નોંધ:- આ લેખ વાંચતી અને સમજતી વખતે આપણી ડિગ્રી, સુંદરતા, પોસ્ટ, સંપત્તિ, સામાજિક અને પારિવારિક દરજ્જો વગેરે બાજુ પર રાખવા જરૂરી છે.
પ્રસ્તાવના
આપણું જીવન સંબંધોના સથવારે ચાલતું હોય છે. આપણે ચારેય બાજુ સંબંધોથી ઘેરાયેલા છીએ. જેમાં કેટલાક સંબંધો મધુર હોય છે, કેટલાક કામચલાઉ, તો કેટલાક કડવા પણ હોય છે. પરંતુ દરેક સંબંધનું કાંઈક ને કાંઈક મહત્વ જરૂર હોય છે. તેમાંનો જ એક સબંધ છે “સાસુ-વહુનો”. આ સંબંધ સીધે સીધો પસંદગી દ્વારા નથી મળતો, આ તો આપણી એક પસંદગી (પતિ) સાથે આપોઆપ મળતો હોય છે.
સામાજિક ધોરણે આ સંબંધ કાયમ ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે અને વ્યક્તિગત ધોરણે ગૂંચવાડા ભર્યો. હમણાં જ મેં એક નાનો એવો સર્વે કર્યો હતો. *જેમાં પૂછવામાં આવ્યું હતું કે કયો સંબંધ સૌથી વધુ ગૂંચવાડા ભર્યો લાગે છે? જેના ત્રણ વિકલ્પો હતા 1- સાસુ-વહુનો 2- પતિ-પત્નીનો 3- બાપ-દીકરાનો. જેના ઉત્તરમાં 76 ટકા લોકોએ સાસુ વહુના સંબંધને સૌથી વધુ ગૂંચવાડા ભર્યો ગણાવ્યો હતો.* આ જ પરિસ્થિતિ દુનિયાની મોટાભાગની સમાજ વ્યવસ્થાઓમાં જોવા મળે છે.
આ ગુંચવણ કેમ ઊભી થાય છે!
1) કલ્ચર અને જનરેશન ગેપ:-
એક વ્યક્તિ જે ઘરમાં 20-25 વર્ષોથી રહે છે. સંપૂર્ણ રીતે સેટ છે. નાના-મોટા દરેક નિર્ણયોમાં તેની મુખ્ય ભૂમિકા રહેલી છે. જેનો દીકરો જે નવો નવો કોઈનો પતિ બન્યો છે તે દીકરો 20-25 વર્ષથી તેની માતા પર નિર્ભર હતો. તેનું સંપૂર્ણ ધ્યાન તેની માતા પર હતું, હવે એકાએક એક સવાર એવી પડે છે જ્યારે એક નવી સ્ત્રી (વહુ) ઘરમાં આવી ગઈ છે, જે તેના દીકરા દ્વારા મળતા એટેન્શન અને સમયમાં ભાગ લેવા લાગી છે.
આ નવી આવનારી સ્ત્રી પોતાના ઘરેથી અમુક જુદી રહેણી કહેણી, જુદી જુદી ભાત અને જુદી માનસિકતા સાથે લઈને આવી છે. જે કદાચ તેના પતિને તો થોડા ઘણા અંશે ખ્યાલ હશે પરંતુ ઘરના બીજા તમામ સભ્યો માટે તો તદ્દન નવું જ છે. આ નવી વ્યક્તિ અને તેની નવી સિસ્ટમ તુરત જ ઘરમાં સ્વીકાર થઈ જાય તે લગભગ અશક્ય છે. તેના માટે યોગ્ય સમય અને યોગ્ય એટીટ્યુડ ની જરૂર પડે છે જે વહુએ સમજવાની વસ્તુ છે.
ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ દા.ત એક ટ્રેન અમદાવાદ થી સુરત જઈ રહી છે. ત્યારે અમદાવાદથી જ તેમાં અમુક મુસાફરો સવાર થાય છે અને ત્યારબાદ આ જ ટ્રેનમાં જ્યારે વડોદરા થી બીજા મુસાફરો ચડે છે ત્યારે તેમને જગ્યા શોધવી પડે છે, અમદાવાદથી ચડેલા મુસાફરો સાથે એડજસ્ટ થવું પડે છે. ચારની સીટમાં પાંચમા એ બેસવું હોય તો નમ્રતાપૂર્વક વિનંતી કરવી પડે છે કારણ કે તેઓ ઓલરેડી તે જગ્યા પર જ હતા.
પરંતુ અહીં જો વડોદરાના મુસાફરો અમદાવાદથી સવાર થયેલા મુસાફરો સાથે ગેરવર્તાવ કરે તો તેમને જગ્યા પણ ન મળે અને જો મળી જાય તો સુરત સુધીના સફરમાં તેમનું ઘર્ષણ ચાલુ જ રહે.
સાસુ અને વહુના સંબંધોમાં પણ આ બાબત સમજવી ખૂબ જ જરૂરી છે કે જે વ્યક્તિ આપણા કરતા આ ઘરમાં 20-25 વર્ષ સિનિયર છે, ઓલરેડી સેટ છે તો આપણે તેના વ્યવહારને સમજવાની કોશિશ કરવી જ પડે. જેમ એક નવો અનુભવ વગરનો કર્મચારી કોઈ કંપનીમાં જોડાઈ તો પહેલા જૂના અનુભવી કર્મચારીઓ સાથે તાદાત્મ કેળવીને કામ શીખે છે અને પોતાની જગ્યા બનાવે છે.
2) અનુભવોની ભિન્નતા:-
જે રીતે સાસુનો તેમના માતા પિતાને ત્યાં ઉછેર થયો હશે અને જે રીતે સાસુ એ 20-25 વર્ષ આ ઘરને બનાવવામાં જે સંઘર્ષ કર્યો હશે, કદાચ તેટલો સંઘર્ષ નવી આવનારી વહુએ નથી કરવાનો. સાસુ અને વહુ બંનેના ભૂતકાળના અનુભવો પણ તદ્દન ભિન્ન છે અને વર્તમાનના અનુભવો પણ અલગ છે. એક નો સૂર્ય હજી ઉદય થઈ રહ્યો છે તો બીજાનો સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે.
આ સમયે એ સાહજિક છે કે સાસુના વર્તનમાં અમુક ફેરફારો જોવા મળશે જ. જેના માટે આપણે કહીએ છીએ કે “તેમને (સાસુએ) પણ સમજવું જોઈએ” આમ બોલવું સહેલું છે, પણ ખરેખર તેમની જગ્યા પર રહીને આ પરિસ્થિતિનો સામનો કરવો એ કઠિન બાબત છે.
3) ભૂમિકામાં ફેરફાર:-
દીકરાના લગ્ન એ સંક્રાંતિ કાળ છે જ્યાં સાસુ વહુની ભૂમિકામાં ફેરબદલ થતા હોય છે. જે ઘણીવાર ગૂંચવાડા ઉભા કરે છે. જે કામ પોતાના દીકરા માટે માતા કરતી હતી, તે હવે નવી વહુ કરવા લાગે છે. નવી વહુ ની નવી રસોઈ નવી સિસ્ટમ ઘરમાં જો કોઈને ગમે અને વખાણે તો એવી જ ફીલિંગ આવે છે, જેવી ફીલીંગ જૂના કર્મચારીને તેના કરતાં વધુ પગાર નવા કર્મચારીને આપવામાં આવે ત્યારે થતી હોય છે.
ઉપરોક્ત બાબતોને જસ્ટીફાય કરવા માટે સુફીયાણી વાતો કરવી સહેલી છે. પરંતુ સાસુનો ઉછેર, તેમની આર્થિક-સામાજિક સ્થિતિ, અભ્યાસ અને તેમના સંઘર્ષને ધ્યાનમાં રાખીને તેમને સમજવા અને સ્વીકારવા એ વહું પાસેથી મોટી સમજણ માગી લે છે.
આખરે ઉકેલ શું હોઈ શકે!
