તમારું જીવન કોણ ચલાવે છે? ” પ્રેમ કે ડર ” | જાણો આ 5 મુદ્દાઓ ની મદદ થી | By Arvindsinh Rana

ઉર્જા ક્ષેત્રે વિશ્વ આખામાં ક્રાંતિ આવી રહી છે. માનવી વધુમાં વધુ કુદરતી ઊર્જાનો ઉપયોગ થઈ શકે તેવા પ્રયત્ન કરી રહ્યો છે જેમાં સૌર ઊર્જા, પવન ઊર્જા અને પાણી દ્વારા પણ ઉર્જા ઉત્પન્ન કરી રહ્યો છે. કુદરતી ઉર્જાથી માનવી બાહ્ય પર્યાવરણ ને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવી રહ્યો છે પરંતુ જ્યારે આપણી આંતરિક ઊર્જા ની વાત આવે છે ત્યારે માનવી કોઈપણ કાર્ય કરવા માટે કઈ ઉર્જા તેને પ્રેરે છે તે જાણવું ખૂબ જરૂરી છે.

જેના ઉત્તરમાં ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે માનવીના જીવનને ચલાવતી બે પાયા ની શક્તિ છે, અને તે છે “પ્રેમ” અને “ડર”. આપણે કોઈપણ કામ કરીએ છીએ તેના પ્રેરણા બળ તરીકે આ બેમાંથી કોઈ એક ઉર્જા જવાબદાર હોય છે. દા.ત – આપણે રોજ દાંત ને બ્રશ કરીએ છીએ એની પાછળ નું કારણ સ્વચ્છતા તો છે જ પણ તેના પેટાળમાં પણ કાં તો આપણે ડરીએ છીએ કે દાંત સાફ નહીં રાખીએ તો ખરાબ થઈ જશે અને પડી જશે અથવા તો આપણે આપણા દાંતને પ્રેમ કરીએ છીએ અને તેની માવજત કરીએ છીએ કારણ કે તે આપણા શરીરનો ભાગ છે અને આપણને ખોરાક ચાવવા જેવા ઘણા કાર્યોમાં મદદ કરે છે.

આ તો થયું એક સામાન્ય ઉદાહરણ પરંતુ આપણા કીમતી જીવનમાં જે કંઈ પણ કાર્ય કરીએ છીએ તેની પાછળ આ બેમાંથી (પ્રેમ – ડર) કયુ પ્રેરણાબળ છે તે સમજવું જરૂરી છે.હવે હું અહીંયા અમુક વસ્તુ નું લીસ્ટ આપું છું જેમાં તમારે તમારી જાતનું તટસ્થ અને પ્રામાણિક મૂલ્યાંકન કરવાનું છે કે તમારા જીવનમાં આ કાર્યો પાછળ કયુ પ્રેરણા બળ છે.

1) શિક્ષણ

2) નોકરી – ધંધો

3) લગ્ન

4) બાળક

5) સબંધો

વ્યવહારો દરેક પાસા વિશે વધુ સ્પષ્ટતા મેળવીએ.

1) શિક્ષણ

જો તમારા શિક્ષણ પાછળ પ્રેમ ઊર્જા હશે તો માર્ક (grades) ભલે ઓછા આવ્યા હશે પરંતુ તમે આત્મવિશ્વાસથી ભરેલા હશો અને વ્યવહારુ જ્ઞાન (practical knowledge) માં કુશળ હશો, તેનાથી ઊલટું જો તમે ભવિષ્યના ડર માં ફક્ત નોકરી – પદવી મેળવવા શિક્ષણ લીધું હશે તો કદાચ તમારા ગ્રેડ સારા આવેલા હશે પરંતુ તમે વ્યવહારુ જ્ઞાન માં અને પારિવારિક જીવનમાં થાપ ખાતા હશો.

2) નોકરી – ધંધો

તમારા રોજગાર પાછળ પ્રેમ ઉર્જા જોડાયેલી હશે તો તમે તમારું કામ દિલથી કરતા હશો અને તેના પ્રત્યે ઓછામાં ઓછી ફરિયાદો હશે ભલે આવક વધુ હોય કે ઓછી તમને સંતોષ હશે અને જો તેની પાછળ ડરની પ્રેરણા હશે જેમાં ફક્ત વર્તમાન અને ભવિષ્ય ની સલામતી માટે કામ કરતા હશો અને કદાચ તેની પાછળ સામાજિક પ્રતિષ્ઠાનો મોહ અને પૈસો જ મહત્વનો હશે અને એક આત્મસંતોષ નહીં હોય.

3) લગ્ન

જો લગ્નગ્રંથિ થી જોડાવાનું કારણ ફક્ત એક સામાજિક રિવાજ છે કે ચોક્કસ ઉંમરે પરણી જવું, માતા-પિતા માટે, સમાજ માટે પરણી જવું તેની પાછળ ડર ની પ્રેરણા છે અને જો પ્રેમ કરતા હોય તેની સાથે જોડાવું કે જેની સાથે જોડાઈએ તેમાં પ્રેમ હોય, કોઈનો સંગાથ ગમતો હોય, કોઈની સાથે પ્રેમ વહેંચવો હોય તો તેની પાછળ પ્રેમ ની પ્રેરણા છે. તેનો ખ્યાલ આપણા લગ્ન જીવન પરથી જ આવી જશે.

4) બાળક

બાળક પેદા કરવાનું અને ઉછેરવાનું કારણ ભવિષ્યના સહારા માટે, માતા-પિતા કે સમાજની અપેક્ષાઓ પૂર્ણ કરવા, વંશવેલો વધારવા માટે જ હોય તો તેની પાછળ ડર છે અને જો આપણા અંશને પૃથ્વી પર લાવીને તેના સાથને માણવામાં આનંદ હોય તો તેની પાછળ પ્રેમનું ચાલક બળ છે.

5) સબંધો – વ્યવહારો

સંબંધો પાછળ છૂપો લાભ અને નરી અપેક્ષાઓ જ હોય, સમાજના રીતિરિવાજો બસ લોકો શું કહેશે તેના ડરથી જ અનુસરવાના હોય, અંતરનો ભાવ ન હોય તેવા બનાવટી સંબંધો પાછળ ડર જ જવાબદાર છે બાકી સંબંધોમાં દરેકનું મંગળ થાય, કલ્યાણ થાય તેવા ભાવ પાછળ પ્રેમનું મહાબળ છે. પ્રેમ જીવન નું વિસ્તરણ કરે છે જેનાથી જીવન ખીલી ઊઠે છે. અને ડર એ જીવનનું સંકોચન છે જેનાથી જીવનમાં ગુંગળામણ અનુભવાય છે.

તો આપણા જીવનનું તટસ્થ અને પ્રામાણિક મૂલ્યાંકન કરીને જ્યાં ડર છે તે જગ્યાને પ્રેમથી ભરી દઈએ તે જ સાચો ધર્મ.

Lifeline Wellness

Arvindsinh Rana

Counselling Psychologist

આ લેખ વાંચવા પણ તમને ગમશે …..

Call Now for Appointment