બેવફાઈ ની સાયકોલોજી
પ્રસ્તાવના:-
માણસને જીવનમાં લાગતા આઘાતો માનો એક એટલે “જીવનસાથી ની બેવફાઈ”. ન્યુઝ પેપર, ટીવી સમાચારો, ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા વગેરેમાં ભરપૂર પ્રમાણમાં બેવફાઈને લીધે થતા ક્રાઈમ વિશે વાત કરવામાં આવે છે. એમ કહીએ તો પણ ખોટું નથી કે હાલના સમયમાં થતા મોટા ભાગના ક્રાઈમ પાછળ કાંતો પૈસા જવાબદાર છે અને કાંતો બેવફાઈ.
અહીં આપણે આ જ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. રિલેશનશિપ તૂટવા પાછળના ઘણા બધા કારણોમાંનું એક મોટું કારણ એટલે બેવફાઈ.
કેમ એક સારી જણાતી વ્યક્તિ પણ બેવફા બની જાય છે!
કેમ એક ખુશહાલ રિલેશનશિપ માં પણ કોઈ વ્યક્તિ બેવફા બની શકે છે!
શું છે તેની પાછળની સાયકોલોજી!
તો ચાલો માનવીને અસહજ કરતી તેની આ સહજવૃતિ (Instinct) પાછળના કારણો સમજવાનો પ્રયત્ન કરીએ.
બેવફાઈ શું છે!
આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે એક પાર્ટનર બીજા પાર્ટનરની જાણ બહાર ત્રીજી વ્યક્તિ સાથે ફિઝિકલી, ઈમોશનલી કે ડિજિટલી જોડાય છે ત્યારે સંબંધમાં તિરાડ પડે છે, જેનું કારણ છે બેવફાઈ. હવે ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિના બેવફા થવા પાછળ કોઈ ચોક્કસ કારણ જવાબદાર હોય છે અને ઘણીવાર આપણે એવું પણ જોઈએ છીએ કે દેખીતી રીતે એવું કોઈ કારણ ન હોવા છતાં વ્યક્તિ બેવફાઈ પર ઉતરી આવે છે. આ બંને પરિસ્થિતિમાં બેવફા વ્યક્તિ પોતાની જાતને બેવફાઈ કરતા રોકી શકતું નથી, કેમ!
માનવ જાતિમાં બેવફાઈ નો ઇતિહાસ:-
વૈજ્ઞાનિકો કહે છે કે આશરે 70 હજાર વર્ષ પહેલા માનવી વિચારતો થયો છે. જ્યારે માણસ વિચારતો થયો ત્યારે તેને પોતાના અસ્તિત્વનું ભાન થવા લાગ્યું સાથે સાથે બીજાના અસ્તિત્વ વિશે પણ અનુભૂતિ થવા લાગી. તે પહેલાં માનવી અને પ્રાણીમાં જાજો ફેર ન હતો. જેમ પ્રાણીઓ પોતાની પ્રાણીજન્ય સહજ વૃત્તિથી વર્તે છે, તેવી જ રીતે માનવ પણ પોતાની નૈસર્ગીક વૃત્તિને અનુસરતો હતો.
જે રીતે મોટા ભાગના પ્રાણીઓ પોતાના જીવનકાળ દરમિયાન એક કરતાં વધારે પ્રાણી સાથે સહવાસ કરે છે, તેવી જ રીતે માનવી પણ આ નૈસર્ગિક વૃત્તિના વશમાં જ હતો. માટે એવું તો કહી શકાય કે આ વૃત્તિ જેને અત્યારે આપણે “બેવફાઈ” કરીએ છીએ તેને હજારો વર્ષો પહેલા નૈસર્ગિક વૃત્તિ માનવામાં આવતી હતી. નૈસર્ગિક કે કુદરતી તો છે, તેમ છતાં આજના સભ્ય સમાજ ની વ્યવસ્થાને ધ્યાનમાં લેતા તેને માન્ય ન રાખી શકાય. પરંતુ અહીં એક વાતનો સ્વીકાર કરવો રહ્યો કે આપણા પૂર્વજો માં રહેલી આ સહજ વૃત્તિના બીજ હજી આપણા વિચાર વર્તન અને વ્યવહાર માં પ્રગટ થયા કરે છે.
લગ્ન વ્યવસ્થા નો ઉદય:-
માનવી પોતાની જરૂરિયાતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમૂહમાં રહેતો હતો. ત્યારબાદ વૈચારિક ઉતક્રાંતિ ને કારણે તેના આંતરિક ઘર્ષણો ને ટાળવા માટે તેને કેટલાક નિયમો બનાવ્યા. જેટલા લોકો આ નિયમો અપનાવે તેનો એક અલગ કબીલો બને, આમ કબિલા બનવાની શરૂઆત થઈ, જે કાળક્રમે સંસ્કૃતિ, સંપ્રદાય અને ધર્મમાં ફેરવતા ગયા. માનવી ની વૈચારિક શક્તિને કારણે તે પોતાના કલ્યાણ માટે વધુને વધુ પ્રયત્નો કરતો રહ્યો.