સાસુ-વહુના સંબંધોમાં રહેલા ઘર્ષણને ઘટાડવા માટે સર્વ સામાન્ય નિયમો ન હોય શકે. કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ તેની લાક્ષણિકતાઓ અને પરિસ્થિતિ બદલાઈ છે. તેમ છતાં આપણે અહીં આ જટિલતા ને સરળ બનાવવાનો પ્રયત્ન જરૂર કરીશું.
જો કોઈ વહુ ને લાગતું હોય કે મને સારા સાસુ મળ્યા છે, તો આમાં તમારા સારા નસીબ ની સાથે તમારા વ્યક્તિગત ગુણો અને સમજણ નું મહત્વ વધુ રહેલું છે. તેવી જ રીતે જો કોઈ વહુને લાગતું હોય કે મને સારા સાસુ મળ્યા નથી તો વહું ના ખરાબ નસીબની સાથે તેના વ્યક્તિત્વની નબળાઈઓ અને અણસમજ નો પણ તેટલો જ ભાગ છે તેવું સ્વીકારવું રહ્યું.
જો તમે ઉપરોક્ત નિયમને સ્વીકારી નથી શકતા તો તમારી હાલની પરિસ્થિતિમાં સકારાત્મક બદલાવ આવવાની સંભાવના નહિવત છે. તથા આ લેખમાં આગળ જણાવેલા ઉકેલ પણ તમારા માટે ખાસ કારગર નહીં નીવડી શકે. કારણ કે આપણે અહીં આપણે ફક્ત વહુ પક્ષની જ વાત કરીશું. સાસુએ કેવી રીતે વર્તવું? કેવા સાસુ હોવા જોઈએ? તેમને શું કરવું ને શું ન કરવું જોઈએ! તેના વિશે કોઈ જ વાત કરવાના નથી.
ઉપાય 1-
તમે એક જગલર બની જાવ:-
આપણે બધાએ જગલર જોયો છે. તે વિવિધ પ્રકારના કરતબ કરે છે. જેમ કે એક સાથે ચાર પાંચ બોલને હવામાં બે હાથે ઉછાળવા અને ઝીલવા, કોઈ વસ્તુને હવામાં બેલેન્સ કરવી વગેરે. હવે એમ સમજો કે તમે (વહુ) એક જગલર છો અને સાસુ એ કોઈ વસ્તુ છે જેને તમારે બેલેન્સ કરવાની છે. અહીં જે રીતે વસ્તુ પોતે પોતાની જાતને બેલેન્સ નથી કરી શકતી જગલરે કરવાની હોય છે તેમ સાસુ પોતાની જાતને નહીં બદલે, તમારે જ તમારા સાસુના વ્યક્તિત્વને સમજીને તેમને તમારા તરફી સકારાત્મક (બેલેન્સ) કરવાના છે.
ભલે સાસુ ગમે તેવો સ્વભાવ ધરાવતા હોય, પણ જો તમે તેની પાછળના વ્યક્તિત્વને સમજી ગયા તો તમે તમારા સાસુને એક જગલરની જેમ સંભાળી શકશો.
– તેમના ઈગોને ઠેસ નહીં પહોંચાડો.
– તેમની માન્યતાઓને શબ્દોથી બદલવાની કોશિશ નહીં કરો.
– સાસુ ખોટા છે અને તમે સાચા છો આ સાબિત કરવાની મથામણમાં નહીં પડો.
– સાસુ દ્વારા કરેલી નકારાત્મક ટિપ્પણીઓ મગજમાં સાચવીને નહીં રાખો.
– સાસુ તમારા વખાણ કરે તેવી અપેક્ષા પણ નહીં રાખો.
તેના બદલે જો તમારે ખુશ રહેવું હોય તો, તમારે જીવનમાં શાંતિ જોઈતી હોય તો, જો તમે ચાહતા હોય કે તમારા પતિ અને બાળકો નો વિકાસ થાય તે પણ ખુશ રહે તો…
– તમે સાસુ દ્વારા કરવામાં આવતી ટીકા ટિપ્પણીઓને ફક્ત કોરા શબ્દો સમજીને તેને ઇગ્નોર કરશો.
