આપણે અત્યાર સુધી પાછલા બે લેખમાં જોયું કે મનુષ્યનું વ્યક્તિત્વ સ્વભાવ વિચારો કાર્યો ને નિર્ધારિત કરતા ત્રણ પ્રકારના ગુણો છે. જેમાં તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ અને તેની લાક્ષણિકતાઓ વિશે જાણ્યું.
કદાચ તમે પણ પોતાની પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ કોઈ પણ વાતને સમજી લેવી તે તો ફક્ત શરૂઆત થઈ એવું કહેવાય. ખરેખર તો તે વાતનો આપણા જીવનમાં અમલ કરવો તેને જ સાચી સમજણ કહી શકાય. મોટાભાગે તો આપણે સમજતા જ હોઈએ છીએ કે આપણા માટે શું જરૂરી છે અને શું નુકસાનકારક છે. તેમ છતાં ઘણી વાર લાચારી અનુભવતા હોઈએ છીએ.
તો અહીં આપણે વાત કરીશું કે આપણી પ્રકૃતિમાં કયા ગુણોનો વધારો કરવાથી કે કયા ગુણોમાં ઘટાડો કરવાથી આપણી ઘણી બધી સમસ્યાઓ ના સમાધાન મળે છે અને કેવી રીતે આ ગુણોમાં વધારો કે ઘટાડો કરી શકાય છે!
આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે “પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે”. પરંતુ શું તમે માનો છો કે જે સંસ્કૃતિ અને શાસ્ત્રો પાસે આખા બ્રહ્માંડ જેવા જટિલ વિષયના રહસ્યો નો પણ તાગ હોય, એક સાધારણ માણસને મહામાનવ સુધી પહોંચાડી શકતું હોય, તે શાસ્ત્રો અને સંસ્કૃતિ શું મનુષ્યની પ્રકૃતિમાં ફેરફાર નહીં કરી શકતી હોય!
આપણી પાસે અંગુલીમાંન અને વાલીયા લુંટારા માંથી વાલ્મિકી જેવા મહાન ઋષિ બન્યા હોય અને આમ્રપાલી જેવી ગણિકા માંથી ભગવાન બુદ્ધની એક ઉચ્ચ કક્ષાની શિષ્ય બની હોય તેવા ઉદાહરણો છે.
બાઇબલમાં પણ લગભગ 21 જેટલી વ્યક્તિઓ ના ઉદાહરણો છે જે એકદમ ખરાબ માંથી એકદમ શુદ્ધ આત્મા બન્યા હતા. આ પ્રકારના ઘણા વ્યક્તિત્વ આપણી આસપાસ પણ હશે જ પરંતુ મને લાગે છે કે માણસ પોતાની લાચારી, નિષ્ક્રિયતા, આળસ અને અજ્ઞાનને ઢાંકવા માટે આ પ્રકારની યુક્તિઓનો પ્રયોગ કરતો હોય શકે.
ખેર, ચાલો વાત કરીએ આપણી પ્રકૃતિના ગુણોનું સમતોલન અને સંવર્ધન કરતી શાસ્ત્રોક્ત્ પદ્ધતિઓ વિશે.
હાલનું મેડિકલ સાયન્સ અને મનોવિજ્ઞાન જે વાત કરી રહ્યું છે તે આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલાથી જણાવાયું છે. ફક્ત તેને મોર્ડન નામ આપીને નવા કપડાં પહેરાવવામાં આવ્યા છે.
દા.ત – ન્યુરો લેંગ્વેસ્ટીક પ્રોગ્રામ, માઈન્ડ ફુલનેસ, બિહેવિયર થેરાપી, ન્યુટ્રિશનલ સાયકિયાટ્રી, ગ્રેટિટુડ પ્રેક્ટિસ અને વિવિધ પ્રકારના પર્સનાલિટી ડેવલપમેન્ટ વર્કશોપ.
આપણે જોયું કે શ્રીકૃષ્ણએ ત્રણેય ગુણોમાંથી સત્વગુણ ને સર્વોત્તમ ગણાવ્યો છે. સત્વ ગુણી વ્યક્તિ તેના આત્માની ખૂબ જ નજીક હોવાથી, તે વધુ સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન જીવતી હોય છે. તેના જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે.
પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આ સત્વ ગુણનો વિકાસ આપણા અંદર કેવી રીતે કરવો!