એ ભલે હજારો વર્ષ પહેલાનો માનવી હોય કે આજનો આધુનિક માનવી આપણી વચ્ચે થતા મોટા ભાગના મતભેદો અને ઘર્ષણના મૂળમાં આજે પણ ખોરાક, સુરક્ષા અને કામવૃત્તિ (સેક્સ્યુઅલીટી) જ જવાબદાર દેખાય છે. ભલે સપાટી પર દેખાતા કારણોમાં નોકરી ધંધાની હરીફાઈ, વિકાસની દોડ, ફાઈનાન્સિયલ ડર, સંબંધો બગડવાનો ડર, સ્વાસ્થ્ય બગડવાનો ડર, જીવનસાથી છૂટી જવાનો ડર અને આ પ્રકારની બીજી ઘણી અસુરક્ષાઓ ના મૂળમાં ખોરાક, સુરક્ષા અને કામવૃત્તિ ની અસલામતી જ રહેલી છે. જે હજારો વર્ષ પહેલાં પણ હતી જ.
ઉત્ક્રાંતિના સમયથી જ માનવી પોતાની અસુરક્ષા ઓને ઓછી કરવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. તેમાં પણ સ્ત્રીના જીવનમાં પુરુષની જરૂરિયાત, અને પુરુષના જીવનમાં રહેલી સ્ત્રી ની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા આ સંબંધને વધુ સુરક્ષિત રાખવો ખૂબ જ જરૂરી હતો. જો કોઈપણ પુરુષ કોઈપણ સ્ત્રી સાથે કે કોઈપણ સ્ત્રી કોઈપણ પુરુષ સાથે મુક્ત સંબંધ બાંધે તો ક્યાંક ને ક્યાંક ગૂંચવાડા ઉભા થાય જે ઘર્ષણ માં પરિણમે.
માનવીમાં રહેલી “અનિયંત્રિત કામવૃત્તિ” તેના પોતાના અને બીજા લોકો માટે નુકસાનકારક સાબિત થાય છે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ તેમ આ અનિયંત્રિત કામવૃત્તિ ને કારણે બેવફાઈથી લઈને બળાત્કાર સુધીની ઘટનાઓ ઘટી રહી છે. જેથી આપણી આ કામવૃત્તિ ને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી છે. તેને નિયંત્રિત કરવા માટે કડક અને ચુસ્ત નિયમો કે ડર હોવો પણ જરૂરી છે. જેના માટે ધર્મ અને ત્યારબાદ કાયદો અમલમાં આવ્યા છે.
આપણી જરૂરિયાતો અને અનિયંત્રિત વૃત્તિ ને ધ્યાનમાં રાખતા દુનિયાની મોટાભાગની સંસ્કૃતિઓ માં “લગ્ન વ્યવસ્થા” નો ઉદભવ થયો હોય તેવું જણાય છે. લગ્ન વ્યવસ્થામાં ભળેલો ધર્મ અને કાનૂની કાયદો સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધોને મહદ અંશે સુરક્ષિત બનાવે છે. તેમ છતાં આ સંબંધો કાયમ માટે સુરક્ષિત રહેશે તેની સો ટકા ગેરંટી આપી શકાતી નથી.
બેવફાઈ ના કારણો:-
આમ તો બેવફાઈ ના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે, 2005 માં થયેલ એક બીગ ફાઈવ નામના સ્ટડી મુજબ પરસ્પર મતભેદ, કંટાળાજનક જીવન, બદલો લેવાની ભાવના, સ્વાર્થી પણું અસંતુષ્ટ જાતીય જીવન, ધ્યાન આકર્ષિત કરવાની અતિ વૃત્તિ, વધુ ગુસ્સો ધરાવતી વ્યક્તિ બેવફા થવાની વધુ સંભાવના રહેલી છે. ટૂંકમાં બેવફાઈ માટે વ્યક્તિગત કારણો, સંબંધને લગતી સમસ્યાઓ કે પછી પરિસ્થિતિ પણ જવાબદાર હોઈ શકે છે.
*એક સામાન્ય ધારણા મુજબ પુરુષો દ્વારા કરવામાં આવતી બેવફાઈ પાછળ કોઈ નક્કર કારણો ન હોવા છતાં ફક્ત એક ચેન્જ માટે કે જોખમ લેવાની વૃત્તિને કારણે પણ મોટાભાગના પુરુષો બેવફા બનતા હોય છે.*
*જ્યારે સ્ત્રીઓની બેવફાઈ પાછળ નક્કર અને ચોક્કસ કારણો જવાબદાર હોય તેની શક્યતા વધુ રહેલી છે.*
બીજા કારણોમાં મુખ્યત્વે બંને પાર્ટનર વચ્ચે વધુ પડતી અસામ્યતા જેમ કે શારીરિક દેખાવ, બૌદ્ધિક સ્તર, રસ-રૂચીની વિસંગતતાઓ, બીમારી અને કોઈ કારણસર એકબીજાથી દૂર રહેવું જેવા કારણો હોય શકે છે. આ પ્રકારના કારણોને લીધે બંને વચ્ચે એક ખાલી સ્પેસ ઉદભવે છે જે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી નું એક કારણ બની શકે છે.