– તમારા સાસુ ની સારી બાબતો તેમના સદગુણો ને જાહેરમાં બધા સામે રજૂ કરશો (ભલે તે તમારા માટે ન કરતા હોય)
– સાસુ જે પણ કરવા માટે કહે તેનો તરત જ પ્રતિકાર કરવા કે ના પાડવાને બદલે યોગ્ય સમયે શાંતિથી વાત ગળે ઉતારશો.
– ઘણીવાર જો થોડા મસ્કા મારવાથી, થોડું ચૂપ રહેવાથી, થોડા વખાણ કરી લેવાથી આપણા અને આપણા પરિવારમાં શાંતિ રહેતી હોય અને આપણે પણ ખુશ રહી શકતા હોય તો આ સોદો ખોટ નો નથી.
એક સમજદાર વ્યક્તિ એ જ છે જેની પ્રાથમિકતા માનસિક શાંતિ અને ખુશી હોય તેના ભોગે તે બીજી કોઈપણ વસ્તુને પ્રાધાન્ય આપતી નથી.
ઉપાય 2 –
વહુ એ અપડેટેડ વર્ઝન છે:-
જો તમને લાગતું હોય કે તમે તમારા સાસુ કરતા વધુ ભણેલા છો, તેમના કરતાં વધુ સમજદાર છો, નવા જમાનાના છો તો હવે તમારા સાસુને યોગ્ય રીતે હેન્ડલ કરવાની જવાબદારી તમારી બની જાય છે. કારણ કે વધુ ભણેલા કે વધુ સમજદાર લોકો જ ઓછું ભણેલા અને ઓછા સમજદાર લોકોને હેન્ડલ કરી શકે તેમને સમજી શકે.
*મારા મતે એજ્યુકેશનનો ખરો મતલબ એ જ છે કે વધુ ભણેલી વ્યક્તિ ઓછું ભણેલી વ્યક્તિને સમજી તેની પાસેથી કામ લઈ શકે.*
બાકી તો “હું તમારા કરતાં વધુ ભણેલું છું” તેમ બોલવું એ ફક્ત કોરા શબ્દો જ છે તેમાં કોઈ વજન નથી.
મોબાઈલ નું અપડેટેડ મોડેલ જુના મોડલ કરતાં વધુ સરળ અને પાવરફુલ હોય છે. જેમાં જૂના મોડલ માં રહેલી ખામીઓ દૂર કરવામાં આવી હોય છે.
ટૂંકમાં એટલું જ કહીશ કે સાસુ વહુની આ લડાઈ છેલ્લે તો અહમનો ટકરાવ જ છે, સમજણ નો નહીં. બાકી જ્યાં સમજણ હોય ત્યાં પ્રેમ અને કરુણા જરૂર હોય.
તાજેતરની પોસ્ટ્સ
- શું આપણને બીમાર કરતા આ 7 રહસ્યમય કારણો વિશે તમે જાણો છો?
- માનસિક શાંતિ માટે શું કરવું!
- જીવનમાં સમસ્યાઓ આવવાનું એક કારણ આ પણ! “Law Of Attraction”
- શું ખોટો વ્યક્તિ સુખી હોઈ શકે! – “Law Of Karma” By Arvindsinh Rana
- બેવફાઈ ની સાયકોલોજી | ઈતિહાસ – કારણો અને ઉકેલ | By Arvindsinh Rana
- જો તમે સરળતા થી રડી ન શકતા હોય તો, ચેતી જજો!
- “સ્ત્રી-પુરુષ ના સંબંધો” ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!
- આપણે સંતાનોને શું આપવું જોઈએ!
- આળસ – અશક્તિ – અનિંદ્રા નું કારણ શું! જાણો છો? | સ્વસ્થ જીવનશૈલી | અરવિંદસિંહ રાણા – સાયકોલોજીસ્ટ
ખૂબ સુંદર બાબત રજૂ કરી વાંચીને ઘણો આનંદ થયો.
ખૂબ સુંદર
Ranaji ..Simple but more practical words