નીચે જણાવેલ ચાર બાબતો ને આપણા જીવનમાં અપનાવવાથી સત્વગુણનો વિકાસ કરી શકાય છે.
1- સ્વાદ (Food)
આપણા શાસ્ત્રોમાં અન્ન ને બ્રહ્મ કહેવામાં આવે છે. આપણને જીવન ટકાવી રાખવા માટેની ઉર્જા ખોરાક દ્વારા મળે છે. શાસ્ત્રોમાં સાત્વિક ભોજન (ફળાહાર કે હિંસા રહિત) ને ઉત્તમ માનવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “જેવું અન્ન તેવું મન” એટલે કે આપણે જે પ્રકારનું ભોજન લઈએ છીએ તેની સીધી અસર આપણા મન પર પડે છે.
હાલના સમયમાં ન્યુટ્રિશનલ સાયકીયાટ્રી (પોષણ મનોચિકિત્સા) પણ આ જ વાતનું સમર્થન કરે છે કે તાજો, શાકાહારી અને વિટામિન્સથી ભરપૂર ખોરાક લેવાથી માનસિક સમસ્યાઓ ટાળી શકાય છે. વધુ પ્રમાણમાં લેવાતો જંક ફુડ ફાસ્ટ ફૂડ અને માંસાહર શારીરિક બીમારીઓની સાથે ડિપ્રેશન, વ્યગ્રતા, વધુ ગુસ્સો, અનિદ્રા, આળસ જેવી માનસિક સમસ્યાઓને પણ આમંત્રણ આપે છે.
માટે જો આપણે આ સમસ્યાઓથી દૂર રહેવું હોય તો, સત્વ ગુણમાં વધારો કરવો હોય તો શરૂઆત આપણી ખાણીપીણીની આદતોમાં બદલાવ લાવવાથી કરવી પડે, જે સ્વસ્થ જીવન શૈલી માટેનું પહેલું પગથિયું છે.
2) સત્સંગ (Good Company)
એવું કહેવાય છે કે આપણે આપણી નજીકના પાંચ વ્યક્તિઓના એવરેજ હોઈએ છીએ. માટે આપણી આસપાસના લોકોની પસંદગી કાળજીપૂર્વક કરવી ખૂબ જ જરૂરી છે. આપણા ત્યાં એક કહેવત પણ છે કે “જેવો સંગ તેવો રંગ”.
શાસ્ત્રોમાં જણાવેલ સત્સંગ નો અર્થ ફક્ત ભજન કીર્તન કે ધુન કરવી એટલો જ નથી.
# જે વ્યક્તિ પાસેથી કંઈક નવું શીખવા મળે.
#જે વ્યક્તિ હંમેશા બીજાનું ભલું ઇચ્છે.
# જે વ્યક્તિ સાચું માર્ગદર્શન આપે.
# જે વ્યક્તિ પાસે બેસવાથી મન શાંત થાય.
# જે વ્યક્તિ થકી આપણા જીવનનો વિકાસ થાય.
# જે વ્યક્તિ આપણને પ્રોત્સાહન પૂરું પાડે.
# જે વ્યક્તિ આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે.
આ દરેક પ્રકારના વ્યક્તિની કંપની એટલે સત્સંગ એમ કહી શકાય. જેમ રામનું નામ લખવાથી પથ્થર પણ તરી જાય છે, તેમ આ પ્રકારના વ્યક્તિઓના સંપર્કથી પણ જીવતર તરી જવાય છે, સાથે આપણી અંદર સત્વગુણનો પણ વધારો થાય છે.
3) સ્વાધ્યાય ( Self Study)
સામાન્ય મનુષ્ય એવું સમજે છે કે સ્વાધ્યાય એટલે કોઈ ધાર્મિક પુસ્તક નો પાઠ કરવો. પરંતુ અહીં સ્વાધ્યાય શબ્દ નો અર્થ ખૂબ જ વિશાળ છે.
પોપટની જેમ ધાર્મિક પુસ્તક નો પાઠ કરવાથી જીવનમાં કોઈ બદલાવ ન આવી શકે. આપણા સૌના આદર્શ એવા શ્રીરામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગુરુ નાનક, જીસસ વગેરેના જીવન ચરિત્રો અને તેમના ગુણોને પોતાના જીવનમાં આત્મસાત કરવાની પ્રક્રિયાને સ્વાધ્યાય કહેવામાં આવે છે.સાથે સાથે પોતાની જાતને સમજવી, આપણી ચેતનાની ઉદ્ભવ ગતી માટે પ્રયત્નો કરવા તે પણ સ્વાધ્યાયનો એક ભાગ છે.
