પૃથ્વી પર જીવન કોને આભારી! આ એક ગુઢ સવાલ છે અને દરેક ની અધ્યાત્મિક યાત્રા માં એક વાર તો ઉદ્દભવે જ છે . તો ચાલે આ યાત્રા આગળ ધપાવીએ અને ઉત્તર ની ખોજ કરીએ.
ઘણા વર્ષોથી નાસા (NASA) અને બીજી સંસ્થાઓ શોધખોળ કરી રહી છે કે પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર જીવન છે કે નહીં! પરંતુ હજી સુધી કોઈ ખાસ નક્કર પુરાવા મળી શક્યા નથી. તો શું આ બ્રહ્માંડમાં આપણે પૃથ્વી વાસીઓ એકલા જ છીએ! સાથે સાથે એવો પણ સવાલ થાય કે તો પછી સૌર મંડળના આટલા ગ્રહોમાંથી આપણી પૃથ્વી પર જ જીવન કેમ પેદા થયું?
ભારતીય સંસ્કૃતિમાં રીતિ રિવાજો, નિયમો, વિધિ વિધાનોમાં ગુઢ રહસ્ય ની સાથે સાથે વિજ્ઞાન છુપાયેલું છે. પ્રકૃતિની દરેક વસ્તુના નામકરણ પાછળ પણ ઊંડા મર્મ છુપાયેલા છે. જેમ કે ‘સૂરજદાદા’. કેમ કાકા, મામા, ફુવા વગેરે નહીં! આ સવાલ ઉદભવે. તો તેનો જવાબ આજનું ખગોળ વિજ્ઞાન આપે છે. આપણી પૃથ્વી, એ કરોડો વર્ષ પહેલા સૂર્યમાંથી જ છૂટો પડેલો ગેસનો ગોળો છે. અને સાથે સાથે સૌર મંડળના બીજા ગ્રહો પણ સૂર્યમાંથી કાળક્રમે છૂટા પડેલા છે. તો બાયોલોજીકલી આપણા સૌર મંડળ કુટુંબના ગ્રહોની ઉત્પત્તિ પરિવારના મુખ્ય વડીલ થી થઈ છે. આ કુટુંબના વડીલ એટલે દાદા, તો થયાને સૂરજદાદા?
આ તો વાત થઈ તેમના નામ પાછળ છુપાયેલા અર્થની જે સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અભિગમ છે.
હવે આપણે આવીએ આપણા સવાલ પર કે આપણી પૃથ્વી ઉપર જ જીવન કેમ ઉત્પન્ન થઈ શક્યું? તો આપણા પાડોશી ગ્રહ બુધ અને શુક્ર જે સૂર્યથી આપણા કરતાં વધુ નજીક છે. જેના કારણે બુધ પર 167 થી 350 સેલ્સિયસ જેટલું તાપમાન છે, જે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ત્યારબાદ આવે છે શુક્ર ગ્રહ તો તેનું તાપમાન છે 475 સેલ્સિયસ. તો તમે જ કહો કે અહીં પૃથ્વી પર 50 ડિગ્રીએ તો પશુ પક્ષીઓ વનસ્પતિ અને માણસો મરવા લાગે છે, માટે આટલા તાપમાનમાં કોઈ જીવ રહી શકે ખરા? એવી જ રીતે આપણો બીજો પાડોશી જે સૂરજથી આપણા કરતાં વધુ દૂર છે, તે મંગળ ગ્રહ જેનું તાપમાન માઇનસ 60 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. આટલી ભયાનક ઠંડીમાં પણ જીવન જીવવું અશક્ય છે.
તો હવે એટલું કહી શકાય કે સૂર્યનારાયણ નો તાપ અહીં પૃથ્વી પર એટલો સપ્રમાણ પડે છે કે અહીં જીવન ઉત્પન્ન થવું સંભવ બન્યું છે. ઉપરાંત વધુ તાપમાને પાણી બાષ્પીભવન થઈ જાય અને વધુ ઓછા તાપમાને પાણી પથ્થર બની જાય છે. જે બંને પરિસ્થિતિમાં પાણી ઉપયોગી થઇ શકે નહીં અને પાણી વગર જીવ સૃષ્ટિની કલ્પના પણ કરી શકાય નહિ. પૃથ્વીને આ બધી જ રીતે સાનુકૂળ પરિસ્થિતિ મળી રહેવાથી અહીં જીવનનો ઉદભવ થયો છે તેવું વિજ્ઞાન કહે છે.
ટૂંકમાં સૂર્યનારાયણની કૃપાથી બધા જીવો અસ્તિત્વમાં છે.
