સસ્ટેનેબલ હેપ્પીનેસ – The Real Happiness (નિર્મળ-ટકાઉ આનંદ)

વિશ્વ કક્ષાએ સંપૂર્ણ માનવજાતિ માટે પડકારરૂપ જો કોઇ સમસ્યા હોય તો તે છે “આતંકવાદ અને ગ્લોબલ વોર્મિગ”. જે આપણે સૌ જાણીએ છીએ પરંતુ તેની સાથે ત્રીજી એક એવી સમસ્યા છે જેનાથી હાલની માનવ જાતિ ઝઝૂમી રહી છે. જાણો છો તે કઈ સમસ્યા છે? તે છે ખુશ રહેવાની અથવા એમ પણ કહી શકાય કે ખુશ ન રહી શકવાની સમસ્યા.

કદાચ તમે વર્લ્ડ હેપ્પિનેસ ઇન્ડેક્સ વિશે પણ સાંભળ્યુ હશે, જેમાં દરેક દેશ પોતાના નાગરિકો કેટલા ખુશ છે તેનું માપન કરે છે. જે દર્શાવે છે, હવે ઘણા ખરા લોકો સમજવા લાગ્યા છે કે ફક્ત આર્થિક કે ઔદ્યોગિક વિકાસ થી કાંઈ નહિ વળે, જો તેના પાયામાં માનવી ખુશ નહિ હોય.

ચાલો કેટલીક રસપ્રદ વાતો જાણીએ. આપણે જોઈએ છીએ કે અત્યારે નાના થી નાના પ્રસંગો નું સેલિબ્રેશન કરવામાં આવે છે, જે આપણે પહેલા નહોતા કરતા. તેની પાછળના બે કારણો હોઈ શકે, એક તો આપણે રોજિંદા બીબાઢાળ જીવનમાંથી જે પણ તક મળે તેમાં ખુશી મેળવી લેવા માગીએ છીએ અને બીજું કારણ સોશિયલ મીડિયા, જેમાં “અમે ખૂબ જ ખુશ છીએ” તેવી જાહેરાત પ્રદર્શન કરી શકીએ પ્રસંગો ના ફોટો અને વિડીયો દ્વારા. તેનાથી આગળ વાત કરું તો હાલમાં ઓનલાઇન કે બજારથી કરવામાં આવતી શોપીંગ પણ ફુલ બહારમાં ખીલી છે. લગભગ રોજેરોજ કંઈક એવી વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય છે જેનાથી આપણે ખુશ થઇ શકીએ. છેલ્લે કાંઈ નહીં તો વિન્ડો શોપિંગ (ખાલી જોવું ખરીદવું નહીં) તો ખરી જ.

તેવી જ રીતે ટુરીઝમ પણ ઝડપથી વિકસી રહ્યું છે. નાના-મોટા સ્થળોએ હરવા ફરવા જવું, દેશ-વિદેશની યાત્રા કરવી તે પણ આપણા જીવનનો એક ભાગ બની ગયું છે. જેના મૂળમાં પણ ખુશી મેળવવાની ઝંખના સમાયેલી છે.ખુશ થવું એ આપણો હક છે. આપણને ગમતી રીતે આપણે ખુશ થઇ શકીએ છીએ, પરંતુ શું એવું નથી લાગતું કે આ બધી ખુશીઓ ક્ષણીક હોય છે!

થોડા સમય પૂરતી જ હોય છે! સમય પૂરો થતાં જ ફરી આપણે ઠંડા પડી જઈએ છીએ અને બીજી ક્ષણીક ખુશીની શોધમાં લાગી જઈએ છીએ. જેવી રીતે દારૂ નો બંધાણી દારૂનો નશો ઉતરતાં જ અસહજતા અનુભવે છે અને ફરી દારૂ પીવા માટે હવાતિયાં મારે છે.

એક સાઈકોલોજીસ્ટ તરીકેના અનુભવને આધારે એટલું કહી શકું કે આ બધી ક્ષણીક ખુશીઓ આપણને તૃપ્ત નથી કરી શકતી. તેનું કારણ છે તે બહારી (External) છે, એટલે કે તે કોઈ વસ્તુ, વ્યક્તિ, જગ્યા કે પૈસા પર નિર્ભર છે. તે આપણી પોતાની આંતરિક (Internal) ખુશી નથી.તો હવે સવાલ એ થાય કે એવી આંતરિક ખુશીઓ કઈ?

કદાચ ઘણા લોકોને માન્યામાં જ નહીં આવે કારણકે આપણે આપણી બહારની ખુશીઓ માટે ઊંચી કિંમત ચૂકવીએ છીએ. જ્યારે આંતરિક અને કાયમી ખુશી તદ્દન મફત મળે છે અને મફતની વસ્તુ નું મહત્વ હોતું નથી. પરંતુ જો અમુક સામાન્ય લાગતી પ્રવૃત્તિઓને આપણી દિનચર્યામાં સામેલ કરીશું, તો આપણી બહારની ખુશીઓ પરની નિર્ભરતામાં ચોક્કસથી ઘટાડો થશે તે નક્કી.

તો ચાલો વાત કરીએ એવી પ્રવૃત્તિઓની જે નિર્મળ અને કાયમી ખુશી આપી શકે છે.

