસનો કરવામાં આવે છે. (જો કે શરીરની કસરત, મોડ મરોડ એ હઠીયોગનો ભાગ છે) એક સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે.
4) પ્રાણાયામ – (શ્વાસોશ્વાસની નિયમિતતા – રિધમ)
એક જીવંત વ્યક્તિનું પહેલું લક્ષણ છે, તેની સક્રિય શ્વાસોશ્વાસની ક્રિયા. શરીરનો શ્વાસ બંધ થતા પ્રાણ શરીર છોડી દે છે અથવા એમ પણ કહી શકાય કે શરીરમાંથી પ્રાણ નીકળી જતા શ્વાસ બંધ થઈ જાય છે. માટે જ તો તેને પ્રાણવાયુ પણ કહેવામાં આવે છે. આપણા શ્વાસોશ્વાસની ગતિ અને ઊંડાણ નો સીધો સંબંધ આપણા મનની ગતિ અને સ્વસ્થતા સાથે રહેલો છે. માટે શ્વાસને નિયંત્રિત કરતા મન પણ નિયંત્રણમાં આવે છે, અથવા મન પર નિયંત્રણ મેળવતા શ્વાસ પણ નિયંત્રણમાં આવે છે.
આ ખૂબ જ ઊંડું વિજ્ઞાન છે જે હાલના આધુનિક વિજ્ઞાન દ્વારા સ્પષ્ટ રીતે સાબિત થઈ ચૂક્યું છે. આપણે પણ અનુભવ્યું હશે કે જ્યારે આપણે અશાંતિ, ચિંતા અને ડરથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે આપણો શ્વાસ ઝડપી અને છીછરો થવા લાગે છે અને જ્યારે શાંત હોઈએ ત્યારે ઊંડો અને ધીમો.
5) પ્રત્યાહાર – (બાહ્ય વસ્તુઓનો ત્યાગ)
યોગના પાંચમા ચરણથી વ્યક્તિની આંતરિક યાત્રાની શરૂઆત થતી હોય છે. જેમાં આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા મળતા સુખનો સહર્ષ ત્યાગ મુખ્ય છે. બહારની દુનિયાના આકર્ષણ, ક્ષણિક સુખ, મોહ વગેરેનો સ્વૈચ્છિક ત્યાગ કરવાનો રહે છે. અથવા એમ પણ કહી શકાય કે આ પ્રત્યાહાર સહજ કુદરતી રીતે વ્યક્તિની અંદર પેદા થવા લાગે છે.
જો લાંબા ગાળાનું પરમ સુખ જોઈતું હોય તો તેના માટે નાના મોટા ક્ષણિક સુખનો ત્યાગ કરવો અનિવાર્ય બની જાય છે. પરંતુ અહીં ખાસ વાત એ સમજવા જેવી છે કે જો આગલા ચાર ચરણમાં સાધક સંપૂર્ણ સફળ રહ્યો હોય તો જ આ પાંચમો ચરણ સહજતા થી તેની અંદર ઘટે છે, નહીં તો તે દંભમાં વધારો કરી શકે છે.
6) ધારણા – (ચિત્તને એક વિષય પર કેન્દ્રિત કરવું)
જ્યારે બહારી વૃત્તિ પ્રવૃત્તિઓનું આકર્ષણ સમી જાય છે, ત્યારે આપણા જીવનમાં થી ઘણી બધી ભાગદોડ અને વ્યગ્રતા ઓછી થવા લાગે છે. તેવા સમયે કોઈપણ એક લક્ષ્ય પર ચિત્તને કેન્દ્રિત કરવાની ક્રિયાને ધારણા કહેવામાં આવે છે. જેમ કે આપણા શરીરનો કોઈ આધ્યાત્મિક પ્રદેશ હૃદય, ભૃકુટી, જીભ, નાસિકા અથવા દેવી દેવતાની મૂર્તિ પર આપણું ચિત્ત કેન્દ્રિત કરવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં એક વસ્તુ વિષય પર લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવું કેટલું અઘરું છે. આપણને જાણીને નવાઈ લાગે કે હાલના મનુષ્યનો એવરેજ એટેન્શન સ્પાન (ધ્યાન આપવાનો સમય) ફક્ત ત્રણ સેકન્ડનો જ છે.