આપણે વાત કરી આપણા જીવનના ઉદભવ વિશે. હવે જીવનના ઉદભવ પછી એને ટકાવી રાખવા માટે શક્તિના સ્ત્રોત ની જરૂર પડે એટલે કે ખોરાકની. આ ખોરાક ભલે આપણી ડીશ માં સુંદર રીતે ગોઠવાઈ જતો હોય પરંતુ તે આવે છે તો ખેતરમાં ઉગેલા ધન ધાન્યમાંથી જ અને આ ધાન્ય વનસ્પતિને પણ જીવિત રહેવા માટે સૂર્યપ્રકાશમાંથી જ શક્તિ લેવી પડે છે.
જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે સ્કૂલમાં ભણ્યા છીએ. આ જ ક્રિયા દ્વારા તૈયાર થયેલો ખોરાક આપણે અને બીજા પ્રાણીઓ પણ ખાય છે અને પૃથ્વી પર ટકી રહીએ છીએ, હજારો લાખો કરોડો વર્ષોથી. વિજ્ઞાન આ ઊર્જાને પ્રકાશના નામથી જ ઓળખે છે અને ભારતીય શાસ્ત્રો તેને ઉર્જા કહે છે. જે પ્રકાશનું અંતિમ સ્વરૂપ છે. આ પ્રકાશ ઊર્જા અંતે તો આવે છે સૂર્યમાંથી જ બીજો કોઈ સ્ત્રોત છે જ નહીં.
જેના લીધે આપણે અહીં અવતર્યા અને ટકી રહ્યા તેવા સૂર્યનારાયણને શું ફક્ત એક ધખધખતા ગોળા કે તારા તરીકે જ ઓળખવા! એ તો નરી જડતા અને સંવેદન હીનતા કહેવાય. માટે આપણી સંસ્કૃતિનાં સૌથી પહેલા પૂજ્ય દેવ એટલે સૂર્યનારાયણ.
હવે જો વાત કરીએ હાલના મેડિકલ સાયન્સ વિશે તો તાજેતરના સંશોધનો કહે છે કે આપણી મોટાભાગની શારીરિક તેમજ માનસિક બીમારીઓ પાછળ અપૂરતા મિનરલ્સ અને વિટામિન્સ ની ઉણપ છે. તેમાં પણ ખાસ વિટામિન ડી નો રોલ ખૂબ જ અગત્યનો છે. વિટામિન ડી ની હાજરીમાં જ બીજા વિટામિન્સ અને મિનરલ્સ આપણા શરીરમાં શોષાઈ શકે છે. આ વિટામિન ડી નો એકમાત્ર કુદરતી સ્ત્રોત એટલે સૂર્યપ્રકાશ. આપણને જાણીને નવાઈ લાગે કે ઉત્તર ધ્રુવ તરફના વધુ ઠંડા દેશો માં જ્યાં સૂર્યનારાયણના દર્શન ઓછા થાય છે ત્યાં ડિપ્રેશન અનિંદ્રા જેવી માનસિક બીમારીઓનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.
આ હું નથી કહેતો વૈજ્ઞાનિક સંશોધનો કહે છે. સૂર્યનું મહત્વ આપણા કરતાં પણ વધારે એ લોકો સમજે છે. જ્યારે સારો સૂર્યપ્રકાશ જોવા મળે ત્યારે ત્યાંના લોકો માટે તે એક તહેવારથી કમ નથી હોતો. આપણી સંસ્કૃતિ સિવાય ઇજિપ્ત, ચાઇના અને જાપાન જેવી પૌરાણિક સંસ્કૃતિઓમાં પણ સૂર્યને પ્રથમ પૂજ્ય દેવ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
ટૂંકમાં માનવ જાતિ એ સૌ પ્રથમ જો કોઈને દેવ તરીકે સ્થાપિત કર્યા હોય તો તે છે સૂર્યનારાયણ. જે વિવિધ સંસ્કૃતિના દસ્તાવેજી પુરાવા કહે છે.
આ સંપૂર્ણ લેખને સંક્ષિપ્તમાં કહીએ તો જેની ઉત્પત્તિ (એવોલ્યુશન) જેનો નિર્વાહ (સર્વાઇવલ) અને જેની સ્વસ્થતા (વેલ બીઇંગ) સૂર્ય પર આધારિત હોય તેવા સૂર્યનારાયણ દેવ કે દાદા કહીને આપણે તેમને સર્વોચ્ચ સ્થાન આપીએ છીએ. અહોભાવ અને કૃતજ્ઞતાથી વધુ આ પામર જીવ બીજું તો શું આપી શકે! એક લોટો જળ અને બે હાથ જોડીને નમસ્કાર, જે કંઈ જ વળતું ન આપી શકવાની અસમર્થતાથી જન્મેલી સર્વોચ્ચ કક્ષાની કૃતજ્ઞતા દર્શાવે છે.
Arvindsinh Rana
Counseling Psychologis
1 Response
[…] અહીં ફરી ગાય માતાની ફરજ નિભાવી રહી છે. આપણી સંસ્કૃતિમાં ગૌમૂત્રને પણ ખૂબ જ પવિત્ર માનવામાં […]