સુખી થવાની કલા “સહજતા”
પૃથ્વી પર માણસના અસ્તિત્વ કાળ થી માનવી સતત સંઘર્ષ કરતો રહ્યો છે. ફક્ત સંઘર્ષ નાં પ્રકારો બદલતા રહે છે જેના કારણે આપણે એ સ્વીકારવું રહ્યું કે જીવન છે તો સંઘર્ષ છે જ. પરંતુ આ સંઘર્ષ પાછળ નુ કારણ શું? જીવન માં આપણા નાના મોટા ઉદ્દેશ્યો જે પણ હોય પરંતુ આખરી ઉદ્દેશ તો “આનંદ” અને “સુખ” છે જે આપણને “સંતોષ” આપે છે આનો સરળ અર્થ એ થયો કે જે કાર્ય કે વસ્તુ આપણને તૃપ્ત કરે અથવા સંતુષ્ટ કરે તેનાથી સુખ નો જન્મ થાય છે. દેખીતી રીતે વાત ઘણી સરળ લાગે છે કેમ? પરંતુ આટલી સરળ વાત હોવા છતાં પૃથ્વી પર પરમાનંદિત, પરમસુખ,પરમસંતુષ્ટ અને સહજ લોકો ની સંખ્યા કેટલી?
આજે આપણે સૌથી સગવડ સંપન્ન યુગ માં જીવીએ છીએ તેમ છતાં સુખ માટે હવાતિયાં મારવા પડે છે. આજ નાં સમયમાં માર્ગદર્શકો, ઉપદેશકો,મોટીવેશનલ સ્પીકરો અને વધુમાં સોશીયલ મિડીયા તમામ આપણને શું કરવું જોઇએ, શું ન કરવું જોઈએ તેના અંગે જ્ઞાન આપે જ જાય છે અને એ જ્ઞાન પાછું આપણને જાણવું – સાંભળવું ખૂબ ગમે છે પણ ક્યાં સુધી તેની અસર ટકે છે?
જ્યાં સુધી એ વાંચીએ કે સાંભળીયે ત્યાં સુધી, અરે ભાવ વિભોર થઇ ને તાળીઓ પાડવા લાગીએ છીએ, પરંતુ થોડો જ સમય જતાં બધું ઓસરી જાય છે. એનું કારણ એ છે કે આ બધી વસ્તુ (જ્ઞાન) આપણે જાણીએ છીએ સમજીએ છીએ પરંતુ તે આપણા સ્વભાવ માં નથી, આપણી સહજતા માં નથી. તમે ક્યાંય કોઈને પોતાની વિકૃતિ, દુર્ગુણ, અસમજ કે ખામીઓ વિશે વાત કરતાં જોયા છે? બહુ ઓછાં. વાતો તો બધા સારી જ કરી જાણે છે, પરંતુ એની જીવનશૈલી તપાસતા ખ્યાલ આવે કે આમાંનું ભાગ્યે જ કાંઈ એની સહજતા માં છે.
ગાંધીજી એ કહ્યું છે કે મારું જીવન જ મારો સંદેશ છે. બુદ્ધ ભગવાને પણ પોતાના અંતિમ સમયે એટલુજ કહ્યું હતું કે “ભલા થાવ ને ભલું કરું” ટૂંકું ને ટચ.
ખરેખર સાચું સુખ પોતાની નીજતા માં જ રહેલું છે, જીવનમાં બહારથી થોપયેલા નીતિ નિયમો કે સિદ્ધાંતો કરતા પોતાની સ્વભાવગત સરળ અને સહજ જીવનશૈલી મા જ રહેલું છે તે જ સંતોષ આપી શકે અને સંતોષ જ સુખ નુ મૂળ છે.
આજે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે સારી સારી હરવા ફરવા ની જગ્યા એ જઈ ને ફોટા પડવાનો અને સોશીયલ મીડીયા પર શેર કરવાનો જે સામી વાળી વ્યક્તિ ને વ્યગ્ર (ઉચાટ) કરી દે છે અને તે પણ તેનું અનુકરણ કરવા ઊંચો – નીચો થાય છે પછી ભલે પોતાને પોષાય કે ન પોષાય, અનુકૂળ હોય કે ન હોય, બસ ગમે તેમ કરીને આનંદ ને પામી લેવો, પરંતુ પાયાની વાત એ છે કે ખરેખર તો તે આનંદ ની બદલે વ્યગ્રતા જ આપી જાય છે.
એક બીજો ટ્રેન્ડ આજકાલ “meditation” નો ચાલે છે જે સહજતા થી થાય તો સારી બાબત છે પણ જો ફક્ત તે પોતાને મોડર્ન, પરિપક્વ અને આધ્યાત્મિક બતાવવા નો દેખાડો તો વિચારો તો meditation દરમ્યાન, આજે કામવાળી નથી આવવાની, છોકરાઓ ની ફિસ ભરવાની છે, ઘંટી એ લોટ દળાવા જવાનું છે, શેરબજાર માં કેટલો નફો નુકશાન કર્યું તેના જ આવતા હોય છે. પણ ઇ કોને ખબર પડવાની છે બીજા ની સાથે પોતાની જાત ને પણ છેતરવાની. એના કરતા રૂમ બંધ કરીને કિશોરકુમાર કે અરીજીતસિહ કે પોતાને ગમતા બે ત્રણ ગીતો ધડાધડ સાંભળી નાખો અને પછી જોવો દિવસ કેવો મસ્તી માં જાય છે.
જીવન ખૂબ સરળ ને સહજ છે, વણજોઈતા ભાર લઈ ને ફરવા ની જરૂર નથી. આપણી અંદર આનંદ હશે તો શાક માર્કેટમાં પણ મજા આવશે નહિ હોય તો ગમે તેટલા આલીશાન રીસોર્ટ્ પણ સમય અને પૈસા નો વ્યય જ છે.
સહજ જીવન નાં કેટલાક અનુભવેલા સૂત્રો:-
- બને ત્યાં સુધી સ્વાસ્થ્યપ્રદ ભોજન લેવું.
- મિત્રો સાથે સરળ, હસી – મજાક ની વાતો કરો વધુ ભારે ભરખમ ચર્ચા ટાળો.
- જે કામ ની જ્યારે જરૂર હોય ત્યારે કરી લેવું, ટાળવું નહિ.
- જીવન માં જોખમ જરૂર લેવું પણ પોતાની ક્ષમતા મુજબ.
- કોઈ શોખ કેળવવો અને તેને માટે સમય કાઢવો.
- જરૂર લાગે ત્યાં નમ્રતા પૂર્વક “ના” પાડી દેવી.
- પૈસા કેવી રીતે કમાવવા ઇ તો શીખવું જ પણ કેવી રીતે અને ક્યાં વાપરવા તે જરૂર શીખવું.
- હંમેશા latest trend ને અનુસરવો જરૂરી નથી.
- ભૂતકાળ ને વાગોળીને રોદણાં રડવા નહિ પોતાને અને બીજા ને માફ કરી આગળ ચાલવું.
- અને છેલ્લે થોડો સમય વ્યાયામ અને વાંચન ને જરૂર આપવો.
1 Response
[…] સુખી થવાની કલા […]