*૧) પ્રાથના*

સાચા હૃદયથી ઊંડાણ પૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના ખૂબ જ શક્તિશાળી હોય છે જે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂક્યું છે. તેમાં પણ આપણા જીવન પ્રત્યે આભારભાવ પ્રગટ કરી શકો તો સોનામાં સુગંધ ભળે. ચોવીસ કલાકમાં ગમે ત્યારે ગમે ત્યાં એવું લાગે કે અંદરથી કોઈ અવાજ ઉઠયો છે ત્યારે કરેલી પ્રાર્થનાથી મનને અપાર શાંતિ મળે છે.

*૨) સૂર્ય પ્રકાશ*

ઉત્તર ધ્રુવ તરફના દેશોમાં લોકોને ડિપ્રેશન અને નિરાશા વધુ જોવા મળે છે. કારણકે ત્યાં સૂર્યપ્રકાશ ખૂબ જ ઓછો છે પરંતુ આપણે ત્યાં સૂર્યપ્રકાશ ની કોઈ કમી નથી માટે ખાસ કરીને સવારના સમયે પંદર-વીસ મિનિટ સૂર્યપ્રકાશ લેવાથી એક અલગ તાજગી અનુભવાય છે.

*૩) ફુલ છોડને પાણી આપવું*

દરેક ધર્મ કહે છે કે જીવ માત્ર તરફ કરુણા રાખવી જોઈએ. ફૂલ છોડ ઝાડ છે તો જ આપણે છીએ તે સત્ય જેટલું વહેલું સમજાય જાય એટલું માનવ જાતિ નું ભવિષ્ય ઉજળું બની શકે. આપણી દિનચર્યામાં ફૂલ છોડ સાથે સમય વિતાવવો, તેની માવજત કરવી વગેરે થી એક આંતરિક આનંદ ની અનુભૂતિ થાય છે.

*૪) પોતાનો રૂમ અને પોતાનું વાહન જાતે સાફ કરવું*

કોઈપણ ક્ષેત્રે સફળ થવા માટે ડિસિપ્લિન ની ખાસ જરૂર હોય છે. જીવનમાં મોટું અનુશાસન લાવવા માટે શરૂઆત નાના અનુશાસનથી કરી શકાય. જેના માટે પોતાનો રૂમ જાતે સુવ્યવસ્થિત કરવો, પોતાનું વાહન પોતે સાફ કરવું વગેરે પ્રવૃત્તિઓ એક પૂર્ણતાની અનુભૂતિ કરાવે છે. જેની સકારાત્મક અસરો આપણી માનસિકતા પર પડે છે.

*૫) જૂના મિત્રો સાથે વાત કરવી*

બની શકે તો રોજ કોઈ જૂના મિત્રો સાથે વાતચીત કરવી કે મળવું. કારણ કે જૂનો મિત્ર ત્યાંરનો આપણને ઓળખતો હશે જ્યારે આપણી પાસે કોઈ પદ પ્રતિષ્ઠા પૈસા કાંઈ ન હતું. માટે તેનું વર્તન આપણને એક સામાન્ય વ્યક્તિ તરીકે ફીલ કરાવશે, જે આપણા ઈગોને કંટ્રોલમાં રાખે છે. અને ઈગો જ તો દુઃખનું મૂળ છે.

*૬) નવા વ્યક્તિ સાથે વાતચીત*

હંમેશા કોઇને કોઇ નવા વ્યક્તિ સાથે વાતચીત કરવાનો આગ્રહ રાખવો જોઈએ. જે આપણને એક તાજગી આપે છે, આપણી નમ્રતા બહાર લાવે છે, જીવન પ્રત્યેનો નવો અભિગમ જાણવા મળે છે, જે આપણા આત્મ વિશ્વાસમાં વધારો કરે છે.

*૭) કોઈને કંઈક આપવું*

દરેક ધર્મોમાં દાનનું મહત્વ છે. પરંતુ જરૂરી નથી કે તે દાન પૈસાનું કે વસ્તુનું જ હોય. તે કોઈને પ્રોત્સાહન આપવાનું પણ હોઈ શકે, તે કોઈની સાચી પ્રશંસા નું પણ હોઈ શકે, શિક્ષણ કે માર્ગદર્શનનું પણ હોઈ શકે અથવા એક નાનકડા સ્મિતનું પણ હોઈ શકે.

સાયકોલોજીકલી જેટલી ખુશી કઈ મેળવવાથી નથી મળતી તેટલી ખુશી બીજાને કંઈક આપવાથી થાય છે.જો ખરા હૃદયના ઊંડાણથી આં પ્રકારની પ્રવૃત્તિઓ આપણી દિનચર્યામાં સામેલ કરવામાં આવે તો આપણા જીવનમાં પણ આ સાત પ્રવૃત્તિઓથી સાત રંગોનું મેઘ ધનુષ્ય ખીલી ઉઠે, જે સસ્ટેનેબલ હશે.

જેમ અત્યારે સસ્ટેનેબલ એનર્જી ની બોલબાલા છે તેમ હેપ્પીનેસ પણ સસ્ટેનેબલ હોય તે જરુરી છે.

Lifeline Wellness

Arvindsinh Rana

Counselling Psychologist

Call Now for Appointment