“સ્ત્રી-પુરુષ ના સંબંધો” ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!

(સ્ત્રી – પુરુષ વચ્ચેનું આકર્ષણ) શું ચાઇના નો માલ છે!

આપણા પાડોશી દેશ ચાઇનાની પ્રોડક્ટસ વિશે એક કહેવત પ્રચલિત છે “ચલે તો ચાંદ તક, નહીં તો શામ તક” અર્થાત ચાલી ગઈ તો ચાલી ગઈ કોઈ ગેરંટી વોરંટી નહીં.

શું તમને એવું નથી લાગતું કે અત્યારના સમયમાં સ્ત્રી – પુરુષ વચ્ચેના સંબંધોમાં પણ આ કહેવત બંધ બેસે છે! આમ તો બીજા સંબંધો બનવા અને ટકવા પાછળ પણ ક્યાંક ને ક્યાંક નિર્ભરતા, જરૂરિયાત, મજબૂરી, સંગાથ વગેરે જેવા કારણો જોવા મળે છે. 

પરંતુ અહીં આપણે વાત કરીશું ફક્ત સ્ત્રી- પુરુષ વચ્ચે રહેલા આકર્ષણના સિદ્ધાંત પર ટકેલા સંબંધો વિશે.

એ બોયફ્રેન્ડ – ગર્લફ્રેન્ડ નો સંબંધ હોય કે પતિ – પત્ની વચ્ચેનો સબંધ, તેમના સંબંધોમાં રહેલા આકર્ષણની વેલીડીટી ટૂંકી થતી જાય છે. મારી સાયકોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસને આધારે કહું તો આ સંબંધોમાં આવતી સમસ્યાઓ સપાટી પર જુદી હોય છે, જ્યારે તેમની મૂળભૂત સમસ્યામાં મોટે ભાગે એકબીજા પ્રત્યે આકર્ષણ માં ઘટાડો કે આકર્ષણ જ ન હોવું જવાબદાર હોય છે. જો કે પછી તે બીજી સમસ્યાઓનું સ્વરૂપ ધારણ કરી લે છે.

ઘણા લોકો કહે છે કે પહેલાના સમયમાં તો એકબીજાને જોયા વગર લગ્ન થઈ જતા હતા તેમ છતાં આ જીવન સંબંધો જળવાઈ રહેતા હતા. તો અહીં એક વાત સમજવી જરૂરી છે કે પહેલાના સમયમાં વ્યક્તિનું માનસ અત્યારના વ્યક્તિના માનસ કરતાં ઘણા અંશે જુદું હતું. અત્યારના સમયમાં જીવન પ્રત્યે અપેક્ષાઓ ખૂબ વધી રહી છે, બહારની દુનિયા સાથેનો સંપર્ક પણ ખૂબ જ વધી ગયો છે જે પહેલાના સમયમાં આટલા પ્રમાણમાં ન હતું. જેની અસરો આપણા સંબંધો પર પણ પડતી હોય છે.

આ બધી જ બાબતો સમજી લીધા બાદ હવે આપણે મૂળ મુદ્દો “આકર્ષણ” વિશે વાત કરીએ.

સ્ત્રી – પુરુષ વચ્ચે રહેલું આકર્ષણ એ કુદરતી છે. જે પશુ – પક્ષી થી માંડીને જીવજંતુઓ માં પણ જોવા મળે છે. પરંતુ શું પશુ – પક્ષીઓ અને માનવી ના આકર્ષણ ના નિયમો સરખા છે! દેખીતી વાત છે કે ન હોઈ શકે. કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ, સમાજ વ્યવસ્થા નો એક ભાગ છીએ. પશુ – પક્ષીઓને આપણી જેમ લગ્ન કરીને ઘર સંસાર, કુટુંબ પરિવાર ચલાવવાના નથી હોતા. તેમની અંદર પ્રેમ,લાગણી વગેરે જેવા ભાવો પણ આપણા જેટલા પ્રમાણમાં હોતા નથી. તેમને ફક્ત જીવન ટકાવી રાખવા માટે ખોરાક, પ્રજનન અને સુરક્ષા આટલી જ બાબતોની જરૂરિયાત છે. જ્યારે આપણે પ્રેમ, લાગણી, હુંફ, સહકાર, માન સન્માન, સુરક્ષા, સગવડ જેવી ઘણી બધી બાબતોની જરૂરિયાત છે.

આકર્ષણ વિશે આટલી લાંબી પૂર્વભૂમિકા બાંધવા પાછળનું કારણ એ જ છે કે હાલના સમયમાં સ્ત્રી – પુરુષ વચ્ચે રહેલું આકર્ષણ પણ પ્રાણીઓની જેમ બાહ્ય અને છીછરું થતું જાય છે, જેના કારણે સંબંધોની વેલીડીટી ટૂંકી થતી જાય છે.

કેવી રીતે! તો ચાલો આ બાબતને વિસ્તારપૂર્વક કેટલાક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.

સૌ પ્રથમ આંખો બંધ કરીને વિચારવાની કોશિશ કરો કે અત્યારે આપણે એટલે કે સ્ત્રી પુરુષને અને પુરુષ સ્ત્રીને કેવી રીતે આકર્ષવાનો પ્રયત્ન કરે છે?