હાલનું વિજ્ઞાન કહે છે કે જે વ્યક્તિ લાંબા સમય સુધી પોતાના ચિત્તને એક સ્થાન, વસ્તુ અથવા વિષય પર સ્થાયી કરી શકે છે, તેના માટે કોઈપણ કાર્ય સફળતાપૂર્વક કરવું સરળ બની જાય છે.
7) ધ્યાન – (શાંત – સ્થિર થવું)
આજકાલ “ધ્યાન” (મેડીટેશન) આ શબ્દ ખૂબ જ ચલણમાં છે. ઘણા બધા યોગગુરૂઓ મેડીટેશનના ક્લાસીસ પણ ચલાવે છે જેમાં ઘણી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં મોટા ભાગના લોકો મેડીટેશન દરમિયાન મનને શાંત કરી શકતા નથી. તેનું કારણ છે અષ્ટાંગયોગના આગળના છ ચરણો વિશે માહિતી નો અભાવ અને માહિતી હોય તો પણ તેનું અનુસરણ કરવાની અસમર્થતા.
આ એના જેવું છે કે કોઈ રહસ્યમય ફિલ્મ જે તમે સીધે સીધી ઇન્ટરવલ પછી જોવાનું શરૂ કરો તો તે ફિલ્મમાં તમને કંઈ ખાસ સમજમાં પણ નહીં આવે અને તમારું મન પણ તેમાં સ્થિર નહીં થઈ શકે. આમ આપણી બીજી નબળાઈઓ અને વૃત્તિઓનું શમન ન થાય, શરીર અને મન સંપૂર્ણ રીતે સ્વસ્થ ન હોય, બહારની દુનિયાનું આકર્ષણ સમાપ્ત ન થાય અને આપણે પોતે આપણા અંદર સ્થિર ન થઈએ ત્યાં સુધી ધ્યાન જેવી વિરાટ ઘટના ઘટી શકે નહીં. હા થોડા ઘણા પ્રયત્નો કરી શકાય.
અહી ધ્યાન વિશે બીજી એક વાત ખાસ સમજવા જેવી છે કે, જો કોઈ વ્યક્તિ વિધિવત રીતે અષ્ટાંગયોગની સાધના ન પણ જાણતો હોય કે ન કરતો હોય તેમ છતાં તેની પોતાની ચિત્ત વૃત્તિઓનું શમન તે કુદરતી રીતે કરી શકતો હોય, બાહ્ય જીવનનાં પ્રભાવથી દૂર હોય તો તે જે કંઈ પણ કરશે તેમાં ધ્યાન કુદરતી રીતે સમાયેલું હશે. પછી ભલે તે પેઇન્ટિંગ બનાવતો હોય, સંગીત વગાડતો હોય, મૂર્તિ બનાવતો હોય, રસોઈ બનાવતો હોય કે પછી ડ્રાઇવિંગ કરતો હોય, તે આસાનીથી ધ્યાનસ્થ થઈ શકે છે.
8) સમાધિ – (યોગની સર્વોચ્ચ સ્થિતિ)
અષ્ટાંગ યોગની પરમ દશા એટલે સમાધિ. જેમાં ધ્યાની નું અસ્તિત્વ ધ્યાનમાં ઓગળી જાય છે. ધારો કે દૂધ ધ્યાન છે અને આપણે સાકર છીએ. જ્યારે સાકરનો ગાંગડો દૂધમાં નાખીએ ત્યારે તેનું સ્વરૂપ મૂર્ત હોય છે, પણ સમય જતા સાકર દૂધમાં સંપૂર્ણ રીતે પીગળી જાય છે. તેનું મૂળ સ્વરૂપ ઓગળીને તે દૂધનો એક ગુણ માત્ર રહી જાય છે. દૂધમાં સાકર દેખાતી નથી પણ દૂધ ગળ્યું જરૂર લાગે છે.
