તમે કોઈને સાચો પ્રેમ કર્યો છે? જાણો આ 8 સુત્રો ની મદદ થી

તમે કોઈને સાચો પ્રેમ કર્યો છે? દુનિયામાં જેટલી ભાષાઓ નથી એટલી તો પ્રેમની વ્યાખ્યાઓ છે અને પ્રેમનું વર્ણન કરવામાં કોઈ કવિ, લેખક, ચિંતક, તત્વજ્ઞાની બાકી નહિ હોય, કોઈ પણ સામાન્ય માણસને પણ પૂછી લો કે પ્રેમ એટલે શું? તો તે પણ તેને ઠીક લાગે એવી વ્યાખ્યા જણાવશે. પ્રેમ વિશે જેટલી વાતો કરો એટલી ઓછી, પુસ્તકો નાં પુસ્તકો લખાયા છે. પણ શું ખરેખર આપણે પ્રેમને ઓળખીએ છીએ?

કમનસીબે આપણે જે પ્રેમને ઓળખીએ છીએ, મહદઅંશે તેનો પરિચય આપણને ફિલ્મો દ્વારા જ થયો છે. હા, પ્રેમ વિશે ભ્રમણાઓ ફેલાવાની મુખ્ય ભૂમિકા ફિલ્મોની જ છે, જેમાં પ્રેમને વેવલો, વિદ્રોહી અને સમાજ દ્વારા અસ્વિકૃત જ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ શું પ્રેમ જેવી અદભૂત અનુભૂતિને શબ્દોમાં બાંધી શકાય? પ્રેમ તો પ્રકૃતિનો સ્વભાવ છે એટલે કે પ્રેમ કરી શકતો નથી પ્રેમ “થાય” છે, તે સહજ રીતે જન્મે છે. ફિલોસોફિકલ વાતો ઘણી થઈ ગઈ, હવે મુદ્દા પર આવીએ.

 

પ્રેમ વિશે એક ઊંડી વાત કરું જે ખરેખર સમજવા જેવી છે, ” જો તમે કોઈ વ્યક્તિ કે સમૂહ ને જ પ્રેમ કરો છો, તો તપાસ કરજો કદાચ તે પ્રેમ નહિ પણ તેમના પ્રત્યેની લાગણી હોય શકે” કારણ કે જે વ્યક્તિનો સ્વભાવ જ પ્રેમયુક્ત હોય તે કોઈને નફરત તો ન જ કરી શકે. અત્યારની પરિસ્થિતિ પણ કંઇક આવી જ છે, લોકો એકબીજા પ્રત્યે સહાનુભૂતિ, લાગણી અને આકર્ષણ ને જ પ્રેમ માની બેઠા છે,  બાકી ” પ્રેમ” તો ખૂબ દુર્લભ થતો જાય છે. એટલે જ તો ચારેબાજુ અજંપો, હિંસા, ઇર્ષા અને સંબંધોનું ભારણ વધતું જાય છે.

બાકી જ્યાં પ્રેમ હોય ત્યાં એકબીજા ને દુઃખ પહોંચે એવું વર્તન તો દૂરની વાત છે પણ વિચાર પણ ઉદભવી શકતો નથી. આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ અમુક સમયે ખૂબ પ્રેમપૂર્ણ વર્તન કરે છે અને અમુક વાર તે જ વ્યક્તિ નિષ્ક્રિય અથવા પીડાદાયક બની જાય છે. તેનું કારણ શું? ખરેખર તે તેનું મૂડ (mood) છે, પ્રેમ નહિ. સારા મૂડ માં તેની સામે કૂતરાનું બચ્ચું પણ આવી જશે તો તે તેને ખૂબ ગમશે અને ખરાબ મૂડ માં કદાચ સામે પણ નહિ જોવે.

આપણે પ્રેમ આપી શકીએ કે નહિ પણ સામે વાળા તરફથી પ્રેમ મળે જ, એની સો ટકા ગેરંટી જોઈએ છે અને તે પણ આપની શરતોને આધિન. સામે વાળો વ્યક્તિ તેની મરજી મુજબ નો પ્રેમ આપી શકે તેટલી આઝાદી પણ આપવા માગતા નથી, અને જે વસ્તુ બાંધે તે શરતોને આધિન એક કોન્ટ્રાક્ટ જ છે. પ્રેમનું બીજુ નામ જ “મુક્તિ” છે.

ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણે “સમર્પણ” ને પ્રેમ ની પરાકાષ્ઠા કહી છે. વ્યવહારુ ભાષામાં વાત કરું તો, જો કોઈની સાથે ભાગીદારી કરવી હોય તો બન્ને પક્ષે સરખે ભાગે 50-50 ટકા યોગદાન આપવું પડે, આપણે 30 ટકા આપીએ અને સામે પક્ષે 50 ટકાની આશા રાખીએ, શું એ વ્યાજબી છે? કોઈ પણ જાતનો સંકોચ, શરમ અને અહંમ ને બાજુ પર મૂકી ને પોતાની અંદરનો પ્રેમરૂપી મહાસાગર સામેવાળા પર ઉલેચી દો, સામેવાળા નુ સામેવાળા પર છોડી દો, આં છે સમર્પણ.

સમર્પણ એ હિંમતવાન વ્યક્તિનો ગુણ છે તેની માટે પોતાની જાતને દાવ પર લગાવવી પડે છે, બાકી અજ્ઞાની અને સંકુચિત લોકોનો સમય દોષારોપણ અને પોતાની જાત ને સાચી કે મહાન સાબિત કરવામાં પસાર થઈ જાય છે. જેના માટે કાઠિયાવાડ માં કેહવત છે “બાળોતિયા નાં બળેલ ઠાઠડી એય નો ઠરે” 

સાચો પ્રેમ ને સમજવા – સ્વાનુભવ નાં આઠ સૂત્રો

❤️ દરેક માનવી સફળતા અને આનંદ માટે હવાતિયાં મારી રહ્યો છે, ક્યારેક ક્ષણિક આનંદ અને સફળતા મેળવી પણ લે છે, પરંતુ હમેશા પરમાનંદ માં રહેવા પ્રેમ પાયા માં હોવો જરૂરી છે.

❤️આપણા જીવનની દરેક વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રત્યે આભારી રહેવાથી પ્રેમનું ફૂલ ખીલે છે.

❤️ પોતાની જાતની કાળજી લેવી અને પોતાની જાત સાથે ખરેખર પ્રેમમાં હોવું એ બન્ને અલગ બાબત છે.

❤️ જે વ્યક્તિ પોતાની જાતને ખરેખર ચાહતી હોય તે સંપૂર્ણ જગત ને ચાહી શકે છે.

❤️ પ્રેમ માં ઓછી ફરિયાદ અને સાચી પ્રશંસા જાદુ કરી શકે છે.

❤️ પરિપક્વતા (Maturity) અને સમર્પણ (Dedication) વગર પ્રેમ નો જન્મ થવો અસંભવ છે.

❤️ પ્રેમ માં “મતભેદ” હોય શકે, પણ “મનભેદ” નહિ.

❤️ સાચો પ્રેમ રસ્તો બદલી શકે પણ ભાવના ન બદલી શકે.

 

વાંચો – પુરુષો માટે ખાસ 

Lifeline Wellness

Arvindsinh Rana

Counseling Psychologist

Call Now for Appointment