@ આ બધા જ કારણોના મૂળમાં એક મુખ્ય વસ્તુ છે આપણું અનિયંત્રિત મન.
@ એવી વ્યક્તિ જે નાની નાની વાતમાં સામે વાળા વ્યક્તિ પ્રત્યેની પોતાની ધારણા બદલી નાખે.
@ લાંબા ગાળાને બદલે ટૂંકા ગાળાની વિચારસરણી ધરાવતી હોય તેવી વ્યક્તિ.
@ પોતાની જાતને સમજી ન શકનાર અને આત્મવિશ્વાસની કમી ધરાવનાર વ્યક્તિ પણ ગેરમાર્ગે દોરાઈ શકે છે.
આખરે ઉકેલ શું છે?
છેવટે જ્યારે આપણે સમસ્યા અને તેના કારણો વિશે સમજી ચૂક્યા છીએ ત્યારે તેનો ઉકેલ શોધવો અનિવાર્ય બની જાય છે તે પણ સામાજિક અને વ્યવહારો કારણકે ઉકેલ તો ગેર વ્યાજબી પણ હોઈ શકે જે સ્વીકારી શકાય નહીં.
દા.ત – જો આપણને નોકરીમાં પગાર ઓછો પડતો હોય તો, તેના ઉકેલ સ્વરૂપે લાંચ-રુશ્વત લેવી કે બીજી ગેરકાનૂની પ્રવૃત્તિ કરી ન શકાય. તેના બદલે પોતાની જાતને ડેવલપ કરી, નવી સ્કિલ વિકસાવી, નવા આવકના સ્ત્રોત વિકસાવવા તે વ્યવહારુ બાબત છે.
તેવી જ રીતે અગાઉ દર્શાવેલા બેવફાઈ ના કારણોમાંથી, જો કોઈ કારણ આપણા જીવનમાં હોય તો તેને પ્રેમ પૂર્વક અને ધીરજ પૂર્વક સુધારવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાથી સરવાળે નુકસાન પોતાનું જ થતું હોય છે. “આમાં કોઈ ફરક નહીં પડે” “આ તો સમજશે જ નહીં” વગેરે પ્રકારની માનસિકતા એ આપણી નબળાઈ દર્શાવે છે.
*યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે, માટે મદદ માંગવામાં સંકોચ રાખવો ન જોઈએ.*
પાર્ટનરની પસંદગી પણ આપણા વ્યક્તિત્વ અને લાયકાત મુજબ હોય તે એક પણ ખૂબ જ જરૂરી છે. ફક્ત કોઈની સુંદરતા, નોકરી, પોસ્ટ, સંપત્તિ વગેરેથી આકર્ષાઈને સંબંધ ન બાંધવો જોઈએ. આ આકર્ષણ ટૂંકા ગાળામાં જ ઓસરી જતું હોવાથી વ્યક્તિનું બેવફા થવાની શક્યતા વધી જાય છે.
*સૌથી જરૂરી બાબત છે આપણા મનને નિયંત્રિત કરવું, જે કામ બુદ્ધિનું છે.*
*બુદ્ધિ જાણે છે કે વધુ પ્રમાણમાં બહારનું ન ખવાય*
*વધુ આલ્કોહોલ ન લેવાય*
*કોઈનું અપમાન ન કરાય* *બોલવામાં સંયમ રખાય*
*દગો ન કરાય, નહીં તો ભલે ટૂંક સમય માટે સારું તો લાગશે, પરંતુ લાંબે ગાળે નુકસાન જ થશે.*
*તેમ છતાં આપણું મન નિયંત્રણમાં ન રહે તો સ્વીકારવું જ રહ્યું કે અહીં બુદ્ધિની ગેરહાજરી છે અને આ બુદ્ધિ વેચાતી નથી મળી શકતી, તેને વિકસાવવી પડે છે.*
*જેના માટે સારું વાંચન, સારી કંપની, ધર્મ અને આધ્યાત્મ જેવી બાબતો મદદરૂપ થાય છે.*
Read Our English Blogs on – Lifeline Wellness
તાજેતરની પોસ્ટ્સ
- જો તમે સરળતા થી રડી ન શકતા હોય તો, ચેતી જજો!
- “સ્ત્રી-પુરુષ ના સંબંધો” ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!
- આપણે સંતાનોને શું આપવું જોઈએ!
- આળસ – અશક્તિ – અનિંદ્રા નું કારણ શું! જાણો છો? | સ્વસ્થ જીવનશૈલી | અરવિંદસિંહ રાણા – સાયકોલોજીસ્ટ
- “ભારતીય જીવનશૈલી” – જરૂરિયાત કે જૂની પુરાણી વાતો? | By Arvindsinh Rana
- આ 3 વસ્તુ લાવશે તમારા બાળક માં ચમત્કારિક બદલાવ | Parenting Tips by Arvindsinh Rana
- આપણે બીમાર કેમ પડીએ છીએ! | By Arvindsinh Rana | Health – 2
1 Response
[…] […]