કદાચ સૌથી પહેલો વિચાર આવશે બાહ્ય આકર્ષણ વિશે, એટલે કે આપણું શરીર અને કપડા. અમુક પ્રકારના ફીટીંગ વાળા કપડા કે અમુક શરીરનો ભાગ ખુલ્લો રાખતા કપડા આપણા ચોક્કસ અંગોને પ્રદર્શિત કરે છે, જેને પહેરવાનું કારણ પણ તે અંગોને દર્શાવવા કે ધ્યાન ખેંચવા માટે જ છે (તેમાં પણ ખાસ વિરુદ્ધ લિંગ ધરાવતા વ્યક્તિઓ નું). મને લાગે છે કે આ પ્રકારના કપડાનો આના સિવાય બીજો કોઈ ખાસ ઉદ્દેશ્ય હોતો નથી.

સાદી ભાષામાં કહીએ તો ગર્ભિત રીતે આપણે સેક્સી કે સેન્ચ્યુઅલ દેખાવા માગીએ છીએ. અહીં આ વાતની ચર્ચા કરવાનો આશ્રય એવો નથી કે આ ખરાબ બાબત છે કે સારી બાબત છે. અહીં આપણે ફક્ત સ્ત્રી – પુરુષ વચ્ચે રહેલા આકર્ષણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

હવે જો કોઈ વ્યક્તિ આ શરીરના અંગો કે કપડાથી આકર્ષાઈને આપણી નજીક આવશે તો કેટલા સમય સુધી આ આકર્ષણ અકબંધ રહેશે! એટલે કે કેટલા સમય સુધી સંબંધ ટકી શકશે! જેટલા સમય સુધી આ શરીરની રમતથી તૃપ્તિ ન મળે ત્યાં સુધી કે પછી જ્યાં સુધી વ્યક્તિત્વની બીજી નબળાઈ સામે ન આવે ત્યાં સુધી. 

જે સંબંધોના પાયામાં જ આ પ્રકારનું આકર્ષણ હોય તેની વેલીડીટી કેટલી હોઈ શકે, તે આપણે જાણતા હોવા છતાં આગ સાથે રમવાનું કામ કરીએ છીએ. પાછા આ રમતમાં સંબંધો બગડતા કે તૂટતા સમયે પોતે છેતરાયા તેવી પોકળ લાગણી અનુભવીએ છીએ.

અહીં એ વાતનો પણ સ્વીકાર કરવો જ રહ્યો કે સ્ત્રી – પુરુષ વચ્ચે આ પ્રકારના આકર્ષણની ખાસ જરૂર હોય છે. પરંતુ તે કોઈ ચોક્કસ વ્યક્તિ વિશેષ સુધી મર્યાદિત હોય તો તે સંબંધને ખીલવવાનું કામ કરે છે. જ્યારે તે જનરલ કરવામાં આવે છે, જ્યારે તેને ધ્યાન આકર્ષિત કરવા માટે ઉપયોગ કરાય છે ત્યારે, એવું સ્વીકારી લેવું કે આપણી પાસે બીજી કોઈ ખાસ વિશિષ્ટતા નથી જેનાથી કોઈ આપણી સાથે જોડાઈ શકે, આપણી તરફ ધ્યાન આપે જેનાથી આપણે પોતાની જાતને મહત્વની સમજી શકીએ.

જ્યારે સ્ત્રી અને પુરુષ પોતાના વ્યક્તિત્વ, સ્વભાવ, ટેવ અને લાક્ષણિકતા દ્વારા એકબીજા સાથે જોડાશે ત્યારે તેમનો સંબંધ મજબૂત અને ટકાઉ બનશે.

બાકી જ્યારે આપણે ફક્ત સેક્સ્યુઅલીટી (શારીરિક સુંદરતા) પોસ્ટ, પગાર, પ્રોપર્ટી, પ્રતિષ્ઠા થી આકર્ષાઈને કોઈ વ્યક્તિ સાથે જોડાઈએ છીએ ત્યારે તે એક સસ્તો અને કામચલાઉ વિકલ્પ સાબિત થાય છે.

હાલના સમયમાં ટૂંકી વેલીડીટી ધરાવતા બોયફ્રેન્ડ- ગર્લફ્રેન્ડ અને પતિ – પત્નીના સંબંધોના પાયામાં આ શારીરિક આકર્ષણ, પોસ્ટ, પગાર, પ્રોપર્ટી, પ્રતિષ્ઠા સમાયેલા છે. જેનાથી જલ્દી જોડાઈ તો શકાય છે પણ આ જોડાણ લાંબુ ટકી નથી શકતું. ટકવા માટે નક્કર વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ જોઈએ, જ્ઞાનરૂપી શાણપણ જોઈએ, સમજણ પૂર્વકની સંવેદનશીલતા જોઈએ. 

આ દરેક વસ્તુ ખૂબ જ કીમતી છે, માટે કદાચ દરેક વ્યક્તિ તેને અફોર્ડ ન પણ કરી શકે.

તાજેતરની પોસ્ટ્સ

Call Now for Appointment