પૃથ્વી પર ઓક્સિજન બાદ પૈસા એક એવી વસ્તુ છે જેનાથી માનવ જીવન ચાલે છે. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે પણ આ નગ્ન વાસ્તવિકતા છે. ઓક્સિજન તો કોઈપણ પ્રયત્ન કર્યા વગર મળી રહે છે પરંતુ, પૈસા માટે તો જે થઈ શકે તે બધું જ કરવું પડે છે. જીવનમાં જેટલી જરૂરિયાત વધુ, તેટલું પૈસાનું મહત્વ વધુ જોવા મળે છે. આમ તો અત્યારના સમયમાં મોટાભાગના લોકોની જરૂરિયાત દિવસેને દિવસે વધતી જાય છે, અને અર્થશાસ્ત્રનો નિયમ છે કે ડિમાન્ડ વધે તો સપ્લાય વધારવી પડે. જો ડિમાન્ડ પૂરી ન થાય તો ખાધ સર્જાય છે.
હવે જો આ ફોર્મ્યુલા ને આપણા જીવન સાથે જોડીએ તો જ્યારે આપણી જરૂરિયાતો પૂરી ન થાય ત્યારે આપણને જીવનમાં અભાવ વર્તાય છે, જે અભાવ આપણી અંદર હિનતા, ફ્રશટ્રેશન અને અશાંતિ પેદા કરતો હોય છે. હવે જો આ સંપૂર્ણ મુદ્દા ને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આપણા જીવનમાં રહેલી હિંનતા ની ભાવના, ગુસ્સો, ઈર્ષા, ફ્રશટ્રેશન અને અશાંતિ પાછળ કોઈને કોઈ અભાવ જવાબદાર હોઈ શકે છે.
હવે પાછા આપણે મૂળ મુદ્દો “પૈસા” પર આવી જઈએ. આમ તો હાલના સમયમાં પૈસા કમાવાનું કામ સ્ત્રી, પુરુષો અને વડીલો દરેક કરતા હોય છે. પરંતુ આપણે આજે ફક્ત પુરુષોની જ વાત કરીશું. મહદ અંશે પરિવારો માં દરેકની જવાબદારીઓ વહેંચાયેલી હોય છે. પુરુષો મોટેભાગે પૈસા કમાવવા માટે નોકરી (સરકારી કે પ્રાઇવેટ), નાનો મોટો વેપાર કે પછી કોઈ પ્રોફેશનલ કામ કરતા હોય છે, આ એક સર્વ સામાન્ય વાત છે. પરંતુ સમસ્યા તો હવે શરૂ થાય છે. હાલનો પુરુષ આ પૈસા કમાવાના એવા તો ચકડોળે ચડે છે કે, તે સામાજિક અને પારિવારિક જીવનની બીજી ઘણી બધી બાબતોની અવગણના કરવા લાગે છે.
તેનો એક માત્ર ઉદ્દેશ રહી જાય છે કે કેવી રીતે ક્યાંથી અને કેટલા રૂપિયા કમાઈ લઉં! ઘણીવાર વધુ પડતી જરૂરિયાતો, પરિવાર ની સીધી કે આડકતરી માંગણીઓને કારણે, સમાજ કે પરિવારમાં પોતાની જાતને સાબિત કરવા માટે, મિત્ર વર્તુળ ની છૂપી હરીફાઈથી પ્રેરાઈને, બાળપણમાં અનુભવેલા વધુ પડતા અભાવની ભરપાઈ કરવા માટે અને ઘણીવાર વ્યક્તિગત અહમ ને સંતોષવા માટે પણ પૈસા કમાવાની આ અસીમિત દોડમાં જોડાઈ જાય છે. મારા અંદાજ મુજબ હાલના પુરુષોને ચોવીસ કલાક દરમિયાન આવતા વિચારોમાં લગભગ નેવું ટકા વિચારો ફક્ત નોકરી, ધંધો, કામ, કોમ્પિટિશન, બોસ તેજી મંદી, લેણું દેણું વગેરેને લગતા આવતા હોય છે. જો વિચારોનાં નેવું ટકા ભાગમાં આ બધી બાબતો હોય તો પછી તેના એક્શન પણ એ જ દિશામાં રહેવાના તે સ્વાભાવિક છે.
આજના પુરુષને જો તેની હોબી વિશે પૂછવામાં આવે તો તે બે ઘડી વિચારમાં પડી જશે. પરિવાર સાથે સમયાંતરે હરવા ફરવા જઈ આવે પરંતુ તે પણ એક જવાબદારીના ભાગરૂપે, બાળકો અને પત્નીના આગ્રહને કારણે, દેખાદેખીમાં કે આત્મસંતોષ માટે જઈ આવશે. જોકે તેના બેક ઓફ માઈન્ડમાં તો સતત કામ વિશેના વિચારો જ ચાલતા હશે અને તેથી જ તે ક્યારેય પોતાની જાતને રિલેક્સ નથી કરી શકતો. હાલના સમયમાં 25 થી 50 વર્ષના પુરુષોમાં ચાં, તમાકુ, સિગરેટ અને દારૂનું ચલણ ખૂબ વધ્યું છે, તેની પાછળ પણ થોડાક સમય માટે રાહત મેળવવાની આશા છે.
