તમારા જીવનને કોઈ નિયંત્રિત કરી રહ્યું છે! કોણ ચલાવે છે માણસને!

તમારા જીવનને કોઈ નિયંત્રિત કરી રહ્યું છે! કોણ ચલાવે છે માણસને! આ સવાલો ના જવાબ શોધવાનો પ્રયત્ન ફિલોસોફી, ધર્મ અને વિજ્ઞાન દરેક દ્વારા કરવામાં આવ્યો છે!

ચાલો અહી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે માનવ જીવનનું નિયંત્રણ કોના હાથમાં છે.

મોટેભાગે આપણે સૌ જાણતા જ હોઈએ છીએ કે કઈ બાબતોમાં આપણું નુકસાન રહેલું છે. આપણે જાણીએ છીએ કે ગુસ્સો કરવાથી શરીર પર નકારાત્મક અસરની સાથે સંબંધોમાં પણ કડવાસ આવે છે. તેમ છતાં ગુસ્સો થઈ જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે સવારે વહેલા ઊઠવું જોઈએ અને રાત્રે વહેલા સુઈ જવું જોઈએ.

આપણે એ પણ જાણીએ છીએ કે હેલ્થી ફૂડ કયું છે અને અન હેલ્થી કયું છે.

તમાકુ એક હાનિકારક પદાર્થ છે તે જાણવા છતાં તેનાથી દૂર રહી શકાતું નથી!

આપણને ખબર જ છે કે મોબાઈલનો અતિ ઉપયોગ આપણી પારિવારિક, શારીરિક, માનસિક અને સામાજિક જીવનશૈલીને નુકસાન પહોંચાડે છે.

આ પ્રકારની તમામ વસ્તુઓ જાણતા હોવા છતાં ઘણી વાર આપણે લાચારી અનુભવીએ છીએ. આપણા માટે શું જરૂરી છે તેનું ભાન હોવા છતાં તેનું પાલન કરી શકતા નથી.

ચોર અને ખૂની પણ જાણે છે કે જે તે કરી રહ્યા છે તે ખોટું છે.
શું એવી કોઈ શક્તિ છે! જે આપણને ચોક્કસ પ્રકારના નિર્ણય લેવા માટે દબાણ કરે છે.

મનુષ્ય જાતિના લગભગ ત્રણ લાખ વર્ષોની લાંબી યાત્રા પછી પણ હજી સુધી આપણે નાની મોટી નબળાઈઓ પર કાબુ મેળવી શક્યા નથી. ક્યાં કચાશ રહી ગઈ! આ એક મૌલિક સવાલ છે. એક બાજુ ધર્મ અને સંપ્રદાયો નો વિસ્તાર સતત વધતો જાય છે, તો બીજી બાજુ વિજ્ઞાન રોજેરોજ હરણફાળ ભરી રહ્યું છે. છતાં માનવીય વૃત્તિઓમાં કોઈ ખાસ ફેર જણાતો નથી.

બાહ્ય વિકાસની ગતિ અને આંતરિક બદલાવની ગતિ વચ્ચે કોઈ તાલમેલ બેસતો હોય, આ વાત સાથે શું તમે સંમત થશો ખરા?

મનુષ્ય પર કઈ વસ્તુઓનું આધિપત્ય છે?
મનુષ્યની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ પર શેનો પ્રભાવ પડે છે?
શું તે મનુષ્ય સ્વયં તેનું નિયંત્રણ કરે છે! કે પછી નિયંત્રિત થઈ રહ્યો છે?

આ તમામ સવાલોનો ઉત્તર શોધવાના પ્રયત્નો માનવ જાતિ હજારો વર્ષોથી કરી રહી છે. જેમાં શાસ્ત્રો, ધર્મ, તત્વજ્ઞાન અને હાલના વિજ્ઞાનનો સમાવેશ થાય છે.

ચાલો થોડા ઉદાહરણો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ દરેકનો મત શું છે.
શરૂઆત કરીએ તત્વજ્ઞાન થી…

– ગ્રીક સંસ્કૃતિના એક મહાન ફિલસુફ પ્લેટો જેમણે લગભગ 387 B.C માં એમ કહ્યું કે મનુષ્યના જીવનને ચલાવવામાં તેના મગજની મુખ્ય ભૂમિકા છે.


– ત્યારબાદ 335 B.C માં તેના જ શિષ્ય એરિસ્ટોટલે કહ્યું કે ખરેખર આપણું હૃદય જ આપણા જીવનની દશા અને દિશા નક્કી કરે છે.

– મોર્ડન મેડિસિનના પિતામહ ગણાતા એવા હિપોક્રેટ્સ જેમણે 450 B.C માં કહ્યું કે માનવ શરીરમાં રહેલા ચાર પ્રકારના પ્રવાહી મનુષ્યને સંચાલિત કરી રહ્યા છે.

અહીંથી વિજ્ઞાને મનુષ્ય જીવનને વૈજ્ઞાનિક ઢબેં ખંગાળવાની શરૂઆત કરી છે.