આજનો માનવી લગભગ દરેક સાથે રહી શકે છે, પણ પોતાની જાત સાથે એકલો કોઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર રહી શકતો નથી, આ તેની સૌથી મોટી નબળાઈ છે.
માટે પોતાની જાત સાથે ગાળેલો સારો સમય, આદર્શ જીવન ચરિત્રોના પુસ્તકોનું વાંચન, સારી ટેવો વિકસિત કરતા પુસ્તકો વગેરેથી પણ જીવનમાં સત્વગુણ નું પ્રમાણ વધે છે.
4) સત્કર્મ – સેવા ( Social Service)
પૃથ્વી પરના લગભગ દરેક ધર્મ સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. ઈસાઈ ધર્મનો તો પાયો જ સેવા છે. જ્યારે એવું જણાય કે જીવનમાં કંઈ જ કરવા જેવું નથી રહ્યું, નકારાત્મકતા ઘેરી વળી છે, જીવન અર્થહીન લાગવા લાગ્યું છે ત્યારે તે વ્યક્તિએ કોઈ પણ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ માં જોડાઈ જવું જોઈએ.
સેવા દ્વારા આપણે પોતાના આત્માની વધુ નજીક આવી શકીએ છીએ. ભલે મંદિર મસ્જિદ ચર્ચ કે ગુરુદ્વારા ન જઈ શકાય, ભલે કોઈ ધાર્મિક યાત્રા ન કરી શકાય પરંતુ નિસ્વાર્થ સેવા સત્કર્મ જરૂર કરવા જોઈએ. આજકાલ તો સારા સાયકોલોજિસ્ટ પણ ઘણી બધી માનસિક સમસ્યાઓના સમાધાન સ્વરૂપે સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું સૂચન કરતા હોય છે.
આર્થિક સહાયથી માંડીને કોઈના ચહેરા પર લાવવામાં આવેલું સ્મિત પણ એક સત્કર્મ જ ગણાય છે.
કોઈ શાયરે શું ખૂબ કહ્યું છે કે…
“ઘર સે મસ્જિદ બહોત દૂર હૈ”
“ચલો આજ કિસી બચ્ચે કો ખુશ કિયા જાય”
આમ *સ્વાદ – સત્સંગ – સ્વાધ્યાય – અને સત્કર્મ* આ ચારેય જ્યારે આપણા જીવનમાં વણાઈ છે ત્યારે આપણી પ્રકૃતિમાં ધીમે ધીમે સત્વ ગુણનું વધારો થતો જાય છે, જે જીવનની શારીરિક, માનસિક, પારિવારિક તેમજ આર્થિક સમસ્યાઓમાં ઘટાડો કરે છે.
આગળના બે લેખ અહી click કરીને વાચી શકો છો :-
1 – તમારા જીવનને કોઈ નિયંત્રિત કરી રહ્યું છે! કોણ ચલાવે છે માણસને!
2 – શ્રી કૃષ્ણ એ અર્જુનને જણાવેલી એક મહત્વની વાત – જે જાણવાથી આપણને પણ થશે લાભ | By Arvindsinh Rana
Arvindsinh Rana
Counselling Psychologist
- આ 6 બાબતો કરે છે તમારા જીવન નું ઘડતર
- ડીપ્રેશન થી બચવા માટેનો સૌથી સરળ માર્ગ | Depression
- યોગ વિશે આટલું જાણ્યા પછી શરૂઆત કરશો તો મળશે બમણો લાભ
- આટલું સમજી લીધું તો ક્યારેય ઊંઘ ની સમસ્યા નહિ થાય | 12 Tips for good sleep
- જીવનનો કોઈ પણ નિર્ણય લેતા પહેલા આ 5 બાબતો સમજાવી જરૂરી છે | How to take Decisions
- પૈસા ની તંગી રહેવાના 5 મુખ્ય કારણો By Arvindsinh Rana
- તમારું Time Management કેવું છે? જાણો આ 6 સવાલો દ્વારા
Reading will change our life…
Simple but most effective points
Nice