જો કે આ કુટેવો રિલેક્સ કરવાની બદલે એક આદત બની જતા વાર નથી લાગતી. ત્યારે બકરું કાઢતા ઊંટ પેઠું ની પરિસ્થિતિ સર્જાય છે. જેના કારણે શારીરિક, માનસિક અને પારિવારિક સમસ્યાઓ પેદા થાય છે. આવા સમયે પુરુષ એક એવા ચક્રવ્યુમાં ફસાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ સૂઝતો નથી. તેની છટક બારી રૂપે ફક્ત એક જ પ્રવૃત્તિ કર્યા કરે છે પૈસા કમાવો.. પૈસા કમાવો…
દેખીતી વાત છે કે જ્યારે કોઈ એક બાબત આપણા દિલો દિમાગ પર છવાયેલી રહે ત્યારે, બીજી બાબતો પ્રત્યે આપણું ધ્યાન જઈ શકતું નથી. જેના કારણે શરૂઆત થાય છે પારિવારિક સમસ્યાઓની. કારણ કે પૈસાની પણ અમુક મર્યાદાઓ છે. પૈસો માણસની ભૌતિક જરૂરિયાતો પૂરી શકે છે પણ ભાવનાત્મક જરૂરિયાતો નું શું? હું ઘણા એવા વ્યક્તિઓ ને ઓળખું છું જે પૈસા તો પૂરતા કમાઈ લે છે પરંતુ તેમના માતા પિતા તેમનાથી સંતુષ્ટ નથી. તેમની પત્નીને તેમના પ્રત્યેક ઢગલો ફરિયાદો છે. તેમના બાળકો સાથે સ્વસ્થ સંબંધો નથી . તેના મોબાઈલ પર ભાગ્યે જ કોઈ મિત્રનો કામ સિવાય ફોન આવતો હોય છે.
કારણ કે તે આ બધા લોકોને ક્વોલિટી ટાઈમ આપી જ નથી શક્યા. તેમને સમજી શકવાની ક્ષમતા અને ધીરજ પણ કેળવી નથી શક્યા. બસ તે ફક્ત ઘર ચલાવવા અને થોડા ઘણા મોજશોખ કરવા માટે પૈસા કમાતો રોબોટ બની ગયા છે. જેનામાં નથી ઉષ્મા, નથી કોઈ ખાસ સંવેદનશીલતા. જે કોઈ વાત પર પાંચ દસ મિનિટથી વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, જે ફક્ત વ્યવહારો સાચવી રહ્યો છે. તેની અંદર રહેલો પ્રેમનો ઓરડો મોટેભાગે બંધ જ રહે છે. અને કદાચ જો અમુક સમયે કોઈ કારણસર તેની આંખ ઉઘડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.
જીવન ખૂબ ટૂંકું છે, આંખના પલકારામાં વર્ષો વીતી રહ્યા છે. શું આપણે આ પૃથ્વી પર ફક્ત એક જ કામ કરવા માટે આવ્યા હતા! અને તે પણ કોઈ નોકરી ધંધો વેપાર કે વ્યવસાય કરવા માટે! કોઈનાં થી વધુ પૈસા કમાવવા માટે! ભલે પૈસા ખૂબ મહત્વના છે, પરંતુ ફક્ત પૈસા જ મહત્વના નથી. જીવનમાં બીજું ઘણું બધું છે જેના માટે પ્રેમ પૂર્વકનો સમય કાઢવો જરૂરી છે. જો પૈસાની સાથે શાંતિ અને સંતુષ્ટિ પણ જોઈતી હોય તો માતા-પિતા, બાળકો, પત્ની, મિત્રો, ભાઈ બહેન દરેક સાથે આત્મીય સંબંધો હોવા ખૂબ જ જરૂરી છે.
જીવનની રફતાર ધીમી નહીં કરીએ તો છેલ્લે, “ક્યાં ગ્યાતા? તો કે ક્યાંય નહિ!” આવો રૂઢિ પ્રયોગ કાઠિયાવાડ માં વપરાય છે.
5 Responses
[…] હોય તો ગમે તેટલા આલીશાન રીસોર્ટ્ પણ સમય અને પૈસા નો વ્યય જ […]
[…] વાંચો – પુરુષો માટે ખાસ […]
[…] વાંચો – ખાસ પુરુષો માટે […]
[…] વાંચો – પુરુષો માટે ખાસ […]
[…] […]