– જેમાં ઉમેરો કરે છે એક પ્રખ્યાત વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન, જેના વિશે આપણે સ્કૂલમાં પણ ભણ્યા છીએ તેમણે ઉત્ક્રાંતિવાદની સ્થાપના 1859 માં કરી હતી. તેમના મતે માનવી નો વિકાસ ક્રમિક છે.


– આગળ જતા 1869 માં વિજ્ઞાન મનુષ્યની વૃત્તિ પ્રવૃત્તિને આનુવંશિકતા સાથે જોડે છે જેમાં ફ્રાન્સિસ ગાલ્ટન નામના વૈજ્ઞાનિક નું યોગદાન રહ્યું છે.

તત્વજ્ઞાનથી શરૂ થયેલી આ યાત્રા ઉત્ક્રાંતિ અને આનુવંશિકતાની સાથે મનુષ્યના શરીર સુધી જ સીમિત રહી.

– ત્યારબાદ આ યાત્રાને આગળ વધારવાનું બીડું ઝડપી મનોવિજ્ઞાને, જેને મનુષ્યના મન અને વર્તનનો અભ્યાસ કર્યો જેમાં મનુષ્ય ના ચોક્કસ પ્રકારના વર્તન વાણી અને વ્યવહાર પાછળ તેના મનના વ્યવહારોનો પ્રભાવ છે તેમ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

મનુષ્યના ઉછેર નું વાતાવરણ, તેના માતા પિતા, મિત્રો, શિક્ષકો, સગા સંબંધીઓ, આસપાસના લોકો, તેની ભૌગોલિક પરિસ્થિતિ, તેમજ તેના અનુભવો જેવા અનેક પરિબળો ની અસર મનુષ્યના જીવન પર પડે છે. આ દરેક પરિબળો તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. તેની ભૂલો, ગુનાઓ, કુટેવો કે પછી સકારાત્મક વ્યક્તિત્વ, સારી ટેવો, સ્વસ્થ માનસિકતા વગેરે માટે ઉપરોક્ત પરિબળો જવાબદાર છે, આ સિદ્ધાંત મનોવિજ્ઞાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો.

હાલના સમયમાં ન્યુરો સાયન્સ પણ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. ન્યુરો સાયન્સ મુજબ આપણા શરીરના ચેતાતંત્રમાં પેદા થતા ન્યુરોનસની ગુણવત્તા, તેનો આકાર, તેની ગતિ અને ન્યૂરોન્સની સ્થિરતા દ્વારા આપણા વ્યવહારો પ્રભાવિત થાય છે, કે પછી એમ પણ કહી શકાય કે વ્યવહારો દ્વારા આપણા ન્યુરોન્સ પ્રભાવિત થાય છે.

અત્યાર સુધી આપણે જે વાત કરી તે મહદંશે વેસ્ટન ફિલોસોફી અને વિજ્ઞાન દ્વારા રજૂ કરવામાં આવેલી થીયરીઝ છે. પરંતુ જો ભારતીય દર્શન અને શાસ્ત્રો મુજબ વાત કરીએ તો તેમાં ઘણા બધા પાસાઓનો સમાવેશ થાય છે.

ભારતીય દર્શન ની શરૂઆત આશરે 5,000 વર્ષ પહેલા થાય છે જેને વૈદિક કાળ કહેવામાં આવે છે આમ ભારતીય દર્શનના મૂળ ગ્રંથોમાં આપણા ચાર વેદોને માનવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઉપનિષદો, પુરાણો, રામાયણ, મહાભારત અને તેનો એક ભાગ શ્રીમદ્ ભગવદ્ ગીતા.

ભારતીય દર્શનના સિદ્ધાંતો માનાં બે મુખ્ય સિદ્ધાંતો છે પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત. જેના મુજબ પાછલા જન્મના કર્મો આપણા વર્તમાન જન્મને અસર કરે છે પાછલા જન્મોના કર્મોના ફળ સ્વરૂપે હાલના જીવનમાં સુખ દુઃખ, લાભ-હાની વગેરે અનુભવાય છે તેવો ખ્યાલ પ્રચલિત છે.

હવે આવે છે આપણો મૂળ મુદ્દો કે હાલના જન્મના કર્મો શેના પર આધારિત છે!
આપણે ચોક્કસ પ્રકારના નિર્ણયો કેમ લઈએ છીએ!
ટેવો – કુટેવો કેમ આકર્ષિત કરે છે!

જાણીને પણ ખોટા કાર્યો કેમ થઈ જાય છે!
આ પ્રશ્નોનો ઉત્તર મળે છે ભગવદ ગીતાના 14માં અધ્યાયમાં જેને ગુણત્રયવિભાગ યોગ કહેવામાં આવ્યો છે.

મનુષ્ય એ પ્રકૃતિ અને પુરુષનો અંશ છે જેના કારણે મનુષ્યમાં પણ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજો અને તમો ગુણ રહેલા છે. દરેક ગુણને તેના ગુણધર્મો છે અને તે મુજબ ના કર્મો ને તે પ્રેરિત કરે છે.

આપણે આ ત્રણેય ગુણો અને તેના ગુણધર્મો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા આવતા અંકમાં કરીશું.

Lifeline Wellness
Arvindsinh Rana
Counselling Psychologist

Call Now for Appointment