તેવી જ રીતે ધ્યાની મટીને ધ્યાન બનવાની યાત્રા આખરે સમાધિમાં ફેરવાઈ જાય છે. કદાચ આ અવસ્થાનું ચોક્કસ રીતે વર્ણન પણ હું ન કરી શકું. જ્યાં સુખ દુઃખ જેવી માનસિક પરિસ્થિતિનું કોઈ અસ્તિત્વ નથી હોતું, આત્માનું મિલન પરમ ચેતના સાથે થાય છે. શુક્લ યજુર્વેદ નાં બૃહદારણ્યક ઉપનિષદનું એક વિધાન છે ‘અહમ બ્રહ્માસ્મિ’. જેનો મોટેભાગે આપણે ખોટું અર્થઘટન કરતા હોઈએ છીએ. પરંતુ ખરેખર તો તેનો અર્થ છે આત્માનું સર્વવ્યાપી ચેતના સાથે એકાકાર થવું. ત્યારે સાધક એક સાધારણ મનુષ્ય મટીને દેવ કોટી ને પ્રાપ્ત કરે છે.
મનુષ્યની ચેતનાના વિકાસની આ સર્વોચ્ચ સ્થિતિ છે. પૃથ્વી પર મનુષ્યએ ઘણા ક્ષેત્રે પ્રગતિ કરી છે. પરંતુ આ પ્રગતિ ક્યાંક ને ક્યાંક તેને પોતાને જ નુકસાન પહોંચાડી શકે છે. કદાચ આ નુકસાન ખુલ્લી આંખે નથી જોઈ શકાતું. પતંજલિ ઋષિ નિર્મિત અષ્ટાંગયોગ માનવીય ચેતના (આત્મા) ને દૈવીય સ્વરૂપમાં પરિવર્તન કરવાની ઉત્કૃષ્ટ ટેકનોલોજી છે. અષ્ટાંગયોગથી ઉચ્ચ અને ઊંડી ટેકનોલોજીનો દુનિયાભરમાં કોઈ જોટો જડે તેમ નથી. માનવી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને અષ્ટાંગ યોગ એક સોફ્ટવેર છે. જેનું ઇન્સ્ટોલેશન કરવાના સ્ટેપ ને યોગ્ય રીતે અનુસરવાથી ચોક્કસ પરિણામ મેળવી શકાય છે.
બાકી તો “નાહ્યા એટલું પુન્ય”.
આ પણ વાંચો –
- આટલું સમજી લીધું તો ક્યારેય ઊંઘ ની સમસ્યા નહિ થાય | 12 Tips for good sleep
- જીવનનો કોઈ પણ નિર્ણય લેતા પહેલા આ 5 બાબતો સમજાવી જરૂરી છે | How to take Decisions
- પૈસા ની તંગી રહેવાના 5 મુખ્ય કારણો By Arvindsinh Rana
- તમારું Time Management કેવું છે? જાણો આ 6 સવાલો દ્વારા
- હંમેશા ખુશ રહેવા માટે નો ફોર્મ્યુલા શું છે? | Formula of Happiness according to Psychology
- સ્ટ્રેસ દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય | 8 Stress Reliever tips by Arvindsinh Rana
- માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રાખજો by Arvindsinh Rana
અમારી હિન્દી વેબસાઈટ ની પણ મુલાકાત અવશ્ય લો –
- क्या रोज शराब पीने वाले लोग कमजोर होते है? Psychology of an Alcoholic
- ये 5 कारणों से होती है पैसों की कमी । क्या आप जानते है?
- पुरुषों की मेंटल हेल्थ को बिगाड़ रही है यह 4 चीजें
- उपवास क्या है? कोन नहीं कर सकता? | What is Fasting-Hindi
- अपनी Memory ओर Focus कैसे बढ़ाए! | How to improve memory- 3 tips from Psychologist
4 Responses
[…] યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો ત… […]
[…] યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો ત… […]
[…] યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો ત… […]
[…] પરંતુ એક વાત કહું? આ પ્રકારની શાંતિ લાંબુ ટકતી નથી. કારણ કે થોડાક સમય પૂરતું તે જગ્યાના પ્રભાવમાં અને નોર્મલ રૂટિન થી દૂર થોડો સમય તો સારું લાગે છે, પરંતુ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તો પાછું આવવાનું જ છે. પાછું મન શાંત બને છે પરંતુ જો તેનો કાયમી ઉપાય કરવો હોય તો તે છે ‘ધ્યાન’ ( Meditation). […]